Get The App

બિહાર ચૂંટણી : એમવાય સમીકરણ કોના પક્ષે રહેશે

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
બિહાર ચૂંટણી : એમવાય સમીકરણ કોના પક્ષે રહેશે 1 - image

નવીદિલ્હી: બિહારમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. રાજકીય પક્ષો રણનીતિ બનાવી રહ્યા છે. બિહારના મતદારો મહાગઠબંધન પર ભરોસો મુકશે કે એનડીએને ફરીથી વિજય બનાવશે એની ચર્ચા થઈ રહી છે. પ્રશાંત કિશોર કોના મત તોડશે એની ચર્ચા પણ થઈ રહી છે. બિહાર ચૂંટણીની વાત જ્યારે પણ થાય છે ત્યારે મુસ્લિમ અને યાદવ (એમવાય) સમીકરણની ચર્ચા સૌથી વધારે થાય છે. આ વખતે એમવાય સમીકરણ અગાઉની ચૂંટણી કરતા અલગ છે. આ વખતે એમનો મતલબ મહિલા અને વાયનો મતલબ યુવા મતદારો છે. આ બંને મતદારોને રીઝવવા માટે દરેક પક્ષ પોતની નીતિ બનાવી રહ્યા છે. મુખ્યમંત્રી નિતિશકુમારએ મહિલાને આકર્ષિત કરવા વિવિધ યોજનાઓ લાગુ કરી છે. બીજી તરફ મહિલા ઉમેદવારોને આકર્ષિત કરવા તેજસ્વી યાદવ અને પ્રશાંત કિશોર પણ પ્રયત્ન કરી રહ્યા છે.

મોકામામાં ૨૫ વર્ષ પછી મહામુકાબલો

બિહારની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે રોમાંચક મુકાબલો મોકામા વિધાનસભામાં જોવા મળશે. જેલમાં રહીને મોકામા બેઠક અપક્ષ તરીકે જીતનાર સૂરજભાનસિંહના મતવિસ્તારમાંથી સતત પાંચવાર જીતેલા અનંતસિંહના એક નિવેદનથી ગુસ્સામાં છે. હવે અનંતસિંહને હરાવવા માટે સુરજભાનસિંહ ફરીથી મોકામામાંથી ચૂંટણી લડશે. ૨૦૦૦ના વર્ષમાં મોકામામાંથી અનંતના મોટા ભાઈ દિલીપસિંહને મોટા માર્જિનથી હરાવીને સુરજભાન ધારાસભ્ય બન્યા હતા. અનંતે જેડીયુના ઉમેદવારોનું લીસ્ટ બહાર પડતા પહેલા જ નોમીનેશન ભરવાની જાહેરાત કરી દીધી છે. સૂરજભાનનું કુટુંબ આરજેડી સાથે જોડાઈ રહ્યું હોવાની ચર્ચા છે. એવી પણ વાત છે કે, મુંગેરમાંથી સાંસદ રહી ચૂકેલી એમની પત્ની વિણાદેવી મોકામામા પતિનો વારસો સંભાળવા ચૂંટણીમાં ઝંપલાવશે.

મારિયા કોરિનાને અપાયેલો નોબેલ પુરસ્કાર પરત લેવા મુસ્લિમ સંગઠનોની માંગણી

નોબેલ પીસ પ્રાઇઝ ૨૦૨૫ માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઘણા ધમપછાડા કર્યા પછી નોબેલ એવોર્ડ વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા મારિયા કોરીના મચાડોને આપવામાં આવ્યો છે. આ એવોર્ડની જાહેરાત થતા જ એક તરફ મારિયાને વિશ્વભરમાંથી શુભેચ્છા મળી રહી છે પરંતુ નવાઇ લાગે એવી વાત છે કે કેટલાક સંગઠનો મારિયાને આપવામાં આવેલો નોબેલ એવોર્ડ પરત લઈ લેવા માંગણી કરી રહ્યા છે. વેનેઝુએલામાં પણ એમને શાંતિ પુરસ્કાર આપવાનો વિરોધ થઈ રહ્યો છે. દેશમાં લોકશાહીની સ્થાપના માટે તેઓ વર્ષોથી અહીંસક આંદોલન ચલાવી રહ્યા છે. જોકે મારિયા સામ્યવાદી વિચારધારાની સંપૂર્ણ વિરોધમાં છે અને એટલે જ મારિયાને મળેલા એવોર્ડથી સામ્યવાદીઓ નારાજ થઈ ગયા છે. એમના વિરોધીઓનું કહેવું છે કે મારિયા અમેરિકાના જમણેરી વિચારકોની નજીક રહ્યા છે. મારિયા વેનેઝુએલા સરકાર પર લાદવામાં આવેલા વિદેશી પ્રતિબંધોની તરફેણ કરે છે. અમેરિકાના મુસ્લિમ સિવિલ રાઇટ ગુ્રપ કાઉન્સિલ ઓન અમેરિકન ઇસ્લામિક રિલેશન (સીએઆઇઆર)એ પણ મારીયાને અપાયેલા એવોર્ડનો વિરોધ કર્યો છે. સીએઆઇઆરનું કહેવું છે કે, મારિયા ઇઝરાઇલના મુસ્લિમ વિરોધી એજન્ડાને ટેકો આપે છે.

ધારાસભ્યના નિવેદનથી અજીત પવાર નારાજ, નોટીસ ફટકારશે

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું કહેવું છે કે, ધારાસભ્ય સંગ્રામ જગતાપના નિવેદનને કારણે એમને કારણદર્શક નોટીસ આપવામાં આવશે. ધારાસભ્ય સંગ્રામ જગતાપે લોકોને અપીલ કરી હતી કે દિવાળીમાં ફક્ત હિન્દુ દુકાનદારો પાસેથી જ ખરીદી કરે. જગતાપનું આ નિવેદન ખૂબ વાયરલ થયું છે. જગતાપે ત્યાર પછી પહેલગામ આતંકવાદી હુમલાનો દાખલો આપીને પોતાનું નિવેદન સાચુ હોવાનું કહ્યું છે. જોકે એમના પક્ષના નેતા અજીત પવારને ધારાસભ્યનું આ નિવેદન પસંદ આવ્યું નથી. એમનું કહેવું છે કે ધારાસભ્યનું નિવેદન પક્ષની વિચારધારાને અનુરૂપ નથી. અજીત પવારે કહ્યું છે કે, 'જગતાપનું નિવેદન સંપૂર્ણ રીતે ખોટું છે. પક્ષની વિચારધારા પહેલેથી નક્કી થઈ ચૂકી છે. પક્ષના કોઈ પણ ધારાસભ્યોએ આવા નિવેદનો કરવા જોઈએ નહીં. સંગ્રામ જગતાપ અહમદનગરના ધારાસભ્ય છે.

પિતાનો વારસો લઈને જય મેદાનમાં ઉતર્યા

ઓડિસામાં લુઆપાડા પેટા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. સ્વ. રાજેન્દ્ર ઢોળકિયાના પુત્ર જય ઢોળકિયાએ છેવટે ભાજપનો સાથ લીધો છે. જય ઢોળકિયાના ભાજપ પ્રવેશને કારણે રાજ્યમાં ભાતભાતની ચર્ચા થઈ રહી છે. રાજધાની ભૂવનેશ્વર સ્થિત ભાજપ કાર્યાલયમાં મુખ્યમંત્રી મોહનચરણ માંજી સહિત બીજા સિનિયર નેતાઓની હાજરીમાં જયનું સ્વાગત પક્ષમાં કરવામાં આવ્યું હતું. જય બીજેપીમાં જોડાતા લુઆપાડાની રાજકીય હવા એકદમ બદલાઈ ગઈ છે. એમ મનાય છે કે વારસામાં મળેલી પિતાની રાજકીય તાલીમ અને સ્થાનિકોની સહાનુભૂતીને કારણે એમને હરાવવા મુશ્કેલ છે. થોડા અઠવાડિયા પહેલા જ મુખ્યમંત્રી મોહનચરણ માંઝી લુઆપાડા ગયા હતા અને સ્વ. રાજેન્દ્ર ઢોળકિયાના પરિવારને મળ્યા હતા. આ મુલાકાત વખતે જ પુત્ર જયને ભાજપમાં લાવવાની ઓફર થઈ હોવી જોઈએ.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

સમગ્ર દેશની નજર બિહાર વિધાનસભાની ચૂંટણી પર છે. દેશની તમામ અગત્યની પાર્ટી ચૂંટણીમાં પોતાની હાજરી પુરાવવા માંગે છે. ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમએ પોતાની પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદી જાહેર કરતી વખતે એઆઇએમઆઇએમના પ્રદેશ પ્રમુખ અખ્તરૂલ ઇમાનએ કહ્યું હતું કે, 'એઆઇએમઆઇએમ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ધર્મનિરપેક્ષ મતોને વહેંચાઇ જતા બચાવવા માટે અને કોમવાદી તાકાતો વિરુદ્ધ લડત આપવા તમામ પ્રયત્ન કરશે. અમે આ બાબતે સક્રિય હતા, પરંતુ ગઠબંધનના મોટા પક્ષોએ અમેનો ટેકો આપ્યો નથી. આ કારણે જ અમારે ત્રીજુ ગઠબંધન બનાવવું પડયું છે.' એઆઇએમઆઇએમ કિસનગંજના ચાર જિલ્લાઓમાં ચૂંટણી લડશે. આ સિવાય પૂર્ણિયા, કટિહાર, અરરીયા, ગયા, મોતીહારી,  નવાદા, જમુઇ, ભાગલપુર, સિવાન,  દરભંગા, સમસ્તીપુર, સીતામઢી, મધુબની, વૈશાલી અને ગોપાલગંજ જિલ્લાની બેઠકો પર થી પણ ચૂંટણી લડશે. રાજકીય નીરિક્ષકો એમ માને છે કે, જો એઆઇએમઆઇએમ જાહેર કરેલી ૧૦૦ બેઠકો પર ઉમેદવાર ઉતારશે તો કોંગ્રેસ અને આરજેડીને સૌથી વધુ નુકશાન થઈ શકે એમ છે.