નવીદિલ્હી : લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સંસદમાં વડાપ્રધાનની ઓફિસમાં નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહને મળ્યા હતા. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (સીઆઇસી)ની અગત્યની નિમણૂક ફાઇનલ કરવા માટે મોદી અને શાહ સાથે રાહુલ ગાંધીએ બંધ ઓરડામાં દોઢ કલાક ચર્ચા કરી હતી. આ ચર્ચામાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)માં ચીફ ઇન્ફર્મેશન કમિશનર, ૮ ઇન્ફર્મેશન કમિશનર અને વિજિલન્સ કમિશનરની નિમણૂક બાબતે વાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ અધિકારીઓના નામ બાબતે અસહમતી દર્શાવી હતી. એમ કહેવાય છે કે, સંસદના સત્ર દરમિયાન રાહુલ ગાંધી બર્લિન જવાના છે. રાહુલ ગાંધીની બર્લિન યાત્રા સંદર્ભે ભાજપે ટીકા કરી હોવાથી મોદી અને શાહ સાથે રાહુલે ખાસ સારા મૂડમાં મીટીંગ કરી નહોતી.
ગૃહમંત્રાલયના કહેવાથી મિઝોરમમાં રોહિંગ્યાઓને પ્રવેશ : કલ્યાણ બેનર્જી
દેશમાં ઘૂસણખોરી વિશે વિવાદ ચાલુ છે ત્યારે સામાન્ય ટીકા એવી થાય છે કે, પશ્ચિમ બંગાળની સરકાર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને મત માટે દેશમાં ઘૂસાડે છે. જોકે હવે તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ એવો આક્ષેપ કર્યો છે કે, બાંગ્લાભાષી લોકોને રોહિંગ્યા ઠરાવીને દેશની બહાર કાઢવામાં આવે છે. ગૃહમંત્રાલયની સૂચનાથી રોહિંગ્યાઓને મિઝોરમમાં ઘૂસાડવામાં આવે છે. બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે, ગૃહમંત્રાલયે મિઝોરમ સરકારને બહારથી આવનારી વ્યક્તિઓને પ્રવેશ આપવાની પરવાનગી આપી છે. બીજી તરફ દિલ્હીમાં જો કોઈ બંગાળી બોલે તો એમની ધરપકડ થાય છે. સાંસદએ કહ્યું હતું કે, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી અને રાજારામ મોહનરાયની ટીકા કરવામાં આવી હતી. બંગાળ સાથે સંબંધ રાખનાર એક કેન્દ્રીય મંત્રી ત્યાં નાગરીકતાનું પ્રમાણપત્ર વહેંચી રહ્યા છે પરંતુ સરકાર આ મંત્રીની ધરપકડ કરતી નથી.
ઓપી રાજભરે પોતાની 'આરએસએસ' બનાવી
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના રાષ્ટ્રીય પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પોતાની 'આરએસએસ' ઉભી કરી છે. રાજભરે રાષ્ટ્રીય સુહેલદેવ સેના (આરએસએસ)ની સ્થાપના કરી છે. આ સેનાના સભ્યો ખાસ પ્રકારનો યુનિફોર્મ પહેરે છે. એમના ખભે સ્ટાર લટકે છે અને છાતી પર બેજ હોય છે. એમના હાથોમાં લાકડી પણ હોય છે. એમના ખભા પરના સ્ટાર્સ એમના રેન્કને હીસાબે આપવામાં આવશે. આ સેનામાં સેના કમાન્ડર, સીઓ અને ઇન્સ્પેક્ટરના પદ પણ છે. ઓમ પ્રકાશ રાજભર ગામડાના યુવાનોને ખાસ તાલીમ આપવા માટે આ સેના તૈયાર કરી રહ્યા હોવાનું કહે છે. સુભાસપાના રાષ્ટ્રીય પ્રવક્તા અરૂણ રાજભરના કહેવા પ્રમાણે પહેલા પણ આ સેના બનાવવામાં આવી હતી, પરંતુ ત્યારે કોઈને યુનિફોર્મ આપવામાં આવ્યો નહોતો.
તામિલનાડુના 'કાર્તીગઈ દીપમ'નો મુદ્દો સંઘ નહી ઉઠાવે
તામિલનાડુના થીરુપરા કુંદરમમાં કાર્તીગઈ દીપમ બાબતે વિવાદ થયો છે. આ બાબતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે, વિવાદ કોર્ટમાં હોવાથી એનો ઉકેલ કોર્ટ મારફતે જ આવશે. જો જરૂર પડશે તો જ સંઘ આ મુદ્દો આગળ વધારશે. રાજ્યના હિન્દુઓની શક્તિને આધારે જ સમસ્યાનું હલ શોધવામાં આવશે. ભાગવતે કહ્યું હતું કે, 'તામિલનાડુના હિન્દુઓ જાગૃત છે. તેઓ યોગ્ય પરિણામ લાવવા માટે સક્ષમ છે. જો જરૂર પડશે તો તામિલનાડુમાં કામ કરનાર સંગઠનો અમને જાણ કરશે અને આગળ શું કરવું એ વિશે વિચારવામાં આવશે. થીરુપરા કુંદરમ ખાતે આવેલા સુબ્રમણ્યમ સ્વામી મંદીરના થાંભલા ઉપર દીવો કરવા માટે તામિલનાડુ હાઇકોર્ટે મંજૂરી આપી છે. આ મંજૂરી સામે તામિલનાડુ સરકાર અપીલમાં જવાની છે.'
કર્મચારીઓને પગાર આપવા માટે પણ બાંગ્લાદેશ પાસે પૈસા નથી
બાંગ્લાદેશના નાણાકીય સલાહકાર ડો. સાલેહુદ્દીન અહમદને એમની ઓફિસમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. મંત્રાલયના બીજા વિભાગના કર્મચારીઓએ પણ પોતાની માંગો પરત્વે ધ્યાન નહીં આપવા માટે અહમદને બંધક બનાવ્યા હતા. સચીવાલયના ચોથા માળે જોરદાર દેખાવો થયા હતા અને સલાહકારની ઓફિસ બહાર નાકાબંધી કરી દેવામાં આવી હતી. કર્મચારીઓ લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે કે સ્ટાફને ઓછામાં ઓછો ૨૦ ટકા પગાર આપવામાં આવે. કામચલાઉ સરકાર બન્યા પછી આર્થિક સંકટને કારણે સરકારી કર્મચારીઓને નિયમીતરૂપે પગાર મળતો નથી. બાંગ્લાદેશ સચીવાલય અધિકારી તેમજ કર્મચારી સંયુક્ત પરિષદએ ભેગા થઈને પ્રમુખ બદીઉલ કબીરે આ વિરોધ પ્રદર્શનની નેતાગીરી કરી હતી. એમણે કહ્યું હતું કે, 'સરકાર અમારો પગાર નહીં કરે ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી.'
સંતોષ વર્માએ હવે દેશની હાઇકોર્ટો પર પ્રશ્નો કર્યા
દલીત સાથે બ્રાહ્મણ બેટીના લગ્ન કરાવવાનું નિવેદન આપીને જાણીતા થયેલા આઇએએસ અધિકારી સંતોષ વર્માએ હવે હાઇકોર્ટ પર પ્રશ્ન કર્યો છે. ભોપાલના એક કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે અમારા બાળકો એટલે કે એસસી - એસટી સંપ્રદાયના બાળકો આઇએએસ - આઇપીએસ બની જાય છે પરંતુ સિવિલ જજ બની શકતા નથી. એમણે હાઇકોર્ટ પર સીધો આક્ષેપ કરીને કહ્યું હતું કે હાઇકોર્ટ અમારા બાળકોને સિવિલ જજ બનવા દેતી નથી. એક દિવસ પહેલા જ સંતોષ વર્માએ કહ્યું હતું કે, તુમ કીતને સંતોષ વર્મા મારોગે, હર ઘર સે સંતોષ વર્મા નીકલેગા. એમના આ નિવેદન પછી પણ વિવાદ થયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી સંતોષ વર્મા દલીત અને પછાત વર્ગને થતા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
શાહજહાપુરથી ભૂતપૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુરની ધરપકડ
લખનૌ ક્રાઇમ બ્રાન્ચે રાત્રે બે વાગ્યે શાહજહાપુર જંકશન પરથી ભૂતપૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુરની ધરપકડ કરી. અમિતાભ ઠાકુર લખનૌ સુપરફાસ્ટ એક્સપ્રેસ મારફતે દિલ્હી જઈ રહ્યા હતા. ટ્રેન સ્ટેશન પર થોભી એટલે એમની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓએ એમને એસી કોચમાંથી નીચે ઉતારી દીધા હતા. પોલીસની ટીમ એમને દેવરિયા લઈ ગઈ હતી જ્યાં જમીન વેચાણ કૌભાંડ બાબતે એમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. અમિતાભ ઠાકુરના પત્ની નૂતન ઠાકુરના જણાવ્યા પ્રમાણે ત્રણ મહિના પહેલા લખનૌ પોલીસે એમના પતિ વરુદ્ધ દેવરિયા પોલીસ સ્ટેશનમાં જમીન કૌભાંડ સંદર્ભે એફઆઇઆર દાખલ કરી હતી. જોકે આ જમીન પર એમણે ૨૫ વર્ષ પહેલા જ કબજો છોડી દીધો હતો. અમિતાભ ઠાકુર અગત્યના કામે દિલ્હી જઈ રહ્યા હતા.


