Get The App

દિલ્હીની વાત : વડાપ્રધાનની ઓફિસ 'સેવા તીર્થ' ખાતે શિફ્ટ થશે, કાર્યપદ્ધતિમાં ફેરફાર થશે ?

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : વડાપ્રધાનની ઓફિસ 'સેવા તીર્થ' ખાતે શિફ્ટ થશે, કાર્યપદ્ધતિમાં ફેરફાર થશે ? 1 - image

નવીદિલ્હી : હજારો કરોડ રૂપિયા ખર્ચીને સેન્ટ્રલ વિસ્ટા યોજના હેઠળ સંસદ ભવન તેમજ કેન્દ્ર સરકારની કચેરીઓનું સ્થળાંતર થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મકરસંક્રાતિને દિવસે એટલે કે ૧૪મી જાન્યુઆરીએ પોતાની નવી ઓફિસમાં શિફ્ટ થશે. આ કાર્યાલયને 'સેવા તીર્થ' તરીકે ઓળખવામાં આવશે. હવે દેશની મોટી અને અગત્યની સરકારી ઓફિસો એક જ જગ્યાથી ઓપરેટ થશે. એક્ઝિક્યુટીવ એન્કલેવ-૧માં બનેલા ત્રણ અત્યાધુનિક ભવનોના સમૂહને સેવા તીર્થ નામ આપવામાં આવ્યું છે. આ તમામ મકાનો એ રીતે બાંધવામાં આવ્યા છે કે, તમામ મંત્રાલયના કાર્યાલયો એક જ સ્થળે આવી જશે. સેવા તીર્થ-૧માં પીએમઓ હશે. જોકે કેટલાક નીરિક્ષકો કહી રહ્યા છે કે, સ્થળ બદલાવાથી સરકારી અધિકારીઓની કાર્યવાહી સુધરવાની નથી. વડાપ્રધાનના કાર્યાલયને ગમે તેટલુ રૂપાળુ બનાવવામાં આવે તો પણ જ્યાં સુધી લોકોના પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી.

નવાઈની વાત, ગ્રીનલેન્ડ બચાવવા ડેનમાર્કે ભારતની મદદ માગી

છેલ્લા થોડા સમયથી ભારતની વિદેશનીતિ સંપૂર્ણ નિષ્ફળ જઈ રહી છે. ભારત પોતે જ અમેરિકા સાથે સંબંધ ટકાવવા માટે પ્રયત્ન કરે છે. આવા વાતાવરણમાં ડોનાલ્ડ ટ્રમ્પની નજરથી ગ્રીનલેન્ડને બચાવવા માટે ડેનમાર્કે ભારતની મદદ માંગી છે. ડેનમાર્કના આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભારતની પોતાની વિદેશનીતિ જ્યારે નિષ્ફળ જઈ રહી છે ત્યારે ભારત કઈ રીતે ડેનમાર્કને મદદ કરશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવા માંગે છે. ગ્રીનલેન્ડના લોકોને ડોલરની લાલચ આપી લોભાવવાની કોશિષ કરી રહ્યા હોવાથી ડેનમાર્ક સચેત થઈ ગયું છે. ગ્રીનલેન્ડ આર્કિટેક મહાસાગરમાં આવેલો ટાપુ છે અને ડેનમાર્કના કબજામાં છે જ્યાં દુર્લભ ખનીજ સંસાધનો ભરપુર છે. ટ્રમ્પે ડંફાસ મારી હતી કે જો ડેનમાર્ક પ્રેમથી માની જશે તો ઠીક છે નહીં તો અમેરિકા ટાપુ પર કબજો કરશે.

એસઆઇઆરની નોટિસથી ભુતપૂર્વ નેવી ચીફ કેમ ભડક્યા

દેશભરમાં મતદાર યાદીની સુધારણા માટે એસઆઇઆર આંદોલન ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યો એસઆઇઆર અભિયાનનો જોરશોરથી વિરોધ કરે છે. આ વિવાદ વચ્ચે એક નવી વાત બહાર આવી છે. એસઆઇઆરની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવનાર કોઈ સામાન્ય નાગરીક નહી પરંતુ ભારતીય નૌસેનાના પ્રમુખ એડમીરલ અરૂણ પ્રકાશ છે. એડમીરલની ઉંમર ૮૨ વર્ષની છે. મતદાર યાદીમાં એમની ઓળખ નક્કી કરવા માટે એમને ૧૮ કીલોમીટર દુર બોલાવવામાં આવ્યા હતા. એડમીરલ અરૂણ પ્રકાશને ૧૯૭૧ના યુદ્ધ વખતે વિરતા પુરસ્કાર પણ મળ્યો હતો. એસઆઇઆરની નોટીસ મળ્યા પછી તેઓ નારાજ થઈ ગયા છે. એમને અને એમના પત્નીને જુદા જુદા દિવસે ૧૮ કીલોમીટર દુર બોલવામાં આવ્યા છે. આ બાબતે એડમીરલ અરૂણ પ્રકાશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી છે.

હાઇકોર્ટ બાર એસોસીએશન ભૂખ હડતાલ પર શા માટે

ગૌહાટી હાઇકોર્ટ બાર એસોસીએશનએ સીજેઆઇ સુર્યકાંતના એક કાર્યક્રમનો બહિષ્કાર  કર્યો છે. સીજેઆઇ સૂર્યકાંત ગૌહાટીમાં હાઇકોર્ટના નવા કોમ્પ્લેક્સની આધારશીલા મુકવા ગયા હતા. એ જ વખતે ગૌહાટી હાઇકોર્ટ બાર એસોસીએશનના સભ્યો ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. હાઇકોર્ટ બાર એસોસીએશનના સભ્યો ગૌહાટી હાઇકોર્ટના જુના મકાન સામે ભૂખ હડતાલ પર બેઠા હતા. બાર એસોસીએશનના ઉપપ્રમુખના જણાવ્યા પ્રમાણે હાઇકોર્ટનું હમણાનું બિલ્ડીંગ શહેરનું દીલ કહેવાય છે એને શહેરની બહાર લઈ જવાના નિર્ણયથી વકીલો નારાજ છે. સીજેઆઇના કાર્યક્રમમાં ગૌહાટીના કોઈપણ વકીલ સામેલ થયા નહોતા. વકીલોના કહેવા પ્રમાણે શરૂઆતથી જ કોર્ટે બિલ્ડીંગને બીજે લઈ જવાના નિર્ણયનો તેઓ વિરોધ કરી રહ્યા છે. સરકારે જોકે એમના વિરોધની અવગણના કરી છે.

જોહરન મમદાની પહેલી પરીક્ષામાં જ નિષ્ફળ

ઉમર ખાલીદને જેલમુક્ત કરવા માટે ખુલ્લો પત્ર લખનાર ન્યુયોર્કના મેયર જોહરન મમદાનીને ફટકો લાગ્યો છે. મેયર તરીકે ચૂટાવા માટે એમણે ન્યુયોર્કમાં રહેતા ભાડુતો વતી મસીહા બનવાનું વચન આપ્યું હતું. જોકે તેઓ પહેલી કાયદાકીય લડાઇમાં નિષ્ફળ ગયા છે. મમદાનીએ ન્યુયોર્કમાં હજારો મિલકતો, જે ભાડા પર છે એને વેચવાની પરવાનગી બાબતે દખલ કરી હતી. જોકે હવે ન્યુયોર્કની ફેડરલ કોર્ટે એમની આકરી ટીકા કરી છે. મમદાનીએ ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ ફરમાવીને ડીલ રોકવાની કોશિષ કરી હતી. જોકે ન્યાયાધીશે એમની લોભામણી સ્કીમને કાયદાકીય રીતે ઝીરો ગણાવીને વેચાણનો રસ્તો સાફ કરી આપ્યો છે. રાજકીય નીરિક્ષકો સવાલ કરી રહ્યા છે કે ફક્ત વૈચારીક કટ્ટરતા અને વિવાદીત સલાહકારોના જોડે મમદાની ન્યુયોર્ક શહેર પર રાજ કેવી રીતે કરી શકશે.

પોક્સો કાયદામાં 'રોમીયો - જુલિયટ' કલમ લાવવા બાબતે કેન્દ્ર વિચાર કરે

સુપ્રિમ કોર્ટે સલાહ આપી છે કે, કેન્દ્ર સરકાર પોક્સો કાયદામાં 'રોમીયો -જુલિયટ' કલમ લાવવા બાબતે વિચાર કરવો જોઈએ. સુપ્રિમ કોર્ટએ સલાહ આપી છે કે આમ કરવાથી જે કિશોરો એક બીજાની સહમતીથી સંબંધ બાધે છે એમને ફોજદારી કેસોમાંથી મુક્તિ મળી શકશે. જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ એન કોટીશ્વર સિંહની બેન્ચે અલ્હાબાદ હાઇકોર્ટના એક ચુકાદાની અપીલ સાંભળતી વખતે આ વાત કહી હતી. કોર્ટે કહ્યું હતું કે, 'આ કાયદાનો દુરઉપયોગ થતો હોવાથી અમે ચિંતીત છીએ. અમારા ચુકાદાની એક કોપી ભારત સરકારના કાયદા સચીવને મોકલવામાં આવશે. આ જોખમને અટકાવવા માટે સરકાર યોગ્ય પગલા લઈ શકે એ જરૂરી છે. સરકારે આ કાયદામાં રોમીયો - જુલિયટ કલમ દાખલ કરવી જરૂરી છે. જે લોકો આ કાયદાનો દુરઉપયોગ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગે છે એમને અટકાવવા જરૂરી છે.

ઇરાનની હિંસા આ વખતે અલગ કઈ રીતે

ઇરાનના કટ્ટરવાદી ઇસ્લામીક શાસકો સામે ત્યાંનુ યુવાનો વારંવાર દેખાવો કરે છે. જોકે થોડા દિવસો પહેલા શરૂ થયેલા હિંસક વિરોધ પછી ઇરાનના શાસકો હલી ગયા છે. એમ લાગે છે કે આ વખતે મુલ્લા વિરોધી ઇરાનની જનતા છેલ્લી કક્ષાએ લડતના મૂડમાં છે. ઇરાન આખામાં પોલીસ દમન વધી રહ્યું છે. સરકારી આંકડા જે કઈ કહેતા હોય વાસ્તવમાં હજારો લોકોના મૃત્યુ થયા છે. સામાન્ય માણસો તો મરી જ રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓની હત્યા પણ થઈ રહી છે. ઇરાનની મહિલાઓ સામાન્ય રીતે આધુનિક વિચારસરણીની ગણાય છે. ભૂતકાળમાં ઇરાનમાં કદી બુરખા પ્રથા હતી નહી, પરંતુ ખોમેનીના શાસન પછી કટ્ટરતા વધી હતી. નિષ્ણાંતોનું માનવું છે કે ઇરાનમાં હમણા થઈ રહેલા પ્રદર્શનોનો વ્યાપ ખૂબ વધારે છે. જાણકારોના મતે અમેરિકા દ્વારા ખોમેનેઇના વિરોધીઓને ઉશ્કેરાઇ રહ્યા છે. અમેરિકાનું પીઠબળ છે.