Get The App

દિલ્હીની વાત : ભગવંત માનના નિવેદનને કારણે વિદેશ મંત્રાલયે ખુલાસો કરવો પડયો

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભગવંત માનના નિવેદનને કારણે વિદેશ મંત્રાલયે ખુલાસો કરવો પડયો 1 - image

નવીદિલ્હી : થોડા દિવસો પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ એવું નિવેદન કર્યું હતું કે 'પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જે દેશોની મુલાકાતે ગયા હતા એમની વસ્તી કરતા તો વધુ લોકો આપણા દેશમાં જેસીબી દ્વારા થતા ખોદકામ જોવા માટે ભેગા થઈ જાય છે.' ભગવંત માનનું આ નિવેદન ઘણું વાયરલ થયું હતું. આ નિવેદનના મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે વિદેશ મંત્રાલયે પણ તાત્કાલીક રીતે આ નિવેદનના પ્રત્યાઘાત આપવા પડયા હતા. વિદેશ મંત્રાલયએ માનનું નામ લીધા વગર એમની ટીપ્પણીને બીનજવાબદાર અને દુઃખદ બતાવી હતી. હમણા જ વડાપ્રધાન મોદી ઘાના, ત્રિનીદાદ, ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝીલ અને નામીબિયાની યાત્રાથી પરત આવ્યા છે. ભાજપએ પણ માનની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'મુખ્યમંત્રી બન્યા પછી પણ માન હજી કોમેડિયનની ભૂમિકા ભજવી રહ્યા છે.'

બિહારમાં ભાજપ 109 બેઠકો પર ચૂંટણી લડી શકે છે

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે એનડીએમાં બેઠકોની વહેંચણી બાબતે મીટીંગો થઈ રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ ૧૦૯ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જોકે ભાજપએ સત્તાવાર રીતે આ સમાચારને રદિયો આપ્યો છે. બિહારમાં એનડીએના દરેક સાથી પક્ષો વધુમાં વધુ બેઠકો મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપ પોતાને મોટો ભાઈ ગણાવે છે. જોકે નિતિશકુમાર હમણા તો ભાજપથી દબાયેલા લાગે છે. બીજી તરફ તેજસ્વી યાદવ અને કોંગ્રેસ વચ્ચે પણ કોઈ સમજૂતી થઈ શકતી નથી. રાજકીય વર્તુળો જોકે માની રહ્યા છે કે, કોંગ્રેસનો હાથ દબાયેલો હોવાથી કોંગ્રેસ હાઇકમાન્ડ કદાચ તેજસ્વી યાદવ સામે ઝુકવાનું પસંદ કરશે.

40 વર્ષ કેસ ચાલ્યા પછી દિલ્હી હાઇકોર્ટે ફક્ત એક દિવસની સજા કરી

૧૯૮૪ના ભ્રષ્ટાચાર કેસમાં દોષી ઠરેલા એક વૃદ્ધને દિલ્હી હાઇકોર્ટે એક દિવસ કેદની સજા કરી છે. અપરાધીની ઉંમર ૯૦ વર્ષ છે. ન્યાયાધીશ જસમીટસિંહની બેન્ચે ટીપ્પણી કરી છે કે ૪૦ વર્ષ સુધી કેસ પેન્ડીંગ રહેવો એ પણ સજા જ છે. ન્યાયાધીશનું કહેવું હતું કે અપીલ કરનાર વૃદ્ધ છે અને ગંભીર બિમારીઓથી પીડાય રહ્યા છે. જેલની સજાને કારણે એમની તબિયત વધુ બગડી શકે એમ છે. ઝડપથી ન્યાય આપવાના બંધારણીય હક્કનું પાલન થયું નથી. ૧૯૮૪માં એસટીસીના ચીફ માર્કેટીંગ મેનેજર સુરેન્દ્ર કુમારની એક પેઢી પાસેથી ૧૫ હજાર રૂપિયાની લાંચ લેવા બદલ દોષીતની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૦૨માં સેસન્સ કોર્ટ એમને ગુનેગાર ઠેરવીને ત્રણ વર્ષની કેદ અને ૧૫ હજાર રૂપિયા દંડ કર્યો હતો. તેમણે ચુકાદા સામે અપીલ કરી હતી. દોષીતએ ૨૦૦૨માં કોર્ટે નક્કી કરેલો ૧૫ હજાર રૂપિયાનો દંડ ભરી દીધો હતો.

શશી થરૂરએ હવે કટોકટી મુદ્દે કોંગ્રેસની ટીકા કરી

છેલ્લા ઘણા સમયથી શશી થરૂર કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે. શશી થરૂરની ટીપ્પણીઓથી હાઇકમાન્ડ ખાસ્સુ નારાજ છે. આમ છતાં શશી થરૂર રોક્યા રોકાતા નથી. એમણે ફરીથી કોેંગ્રેસની ટીકા કરી છે. આ વખતે એમણે કોંગ્રેસે નાંખેલી કટોકટી બાબતે પક્ષને ઘેર્યો છે. એમના કહેવા પ્રમાણે કટોકટીના સમયમાં શિસ્ત અને વ્યવસ્થાને નામે ક્રૂરતા આચરવામાં આવી હતી. કટોકટીના સમયને ભારતના ઇતિહાસનું ફક્ત કાળુ પ્રકરણ ગણવું જોઈએ નહીં. કટોકટીના સમયગાળાને સમજવો જરૂરી છે. કટોકટી વખતે ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીએ જે કર્યું હતું એ બાબતે પણ શશી થરૂરએ પ્રશ્નો કર્યા હતા. એક મલિયાલી અખબારમાં થરૂરએ લેખ લખીને નસબંધી અભિયાનની ટીકા પણ કરી હતી. આ ઉપરાંત સંજય ગાંધીએ જે રીતે દિલ્હીની ઝુપડપટ્ટી પર બુલડોઝર ચલાવ્યું હતું એની ટીકા પણ કરી હતી.

રાજ ઠાકરે અને ઉદ્ધવ સાથે આવવાથી સૌથી વધારે નુકસાન કોને થશે

૨૦૦૫માં શિવસેનાથી અલગ થયા પછી રાજ ઠાકરએ લગભગ ૨૦ વર્ષ પછી ફરીથી ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મેળવ્યા છે. બાલા સાહેબના અવસાનના ૧૩ વર્ષ પછી ફરીથી બંને પિતરાઈ ભાઈઓ એક મંચ પર ભેગા થયા હતા. મહારાષ્ટ્રમાં ભાજપ મજબુત થવાથી વિરોધ પક્ષો નબળા પડી ગયા છે. હવે વિરોધ પક્ષો સાથે રાજ ઠાકરે જોડાવાથી વિરોધ પક્ષોમાં નવી ચેતના આવી શકે છે. રાજકીય નિરિક્ષકોનું માનવું છે કે રાજ અને ઉદ્ધવના ગઠબંધનથી સૌથી વધુ નુકસાન એકનાથ શિંદેને થશે. શિવસેનાનો જન્મ મરાઠી અસ્મિતાના રાજકારણને કારણે થયો હતો. હમણાની પરિસ્થિતિ જોતા એકનાથ શિંદે મરાઠી અસ્મિતાની વાત કરી શકે એમ નથી. મહારાષ્ટ્રમાં જ્યારે મહાનગરપાલિકાઓની ચૂંટણી નજીક છે ત્યારે શિવસેના (એકનાથ શિંદે) કદાચ મરાઠી મતો ગુમાવી શકે એમ છે.

ઉત્તર પ્રદેશમાં સૌથી મોટુ ધર્માંતરણ કૌભાંડ કરનાર કોણ છે

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનું મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. ઉત્તર પ્રદેશની એટીએસએ ધર્માંતરણના આરોપી જલાલુદ્દીન ઉર્ફ છાંગુર અને એમની જોડીદાર નિતુ ઉર્ફ નશરીનના ૭ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. છાંગુરએ કબુલ કર્યું છે કે ૧૫ વર્ષથી તેઓ ધર્માંતરણનું કામ કરે છે. ગેંગ પર દબાણ વધતા તે નશરીનની સાથે લખનૌની વિકાસનગરમાં આવેલી હોટલ ખાતે રોકાયો હતો. આ હોટલમાંથી ધર્માંતરણનું રેકેટ ચાલતુ હતું. હોટલ સ્ટાર્સ રૂમમાં રહીને બંનેએ ગોરખધંધા કર્યા હતા. તેઓ બે મહિના સુધી રૂમની બહાર નીકળ્યા નહોતા. હોટલમાં ચેકીંગ કરવા માટે બંનેએ બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા. હોટલનો સ્ટાફ બંનેને પતિ-પત્ની સમજતો હતો. જોકે બંનેની ઉંમરમાં તફાવત હોવાથી એમને શંકા પણ આવી હતી.

માયાવતીએ મિશન 2027ની તૈયારી શરૂ કરી

બસપાના રાષ્ટ્રીય પ્રમુખ માયાવતીએ ઉત્તર પ્રદેશમાં સફળતા મેળવવા માટે મિશન ૨૦૨૭ની શરૂઆત કરી છે. એમણે મોટાપાયે સંગઠનમાં ફેરફાર કર્યો છે. રાજ્યમાં એમણે જિલ્લા દીઠ ચાર મુખ્ય પ્રભારીઓની નિમણૂક કરી છે. અત્યાર સુધી ફક્ત બે પ્રભારી કામ કરતા હતા. કન્નોજના રહેવાસી ભૂતપૂર્વ એમએલસી નૌશાદ અલી, આગ્રાના વિક્રમસિંહ જાટવ, અલીગઢના અરવિંદકુમાર આદિત્ય તેમજ કાશગંજના અનિલકુમાર બઢેલ અલીગઢ જિલ્લાના મુખ્ય પ્રભારી તરીકે કામ કરશે. વિધાનસભામાં નોંધપાત્ર દેખાવ કરવા માટે માયાવતી સતત પક્ષના હોદ્દેદારોને મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના હોદ્દેદારો કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે પણ સંમેલનો બોલાવી રહ્યા છે. એમના સત્તાકાળ દરમિયાન એસસી, એસટી, યુવાનો, બેરોજગારો અને ખેડૂતો માટે એમણે કરેલી કામગીરી વિશે લોકોને માહિતી આપવામાં આવી રહી છે.