નવીદિલ્હી : કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મળતા દાન વિશે કેટલાક પ્રશ્નો પૂછયા છે. સંઘ પાસે પૈસા કઈ રીતે આવે છે એ બાબતે પણ એમણે ખુલાસો પૂછયો છે. થોડા દિવસો પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, સંગઠન સંપૂર્ણ રીતે સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્રએ કહ્યું હતું કે, 'ભાગવતના કહેવા પ્રમાણે આરએસએસ સ્વયંસેવકોએ આપેલા દાનમાંથી વ્યવહારો ચલાવે છે. જોકે આ દાવો શંકાસ્પદ છે. આ સ્વયંસેવકો કોણ છે અને એમની ઓળખ કઈ રીતે કરવામાં આવે છે. તેઓ કેટલું દાન આપે છે અને કયા માધ્યમોથી પૈસા ભેગા કરવામાં આવે છે? જો આરએસએસ નિખાલસ રીતે કામ કરતું હોય તો સીધું દાન કેમ નથી લેતું? સંઘ નોંધાયેલી સંસ્થા નહી હોવાથી પોતાના નાણાકીય વ્યવહારો જાહેર કરવા જોઈએ.'
કોર્ટમાં અજીબ ઘટના જોવા મળી, જજે કોર્ટમાં બેસીને વેબસીરીઝ જોઈ
દિલ્હી હાઇકોર્ટમાં એક અજીબ ઘટના જોવા મળી હતી. જજે કોર્ટ રૂમમાં બેસીને નેટફ્લીક્સની એક વેબસીરીઝનો એપીસોડ જોયો હતો. ન્યાયાધીશે કોર્ટમાં 'બેડ્સ ઓફ બુલીવુડ'નો એપીસોડ જોયો હતો. આઇઆરએસ અધિકારી સમીર વાનખેડેએ આ એપીસોડ સામે વાંધો લીધો હતો અને કાલ્પનિક ચરિત્ર દ્વારા પોતાને બદનામ કરવા બદલ શાહરૂખ ખાનના પુત્ર સામે બદનક્ષીનો દાવો કર્યો છે. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટીસ પુરુષેન્દ્રકુમાર ગૌરવએ વાનખેડેના વકીલની ભલામણ હોવાથી આ એપીસોડ જોયો હતો. બદનક્ષીનો દાવો કરનાર વાનખેડેએ વેબસીરીઝ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. એમની દલીલ છે કે આ વેબસીરીઝ કોઈક કાલ્પનિક રચના નથી, પરંતુ વ્યંગની આડમાં વ્યક્તિગત બદલો લેવાની કોશિષ કરવામાં આવી છે.
'ભાજપવાળાઓ મને મરી ગયેલો માને છે.... બિહાર કઈ રીતે જાઉ'
સમાજવાદી પક્ષના સિનિયર નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાન પોતાના મિત્ર ખાલીદની પુત્રી સાબિયાના લગ્નમાં અમિનાબાદ ગયા હતા. એ વખતે એમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ બિહાર ચૂંટણીમાં પ્રચાર કરવા માટે શા માટે નથી જતા. જવાબમાં આઝમ ખાનએ કહ્યું હતું કે ભાજપવાળાઓ મને મરી ગયેલો માને છે પછી હું બિહાર કઈ રીતે જાઉ. જંગલરાજ ખતમ કરવાના નામ પર સત્તા પરિવર્તન થયું હતું. જોકે બિહારમાં હજી પણ જંગલરાજ ચાલે છે. આઝમ ખાન ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યા હતા અને એમને જામીન મળ્યા નહોતા. એમના કહેવા પ્રમાણે એમની સામે એવા કેસ દાખલ કરવામાં આવ્યા હતા કે એમણે જાન બચાવીને આમ તેમ ભાગવું પડતું હતું. એમના દાવા પ્રમાણે સમાજવાદી પક્ષની સરકાર સત્તામાં હતી ત્યારે પોતે પ્રજા માટે ઘણા કામ કર્યા હતા, પરંતુ ભાજપએ એમના પર ખોટા કેસો કર્યા અને જેલ મોકલ્યા.
વડાપ્રધાન મોદીની રેલીમાં નિતિશકુમાર શા માટે હાજર રહેતા નહોતા
શરૂઆતના અપવાદ સિવાય બિહાર ચૂંટણી પ્રચાર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ બિહાર ગયા હતા ત્યારે મુખ્યમંત્રી નિતિશકુમાર એમની રેલીમાં હાજર રહેતા નહોતા. આ બાબતે વિરોધપક્ષોએ વારંવાર નિવેદનો આપ્યા હતા. વિરોધપક્ષની ટિકા હતી કે, એનડીએમાં આંતરીક કલહ ચાલી રહ્યો છે. નિતિશકુમાર ભાજપથી નારાજ હોવાથી તેઓ મોદીની રેલીમાં જતા નથી. વિરોધપક્ષની ટીકાઓનો જવાબ આપતા ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનએ કહ્યું છે કે, એનડીએની ખાસ યોજનાના હિસ્સા તરીકે નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક નેતા એકલે હાથે પ્રચાર કરશે. પ્રધાને કહ્યું હતું કે, 'ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ નિતિશકુમારના આમંત્રણને કારણે ૭ થી ૮ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અમે નક્કી કર્યું હતું કે દરેક નેતા વ્યક્તિગત પ્રચાર કરશે.'
ટ્રેનમાં આરએસએસનું ગીત ગાનાર બાળકોના સમર્થનમાં પ્રિન્સીપાલ ઉતર્યા
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘાટન વખતે સ્કૂલના વિદ્યાર્થીઓએ આરએસએસનું ગીત ગાયું હતું. ત્યાર પછી વિવાદ વકર્યો હતો. કેરળની પીનારાઇ વિજયન સરકારે આ બાબતે તપાસનો આદેશ આપીને ભારે ટીકા કરી હતી. હવે સ્કૂલના પ્રિન્સીપાલ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. એમના કહેવા પ્રમાણે દક્ષિણ રેલવે કે કોઈપણ કેન્દ્રીય મંત્રીના કહેવાથી એમણે 'દેશભક્તિ ગીત' નહોતું ગાયું. સરસ્વતિ વિદ્યાનીકેતન પબ્લિક સ્કૂલના પ્રિન્સીપાલ ડીન્ટો કેપીએ કહ્યું હતું કે 'વિદ્યાર્થીઓએ ગાયેલું ગીત દેશભક્તિનું ગીત હતું. ગીતની પસંદગી વિદ્યાર્થીઓએ પોતે કરી હતી. દક્ષિણ રેલવેને એક્સ હેન્ડલ પરથી ગીતનો વિડિયો હટાવ્યા પછી સ્કૂલના સત્તાધિશોએ વડાપ્રધાનની ઓફિસ અને રેલવે મંત્રીને પત્ર લખ્યો હતો. મને ખબર નથી કે રાજ્ય સરકારે આ બાબતે તપાસનો આદેશ કેમ આપ્યો છે.'
મતદાન અધિકારી પણ એસઆઇઆર સમજી નથી શકતા : સ્ટાલીન
તામીલનાડુના મુખ્ય મંત્રી એમ કે સ્ટાલીન એસઆઇઆરનો સતત વિરોધ કરી રહ્યા છે. એમના કહેવા પ્રમાણે એસઆઇઆરને સમજવામાં રાજ્યના બુથ સ્તરના અધિકારીઓ પણ નિષ્ફળ ગયા છે. એમણે પોતાના પક્ષના કાર્યકરોને પણ સૂચનો કર્યા છે. એમણે સૂચના આપી છે કે રાજ્યમાં એસઆઇઆર દરમિયાન કોઈપણ યોગ્ય મતદાર છૂટી ન જાય એનું ધ્યાન રાખજો. સ્ટાલીનનું કહેવું છે કે લોકો સાથેની એમની વાતચીત પછી ખબર પડી છે કે એસઆઇઆર બાબતે લોકોમાં જાગૃતિ નથી. ડીએમકેના પ્રમુખ તરીકે સ્ટાલીને કહ્યું છે કે, એમની સામે ફરિયાદ આવી છે કે બીએલઓ જેવા અધિકારીઓને પણ એસઆઇઆર વિશે ખાસ જ્ઞાાન નથી. આ બાબતે સ્ટાલીને પોતાના પક્ષના હોદ્દેદારો સાથે ઓનલાઇન વાતચીત પણ કરી હતી.
પંજાબના ભૂતપૂર્વ ડીજીપી અને એમના મંત્રી પત્નીની તપાસ સીબીઆઇ કરશે
પંજાબના ભૂતપૂર્વ ડીજીપી મહોમદ મુસ્તફાના પુત્ર અકીલ અખ્તરનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. આ મૃત્યુની તપાસ સીબીઆઇએ શરૂ કરી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા પછી સીબીઆઇએ અકીલના પિતા મહોમદ મુસ્તફા, માતા રઝિયાના સુલતાન, પત્ની અને બહેન વિરુદ્ધ હત્યા તેમજ હત્યાનું કાવતરૂ રચવાની કોશિષની કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી છે. આ કિસ્સાની ચર્ચા સમગ્ર હરિયાણામાં થઈ રહી છે. પહેલા આ હત્યાની તપાસ પંચકુલા પોલીસની એસઆઇટી કરી રહી હતી. જોકે ત્યાર પછી હરિયાણા સરકારે આ કિસ્સાની તપાસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય લીધો હતો. અકીલના મૃત્યુ પછી એણે બનાવેલો એક વિડિયો બહાર આવ્યો હતો. આ વિડિયોમાં એણે કહ્યું હતું કે એના પિતા અને પત્ની વચ્ચે આડા સંબંધ હોવાની જાણ એને થઈ છે. એની મા અને બહેન સહિત આખું પરિવાર એની હત્યા કરશે અથવા એને ખોટા કેસમાં ફસાવશે.


