નવીદિલ્હી: ઇડીના દરોડાને કારણે દેશભરમાં ચર્ચામાં આવેલી કોલકત્તાની ફર્મ આઇ પેક વિશે જાણવાની ઇન્તેજારી વધી ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે રીતે આઇ પેકનો બચાવ કરીને ભાજપ સામે આક્રમક વલણ અપનાવ્યું છે એનાથી કેન્દ્ર સરકાર પણ ચોંકી ગઈ છે. આઇ પેક ફર્મ અને એના સંચાલક પ્રતિક જૈન તૃણમુલ કોંગ્રેસ માટે અગત્યના છે. મમતા બેનર્જી બીજા રાજકારણીઓથી જુદા પડે છે. આઇ પેક પર ઇડીએ દરોડો પાડયો ત્યારે મુખ્યમંત્રી પોતે ઘટના સ્થળે ધસી ગયા હતા. મમતા બેનર્જીએ પ્રતિક જૈનને ટીએમસીના આઇટી હેડ બનાવ્યા છે. આઇ પેકએ તૃણમુલ કોંગ્રેસ માટે ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી વખતે રણનીતિ તૈયાર કરી હતી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે પણ આઇ પેક ટીમએમસી સાથે જોડાયેલી હતી. બંને ચૂંટણીઓમાં ટીએમસીનો દેખાવ સારો રહ્યો હતો. પશ્ચિમ બંગાળમાં કેટલાક આઇ પેકને મમતા બેનર્જીના આંખ અને કાન ગણે છે.
દીપમ વિવાદ : અધિકારીઓને હાઇકોર્ટની ચેતવણી
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે ચેતવણી આપી છે કે, તામીલનાડુના સિનિયર અધિકારી તિરૂપ્પરનકુંડ્રમ પહાડ વિવાદમાં કોર્ટના હુકમનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યાનું યોગ્ય કારણ આપતા નથી. જો તેઓ યોગ્ય કારણ નહીં આપે તો એમની સામે કોર્ટની અવમાનનાનો ગુનો દાખલ કરવામાં આવશે. જસ્ટીસ જીઆર સ્વામીનાથનએ કહ્યું છે કે, 'આ બાબતે અવમાનનાનો કેસ ઘણી તારીખોથી ક્રમબદ્ધ છે. આમ છતાં મદુરાઇના કલેક્ટર અને ડીસીપીએ હજી સુધી લેખિત જવાબ દાખલ કર્યો નથી. એને બદલે એક સરકારી વકીલે કોર્ટમાં એફીડેવીટ દાખલ કરવા સમય માગ્યો હતો. શું તેઓ આજે લેખિત જવાબ દાખલ કરવાના છે? તેઓ આજે પણ લેખિત જવાબ દાખલ કરવાના નથી. હું હવે પછીના દિવસે આરોપ નક્કી કરવા બાબતની સુનાવણી સ્થિગત કરું છું.' ન્યાયાધીશે અધિકારીઓને ચેતવણી આપી હતી કે, કોર્ટ એમની મનમાની ચૂપચાપ સહન કરશે નહીં.
જેડીયુએએ કેસી ત્યાગી સાથે તમામ સંબંધો કાપ્યા
આઇપીએલમાં બાંગ્લાદેશના ખેલાડીની પસંદગી બાબતે વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી જેડીયુના નેતા કેસી ત્યાગી નીતિશકુમારની નજરમાંથી ઉતરી ગયા હતા. હવે કેસી ત્યાગીએ મુખ્યમંત્રી નિતિશકુમારને ભારતરત્ન આપવાની માંગણી કરી છે. જેડીયુએ ત્યાર પછી કેસી ત્યાગીથી દુર રહેવાનું પસંદ કર્યું છે. કેસી ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું હતું કે, નિતિશકુમાર સમાજવાદી આંદોલનનું મોંઘેરું રતન છે. આ પહેલા પણ ઘણા હયાત રાજનેતાઓને આ સન્માન આપવામાં આવ્યું છે. સમાજવાદી પૃભૂમિમાં કામ કરનાર ચૌધરી ચરણસિંહ અને કર્પુરી ઠાકુરને મોદીના સમયકાળમાં ભારતરત્ન આપવામાં આવ્યા હતા. જેડીયુના પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે કહ્યું છે કે આજકાલ કેસી ત્યાગી એવા નિવેદનો આપી રહ્યા છે કે જેને પક્ષ યોગ્ય ગણતો નથી. પક્ષના કાર્યકરોને તો ખબર પણ નથી કે કેસી ત્યાગી જેડીયુમાં છે કે નહીં.
અમેરિકા - ઇઝરાયલની ઉંઘ ઉડાડવાની તૈયારીમાં પાકિસ્તાન
મિડલઇસ્ટ અને દક્ષિણ એશિયાની સંરક્ષણ રાજનીતિમાં મોટો ફેરફાર થતો દેખાઈ રહ્યો છે. સાઉદી અરેબિયા અને પરમાણુશક્તિ ધરાવનાર એક માત્ર મુસ્લિમ દેશ પાકિસ્તાન વચ્ચે બનેલા ગઠબંધન વચ્ચે હવે તૂર્કિ પણ દાખલ થવાની કોશિષ કરે છે. આ સંભવીત ત્રીપક્ષીય સૈન્ય સમજૂતીને આ વિસ્તારનું શક્તિ સંતોલન બદલી શકે છે. મુસ્લિમ દેશો માટે ઇઝરાયલને મિડલઇસ્ટમાં કાઉન્ટર કરવું જરૂરી છે. આ ગઠબંધનમાં તૂર્કિને સમાવવાની વાતચીત આગળ વધી ચૂકી છે અને સમજૂતી થવાની પુરી સંભાવના છે. આ સમજૂતી ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનામાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી. આ સમજૂતી પ્રમાણે કોઈપણ એક દેશ પર હુમલો થાય તો બીજો દેશ એની મદદમાં આવશે. તૂર્કીની રણનીતિ ઘડનાર નિહાતલી ઓજકાનના કહેવા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે આને નાટોની અનિશ્ચિતતા વચ્ચે નવું ગઠબંધન બનાવવું જરૂરી છે. એમ મનાય છે કે આ ગઠબંધનને કારણે અમેરિકા અને ઇઝરાઇલ સતર્ક થઈ ગયા છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભારત આવ્યા હતા, પરંતુ જેએનયુ જઇ શક્યા નહોતા
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ૨૦૧૫ના વર્ષમાં રાષ્ટ્રપતિના હોદ્દા પર હતા ત્યારે ભારત આવ્યા હતા. હમણા તો અમેરિકાએ નિકોલસ માદુરોની ધરપકડ કરીને અમેરિકાની જેલમાં કેદ કર્યા છે. ૨૦૦૫ના વર્ષમાં પણ નિકોલસ માદુરો ખાનગી નાગરીક તરીકે અને ૨૦૧૨માં પોતાના દેશના વિદેશમંત્રી તરીકે ભારત આવ્યા હતા. તેઓ જ્યારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશન એરપોર્ટથી પોતાની હોટલ જતા હતા ત્યારે ચાણક્યપુરીમાં વેનેઝુએલાના લોકનાયક સિમોન બોલીવરના નામનો રસ્તો જોઈને ખુબ ખુશ થયા હતા. સિમોન બોલીવર (૧૭૮૩-૧૮૩૦) ક્રાંતિકારી નેતા હતા જેમને સ્વાતંત્રસંગ્રામ વીર કહેવામાં આવે છે. એમણે સ્પેનિસ સામ્રાજ્ય પાસેથી વેનેઝુએલા, કોલમ્બિયા, ઇકવાડો, પેરુ અને બોલીવીયા દેશોને આઝાદ કર્યા હતા. નિકોસલ માદુરોની દિલ્હીમાં જેએનયુની મુલાકાત લેવાની હતી, પરંતુ કોઈક કારણોસર તેઓ જેએનયુ જઈ શક્યા નહોતા.
રેલવેની 'નો રીફંડ' પોલીસી સામે પીઆઇએલ
ભારતીય રેલવેની તત્કાલ ટીકીટ રીફંડ નીતિની વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ થઈ છે. આ અરજીમાં રેલવેની નો રીફંડ પોલીસીને ગેરબંધારણીય અને મનસ્વી ગણાવવામાં આવી છે. કનફર્મ તત્કાલ ટીકીટોને કેન્સલ કરવામાં આવે તો એક પણ રૂપિયાનું રીફંડ આપવામાં આવતું નથી. અરજી કરનારના વકીલ સજીન તિવારીએ દલીલ કરી હતી કે, જે યાત્રી પોતાની કનફર્મ ટીકીટ રદ કરાવે છે તો રેલવે એ બેઠકને તરત જ બીજા વેઇટીંગ લિસ્ટના પ્રવાસીને વેચી દે છે. આ રીતે રેલવે એક જ બેઠક પર બે વખત ભાડુ વસુલ કરે છે. પહેલા પ્રવાસીના પૈસા નો રીફંડ નીતિને કારણે જપ્ત કરવામાં આવે છે. આ રદ કરવામાં આવેલી બેઠક બીજા મુસાફરને ફરીથી વેચવામાં આવે છે. રેલવે દ્વારા આ ઠગાઈ જ છે.
ડાયરેક્ટરના ઘરે રેઇડ પછી ત્રણ સૂટકેસ ભરીને ચલણી નોટો મળી
તપાસ કરનાર એજન્સી એક સામાન્ય લાંચના કિસ્સાની તપાસ કરવા પહોંચી હતી. એ વખતે એમને ઓરડાના એક ખૂણામાંથી એક સૂટકેસ મળી હતી. આ સૂટકેસમાં ચલણી નોટોની થપ્પીઓ જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. બેંગ્લુરુમાં ભ્રષ્ટાચારના એક કેસમાં સીબીઆઇએ કરેલી કાર્યવાહીની ચર્ચા થઈ રહી છે. એક સરકારી અધિકારીના રહેઠાણ પર દરોડો પાડવામાં આવ્યો તો ત્યાં કબાટોમાંથી નહીં, પરંતુ ત્રણ મોટી સુટકેસોમાંથી ચલણી નોટો મળી હતી. લાંચની માંગણી લાખો રૂપિયામાં કરવામાં આવી હતી, પરંતુ જપ્તી કરોડો રૂપિયાની થઈ હતી. આ કિસ્સો બહાર આવતા જ કર્ણાટકના અધિકારી વર્તુળોમાં સોપો પડી ગયો છે. બેંગ્લુરુના સીપીઆઇમાં ફરજ બજાવનાર એક અધિકારીને ત્યાંથી કરોડો રૂપિયાની કેશ મળી છે.


