Get The App

નાના પક્ષો એનડીએ - મહાગઠબંધનનું નસીબ નક્કી કરશે

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
નાના પક્ષો એનડીએ - મહાગઠબંધનનું નસીબ નક્કી કરશે 1 - image

નવીદિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં રેકોર્ડ બ્રેક ૬૫.૦૮ ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૨૦ જિલ્લાઓમાં ૧૨૨ બેઠકો પર ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. બીજા ચરણમાં એનડીએ અને મહાગઠબંધનના સાથી પક્ષોનો દેખાવ નક્કી કરશે કે બિહારમાં સત્તા પર કોણ બેસશે. બીજા તબક્કામાં નાના પક્ષોને આપવામાં આવેલી બેઠકોની સંખ્યા વધારે છે. એનડીએની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના એલજેપીનો પક્ષ કુલ ૨૮ બેઠકોમાંથી ૧૫ બેઠકો પર ચૂંટણી લડે છે. એનડીએમાં ચિરાગને કુલ ૨૯ બેઠકો મળી હતી. એક ઉમેદવારનું નોમીનેશન રદ થઈ ગયું છે. લોકસભા ચૂંટણીમાં ૧૦૦ ટકા સ્ટ્રાઇક રેટને કારણે ચિરાગની માંગણીને એનડીએ અવગણી શક્યું નહોતું. એજ રીતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માઝીના પક્ષ એચએએમના તમામ છ ઉમેદવારનું નસીબ બીજા તબક્કામાં નક્કી થશે. ઉપેન્દ્ર કુશવાહાના પક્ષમાંથી ચાર બેઠકોનું ભાવી પણ આ તબક્કામાં નક્કી થશે.

એમસીડી પેટા ચૂંટણી પહેલા શોએબ ઇકબાલએ આપમાંથી રાજીનામું આપ્યું

દિલ્હી નગર નીગમની પેટા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના દિલ્હી યુનિટને મોટો ફટકો પડયો છે. ભૂતપૂર્વ ધારાસભ્ય શોએબ ઇકબાલે આપ છોડવાની જાહેરાત કરી છે. ચાંદનીમહલ વોર્ડમાં એમસીડી પેટા ચૂંટણી માટે એમના ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવતા શોએબ ઇકબાલ નારાજ થઈ ગયા હતા. મજાની વાત એ છે કે એમના પુત્ર આલે મહોમદ ઇકબાલ મટીયામહલ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. શોએબ ઇકબાલ મટીયામહલ વિધાનસભામાંથી ૭ વખત ધારાસભ્ય બન્યા છે. શોએબ ઇકબાલના કહેવા પ્રમાણે તેઓ આમ આદમી પાર્ટીની નીતિઓથી નારાજ છે. આપની સ્થાપના આંદોલનને કારણે થઈ હતી, પરંતુ હવે આપનો રસ્તો બદલાઈ ગયો છે. હું હવે ભવિષ્યમાં કદી પણ આપમાં ફરીથી નહીં જોડાઉં.

જેજેડીના ઉમેદવારે મહાગઠબંધનનું સમર્થન કરતા તેજપ્રતાપ યાદવ લાલચોળ

બિહાર ચૂંટણીની વચ્ચે જનશક્તિ જનતાદળ (જેજેડી)ના સુપ્રિમો તેજપ્રતાપ યાદવ પોતાના પક્ષના એક ઉમેદવાર પર એટલી હદે ગુસ્સે થયા કે એને પક્ષમાંથી હાંકી કાઢયો. તેજપ્રતાપએ આ બાબતની ફરિયાદ ચૂંટણી પંચને પણ કરી છે. જેજેડીના ઉમેદવારએ મહાગઠબંધનને ટેકો આપવાથી તેજપ્રતાપ ગુસ્સે થયા છે. આ બાબતે તેજપ્રતાપે સોશ્યલ મીડિયા એક્સ પર પણ લખ્યું છે. તેજપ્રતાપએ લખ્યું હતું કે, 'બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનશક્તિ જનતાદળના શ્યામ કિશોર ચૌધરી સુગૌલી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. થોડા દિવસો પહેલા શ્યામ કિશોર ચૌધરીએ પાર્ટી હાઇકમાન્ડ અને કેન્દ્રીય સમીતીની કોઈપણ સૂચના વગર પક્ષના નિયમો વિરુદ્ધ જઈને મહાગઠબંધનનો ટેકો મેળવવા માટે કાર્યક્રમ કર્યો હતો. આ અશિસ્ત કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. જનશક્તિ જનતાદળનું પોતાનું બંધારણ છે.'

શશી થરૂરે અડવાણીના ભરપુર વખાણ કર્યા, નહેરુ - ઇન્દીરા ગાંધી બાબતે કરી ચોંકાવનારી ટીપ્પણી

કોંગ્રેસના સાંસદ શશી થરૂર આજકાલ કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ લાગે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ એવા નિવેદન આપે છે કે, કોંગ્રેસ હાઇકમાન્ડને નીચાજોણુ થાય. હવે થરૂરએ ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીનો બચાવ કર્યો છે. અડવાણીના જન્મ દિવસે એમને શુભેચ્છા આપવા બદલ એક વકીલએ થરૂરની ટીકા કરી હતી. એમણે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે વર્ષો સુધી સાર્વજનીક સેવા કર્યા પછી કોઈ એક ઘટનાને આધારે કોઈપણ વ્યક્તિને તોલવી યોગ્ય નથી. લાલકૃષ્ણ અડવાણી ૯૮ વર્ષના થયા છે. અડવાણીને ઓનલાઇન શુભેચ્છા આપતા થરૂરે અડવાણી સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો. એમણે અડવાણીને એક સાચા નેતા કહી એમની સાર્વજનીક સેવાના ખુબ વખાણ કર્યા હતા. આ વાંચીને સિનિયર એડવોકેટ સંજય હેગડેએ થરૂરની ટીકા કરી હતી. થરૂરએ વળતા જવાબમાં કહ્યું હતું કે, જે રીતે ચીન સામેની હારને કારણે નહેરુની સંપૂર્ણ કારકીર્દી અવગણી શકાય નહીં કે, કટોકટીને કારણે ઇન્દિરા ગાંધીને બદનામ કરી શકાય નહીં એ જ રીતે અડવાણીને પણ મુલવવા જોઈએ.

દિલ્હીમાં પ્રદૂષણ વધતા જ ભાજપ પર ડેટામાં ગરબડનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજએ દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં વધેલા પ્રદૂષણ માટે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની દિલ્હી સરકાર પર છેતરપીંડી અને એર ક્વોલીટી ડેટામાં ગરબડ કરવાનો આક્ષેપ કર્યો છે. એમના આક્ષેપ પ્રમાણે જ્યારે પ્રદુષણ વધે છે ત્યારે એક્યુઆઇ મોનીટરીંગ સ્ટેશન બંધ કરી દેવામાં આવે છે અથવા તો એની ચારે તરફ આર્ટીફિશ્યલ સ્પ્રે કરવામાં આવે છે. સરકારનો ઇરાદો પ્રદૂષણ ઓછા કરવાનો નહીં, પરંતુ પ્રદૂષણના આંકડા ઓછા કરવાનો છે. દિલ્હી અને ઉત્તર ભારતમાં પ્રદૂષણ કોઈ નવી વાત નથી, પરંતુ લોકોનો ગુસ્સો સરકારની છેતરપીંડી બાબતે છે. લોકો નારાજ એટલા માટે છે કે, આ છેતરપીંડી ખુલ્લેઆમ થઈ રહી છે.

ભાજપ તેજપ્રતાપ પર મહેરબાન શા માટે

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને લાલુ પ્રસાદે પક્ષ અને કુટુંબમાંથી દુર કર્યા છે. મીડિયામાં તેજપ્રતાપ યાદવને પ્રસિદ્ધી મળી રહી છે, પરંતુ હજી સુધી એમનું રાજકીય કદ વધ્યું નથી. ઘણા રાજકીય નીરિક્ષકોને નવાઈ લાગે છે કે, ભાજપ શા માટે તેજપ્રતાપ યાદવને નજીક લાવવાની કોશિષ કરે છે. ચૂંટણી દરમિયાન તેજપ્રતાપ યાદવની સલામતીમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે એમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. હવે તેજપ્રતાપની રક્ષા કેન્દ્રીય રીઝર્વ પોલીસ ઉપરાંત સીઆરપીએફના જવાનો પણ કરશે. ભાજપ પણ જાણે છે કે તેજપ્રતાપ યાદવ રાજકીય રીતે મદદરૂપ થઈ શકે એમ નથી. એમ મનાય છે કે ફક્ત લાલુ પ્રસાદ યાદવને વિચલીત કરવા માટે જ ભાજપ તેજપ્રતાપ યાદવને પંપાળે છે. ભાજપના કેટલાક ટોચના નેતાઓ પણ તેજપ્રતાપ યાદવના સંપર્કમાં છે.

માતોશ્રી પર ડ્રોનથી નજર રખાય છે?

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રહેઠાણ માતોશ્રી બહાર ડ્રોન ઉડતું વારંવાર દેખાય છે. ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા હર્ષલ પ્રધાને આક્ષેપ કર્યો છે કે માતોશ્રીમાં રહેનારાઓ ઉપર જાસુસી કરવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. આ ડ્રોન કોણે ઉડાડયું એની તપાસ થવી જોઈએ. માતોશ્રીની સુરક્ષા પણ વધારવી જોઈએ. આદિત્ય ઠાકરેએ પણ આ બાબતે નિવેદન આપ્યું છે. બીજી તરફ એમએમઆરડીએ પણ આ આક્ષેપોને ખોટા ગણાવી સફાઈ આપી છે. ઝોન ૮ના ડીસીપી મનિષ કાલવાનીયાના કહેવા પ્રમાણે આ ડ્રોન બીકેસી ક્ષેત્રમાં ચાલી રહેલા ટેક્સી સર્વે માટે હતા. હર્ષલ પ્રધાનના કહેવા પ્રમાણે ઉદ્ધવ ઠાકરે હમણા જ મરાઠાવાડામાં પીડીત ખેડૂતોને મળ્યા હતા. ખેડૂતો સરકારથી નારાજ છે અને એટલે સરકાર ડરી ગઈ છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હસ્તક્ષેપ કરવો જોઈએ.