Get The App

દિલ્હીની વાત : 'સંસદ સે નરેંદર, દેશ સે સિલેંડર ગાયબ'

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'સંસદ સે નરેંદર, દેશ સે સિલેંડર ગાયબ' 1 - image

નવીદિલ્હી : દેશમાં ઇંધણની કટોકટી બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંકટનો સામનો કરવા માટે જો પૂરતી તૈયારી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કરોડો લોકોને નુકશાન થઈ શકે એમ છે. દેશભરના મીડિયામાં એલપીજી ગેસની સમસ્યાના સમાચારો આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયામાં તસવીરો સાથે આ સમસ્યા વિશે લખ્યું છે. સંસદમાં વડાપ્રધાનની ગેરહાજરી બાબતે પણ રાહુલ ગાંધીએ પ્રશ્નો કર્યા હતા. રાહુલ ગાંધીએ એમના ફેસબુક એકાઉન્ટમાં વિરોધ પ્રદર્શનના ફોટોગ્રાફ્સ મુકીને લખ્યું હતું કે 'સંસદ સે નરેંદર ગાયબ, દેશ સે સિલેંડર ગાયબ' વડાપ્રધાન મોદી ભારતના વડાપ્રધાન તરીકે કામ કરવા માટે અસમર્થ છે, કારણ કે તેઓ ફસાઈ ગયા છે. એમને દેશના લોકોની સુરક્ષા માટે પ્રયત્ન કરવો જોઈએ.'

અવિમુક્તેશ્વરાનંદને અખિલેશ યાદવ મળ્યા

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને સપા પ્રમુખ અખિલેશ યાદવ મળ્યા હતા. અખિલેશ યાદવે પહેલા તો અવિમુક્તેશ્વરાનંદના આશિર્વાદ લીધા હતા. એમની સાથે ભૂતપૂર્વ સાંસદ અનુ ટંડન પણ હાજર રહ્યા હતા. અવિમુક્તેશ્વરાનંદે ૭મી માર્ચે વારાણસીથી ગૌ બચાવ આંદોલન શરૂ કર્યું હતું. તેઓ ઝોનપુર, સુલતાનપુર, સીતાપુર થઈને લખનૌ પહોચ્યા હતા. ૫૨ દિવસની યાત્રા પછી તેઓ બીજી મેથી ત્રીવીસ જુલાઈ સુધી ઉત્તર પ્રદેશની પરીક્રમા કરશે. આ યાત્રાનું નામ ગવિષ્ટી યાત્રા રાખવામાં આવ્યું છે. શંકરાચર્યે ચતુરંગીણી સેના સ્થાપવાની જાહેરાત પણ કરી છે.  અવિમુક્તેશ્વરાનંદના કહેવા પ્રમાણે તેઓ કોઈ પક્ષ બનાવી રહ્યા નથી. એમને કોઈ પક્ષ માટે લાગણી પણ નથી. તેઓ ગૌમાતા માટે કામ કરવા લોકોની વચ્ચે જશે. નિરીક્ષકો માની રહ્યા છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા અવિમુક્તેશ્વરાનંદની યાત્રા ભાજપને મોટુ નુકસાન પહોંચાડી શકે એમ છે.

જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષ એક સાથે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે વિપક્ષે તૈયારી શરૂ કરી દીધી છે. બંને ગૃહોના વિપક્ષી સાંસદો આ બાબતે એક સાથે છે. મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે લોકસભામાં ઓછામાં ઓછા ૧૨૦ સાંસદો અને રાજ્યસભામાં ૬૦ સાંસદોએ એક નોટીસ પર સહી કરી હતી. જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિરોધપક્ષના અભિયાનની આગેવાની તૃણમુલ કોંગ્રેસના એક સાંસદ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. રાજ્યમાં એસઆઇઆર અભિયાન બાબતે ટીએમસી ચૂંટણી કમિશનરનો વિરોધ કરી રહી છે. નોટીસની બે અલગ અલગ કોપી લોકસભા અને રાજ્યસભામાં જમા કરાવવામાં આવશે. વિરોધપક્ષોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ આરોપોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં 'ભેદભાવપૂર્વકનો વ્યવહાર' ઇલેક્શન ફ્રોડની તપાસમાં જાણી જોઈને મોડુ કરવું અને એસઆઇઆર દ્વારા મોટી સંખ્યામાં મતદારોને એમના અધિકારથી વંચીત રાખવા જેવા મુદ્દાઓ છે.

ચીનએ અરૂણાચલ સરહદ પર 450 ગામો વસાવ્યા

ચીન સરહદે બધુ ઠીકઠાક છે જેવા સરકારના દાવા વચ્ચે ચીને અરૂણાચલ પ્રદેશની સરહદે મોટુ કાવતરૂ કર્યું છે. લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પાસે ચીને સેંકડોની સંખ્યામાં ગામો વસાવ્યા છે. આ ગામોની સંખ્યા લગભગ ૪૦૦ જેટલી હોવાનું કહેવાય છે. આ ગામોમાં ચીનના લોકોનો વસવાટ તો છે જ ઉપરાંત સૈન્યની અવરજવર પણ જોવા મળે છે. આ જાહેરાત ભારતીય સૈન્યના ઉપવડા લેફ્ટેનન્ટ જનરલ રાજીવ ઘઇએ કરી હતી. રાજીવ ઘઇએ સરહદ પર બનાવવામાં આવેલા ચીનના ગામો, સીલીગુડી કોરીડોરની સંવેદનશીલતા, બાંગ્લાદેશ સાથેના સંબંધો અને ભારત દ્વારા કરવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ વિશે પણ ખૂલીને વાતો કરી છે. રાજીવ ઘઇના કહેવા પ્રમાણે એલએસીની પેલે પાર ચીનએ છેલ્લા બે દસકમાં ખૂબજ ઝડપથી રસ્તાઓ, રેલવે, પુલ અને બંધ બાંધ્યા છે. ચીને ઉત્તર સરહદ પર લગભગ ૬૨૮ 'જીઆઓકાંગ' એટલે કે ખુશખુશાલ ગામ બનાવ્યા છે.

ફારૂખ અબ્દુલ્લા પર થયેલા ફાયરીંગ મુદ્દે ખડગેનો સવાલ

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા પર કરવામાં આવેલા ફાયરીંગનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા મલ્લીકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે, ફારૂખ અબ્દુલ્લા પર જોખમ છે અને એનું કારણ એ છે કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણરાજ્યનો દરજ્જો આપવામાં આવતો નથી. જમ્મુ-કાશ્મીરની પોલીસ અને કેન્દ્રીય ગૃહમંત્રી પાસે રક્ષણની જવાબદારી હોવાથી આજે જમ્મુ-કાશ્મીરની આવી હાલત છે. જમ્મુ-કાશ્મીરમાં કાયદો વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના મોટા નેતાઓની હત્યાના કાવતરા ઘડાયા છે. જો ફારૂખ અબ્દુલ્લાના બોડીગાર્ડે એમનો જીવ બચાવ્યો ન હોત તો એમની હત્યા થઈ ગઈ હોત. જે લોકો ધર્મનીરપેક્ષતા, સમાજવાદ અને દેશને એક રાખવાની વાત કરે છે એમને આ સરકાર ખતમ કરી નાંખવા માંગે છે.

સિધ્ધુ મુસેવાલાની હત્યાના આરોપીઓને જામીન મળ્યા

૨૦૨૨ના વર્ષમાં પંજાબી ગાયક સિધ્ધુ મુસેવાલાની હત્યા માટે પકડાયેલા બે આરોપીઓ પવન બિશ્નોઇ અને જગતાર સિંહને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટના હુકમ પ્રમાણે બંને આરોપીઓ કેસની સુનાવણી ચાલુ હશે એ દરમિયાન જામીન પર રહી શકશે. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આ હુકમ કર્યો હતો. પવન બિશ્નોઇ પર આરોપ છે કે એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગ સાથે જોડાયેલો હતો. હત્યાના કાવતરામાં વપરાયેલા વાહનની વ્યવસ્થા તેમજ બીજી લોજીસ્ટીક મદદ એણે કરી હતી. કોર્ટમાં એની તરફેણમાં દલીલ કરવામાં આવી હતી કે, એની સામે ફક્ત એટલા જ આરોપ છે કે એણે બોલેરો વાહનની વ્યવસ્થા કરી હતી. સુનાવણી વખતે કોર્ટે ટીપ્પણી કરી હતી કે સુરક્ષા માટે જેલમાં રહેવું એને માટે વધુ યોગ્ય છે.

એલપીજી સપ્લાય બાબતે કેન્દ્ર ચિંતામાં

ખાડી યુદ્ધને કારણે દેશમાં એલપીજી સપ્લાયનો પુરવઠો ખોરવાઈ ગયો છે. કેટલીક જગ્યાએ લોકો અફવાઓથી પ્રેરાઈને એલપીજીના સિલિન્ડરો એક સાથે ખરીદી રહ્યા છે. જોકે આ બાબતે વિરોધ પક્ષને મોટો મુદ્દો મળી ગયો હોવાથી ભાજપ ચિંતીત છે. કેબિનેટ બેઠકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીને ખાસ સૂચના આપી હતી કે એલપીજી સપ્લાય બાબતે જે અફવા ફેલાવવામાં આવે છે એનું ખંડન કરે. કેન્દ્ર સરકારે રાજ્યોને પણ આદેશ આપ્યા છે કે, ચેતતા રહે. ખાસ કરીને ઘરેલુ ગેસ સિલિન્ડરોની સપ્લાય પર ચાપતી નજર રાખવામાં આવે અને જમાખોરો તેમજ બ્લેક માર્કેટીંગ કરનારાઓ સામેની ફરિયાદ પર તરત પગલા લેવામાં આવે. બજારમાં કૃત્રીમ સંકટ ઉભુ નહી થાય એ જોવું જોઈએ. દિલ્હીમાં હોમ સેક્રેટરી ગોવીંદ મોહનની આગેવાની હેઠળ એક મીટીંગ પણ યોજાઈ હતી.