નવીદિલ્હી : નેપાળની રાજધાની કાઠમંડુમાં ઝેન જીનું આંદોલન ચાલી રહ્યું છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી દેશ છોડીને ભાગી ગયા છે. ચારે તરફ અફરાતફરી છે. કેપી શર્મા ઓલી દુબઈ પહોચી ગયા હોવાનું મનાય છે. પોતાની એરલાઇન્સ કંપની હિમાલય એરલાઇન્સના વિમાનમાં તેઓ ભાગ્યા છે. થોડા વર્ષો પહેલા ગ્લોબલ વોચ એનાલિસિસના રીપોર્ટએ દાવો કર્યો હતો કે, ઓલીની સંપત્તિમાં અમર્યાદિત વધારો થયો છે. ઓલીના ચીન સાથે વ્યાપારીક સંબંધો પણ હતા. નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ચીનએ ઓલીને પુષ્કળ આર્થિક ફાયદો કરાવ્યો હતો. ચીનની કંપનીને ફાયદો પહોંચાડવા માટે ઓલીને કરોડો ડોલરનું કમિશન મળતું હતું. ગ્લોબલ વોચ એનાલિસિસના રીપોર્ટ પ્રમાણે ઓલીનું એક એકાઉન્ટ સ્વિટ્ઝરલેન્ડની બેન્ક મીરા બોર્ડની જીનીવા શાખામાં છે. આ બેન્કમાં એમના ૪૧ કરોડ રૂપિયા જમા છે અને દર વર્ષે એમને વ્યાજના ૧.૩૭ કરોડ રૂપિયા મળે છે.
વિદેશમાં રહીને 50 ગેંગસ્ટર્સ હરિયાણાથી ખંડણી વસુલે છે
હરિયાણા સ્પેશિયલ ટાસ્કફોર્સ એસટીએફના એક રીપોર્ટ પ્રમાણે હમણા વિદેશ રહીને ૫૦થી વધુ ગેંગસ્ટર્સ હરિયાણાની જાણીતી વ્યક્તિઓ પાસેથી ખંડણી વસુલ કરે છે. આ ગેંગસ્ટરો ફોન દ્વારા ધમકી આપવી, હત્યા તેમ જ બીજા ગંભીર ગુનાઓ પણ કરી રહ્યા છે. એસટીએફના રીપોર્ટ પ્રમાણે આ ગેંગસ્ટરો અને એમના માણસો બોગસ દસ્તાવેજોને આધારે પાસપોર્ટ બનાવીને અમેરીકા, કેનેડા, બ્રિટન, થાઇલેન્ડ, કમ્બોડિયા અને ખાડીના દેશોમાં સ્થાયી થયા છે. પહેલા આ ગેંગસ્ટરોનું નેટવર્ક ફક્ત ભારતની જેલ પુરતુ સીમીત હતું. હવે આંતરરાષ્ટ્રીય બની ગયું છે. વિદેશમાં રહેતા આ ગેંગસ્ટરોને કોઈ પકડી શકતું નથી. લોરેન્સ બિશ્નોઇ ગેંગના કુખ્યાત રોહિત ગોદારા, ફરીદાબાદના નીરજ ફરીદપુરિયા અને હિમાન્શુ ભાઉ જેવા નામ લીસ્ટમાં સૌથી ઉપર છે.
દિલ્હીમાં રાહુલ - ખડગેને બિહારના નેતા શા માટે મળ્યા
બિહારમાં રાહુલ ગાંધીની સફળ વોટર અધિકાર યાત્રા પછી ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની તૈયારી ઝડપી કરી દીધી છે. આ સંદર્ભે બિહાર કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને વિરોધ પક્ષના રાહુલ ગાંધીને મળવા દિલ્હી આવ્યા હતા. બિહારના નેતાઓએ કોંગ્રેસ હાઇકમાન્ડને ચૂંટણીની તૈયારીઓ તેમજ વિવિધ જિલ્લાઓમાં શરૂ કરેલા કેમ્પેઇન વિશેની માહિતી આપી હતી. મહાગઠબંધનના બિજા પક્ષો સાથે બેઠકોની વહેંચણી બાબતે થયેલી વાતચીતની જાણકારી પણ હાઇકમાન્ડને આપવામાં આવી હતી. બિહાર કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ, પ્રદેશ પ્રભારી કૃષ્ણા અલ્લાવારૂ, કિશનગંજના સાંસદ મહોમદ જાવેદ, પુર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ ખડગે - રાહુલને મળ્યા હતા. પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી માટે પક્ષની રણનીતિ કેવી રહેશે એ વિશેની ચર્ચા પણ મીટીંગમાં થઈ હતી.
જ્યારે નિતિશકુમાર 7 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા
વર્ષ ૨૦૦૦ની વિધાનસભા ચૂંટણી બિહારના રાજકારણમાં નિતિશકુમારની એન્ટ્રી માટે યાદ રાખવામાં આવશે. એ સમયે તેઓ ભલે ૭ દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ ત્યાર પછી બિહારના રાજકારણમાં બદલાવ શરૂ થયો હતો. ત્રિશંકુ વિધાનસભા બન્યા પછી સરકાર બનાવવા માટે મોટી તડજોડ થઈ હતી. એ વખતે બિહારના ભાગલા થવાની વાત પણ તેજ હતી અને એ બાબતે પણ રાજકારણ ગરમાયું હતું. ચૂંટણીના પરિણામો પછી એનડીએ અને આરજેડી ગઠબંધન વચ્ચે સરકાર બનાવવા માટે જબરજસ્ત ખેંચતાણ થઈ હતી. નિતિશકુમારના નેતૃત્વમાં એનડીએની સરકાર બની પરંતુ બહુમતિ સાબિત કરે એ પહેલા જ એમણે રાજીનામું આપવું પડયું હતું. ત્યાર પછી લાલુ પ્રસાદ યાદવના આરજેડીએ સરકાર બનાવી હતી અને રાબડી દેવી ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. રાબડી દેવીએ પાંચ વર્ષ સરકાર ચલાવી હતી.
મહિલા જજ વિરુદ્ધ લાંચના કેસમાં સીબીઆઇ હાઇકોર્ટ પહોંચી
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ નિર્મલ યાદવને નિર્દોષ છોડવાના હુકમ સામે સીબીઆઇએ હાઇકોર્ટમાં અપીલ કરી છે. ચંદીગઢની એક કોર્ટે જસ્ટીસ નિર્મલ યાદવને ૨૦૦૮ના એક ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇકોર્ટે હવે નિર્મલ યાદવ અને બીજા ત્રણને નોટીસ ફટકારી છે. અગાઉ ચંદીગઢની નીચલી કોર્ટે ચૂકાદો સંભળાવતા કહ્યું હતું કે, જસ્ટીસ યાદવને ભ્રષ્ટાચારના કેસમાં ફસાવવા માટે સીબીઆઇએ ખોટા પુરાવા રજૂ કર્યા હતા. જસ્ટીસ નિર્મલ યાદવ એ વખતે હાઇકોર્ટના જજ હતા. એમની સામે ઓગસ્ટ ૨૦૦૮માં કેસ શરૂ થયો હતો, જ્યારે હાઇકોર્ટના એક અન્ય જસ્ટીસ નિર્મલજીત કૌરને ઘરેથી ૧૫ લાખ રૂપિયા ભરેલી બેગ મળી હતી. તપાસમાં એવો આક્ષેપ થયો હતો કે આ પૈસા ખરેખર જસ્ટીસ નિર્મલ યાદવના હતા પરંતુ એક સરખું નામ હોવાથી નિર્મલજીત કૌરને ઘરે પહોંચી ગયા હતા.
રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે ધનખડે શું કહ્યું
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાધાકૃષ્ણનએ સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે. રાષ્ટ્રપતિથી માંડીને વડાપ્રધાન સુધીનાઓ રાધાકૃષ્ણનને અભિનંદન આપી રહ્યા છે. ઘણા સમયથી અજ્ઞાાતવાસમાં ચાલી ગયેલા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ પણ રાધાકૃષ્ણનને અભિનંદન આપ્યા છે અને ભવિષ્ય માટે શુભકામના પાઠવી છે. ધનખડે રાધાકૃષ્ણનને એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે, 'આદરણીય રાધાકૃષ્ણનજી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે તમને અભિનંદન. સાર્વજનિક જીવનમાં તમારા વિશાળ અનુભવને જોતા લાગે છે કે, તમારા નેતૃત્વમાં આ પદને ગૌરવ પ્રાપ્ત થશે.' દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, રાધાકૃષ્ણન પણ ધનખડની જેમ 'બેવફાઇ' નહીં કરે એ માટે ભાજપના ટોચના નેતાઓ શરૂઆતથી જ સતર્કતા રાખી રહ્યા છે.
બદનક્ષીના કેસમાં મેઘા પાટકરને સુપ્રિમ કોર્ટે રાહત આપી નહીં
જાણીતા સામાજીક કાર્યકર અને પર્યાવરણવાદી મેઘા પાટકર સામે થયેલા બદનક્ષીના કેસમાં સુપ્રિમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં દખલ કરવાનો ઇન્કાર કર્યો છે. હાઇકોર્ટે મેજીસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો અકબંધ રાખ્યો હતો જેમાં મેઘા પાટકરની અરજી કાઢી નાખવામાં આવી હતી. દિલ્હીના હાલના એલજીએ મેઘા પાટકર સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. થોડા સમય પછી એક સાક્ષીની ઉલટતપાસ કરવા મેઘા પાટકરે માંગણી કરી હતી. નવા કોઈપણ સાક્ષીને તપાસવાની અનુમતી આપવાની દિલ્હી હાઇકોર્ટે ના પાડી દીધી હતી. જસ્ટીસ એમ એમ સુંદરેશ અને જસ્ટીસ સતીષચંદ્ર શર્માની બેન્ચે મેઘા પાટકરના વકીલની અરજી પાછી ખેંચી લેવાની માંગણી પછી પાટકરની અરજી રદ કરી છે.


