Get The App

દિલ્હીની વાત : બિહારમાં મહાગઠબંધનએ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બિહારમાં મહાગઠબંધનએ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી 1 - image

નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વિપક્ષી મહાગઠબંધન બેઠકોની વહેંચણીને અંતિમરૂપ આપી રહ્યું છે. મહાગઠબંધનમાં સંમતિ બની રહી છે. જો સત્તામાં આવશે તો મહાગઠબંધન દલિત, મુસ્લિમ અને પછાત વર્ગમાંથી ત્રણ ઉપમુખ્યમંત્રી બનાવશે. આરજેડી અને કોંગ્રેસના સિનિયર નેતાઓએ આ માહિતી આપી છે. મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રીપદનો ચહેરો તેજસ્વી યાદવ હશે. જોકે સહયોગી પક્ષોએ હજી ઔપચારિક રીતે એમના નામ પર સિક્કો નથી માર્યો. તેજસ્વી યાદવનો સામનો એનડીએના મુખ્યમંત્રી નિતિશકુમાર સામે થશે. એમની સરકારમા બે ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (ઓબીસી) અને વિજયકુમાર સિંહા (ભૂમિહાર) કામગીરી કરી રહ્યા છે. નક્કી થયા પ્રમાણે આરજેડીને ૧૨૫ બેઠકો, કોંગ્રેસને ૫૦ થી ૫૫ બેઠકો અને સામ્યવાદી પક્ષને ૨૫ બેઠકો અપાશે. બાકીની બેઠકો બીજા નાના પક્ષોને આપવામાં આવશે.

પ્રશાંત કિશોરના પહેલા લિસ્ટમાં કોણ-કોણ

ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરના પક્ષ જન સુરાજ પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ૫૧ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. બીજા કોઈપણ પક્ષ કરતા આ મામલે જન સુરાજ પક્ષ આગળ છે. જન સુરાજે જે ૫૧ ચહેરાઓ જાહેર કર્યા છે તેમાં ગણિત નિષ્ણાંત અને પૂર્વ પ્રોફેસર, પૂર્વ અધિકારી, નિવૃત્ત પોલીસ અધિકારી અને ડોક્ટરનો સમાવેશ કર્યો છે. આ ૫૧ બેઠકોમાંથી ૪૪ બેઠકો સામાન્ય છે જ્યારે ૭ અનામત બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેદવારોની પસંદગીમાં પ્રશાંત કિશોરએ રાજ્યનું જાતિ સમીકરણ અને જાતિ આધારિત ગણિત પર ખાસ ધ્યાન આપ્યું છે. પ્રશાંત કિશોરએ હંમેશા વ્યક્તિ પ્રમાણે તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાની દલીલ કરી છે. પ્રશાંત કિશોરની પહેલી યાદી જોતા એમ લાગે છે કે, તેઓ જાહેર કરેલી યોજના પ્રમાણે ચાલી રહ્યા છે. જન સુરાજના ૫૧ ઉમેદવારોમાં સૌથી વધારે અત્યંત પછાત વર્ગની કેટેગરીમાં ૧૭ ઉમેદવારો છે. ત્યારે ઓબીસીના ૧૧, સામાન્ય વયના ૯ અને મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા ૭ છે.

'આઈ લવ મોહમ્મદ' પર માયાવતીની સલાહ, સપાની આકરી ટીકા

એમ લાગે છે કે, ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં બસપાના સુપ્રીમો માયાવતી આક્રમકતાથી ઝૂકાવશે. માયાવતીએ સાફ વાત કરી છે કે, બસપા એકલે હાથે ચૂંટણી લડશે. તેઓ ઉત્તર પ્રદેશમાં ફરીથી સત્તા મેળવવાનો પ્રયત્ન કરશે. કાશીરામની પૂણ્યતિથિને દિવસે યોજાયેલી રેલીમાં એમણે સૌથી મોટો હુમલો સમાજવાદી પક્ષ પર કર્યો છે. એમણે કહ્યું હતું કે, સપા જ્યારે સત્તામાં આવી હતી ત્યારે સરકારી વિભાગમાં પ્રમોશન આપવામાં અનામત નાબૂદ કરવાની કોશિષ કરી હતી. આ ઉપરાંત સમાજવાદી પાર્ટી દલીતો અને બીજા મહાપુરુષોનું અપમાન કરવામાં સૌથી આગળ રહી હતી. જે દલીત મહાપુરુષોના નામ વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવ્યા હતા. એ તમામ નામ સમાજવાદી પાર્ટીએ બદલી નાખ્યા હતા. માયાવતીએ બરેલી, કાનપુર જેવા શહેરોમાં 'આઈ લવ મોહમ્મદ'ના વધેલા દબાણ બાબતે સલાહ પણ આપી છે. એમનું કહેવું છે કે, તકવાદી એક બીજાના દેવી દેવતાઓ અને પયગંબરનું અપમાન કરીને બબાલ કરે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે વિવાદ વધે. બધાએ એક બીજાના ધર્મનું સન્માન કરવું જોઈએ, પરંતુ આઇ લવ જેવી રાજનીતી કરવી જોઈએ નહીં.

પાકિસ્તાન સામેની લડતમાં તાલિબાન ભારતની પડખે રહેશે

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુફ્તકી પોતાની પહેલી ભારત યાત્રાએ આવી ગયા. અફઘાનિસ્તાનમાં બનેલી તાલિબાન સરકાર પર યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ)એ કડક પ્રતિબંધ લાદ્યા છે. જોકે ભારત સરકારની વિનંતી માન્ય રાખીને તાલિબાનની વિદેશ મંત્રીને ભારત આવવાની છૂટ મળી છે. તામિલનાડુના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા સુહેલ શાહીને ભારતએ આશ્વાસન આપ્યું છે કે, અફઘાનિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા નહીં દે. સુહેલ શાહીને ભારતને વિનંતી કરી છે કે, તાલિબાન સરકારની માન્યતા આપે. ૨૦૨૧ના વર્ષમાં તાલિબાનની સરકાર અસરફ ગનીની સરકારને હટાવીને સત્તામાં આવી હતી. દુનિયાના મોટા ભાગના દેશોએ તાલિબાન સરકારને માન્યતા નથી આપી. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે, મુફ્તકીનો આ પ્રવાસ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભવિષ્યના સંબંધો મજબૂત કરશે. રાજકીય નીરિક્ષકો પણ માની રહ્યા છે કે, મુફ્તકીનો આ પ્રવાસ પણ ખૂબ અગત્યનો છે. બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય વાતચીત થશે.

હવે જનસંઘના દરેક ઉમેદવારને એક સમાન ચૂંટણી ચિન્હ મળશે

ભારતીય જનતા પાર્ટીનો જન્મ જનસંઘમાંથી થયો હતો. મોટા ભાગનાને ખબર નહીં હોય કે જનસંઘ નામનો પક્ષ હજી પણ અસ્તિત્વમાં છે. દિલ્હી હાઇકોર્ટે ઇલેકશન કમિશનર ઓફ ઇન્ડિયાને સૂચના આપી છે કે, અખિલ ભારતીય જનસંઘને બિહાર વિધાનસભા ચૂંટણી લડવા માટે એક સમાન ચૂંટણી ચિન્હ આપવામાં આવે. એક સમાન ચૂંટણી ચિન્હ મળવાને કારણે અખિલ ભારતીય જનસંઘના તમામ ઉમેદવારો હવે એક ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડી શકશે. જસ્ટીસ મીની પુસ્કરણાની પીઠના હુકમને કારણે આ બાબેત ચૂંટણી કમિશન હવે નિર્ણય જાહેર કરશે. આ બાબતે જનસંઘએ બિહાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોર્ટમાં ઘા નાખી હતી. ચૂંટણી કમિશને પક્ષના આંતરીક વિવાદનું કારણ આપીને એક સમાન ચૂંટણી ચિન્હ આપવાનો ઇન્કાર કર્યો હતો.

આઝમ ખાનની કડક શરતો ઇડીએની હવા કાઢી નાખી શકે છે

અખિલેશ યાદવ અને આઝમ ખાનની મુલાકાત પછી સૌથી ચોંકાવનારી વાતો બહાર આવી છે. સમાજવાદી પાર્ટીના સ્થાપનાના સમયથી આઝમ ખાન પક્ષ માટે મોટી તાકાત રહ્યા છે. અખિલેશ યાદવની ફોર્મ્યુલા પીડીએને સફળ બનાવવા માટે આઝમ ખાન અગત્યની કડી છે. અખિલેશ યાદવ પણ જાણે છે કે, આઝમ ખાન ભલે જેલ યાત્રા કરીને આવ્યા હોય એમને નારાજ કરવાનું પોસાય એમ નથી. અખિલેશ યાદવએ આઝમ ખાનને મળવાની તારીખ અને રૂટ એવો પસંદ કર્યો હતો કે, સપાને રાજકીય રીતે ફાયદો થઈ શકે. આઝમ ખાન જ્યારે જેલમાં હતા ત્યારે અખિલેશ યાદવ એમને મળવા ગયા નહોતા જેને કારણે આઝમ ખાન નારાજ હોવાનું મનાય છે. જોકે સમય જતા આઝમ ખાન પણ સમજી ગયા છે કે એમનો ફાયદો સપાની સાથે રહેવામાં જ છે.

'સોલીસીટર જનરલ વધુ ટેકનિકલ નહીં થાવ'

લદ્દાખના સોશિયલ એક્ટિવીસ્ટ સોનમ વાંગચૂકની ધરપકડ થઈ છે ત્યારથી જાતભાતની વાતો બહાર આવે છે. સરકાર પોતાના નિર્ણયને યોગ્ય સાબિત કરવા પ્રયત્નશીલ છે. તો બીજો પક્ષ આ ધરપકડને ગેરવાજબી માને છે. સોનમના પત્ની ગીતાંજલિએ સુપ્રિમ કોર્ટમાં હેબીઅસ કોરપસ પીટીશન દાખલ કરી છે. જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એન વી અંજારિયા બેન્ચ સમક્ષ સોનમ વાંગચૂકના પત્ની તરફથી કપીલ સિબ્બલ અને સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. એક તબક્કે જસ્ટીસે સોલીસીટર જનરલને કહેવું પડયું હતું કે આટલા બધા ટેકનિકલ થવાની જરૂર નથી. એક તબક્કે સિબ્બલે કહ્યું હતું કે, વાંગચૂકની ધરપકડ કરવા માટે યોગ્ય કારણ આપવામાં આવ્યું નહોતું. સોમન વાંચગૂચકને પણ એમના પત્નીને મળવા દેવામાં આવતા નથી. આ બાબતે સોલીસીટર જનરલએ દલીલ કરી હતી કે, પત્નીને મળવાની પરવાનગી છે જ. કોઈને મળતા રોકવામાં નથી આવ્યા.