નવીદિલ્હી : ભારતની વિદેશનીતિ ફરીથી એક વખત વામણી પુરવાર થઈ છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ ભારતના એક નકશાનો ઉપયોગ કર્યો હતો જેમાં પીઓકે અને અક્સાયી ચીનને ભારતનો ભાગ બતાવ્યા હતા. આ બાબતે ભારતવાસીઓ ખુશ થયા હતા, પરંતુ થોડા કલાકોમાં જ પાકિસ્તાને શું ખેલ કર્યો કે અમેરિકાના સત્તાધીશોએ ભારતના નકશામાંથી પીઓકે અને અક્સાયી ચીન દુર કર્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટીવ (યુએસટીઆર) આ નકશો એની પોસ્ટ પર મૂક્યો હતો. હવે યુએસટીઆરએ યુટર્ન લઈ લીધો છે. એમ કહેવાય છે કે પાકિસ્તાને કોઈપણ રીતે યુએસટીઆર પર દબાણ લાવીને પોતાનું ધાર્યું કરાવ્યું છે. રાજકીય નીરિક્ષકો કહી રહ્યા છે કે યુએસટીઆરએ યુટર્ન માર્યો હોવા છતાં ભારતના વિદેશ મંત્રાલયની ચૂપકીદી આઘાતજનક છે.
સીઆઇસીની નિમણૂક બાબતે વિરોધપક્ષના નેતાની અસહમતી જણાવી શકાય નહીં
સુપ્રિમ કોર્ટે ચીફ ઇન્ફોર્મેશન કમીશનર (સીઆઇસી) અને ઇન્ફોર્મેશન કમિશનરોની નિમણૂક બાબતે વિરોધ પક્ષના નેતાની અસહમતીની નોટ જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો છે. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ એનવી અંજારઇની બેન્ચે આરટીઆઇ એક્ટીવીસ્ટ અંજલી ભારદ્વાજ તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણએ કરેલી દલીલ સ્વિકારી નહોતી. પ્રશાંત ભૂષણનું કહેવું હતું કે વિરોધપક્ષના નેતાની અસહમતીનું કારણ જાહેર કરવામાં આવે. ભૂષણે કહ્યું હતું કે લોકોને જાણવાનો હક્ક છે કે કમિટીમાં વિરોધપક્ષના નેતાએ અસહમતી શા માટે બતાવી હતી. સીજેઆઇએ એવી ટીપ્પણી કરી હતી કે, કોર્ટ એવી આશા નહી રાખી શકે કે ભારત સરકાર અયોગ્ય વ્યક્તિઓની નિમણૂક કરશે. સીજેઆઇનું કહેવું હતું કે, કમિટીમાં નિમણૂક માટે યોગ્ય માણસોની જ પસંદગી થાય છે.
સંઘના કાર્યક્રમમાં સલમાન ખાનની હાજરીથી અકળાયા સંજય રાઉત, શિંદેએ શું કહ્યું
આરએસએસના કાર્યક્રમમાં ફિલ્મસ્ટાર સલમાન ખાનની હાજરીને કારણે સંજય રાઉતે કેટલાક નિવેદનો આપ્યા હતા. રાઉતે કહ્યું હતું કે સલમાન ખાન કયારથી આરએસએસના સ્વયંસેવક બની ગયા? આ બાબતે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ વળતો જવાબ આપ્યો હતો. શિંદેએ કહ્યું હતું કે, મોહન ભાગવતના કાર્યક્રમમાં સલમાન ખાને જઈને કઈ ખોટુ કર્યું નથી. સલમાન ભારતના નાગરીક છે અને અમારી સંસ્કૃતિને માને છે. આ બાબતે રાજકારણ થવું જોઈએ નહીં. એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 'આરએસએસના કાર્યક્રમમાં સલમાન ખાને જવું જોઈએ કે નહીં જવું જોઈએ એ વળી કેવો સવાલ છે. શું સલમાન ખાન ભારતીય નાગરીક નથી? તેઓ ગણપતી ભગવાનને પોતાના ઘરે બેસાડે છે અને તમામ વિધિ કરે છે.'
અપ્રકાશિત પુસ્તક બાબતે નરવણેના ખુલાસા પછી પણ વિવાદ ચાલુ
ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તક વિશે શરૂ થયેલો વિવાદ હજી અટક્યો નથી. સંરક્ષણ મંત્રાલયની મંજૂરી વગર કઈ રીતે પુસ્તક પ્રકાશિત થયું એની તપાસ દિલ્હીની પોલીસ કરી રહી છે. પોલીસે એફઆઇઆર પણ દાખલ કરી છે. પ્રકાશક કંપની પેગ્વીન ઇન્ડિયાએ ખુલાસો આપ્યો છે કે એમણે આ પુસ્તક પ્રકાશિત કર્યું નથી. આ બાબતે નરવણેએ પણ પેગ્વીનની વાત સાથે સહમતી બતાવી છે. રાહુલ ગાંધીએ આડકતરી રીતે કહ્યું હતું કે ક્યાતો પ્રકાશક જૂઠુ બોલે છે ક્યાં તો જનરલ નરવણે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે હવે જ્યારે બંનેના નિવેદનો આવી ગયા છે ત્યારે સાફ થઈ ગયું છે કે જૂઠુ કોણ બોલે છે. રાહુલ ગાંધીએ જે નરવણેનું ૨૦૨૩માં કરેલું ટ્વીટ બતાવ્યું હતું તે અન્ય પુસ્તક માટે હોવાનું કહેવાય છે.
દિલ્હીમાં તેંડુલકરના પુત્રના લગ્નની ચર્ચા, સચીનની વહુ કોણ છે
સચીન તેંડુલકરના પુત્ર અર્જૂન અને સાનિયા ચંડોકના લગ્ન પાંચમી માર્ચે મુંબઈમાં થવાના છે. ૨૦૨૫ના ઓગસ્ટ મહિનામાં બંનેની સગાઈ થઈ હતી. સાનિયા ચંડોક ગ્રૈવીસ ગુ્રપના ચેરમેન રવિ ઘઇની પૌત્રી છે અને અર્જૂનની બહેન સારા તેંડુલકરની મિત્ર છે. હોસ્પિટિલીટી અને ફ્રુડ વર્લ્ડમાં ઘઈ પરિવારનું નામ જાણીતું છે. એમનું ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટલ ગુ્રપ છે જેની મલ્ટીનેશનલ વેલ્યુ ૧૮.૪૩ બિલિયન ડોલર (૧.૬ લાખ કરોડ રૂપિયા) છે. એમની મુંબઈમાં ઇન્ટરકોન્ટીનેટલ હોટલ છે અને કુટુંબ જાણીતી આઇસક્રીમ બ્રાન્ડ બુ્રકલીન કેમરીના માલિક છે. સાનિયા જોકે મુંબઈમાં મિસ્ટર પોઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપીની પાર્ટનર અને ડિરેક્ટર છે. આ એક નાનકડું સાહસ છે જે પશુઓ માટે સ્કીનકેર, ગૃમીંગ અને એને લગતી બીજી પ્રોડેક્ટ્સ બનાવે છે.
કમિશનખોરી બાબતે સસ્પેન્ડ થયેલા આઇએએસ અભિષેક પ્રકાશને હાઇકોર્ટની રાહત
કમિશનખોરીના આક્ષેપમાં ફસાયેલા આઇએએસ અધિકારી અભિષેક પ્રકાશને મોટી રાહત મળી છે. એમની સામે દાખલ થયેલી ચાર્જશીટ અલ્હાબાદ હાઇકોર્ટે કાઢી નાખી છે. ચાર્જશીટ રદ થવાને કારણે હવે અભિષેક પ્રકાશ ફરીથી નોકરી પર જોડાઈ શકશે. અભિષેક પ્રકાશ જ્યારે ઇન્વેસ્ટ યુપીના સીઇઓ હતા ત્યારે એમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક પ્રોજેક્ટ અપાવવા માટે એમણે પાંચ ટકા કમિશન માગ્યુ હતું. આ બાબતે અભિષેક પ્રકાશના નજીકના ગણાતા નિકાંત જૈનનું નામ ચર્ચામાં આવ્યું હતું. ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં સોલર કંપનીના અધિકારી વિશ્વજીત દાસે એફઆઇઆર દાખલ કરાવી હતી. એફઆઇઆર દાખલ થયા પછી ઉત્તર પ્રદેશની એસટીએફે નિકાંત જૈનની ધરપકડ કરીને એમને જેલમાં મોકલી આપ્યા હતા. સમગ્ર કિસ્સાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી.
મમતા વિરુદ્ધ દાખલ થયેલી અરજી બાબતે સુપ્રિમ કોર્ટેની કડક ટીકા
થોડા દિવસો પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એસઆઇઆર વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં જઈને જાતે દલીલો કરી હતી. દેશના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મુખ્યમંત્રીએ સુપ્રિમ કોર્ટમાં જાતે જઈને દલીલ કરી હોવાથી આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. સુપ્રિમ કોર્ટમાં મમતા બેનર્જીએ દલીલ કરી એ માટે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અખિલ ભારત હિન્દુ મહાસભાના ઉપપ્રમુખ સતિષકુમાર અગ્રવાલે આ અરજી દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટ જોકે આ અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરીને અરજી કરનારની કડક ટીકા કરી હતી. સીજેઆઇ સૂર્યકાંતે અરજી કરનારને કહ્યુ હતું કે, આ બાબતે રાજનીતિ નહી કરે. આમા ખોટુ શું છે. બંધારણમાં વિશ્વાસ અને ભરોસો અમે બતાવ્યો છે. આ કોઈ એવી બાબત નથી કે કોર્ટે એમાં દખલ કરવી પડે.


