Get The App

દિલ્હીની વાત : 'જૂઠા કેસ કરનારાઓને સજા આપતો કાયદો બનાવો'

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'જૂઠા કેસ કરનારાઓને સજા આપતો કાયદો બનાવો' 1 - image

નવીદિલ્હી : સાંસદ રવી કિશનએ ખોટા કેસો કરનારાને સજા અપાવવા માટે કાયદો બનાવવાની માંગણી કરી છે. રવી કિશનએ લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ રજૂઆત કરી હતી. ખોટા કેસને કારણે નિર્દોષોએ માનસિક, સામાજીક અને આર્થિક તકલીફનો સામનો કરવો પડે છે. જૂઠા કેસ કરનારાઓ અને એ આરોપોને સાચા બતાવનાર તપાસ અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થઈ શકે એવો કાયદો બનાવવો જોઈએ. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૨૪૮ હેઠળ નિર્દોષ જાહેર થયેલી વ્યક્તિ પર ખોટા આરોપ મૂકનાર સામે કેસ કરવાનો હક આપે છે. આ કાયદા હેઠળ પાંચ થી દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જોકે આ કાયદા હેઠળ શરુઆતની તપાસ, ચાર્જશીટ, પુરાવા, સાક્ષી, દલીલો જેવી પ્રક્રિયામાંથી પસાર થઈને સજા સુધી પહોંચતા ઘણો સમય નિકળી જાય છે.

પબ્લિસીટી માટે થતી અરજીઓ પર સીજેઆઇ ભડક્યા

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સુર્યકાંતની બેન્ચ એસઆઇઆર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ બાબતે થઈ રહેલી ઉપરાછાપરી અરજીઓને કારણે સીજેઆઇ નારાજ થઈ ગયા હતા. એમણે ટકોર કરી હતી કે આ બધી અરજીઓ પ્રસિદ્ધિ માટે થાય છે. સીજેઆઇ સુર્યકાંતે કહ્યું હતું કે અમે ફક્ત એસઆઇઆર બાબતે સંકળાયેલી વાતો પર ફોક્સ નથી કરતા પરંતુ સામાન્ય માણસો સાથે સંકળાયેલી ફરિયાદો પર પણ ધ્યાન આપીએ છીએ. એમણે એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રેલવે અકસ્માતનો કિસ્સો જુઓ. એક વ્યક્તિનું ટ્રેક પર અવસાન થયું. અમે કેટલુંક વળતર આપ્યું હતું છતાં વારસદારોને કઈ મળ્યું નહોતું. વળતર નહીં મળવાથી તેઓ ગુમ થઈ ગયા હતા. અમે એમને શોધી કાઢીને વળતર અપાવ્યું.

સુનિલ ગાવસ્કરના અંગત હક વિશે દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો

દિલ્હી હાઇકોર્ટે ગુગલ, મેટા અને એક્સને સૂચના આપી છે કે, ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરની વિનંતી પર કાર્યવાહી કરવામાં આવે. ગાવસ્કરના ફોટાઓ તેમજ નામનો ખોટો ઉપયોગ કરનારના કનટેન્ટ હટાવીને ગાવસ્કરના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવામાં આવે. જસ્ટીસ મનમીત પ્રિતમસિંહ અરોરાએ ગાવસ્કરને કહ્યું હતું કે, તેઓ વાંધાજનક યુઆરએલની માહિતી સંબંધીત વ્યક્તિઓને આપે. આ કંપનીઓએ એક અઠવાડિયામાં કાર્યવાહી કરવી પડશે. કોર્ટે કહ્યું હતું કે, 'વિરોધ પક્ષને સૂચના આપવામાં આવે છે કે, આ ફરિયાદને એક કંપલેઇન તરીકે ગણવામાં આવે અને આજથી એક અઠવાડિયાની અંદર નિર્ણય લેવામાં આવે. સૂચનાના એક અઠવાડિયાની અંદર ફરિયાદીને એમના નિર્ણય બાબતે જાણ કરવામાં આવે.' ગાવસ્કરે કોર્ટમાં અરજી કર્યા પછી આ સૂચના આપવામાં આવી હતી.

બાબરી મસ્જિદ ફરીથી તૂટશે?

પશ્ચિમ બંગાળના મૂર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બનનાર બાબરી મસ્જિદ બાબતે કલકત્તા હાઇકોર્ટમાં એક જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજી કરનારનો આરોપ છે કે, જિલ્લા પ્રશાસનની પરવાનગી વગર બાબરી મસ્જિદનો શીલાન્યાસ કરવામાં આવ્યો છે. આ માટે કોઈ સરકારી પરવાનગી લેવામાં આવી નથી. હાઇકોર્ટના વકીલ અર્ણબકુમાર ઘોસએ મુખ્ય ન્યાયાધીશ વિજય પાલની બેન્ચ સમક્ષ અરજી કરીને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. અરજી કરનારની માંગણી છે કે આ મસ્જિદ રાજ્યમાં સાંપ્રદાયીક સદભાવ બનાવવાને બદલે સાંપ્રદાયીક તાંણ વધારશે. મૂળ બાબરી મસ્જિદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે પહેલા જ ચૂકાદો આપી દીધો છે. હવે બાબરી મસ્જિદ બનાવવાના નામે સાંપ્રદાયીક સદભાવનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બાબતે તૃણમુલ કોંગ્રેસની સરકાર પણ બાબરી મસ્જિદના થઈ રહેલા નિર્માણની વિરુદ્ધ છે.

બે અઠવાડિયા માટે ઉમર ખાલીદ જેલની બહાર આવશે

૨૦૨૦ના દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલીદને કોર્ટે રાહત આપી છે. ઉમર ખાલીદને બે અઠવાડિયાના કામચલાઉ જામીન મળ્યા છે. ૨૦૨૦ના દિલ્હી રમખાણો પછી ઉમર ખાલીદ જેલમાં કેદ છે. પોતાની બહેનના લગ્નમાં હાજર રહી શકે એ માટે ઉમર ખાલીદને જામીન આપવામાં આવ્યા છે. ઉમર ૧૬ થી ૨૯ ડિસેમ્બર સુધી જેલની બહાર રહેશે. વધારાના ન્યાયાધીશ સમીર વાજપેયએ કહ્યું હતું કે, 'લગ્ન અરજી કરનારની સગી બહેનના છે એટલે અરજી સ્વિકારવામાં આવે છે. તેને ૨૦ હજાર રૂપિયાના બોન્ડ તેમજ એટલી જ રકમની સ્યોરીટી તેમજ બીજી કેટલીક શરતોને આધિન જામીન આપવામાં આવ્યા છે.' જામીન દરમિયાન ખાલીદ સોશ્યલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે. તે ફક્ત પોતાના કુટુંબીજનો અને મિત્રોને જ મળી શકશે.

બાંગ્લાદેશને હવે પાક.ના ગાયક આતિફ અસલમ સાથે વાંકુ પડયું

પાકિસ્તાની ગાયક આતિફ અસલમનો ૧૩મી ડિસેમ્બરે કોન્સર્ટ હતો. આ કોન્સર્ટ હવે રદ કરવામાં આવ્યો છે. આતિફે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે આયોજકો નિષ્ફળ ગયા છે. આયોજકો બાંગ્લાદેશની કામચલાઉ સરકાર પાસેથી જરૂરી પરવાનગી અને મંજૂરી લઈ શક્યા નથી. આ કોન્સર્ટ બાંગ્લાદેશ માટે સંવેદનશીલ ગણાતા ડિસેમ્બર મહિનામાં થવાનો હતો. આખા બાંગ્લાદેશમાં ૧૬મી ડિસેમ્બરે વિજય દિવસ મનાવવામા આવે છે. આ દિવસે ૧૯૭૧માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી જૂદુ થયું હતું. પાકિસ્તાની કલાકાર  આ જ મહિનામાં ઢાકામા કાર્યક્રમ કરવા આવે એ કેટલાકને મંજૂર નહોતું. આજ દિવસે ૯૩ હજાર પાકિસ્તાન સૈનિકોએ ભારતીય સેના સામે ઘૂટણ ટેકવ્યા હતા. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો બગડયા છે. લાગે છે કે બાંગ્લાદેશને હવે પાકિસ્તાન સાથે પણ વાંધો પડયો છે.

સંસદમાં સીગરેટ પીતા પકડાયેલા ટીએમસી સાંસદની ચોરી પર સીનાજોરી

સંસદભવનની અંદર ટીએમસીના સાંસદ ઇ-સીગરેટ પીતા પકડાય ગયા હતા એ વિવાદ તો હજુ ચાલુ છે. હવે ટીએમસીના બીજા સિનિયર સાંસદ સોગત રોય સંસદભવનની બહાર સીગરેટ પીતા જોવા મળ્યા હતા. દિલ્હીમાં પ્રદુષણ ચરમસીમાએ છે ત્યારે પ્રદુષણ કઈ રીતે ઘટાડવું એની ચર્ચા સંસદમાં થાય છે. આજ સંસદભવનમાં પ્રદૂષણ વધારતા કામો પણ થઈ રહ્યા છે છતાં બધુ નજર અંદાજ થાય છે. પ્રદૂષણ પર થતી ચર્ચાની વચ્ચે સીગરેટ પીવાને વ્યાજબી ઠેરવતા સોગત રોયએ તો ત્યાં સુધી કહ્યું કે એક સીગરેટ પીવાથી શું થવાનું છે. ટીએમસીના એક સાંસદ તો ગૃહની અંદર ઇ-સીગરેટ પીતા પકડાયા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભાના અધ્યક્ષને આ બાબતે ફરિયાદ કરી હતી. જોકે ટીએમસીના આ સાંસદનું નામ હજુ સુધી જાહેર થયું નથી. ટીએમસીના સાંસદ ભાજપ પર ભડકી ગયા હતા અને કહ્યું હતું કે ભાજપ કારણ વગરના વિવાદ ઉભા કરે છે.