નવીદિલ્હી : કોંગ્રેસ બિહાર વિધાનસભાની ચૂંટણી મિશન તરીકે લડવાના મૂડમાં છે. એક તરફ બ્લોક અને જિલ્લાઓના સંભવિત ઉમેદવારોના નામ મંગાવવામાં આવ્યા છે. પક્ષના કેન્દ્રીય નેતાઓ બિહારની ચૂંટણીમાં તમામ શક્તિ કામે લગાડવા માંગે છે. દશેરા પછી કોંગ્રેસના સિનિયર નેતાઓ કોંગ્રેસની જીત માટે તૈયારી શરૂ કરશે. ૨૪૧ વિધાનસભા ક્ષેત્રોમાં કઈ રીતે ચૂંટણી સભાઓ ગોઠવવી તેમજ કેમ્પેનનું નેતૃત્વ કોને આપવું એ હવે નક્કી થશે. પક્ષે પ્રચારકોના નામ લગભગ નક્કી કરી નાંખ્યા છે. આ નામ ટૂંક સમયમાં જાહેર થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટણી પ્રચારના મુખ્ય ચહેરા બનાવશે. આ સિવાય મલ્લિકાર્જૂન ખડગે, કેસી વેણુગોપાલ, અજય માકન, ઇમરાન પ્રતાપગઢી, રણદીપ સુરજેવાલા, પવન ખેડા, કુમારી સેલજા, જયરામ રમેશ અને સચિન પાયલોટ સહિત રાજ્ય સભા - લોકસભાના સાંસદો પણ કોંગ્રેસ વતી પ્રચાર કરશે.
દિલ્હી વિધાનસભામાં 'ફાંસીઘર' : પેનલએ કેજરીવાલ - સિસોદિયાના જવાબ માંગ્યા
દિલ્હી વિધાનસભાની વિશેષાધિકાર સમિતિએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા, ભૂતપૂર્વ અધ્યક્ષ રામનિવાસ ગોએલ અને ભૂતુપૂર્વ ઉપાધ્યક્ષ રાખી બિરલા પાસે ૨૦૨૨માં વિધાનસભાના પરિસરમાં 'ફાંસીઘર'ના ઉદઘાટન બાબતે લેખિતમાં જવાબ માંગ્યો છે. વિધાનસભા સચિવાલય દ્વારા આ ચારે નેતાઓ પાસે માળખા બાબતે એમની સ્થિતિ સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. ઉદઘાટન થયું એ સમયે કેજરીવાલ ખાસ મહેમાન તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એમની સાથે સિસોદિયા, બિરલા અને ગોએલ પણ હાજર હતા. કેટલાકના મતે વિધાનસભા પરિસરમાં ભૂતકાળમાં કદી 'ફાંસીઘર' હતું નહીં. લાલ કિલ્લા અને વિધાનસભાને જોડતી સુરંગ હોવા બાબતે પણ વિવાદ છે.
બીજેડીમાં તડ પડવાની સંભાવના
બીજુ જનતા દળ (બીજેડી)ના સિનિયર નેતા અમરપ્રસાદ સતપથીએ એવો સંકેત આપ્યો છે કે, નવા બીજેડીની રચના થઈ શકે છે. એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં બીજેડીના સાચા કાર્યકરો અને સમર્થકો નવો પક્ષ બનાવી શકે છે. ઓડિસામાં ભાજપ સામે હાર્યા પછી બીજેડીમાં ગરબડ હોવાની વાતો ઘણા સમયથી ચાલી રહી હતી. બીજેડીના ઘણા નેતાઓ માની રહ્યા છે કે, હમણાનું નેતૃત્વ પક્ષની મૂળ વિચારધારા બદલી રહ્યું છે અને જમીન પર રહીને કામ કરનારા કાર્યકર્તાઓથી અંતર રાખે છે. સિનિયર નેતાએ કહ્યું હતું કે બીજેડી હવે લોકો સાથે જોડાયેલી નથી અને કાર્યકર્તાઓની પણ પરવાહ કરતી નથી. જો આવનાર દિવસોમાં પાર્ટીના નેતાઓનું વલણ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં નેતાઓ - કાર્યકર્તાઓ પક્ષને રામ રામ કરશે.
ચિરાગ પાસવાન બનેવીને ઉપમુખ્યમંત્રી બનાવશે?
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનએ પ્રચારની શરૂઆત 'બિહાર બુલા રહા હૈ'થી કરી હતી. ત્યાર પછી એમણે 'ઉપમુખ્યમંત્રી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) સે કોઈ હોગા'નો રાગ આલાપ્યો હતો. હવે જાણવા મળ્યા પ્રમાણે ચિરાગ પાસવાનના સાંસદ બનેવી અરૂણ ભારતી, જમુઇ જિલ્લાની સિંકદરા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. એમ મનાય છે કે, જો એનડીએની સરકાર બને તો ઉપમુખ્યમંત્રી તરીકે લોજપાના ક્વોટામાંથી અરૂણનું નામ આગળ કરવામાં આવી શકે છે. જમુઇ લોકસભા વિસ્તારની સિંકદરા બેઠક અનુસૂચિત જનજાતિ (એસસી) માટે અનામત છે. અરૂણ અહીંથી પહેલીવાર સાંસદ તરીકે ચૂટાયા હતા. ચિરાગ પાસવાનથી હંમેશા નારાજ રહેનાર કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીના પક્ષ હિન્દુસ્તાન આવામી મોરચા (હમ)ના પ્રફુલ માંઝી હમણા સિંકદરાના ધારાસભ્ય છે.
મહારાષ્ટ્રને બદનામ ન કરો, કેવી રીતે ખબર પડી કે ક્રોસ વોટિંગ થયું છે
મહારાષ્ટ્રના બારામતી લોકસભા વિસ્તારમાંથી ચૂંટાયેલા સાંસદ સુપ્રિયા સૂલેએ ભાજપને અણીયાળો પ્રશ્ન પૂછયો છે. એમણે કહ્યું છે કે, મહારાષ્ટ્રને 'બદનામ' નહીં કરવું જોઈએ. સત્તાધારી પક્ષ એવો પ્રચાર કરે છે કે, મહારાષ્ટ્રના વિરોધી પક્ષોના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન તરફે 'ક્રોસ વોટિંગ' કર્યું છે. રાધાકૃષ્ણન ભારતના ૧૫માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. એમને ૪૫૨ મત મળ્યા છે જ્યારે વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા છે. એનસીપી (શરદ પવાર)ના કાર્યકારી પ્રમુખ સુલેએ કહ્યું છે કે, જો સત્તાધારી પક્ષને અપેક્ષા કરતા ૧૪ મત વધારે મળ્યા તો એવું કઈ રીતે કહી શકાય કે મહારાષ્ટ્ર એ માટે જવાબદાર છે. એમણે કહ્યું હતું કે, 'તમે મહારાષ્ટ્રને બદનામ કેમ કરી રહ્યા છો? મરાઠીઓને બદનામ નહીં કરો.'
નક્સલીઓએ 130 જવાનોના હત્યારાને નેતા બનાવ્યો
છત્તીસગઢમાં થઈ રહેલા સતત નક્સલી ઓપરેશન પછી માઓવાદી સંગઠનોએ મોટા ફેરફાર કર્યા છે. ખૂંખાર નક્સલવાદી બસવા રાજુના મૃત્યુ પછી ઠીપ્પીરી તીરુપતિ ઉર્ફ દેવજીને સંગઠનના નવો મહામંત્રી બનાવવામાં આવ્યો છે. પીએલજીએ બટાલિયન કમાન્ડર માંડવી હીડમાને બસ્તરની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે હીડમાને દંદકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમીટીના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જોકે આ ફેરબદલ બાબતે બસ્તર રેન્જના આઇજીપી સુંદર રાજએ કહ્યું છે કે, નક્સલવાદીઓ કોઈને પણ નેતા બનાવે એનાથી ફેર પડવાનો નથી. સુરક્ષા દળના જવાનોનું મોરલ ઊંચું છે. અમે ૨૦૨૬ના માર્ચ સુધીમાં છત્તીસગઢને નક્સલવાદથી મુક્ત કરી દેશું. માંડવી હીડમા ૧૯૯૬થી નક્સલ સંગઠન સાથે જોડાયો છે. અત્યાર સુધીમાં એણે સેંકડો નિર્દોષ ગામવાસીઓ અને પોલીસોની હત્યા કરી છે. એના માથે એક કરોડ રૂપિયાનું ઇનામ છે.
નેપાલની હાલત જોઈને સીજેઆઇએ ભારતના બંધારણ વિશે શું કહ્યું
નેપાલમાં જે પ્રમાણે હિંસા થઈ છે એ જોયા પછી ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈએ આપણા બંધારણના વખાણ કરીને કહ્યું હતું કે, એમને આપણા બંધારણ માટે ગર્વ છે. રાષ્ટ્રપતિને સાંકળતી એક અરજી દરમિયાન એમણે આ ટીપ્પણી કરી હતી. વિધાનસભામાં પસાર થતા બીલોને રાજ્યપાલો દ્વારા આપવામાં આવતી મંજૂરીની સમય રેખા નક્કી કરવા બાબતની સુનાવણી થઈ રહી હતી. સીજેઆઇએ કહ્યું હતું કે, કેટલાક કાયદાકીય મુદ્દે રાષ્ટ્રપતિને સુપ્રિમ કોર્ટની સલાહ લેવાનો અધિકાર છે. જે મુદ્દો સાર્વજનિક મહત્ત્વનો હોય કે જનતાને અસર કરતો હોય એવા મામલે રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટની સલાહ લઈ શકે છે.


