Get The App

દિલ્હીની વાત : જસ્ટીસ યશવંત વર્મા સામે તપાસ કરવા ઓમ બિરલાએ કમીટી બનાવી

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : જસ્ટીસ યશવંત વર્મા સામે તપાસ કરવા ઓમ બિરલાએ કમીટી બનાવી 1 - image

નવીદિલ્હી : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જસ્ટીસ યશવંત વર્મા વિરૂદ્ધ તપાસ કરવા માટે ત્રણ સભ્યોની કમીટી બનાવી છે. આ કમીટીમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અરવિંદકુમાર, મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ એમ એમ શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઇકોર્ટના સિનિયર વકીલ બી વી આચાર્યનો સમાવેશ થાય છે. બિરલાના કહેવા પ્રમાણે આ કમીટી ઝડપથી રીપોર્ટ આપશે. ૩૧મી જુલાઈએ રવિશંકર પ્રસાદ અને વિરોધપક્ષના નેતાઓ સહિત ૧૪૬ સભ્યોની સહી સાથેનો એક પ્રસ્તાવ ઓમ બિરલાને મોકલવામાં આવ્યો હતો. બંધારણની કલમો પ્રમાણે જસ્ટીસ વર્માને ન્યાયાધીશ પદેથી હટાવવા માટેનો પ્રસ્તાવ લાવવાની ભલામણ કરવામાં આવી છે. ઓમ બિરલાએ કહ્યું હતું કે, 'બંધારણના આર્ટીકલ ૧૨૪ અંતર્ગત હું અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વર્માને એમના પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ કરૂ છું.'

આરએસએસને કારણે ભાજપ પ્રમુખની પસંદગી ઘોંચમા

ભાજપ બે મુખ્ય ચૂંટણીઓને લઈને ચિંતીત છે. ૯મી સપ્ટેમ્બરે થનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એણે ઉમેદવાર નક્કી કરવાના છે સાથે જ કેન્દ્રીય મંત્રી જગતપ્રકાશ નડ્ડા પછી પક્ષ પ્રમુખ કોને બનાવવા એની પણ ચર્ચા છે. દિલ્હીમાં હવે એવી ચર્ચા છે કે, ભાજપ અને આરએસએસના નેતાઓ વચ્ચે અધ્યક્ષના નામ બાબતે સર્વસમંતિ બની શકી નથી. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીની સત્તા એનડીએએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નડ્ડાને સોંપી દીધી છે. આ નિર્ણયથી એવો સંદેશો જાય છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સુધી નડ્ડા અધ્યક્ષ સ્થાને રહેશે. જોકે સંઘના વિચારો આ બાબતે અલગ છે. ભાજપ પ્રમુખના નામ બાબતે સંઘ અને ભાજપ વચ્ચે ૧૨મી જાન્યુઆરીથી ચર્ચા થઈ રહી છે. સંઘની પસંદગી હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હોવાનું મનાય છે.

'અમે બિહારની તમામ 243 બેઠકો પરથી ચૂંટણી લડીશું'

લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ના પ્રદેશ અધ્યક્ષ રાજુ તિવારીએ કહ્યું છે કે, પક્ષપ્રમુખ ચિરાગ પાસવાનના ચમત્કારીક નેતુત્વને કારણે અમે બિહાર વિધાનસભાની તમામ ૨૪૩ બેઠકો પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ. એમણે પશુપતિકુમાર પારસનું નામ લીધા વગર કહ્યું છે કે એમની કોઈ નીતિ નથી. પક્ષમાં સંગઠન નામની કોઈ વસ્તુ નથી. એમની મહત્વકાંક્ષા ફક્ત એટલી છે કે કોઈક રીતે તેઓ મહાગઠબંધન તરફથી પોતાના પુત્ર અને ભત્રિજાને ચૂંટણી લડાવી શકે. યાદ રહે કે કેન્દ્રમાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન) એનડીએનો સાથીદાર પક્ષ છે અને ચિરાગ પાસવાન કેન્દ્રમાં મંત્રી પણ છે. રાજકીય નીરિક્ષકોને નવાઈ લાગે છે કે જો લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન) બિહારમાં તમામ બેઠકો પરથી ચૂંટણી લડશે તો એનડીએના સાથી પક્ષો વચ્ચે ટક્કર થશે. આવી પરિસ્થિતિમાં ભાજપના ટોચના નેતાઓ ગુંચવણ ભરી સ્થિતિમાં મુકાઈ શકે એમ છે.

ખડગેની પાર્ટીમાં વિરોધપક્ષના ટોચના નેતાઓ હાજર રહ્યા

દિલ્હીમાં આજકાલ ડીનર ડિપ્લોમસીની મોસમ પુરજોશમાં ચાલી રહી છે. વિરોધપક્ષના રાજકીય નેતાઓના ગઠબંધન ઇન્ડિયા બ્લોકના નેતાઓ માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ડીનરનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ચર્તુવૈદી, જયા બચ્ચન, સુપ્રિયા સૂલે, પ્રિયંકા ગાંધી, નિશા ભારતી, કનીમોજી, ડિમ્પલ યાદવ સહિત ઘણા મહિલા સાંસદોની હાજરી ચર્ચાનું કારણ બની હતી. શરદ પવાર અને અખિલેશ યાદવએ લાંબા સમય સુધી ગુસપૂસ કરી હતી. સામાન્ય રીતે આવી ડીનર પાર્ટીઓમાં પુરુષ નેતાઓ વધુ ચર્ચામાં રહેતા હોય છે. ખડગેએ ખાસ કરીને વિરોધ પક્ષના મહિલા સાંસદોને વધુ મહત્વ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલા સાંસદોએ રાજકીય કરતા કૌટુંબિક વાતો વધુ કરી હતી.

જ્ઞાની હરપ્રિતસિંહ અકાલીદળના નવા અધ્યક્ષ બન્યા

લાંબા વિવાદ પછી અકાલતખ્તના ભૂતપૂર્વ કાર્યકારી જથ્થેદાર જ્ઞાની હરપ્રિતસિંહ સિરોમણી અકાલી દળના પ્રદેશ નિમાયા હતા. આ સિવાય સતવંત કૌરને જૂથની 'પંથીક' પરિષદના પ્રમુખ ચૂંટવામાં આવ્યા છે. પ્રતિનિધિ સભામાં અધ્યક્ષ પદ માટે જ્ઞાની હરપ્રિતસિંહનું નામ રજુ કરવામાં આવ્યું ત્યારે સન્નાટો પ્રસરી ગયો હતો. જોકે પંથીક પરીષદના અધ્યક્ષપદ માટે સતવંત કૌરના નામનો પ્રસ્તાવ રજૂ થયો ત્યારે કોઈએ વાંધો લીધો નહોતો. જ્ઞાની હરપ્રિતસિંહ સહીત કેટલાક ધર્મગુરુઓએ ૨૦૨૪ની બીજી ડિસેમ્બરે અકાલીદળના નેતા સુખબિરસિંહ બાદલ અને અન્ય અકાલી નેતાઓને 'તનખૈયા' (ધાર્મિક આચાર સંહિતાના દોષી) જાહેર કર્યા હતા. કૌર, અખિલ ભારતીય શીખ છાત્રાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ અમરિંક સિંહની પુત્રી છે. કૌરના પિતા ભીંડરાનવાલેના નજીકના મિત્ર હતા.

બદનક્ષી કેસમાં મેઘા પાટકરની સજા અકબંધ, સુપ્રિમ કોર્ટેની આંશીક રાહત

સામાજીક કાર્યકર્તા મેઘા પાટકરને દેશની સર્વોચ્ચ અદાલતે રાહત આપી નથી. દિલ્હીના એલજી વી કે સકસેનાએ ૨૫ વર્ષ પહેલા કરેલા બદનક્ષીના દાવામાં મેઘા પાટકરને ફટકાવરામાં આવેલી સજા સુપ્રિમ કોર્ટે અકબંધ રાખી છે. જસ્ટીસ એમ એમ સુંદરેસ અને એન કોટીશ્વરસિંહની બેન્ચે કહ્યું હતું કે, આ કેસમાં તેઓ હાઇકોર્ટે આપેલા ચુકાદામાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી. સુપ્રિમ કોર્ટે જોકે કહ્યું હતું કે, અરજી કરનાર વકીલની દલીલ પર વિચાર કરતા મેઘા પાટકરને ફરમાવવામાં આવેલો ૧ લાખ રૂપિયાનો દંડ માફ કરવામાં આવે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, અવલોકનનો હુકમ લાગુ નહીં થાય. સુપ્રિમ કોર્ટે ૭૦ વર્ષના મેઘા પાટકરને ફટકારવામાં આવેલી સજા યોગ્ય ઠરાવવાથી દિલ્હીના એનજીઓ વર્તુળમાં સન્નાટો ફેલાઈ ગયો છે.

ભાજપના ધારાસભ્યની તિરંગા યાત્રામાં ધમાલ

ભાજપ આજકાલ દેશભરમાં તિરંગા યાત્રા કાઢી રહ્યું છે. કેટલાક શહેરોમાં તો યાત્રા અને બીજા ભપકા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો હોવાનું મનાય છે. આ યાત્રાથી દેશપ્રેમમાં કેટલો વધારો થશે એની કોઈને ખબર નથી જોકે તિરંગા યાત્રામાં કેટલેક સ્થળે બબાલ પણ થઈ છે. બિહારના પૂર્વ ચંપારણ (મોટીહારી) જિલ્લામાં ભાજપની તિરંગા યાત્રા વખતે ટનાટની થઈ ગઈ હતી. ભાજપએ આરજેડીના કાર્યકરો પર તિરંગો ફાડીને રાષ્ટ્રીય ધ્વજનું અપમાન અને તોડફોડ તેમ જ મારામારી કરવાની એફઆઇઆર દાખલ કરી છે. યાત્રા કાઢનાર મોટીહારીના ધારાસભ્ય પ્રમોદકુમાર સાથે પણ ટપલી દાવ થયો હોવાનો આરોપ છે. મળતી જાણકારી પ્રમાણે ઢેકહાં જિલ્લામાં ભાજપની તિરંગા યાત્રા નિકળી હતી. યાત્રા ટીકુલિયા પહોંચી ત્યારે કેટલાક લોકોએ યાત્રાને રોકી હતી. યાત્રા અટકવાથી ભાજપના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. સામે પક્ષે આરજેડીના કાર્યકરો પણ કમ નહોતા. બંને પક્ષોના કાર્યકરો બાંયો ચઢાવીને એકબીજા પર તૂટી પડયાં હતાં.