નવીદિલ્હી : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે આખા વિશ્વમાં ઇંધણનું સંકટ ઉભુ થયું છે. હમણા તો ભારતની સરકારે જાહેરાત કરી છે કે, યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો નહીં થાય. જોકે યુદ્ધ લાંબુ ચાલે તો ઇંધણની કટોકટી ઉભી થવાની પૂરી શક્યતા છે. નિષ્ણાંતો પણ આ બાબતે ચેતવણી આપી રહ્યા છે. જોકે કોઈ વિચત્ર કારણસર ભારત સરકારે આ પરિસ્થિતિમાં પાંચ હજાર ટન ડિઝલ પાઇપલાઇન મારફતે બાંગ્લાદેશને મોકલ્યું છે. કટોકટીના સમયમાં છ મહિના ચાલી શકે એટલો મોટો જથ્થો બાંગ્લાદેશને આપવામાં આવ્યો છે. નિષ્ણાંતો પૂછી રહ્યા છે કે આ તે કેવા પ્રકારની વિદેશનીતિ છે. બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસી)ના ચેરમેન મોહમદ રેઝાનુર રહેમાનના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશની ભારત સાથે સમજૂતી છે. આ સમજૂતી પ્રમાણે ભારતે દર વર્ષે ૧,૮૦,૦૦૦ ટન ડિઝલ બાંગ્લાદેશને પાઇપલાઇન મારફતે મોકલવાનું રહે છે. આ પાંચ હજાર ટન એ સમજૂતીનો હિસ્સો છે. જોકે હવે યુદ્ધને કારણે અસામાન્ય પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ભારતની નીતિ 'ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો' જેવી છે.
તામીલનાડુમાં રાજ્યનું ભગવાકરણ કરવાનો ભાજપ પર આક્ષેપ
તામીલનાડુમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ - પ્રત્યારોપ કરી રહ્યા છે. તામીલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીને આરોપ મૂક્યો છે કે ભાજપ રાજ્યનું ભગવાકરણ કરવા માંગે છે. ભાજપનું આ સપનું ડીએમકે કયારે પણ પૂરુ નહીં થવા દે. સ્ટાલીને એવો પણ આરોપ મૂક્યો છે કે, એઆઇડીએમકેના પ્રમુખ એડપ્પાદી કે પલાનીસ્વામી મુખ્યમંત્રી બનવાના લોભમાં ભાજપના ગુલામ બની ગયા છે. સામે ભાજપએ જવાબ આપતા કહ્યું છે કે, સ્વ. મુખ્યમંત્રી એમ કરૂણાનીધિએ ૧૯૯૯માં આ યોજના બનાવી હતી. ૧૯૯૯માં વાજપેયીના એનડીએ સાથે ડીએમકેનું જોડાણ થયું હતું. સોશ્યલ મીડિયા એક્સ પર એક પોસ્ટ લખીને તીરૂપતિએ કહ્યું છે કે, તમારા પિતા ૧૯૯૯માં તામીલનાડુને ભગવા રાજ્ય બનાવવા માંગતા હતા. કાળો અને લાલ રંગ ઐયપ્પા ભક્તો અને ઓમ શક્તિ ભક્તોના ડ્રેસ કોડની ઓળખ છે જે ભગવાનું સમર્થન કરે છે.
ઇઝરાયલી પ્રવાસીઓની માનીતી જગ્યાએ સન્નાટો
હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળાની પાસે ધર્મકોટને મીની ઇઝરાયલ કહેવામાં આવે છે. એજ રીતે કુલ્લુની પાર્વતી વેલી ખાતે આવેલા કસોલમાં વર્ષોથી ઇઝરાયલી પ્રવાસીઓ આવતા રહે છે. ઇઝરાયલ-ઇરાન વચ્ચેના યુદ્ધ પછી ઇઝરાયલના પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે. જે કોઈ પ્રવાસીઓ અહીં રહી ગયા છે તેઓ ચિંતિત છે. હિમાચલ પ્રદેશના આ બંને સ્થળે હોટલના મેન્યુ હિબુ્ર ભાષામાં જોવા મળે છે. અહીં નમસ્કારને બદલે 'શલોમ' સંભળાય છે. યહુદીઓનું સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર ખબાદ હાઉસ પણ અહીં જોવા મળે છે. આ સ્થળોએ લાંબા સમયથી રહેલા યહુદીઓ હવે પોતાના દેશને મદદ કરવા માટે ઇઝરાયલ પરત ફરવા માંગે છે. મોટા ભાગની ફલાઇટ્સ રદ થવાથી પ્રવાસીઓ ઇઝરાયલ પરત ફરી શકતા નથી.
રાષ્ટ્રપતિના સ્વાગત માટેનો પ્રોટોકોલ કેવો છે
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અધિકારીઓએ રાષ્ટ્રપતિનું અપમાન કરીને પ્રોટોકોલ જાળવ્યો નહોતો એવો આક્ષેપ થયો છે. ભારતના રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર છે. તેઓ કોઈપણ રાજ્યમાં જાય છે ત્યારે એમના સ્વાગત માટે કેટલાક ખાસ નિયમો નક્કી થયા છે. રાષ્ટ્રપતિના સ્વાગતની પ્રક્રિયાને 'વોરન્ટ ઓફ પ્રેસિડન્સ' કહેવામાં આવે છે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કોઈ રાજ્યની હદમાં પ્રવેશ કરે છે એટલે કે એરપોર્ટ પર ઉતરે છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે અગત્યની વ્યક્તિઓની યાદી પહેલેથી નક્કી હોય છે. પ્રોટોકોલ પ્રમાણે રાજ્યના પ્રથમ નાગરીક ગણાતા રાજ્યપાલ રાષ્ટ્રપતિનું સ્વાગત કરે છે. રાજ્યપાલ પછી રાજ્યના મુખ્યમંત્રીનો નંબર આવે છે. રાષ્ટ્રપતિના સ્વાગત માટે એરપોર્ટ પર આ બંનેએ હાજર રહેવું ફરજીયાત છે.
ગુરમીત રામ રહીમ પત્રકારની હત્યાના કેસમાં નિર્દોષ કઈ રીતે છૂટયા
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે દેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ૨૦૦૨ના વર્ષમાં એક પત્રકારની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. રામ રહીમના વકીલ જીતેન્દ્ર ખુરાનાના કહેવા પ્રમાણે તેઓ પહેલેથી જ કહેતા હતા કે, પત્રકારની હત્યા સાથે રામ રહીમને કોઈ સંબંધ હતો નહીં. હવે હાઇકોર્ટે પણ મારી દલીલનો સ્વિકાર કર્યો છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓની સજા કાયમ રાખવામાં આવી છે. બીજી તરફ પીડીતના વકીલે આ ચૂકાદાને નિરાશાજનક ગણાવ્યો છે. એમના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા ૨૪ વર્ષોથી કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ભલે અમારી હાર થઈ હોય પરંતુ અમે હીંમત હાર્યા નથી. અમે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારીશું. સીબીઆઇએ લાંબી તપાસ કરીને મજબૂત પુરાવા રજૂ કર્યા હતા અને રામ રહીમને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.
એલપીજી સીલિન્ડરની સંગ્રહખોરી કરનારા સામે કડક પગલા લેવાશે
દેશના કેટલાક મોટા શહેરોમાં એલપીજી સીલિન્ડરની અછત ઉભી થઈ છે. જેને કારણે રેસ્ટોરન્ટ બિઝનેસને મોટી અસર થઈ રહી છે. એકાએક ઉંઘમાંથી જાગેલી કેન્દ્ર સરકારે એલપીજી સીલિન્ડરની નફાખોરી અટકાવવા માટે અને ગેસ સંકટને ટાળવા માટે એસેન્સિયલ કોમોડીટીઝ (એમેન્ડમેન્ટ) એક્ટ એટલે કે ઇસીએ લાગુ કરવાની ચેતવણી આપી છે. ઇસીએ લાગુ થયા પછી પ્રાથમીક સેક્ટર્સને એલપીજી અને બીજા ઇંધણના સપ્લાયમાં પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારનું માનવું છે કે, કડક પગલાને કારણે હોસ્પિટલ, સ્કૂલ, સરકારી સંસ્થાઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ સેક્ટરોએ ગેસની તંગીનો સામનો નહીં કરવો પડે. એક તરફ સરકાર એમ કહી રહી છે કે છેલ્લા કેટલાક સમયથી એલપીજી ગેસના કાળાબજારમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ સબ સલામત હોવાનો પોકાર કરે છે.
જમીન વિવાદમાં એસસી - એસટી એક્ટ લગાડતા હાઇકોર્ટ નારાજ
દેશમાં દલીતો પર થતા અત્યાચારો પર લગામ કસવા બનાવવામાં આવેલા એસસી-એસટી એક્ટનો દુરઉપયોગ થતો રહ્યો છે. કલકત્તા હાઇકોર્ટે હમણા આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. એક દંપતી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરી છે. આ દંપતીને એના પડોશી સાથે લાંબા સમયથી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. જસ્ટીસ ચૈતાલી ચટર્જી દાસએ કહ્યું હતું કે, મૂળભૂત રીતે આ સિવિલ કેસ છે, પરંતુ એને જાતિવષયક અપમાન સાથે જોડીને ફોજદારી કેસ બનાવવાની કોશિષ કરવામાં આવી છે. દંપતીએ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની સામે કરવામાં આવેલી ફરિયાદ રદ કરવાની માંગણી કરી હતી. ફરિયાદમાં અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી (અત્યાચાર નિવારણ) કાયદો ૧૯૮૯ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. કોર્ટના કહેવા પ્રમાણે રેકોર્ડ જોતા એમ નથી લાગતું કે દંપતીએ પોતાના પડોશીનું એમની જાતીને કારણે અપમાન કર્યું હોય. પહેલા બંને કુટુંબો વચ્ચે સારા સંબંધો હતા.


