નવીદિલ્હી : ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એકતા બતાવ્યા પછી એનડીએના પક્ષો હવે બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જોકે હજી સુધી બેઠકની વહેંચણી નક્કી થઈ શકી નથી. ભાજપે એનડીએના તમામ સાથી પક્ષોની ભૂમિકા નક્કી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનડીએના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીનો અંતિમ નિર્ણય આ મહિનાના અંતમાં લેવામાં આવશે. ભાજપે તમામ સાથી પક્ષોને આશ્વાસન આપ્યું છે કે, એમની તાકાત પ્રમાણે બેઠકો આપવામાં આવશે. જોકે ભાજપ બીજા કોઈપણ પક્ષોના નેતાના દબાણમાં આવવા માંગતો નથી. આ વાત પણ ભાજપના નેતાઓએ આડકતરી રીતે સાથી પક્ષોને જણાવી દીધી છે. ઉપરછલ્લી રીતે તો ભાજપના નેતાઓ કહે છે કે ગઠબંધનમાં કોઈ મોટોભાઈ કે કોઈ નાનો ભાઈ નહીં હોય પરંતુ બધા સહયોગી હશે. જોકે વાસ્તવિકતા જુદી હોવાની શક્યતા છે.
કોલેજિયમની હાઇકોર્ટના ત્રણ જજોને મુખ્ય ન્યાયાધિશ બનાવવાની ભલામણ
સુપ્રિમ કોર્ટના કોલેજિયમએ કેટલીક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ તરીકે ત્રણ ન્યાયાધિશોના નામની ભલામણ કેન્દ્ર સરકારને કરી છે. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી આર ગવઈ, જસ્ટીસ સૂર્યકાંત તથા જસ્ટીસ વિક્રમનાથના બનેલા કોલેજિયમએ એક બેઠકમાં આ નિર્ણય લીધો છે. કોલેજિયમએ જસ્ટીસ પવનકુમાર બી બજંધરીને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ, કલકત્તા હાઇકોર્ટના જસ્ટીસ સૌમેન સેનને મેઘાલયના ચીફ જસ્ટીસ અને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ એમ સુંદરને મણીપુર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે. અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરૂણ ભંસાલીએ બે વકીલો, અમીતાભ કુમાર રાય અને રાજીવ લોચન શુક્લને હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે સોંગદ લેવડાવ્યા છે. આ પહેલા રાજીવ લોચન શુક્લ હાઇકોર્ટમાં વકીલાત કરતા હતા. જ્યારે અમીતાભ કુમાર રાય હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં વકીલાત કરતા હતા.
રાહુલ ગાંધીની સુરક્ષા બાબતે સીઆરપીએફના પત્રથી કોંગ્રેસ લાલચોળ
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. એમની સુરક્ષા માટે ૧૦થી ૧૨ સેન્ટ્રલ રીઝર્વડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કમાન્ડો રાખવામાં આવ્યા છે. સીઆરપીએફએ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને રાહુલ ગાંધીની ફરિયાદ કરી છે. રાહુલ ગાંધી દેશ તેમજ વિદેશના પ્રવાસ બાબતે જાણ નહીં કરતા હોવાથી એમની સુરક્ષામાં ખતરો પેદા થતો હોવાની ફરિયાદ આ પત્રમાં કરવામાં આવી છે. ઝેડ સુરક્ષાને કારણે રાહુલ ગાંધી જે સ્થળે જવાના હોય ત્યા પહેલેથી જ પુરતા સુરક્ષા જવાનો હાજર રાખવામાં આવે છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ સીઆરપીએફના આ પત્રથી ભડકી ગયા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, રાહુલ ગાંધી સુરક્ષાના તમામ પ્રોટોકોલનું પાલન કરે છે. એમ લાગે છે કે વિરોધપક્ષના નેતાને ડરાવવા માટે સીઆરપીએફએ આ પત્ર લખ્યો છે. જયરામ રમેશ અને પવન ખેડાએ આ બાબતે શાસક પક્ષ ભાજપની પણ આકરી ટીકા કરી છે.
'જેઓ તપાસ કરે છે એમની પણ તપાસ થવી જોઈએ'
૨૦૦૦ના વર્ષમાં બનેલી એક ઘટના બાબતે તત્કાલીન સીબીઆઇ ડિરેક્ટર નિરજકુમાર અને નિરીક્ષક વિનોદુકમાર પાંડે સામે એફઆઇઆર દાખલ કરવાનો હુકમ દિલ્હી હાઇકોર્ટે કર્યો હતો. સુપ્રિમ કોર્ટે આ હુકમને યથાવત રાખ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ક્યારેક ક્યારેક તપાસ કરનારાઓની પણ તપાસ કરવી જરૂરી છે કે જેથી સામાન્ય માણસનો વિશ્વાસ કાયમ રહે. જસ્ટીસ પંકજ મીથલ અને જસ્ટીસ પીડી વરાલેની બેન્ચે કહ્યું છે કે, ૨૬મી જુન ૨૦૦૬ના હાઇકોર્ટના ચૂકાદાને વાંચતા જાણ થાય છે કે, સીબીઆઇના અધિકારીઓએ પોતાની કામગીરીમાં અનિયમિતતા દર્શાવી છે. એમણે કેટલુંક ખોટુ પણ કર્યું છે અને અયોગ્ય કામગીરી માટે પ્રથમ દ્રષ્ટિએ દોષિત છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ફરિયાદીઓ અને સાક્ષીઓના નિવેદન પરથી ચોખ્ખું લાગે છે કે, આ અધિકારીઓ દોષિત હોવાની શક્યતા છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)માં તોડફોડ કરાવનાર વ્યક્તિ કોણ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનની જીત પછી વિરોધપક્ષોના ગઠબંધનમાં ખડભડાટ મચી ગયો છે. વિરોધપક્ષના ૧૬ જેટલા સાંસદોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની વાત બહાર આવી છે. ખાનગી રાહે એમણે તપાસ ચાલુ કરી છે કે, વિરોધપક્ષના સાંસદોમાંથી કેટલાકે કોના ઇશારે ક્રોસ વોટીંગ કર્યું હતું. એક બીજા સામે કેટલાક શંકાની નજરે જોઈ રહ્યા છે. તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે, વોટ ખરીદવા માટે સાંસદદીઠ ૧૫ થી ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને કહ્યું છે કે, ટીએમસીના તમામ ૪૧ સાંસદોએ તો બી સુદર્શન રેડ્ડીને જ મત આપ્યો હતો. બીજી તરફ શિવસેના (એકનાથ શીંદે)ના નેતા સંજય નિરૂપમએ આક્ષેપ કર્યો છે કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એનસીપી (શરદ પવાર) સહિત ઇન્ડિયા ગઠબંધનના ૧૬ સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કર્યું છે. નિરૂપમના દાવા પ્રમાણે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પાંચ સાસદોએ ક્રોસ વોટીંગ કર્યું છે. એમ મનાય છે કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિદેએ સાંસદો તોડવાનું કામ કર્યું હતું.
ચૂંટણી પહેલા જ લાલુ યાદવનો નિર્ણય, આ પક્ષ સાથે આરજેડી ગઠબંધન નહીં કરે
મુસ્લિમોના મતો વહેચાય નહીં જાય એની ચિંતા કરતાં ઓલ ઇન્ડિયા મજલીસ -એ- ઇફતેહાદુલ મુસલીમીન (એઆઇએમઆઇએમ)ના બિહાર એકમના પ્રમુખ અખ્તરૂલ ઇમામએ આરજેડીની નીતિ બદલ અણગમો પ્રગટ કર્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં એઆઇએમઆઇએમનો સમાવેશ નહીં કરવાથી ચૂંટણીના પરિણામો પર વિપરીત અસર પડી શકે છે. એમણે પત્ર લખીને કહી દીધું છે કે, આરજેડીની નીતિને કારણે એઆઇએમઆઇએમ એકલે હાથે જ ચૂંટણી લડવા મજબુર થયો છે. ૨૦૨૦ની ચૂંટણીમાં એઆઇએમઆઇએમના પાંચ ધારાસભ્યો ચૂટાઈ આવ્યા હતા ત્યાર પછી અખ્તરૂલ સિવાયના ચાર ધારાસભ્યો આરજેડીમાં જોડાઈ ગયા હતા. અખ્તરૂલ જ્યારે લાલુ પ્રસાદ યાદવને મળવા માટે રાબડી આવાસ પહોંચ્યા ત્યારે એમને ગેટ પરથી જ રવાના કરી દેવામાં આવ્યા હતા.
જે મંત્રીએ રાહુલનો કાફલો રોક્યો એમનો પુત્ર જ રાહુલ સાથે હાથ મેળવવા ઉત્સાહિત
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે રાયબરેલીના પ્રવાસે ગયા હતા. ભાજપના નેતા અને યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપસિંહએ રાહુલ ગાંધીના પ્રવાસનો વિરોધ કર્યો હતો અને એમના કાફલાને હાઇવે પર રોકી દીધો હતો. બીજી તરફ દિનેશ પ્રતાપસિંહના પુત્ર પિયુષ પ્રતાપસિંહ રાહુલ ગાંધીને મળવા ઉત્સાહિત હતા અને રાહુલને જોઈને જ એમની સાથે હાથ મેળવવા દોડી ગયા હતા. રાહુલ ગાંધી દિશાની બેઠક માટે રાયબરેલી પહોંચ્યા હતા. બેઠક શરૂ થતા જ ઉંચાહારના ધારાસભ્ય મનોજ પાંડેએ બેઠકનો બહિષ્કાર કરી દીધો હતો. તેઓ બેઠક છોડીને નિકળી ગયા હતા. ધારાસભ્ય મનોજ પાંડેનું કહેવું હતું કે વડાપ્રધાનના માતાને જે અપશબ્દો કહેવામાં આવ્યા છે એની નિંદા કરતો પ્રસ્તાવ બેઠકમાં મૂકવામાં આવે. આ પ્રસ્તાવ નકારવામાં આવ્યો હતો.


