Get The App

દિલ્હીની વાત : પપ્પુ યાદવ અને કનૈયાના 'અપમાન' પર સંજય નિરૂપમની ટીપ્પણી

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પપ્પુ યાદવ અને કનૈયાના 'અપમાન' પર સંજય નિરૂપમની ટીપ્પણી 1 - image

નવીદિલ્હી : ચૂંટણી કમિશનર સામે વિરોધ નોંધાવવા માટે ઇન્ડિયા ગઠબંધનએ બિહાર બંધનું એલાન આપ્યું હતું. ઇન્ડિયા ગઠબંધનએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી પહેલી વખત રસ્તા પર ઉતર્યા હતા. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી જે વાનમાં બેઠા હતા એમા ચઢવાની કોશિષ કનૈયાકુમાર અને પુનિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવએ કરી હતી. જોકે સુરક્ષા કર્મચારીઓએ એ બંનેને અપમાનીત કરીને કાઢી મૂક્યા હતા. આ વિડિયો વાયરલ થયા પછી શિવસેના (એકનાથ શિંદે)ના નેતા સંજય નિરૂપમએ ફીરકી લીધી છે. મૂળ બિહારના રહેવાસી સંજય નિરૂપમએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, આરજેડીના દબાણને કારણે કોંગ્રેસે પપ્પુ યાદવ અને કનૈયાકુમારની ઇજ્જત માટીમાં મેળવી દીધી છે. આ જ રીતે કોંગ્રેસના નેતાઓએ થોડા સમય પહેલા મને અપમાનીત કર્યો હતો. કોંગ્રેસનો આ સાચો ચહેરો છે.

ઉમર ખાલીદ અને સરજીલ ઇમામ જામીનને પાત્ર નથી : તુષાર મહેતા

જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટી (જેએનયુ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદ અને સરજીલ ઇમામ ૨૦૨૦ દિલ્હી હુલ્લડના આરોપીઓ છે. દિલ્હી પોલીસએ આ બંનેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસ તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. મહેતાએ દલીલ કરી હતી કે, ખાલીદ અને સરજીલ ઇમામ સહીતના બીજા આરોપીઓ દેશને ધાર્મિક આધારે તોડવાની કોશિષ કરતા હતા. જે લોકો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેઓ જામીનના હકદાર નથી. જસ્ટીસ નવિન ચાવલા અને જસ્ટીસ સાલીંદર કૌરની બેન્ચે મહેતાની દલીલો સાંભળ્યા પછી ચૂકાદો અનામત રાખ્યો છે. મહેતાએ દલીલ કરી હતી કે, રાષ્ટ્ર વિરોધી તત્વો વોટ્સઅપ ગ્રુપ બનાવીને એકબીજાના સંપર્કમાં રહેતા હતા.

હિન્દી - મરાઠી વિવાદથી કોંગ્રેસ દુર રહી

મહારાષ્ટ્રમાં હિન્દી - મરાઠી વિવાદ ચાલી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે આવ્યા પછી હિન્દી ભાષી રાજ્યોના નેતાઓના પ્રત્યાઘાત પણ આવી રહ્યા છે. ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબે, આઝમગઢથી ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનેશલાલ યાદવ, નીરહુવા તેમ જ બિહારના પૂર્ણીયાના સાંસદ રાજેશ રજન ઉર્ફ પપ્પુ યાદવએ હિન્દી ભાષીઓ સાથે થઈ રહેલી મારપીટની ટીકા કરી હતી. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આ વિવાદથી દુર રહ્યા હતા. મુંબઈમાં યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને મરાઠી મત જોઈએ છે જ્યારે બિહારની ચૂંટણીમાં હિન્દી ભાષીઓના મત જોઈતા હોવાથી કોંગ્રેસે તટસ્થ રહેવાનું પસંદ કર્યું છે.

આર્થિક ગુનેગાર મોનિકા કપુર કોણ છે

આર્થિક ગુનેગાર મોનિકા કપુરને સીબીઆઇ પ્રત્યાર્પણ દ્વારા અમેરિકાથી ભારત લાવી હતી. મોનિકા કપુર છેલ્લા ૨૫ વર્ષથી ફરાર હતી. સીબીઆઇએ અમેરિકામાં કપુરની ધરપકડ કરી હતી. મોનિકાને અમેરિકન એરલાઇન્સ દ્વારા ભારત લાવવામાં આવી હતી. 'યુનાઇટેડ સ્ટેટ્સ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ફોર ધ ઇસ્ટર્ન ડીસ્ટ્રીક્ટ ઓફ ન્યુયોર્ક' એ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા પ્રત્યાર્પણને કારણે કપુરની કસ્ટડી ભારતને સોંપી હતી. મોનિકા કપુર મેસર્સ મોનિકા ઓવરસીઝની માલિક હતી. ૧૯૭૮ના વર્ષમાં મોનિકાએ બે ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું મોટુ કૌભાંડ કર્યું હતું. સીબીઆઇના કહેવા પ્રમાણે મોનિકા અને એના ભાઈઓએ બનાવટી દસ્તાવેજો જેવા કે શીપીંગ બીલ, ઇન્વોઇસ અને બેન્ક સર્ટીફીકેટ ઓફ એક્સપોર્ટ એન્ડ રીયલાઇઝેશન તૈયાર કર્યા હતા. બોગસ લાયસન્સ બનાવીને મોનિકાએ ડયુટી ફ્રી સોનાની આયાત કરી હતી. મોનિકાના કારનામાને કારણે દેશને ૧.૪૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી રોકવી મુશ્કેલ

કેરળના પલ્લકડ જિલ્લાની રહેવાસી નર્સ નિમિષા પ્રિયાને યમનની રાજધાની સના ખાતે ૧૬મી જુલાઈએ ફાંસી પર લટકાવી દેવામાં આવશે. ૨૦૧૭ના વર્ષમાં યમનના એક નાગરીકની હત્યા મામલે નિમિષાને ગુનેગાર ઠેરવવામાં આવી છે. ૨૦૧૧ના વર્ષમાં નિમિષા પ્રિયા નર્સ તરીકે કામ કરવા યમન ગઈ હતી. ૨૦૧૪માં એમના પતિ અને પુત્રી ભારત પરત ફર્યા હતા. યમનના એક નાગરીક તાલાલ અબ્દો મહદી સાથે મળીને નિમિષાએ ક્લીનીક શરૂ કરી હતી. નિમિષાએ આરોપ મૂક્યો હતો કે મહદીએ બોગસ દસ્તાવેજ બનાવીને એની સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરી એનું શોષણ કર્યું હતું. નિમિષા પર આરોપ છે કે ૨૦૧૭માં મહદીને બેહોશ કરવાની દવા આપી હતી જેથી પાસપોર્ટ લઈને એ ભારત પાછી ફરી શકે. જોકે દવાના ઓવરડોઝને કારણે મહદીનું મૃત્યુ થયું હતું. નિમિષા પ્રિયાને બચાવવા માટે ભારતની એમ્બેસીએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા મળી નથી.

મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે શશી થરૂર શ્રેષ્ઠ

કોંગ્રેસના સિનિયર નેતા અને તિરૂવંતપુરમના સાંસદ શશી થરૂરએ એક સર્વે રીપોર્ટ શેર કર્યો છે. આ રીપોર્ટમાં શશી થરૂરને કેરળમાં કોંગ્રેસના નૈતૃત્વવાળા સંયુક્ત લોકતાંત્રીક મોરચા (યુડીએફ) માંથી મુખ્યમંત્રીપદ માટે સૌથી યોગ્ય ચહેરો ગણાવ્યો છે. આ સર્વે કેરળ વોટ વાઇબ નામની એક અંગત એજન્સી દ્વારા કરાવવામાં આવ્યો છે. ૨૮.૩ ટકા લોકોએ થરૂરને મુખ્યમંત્રીપદ માટે શ્રેષ્ઠ ગણ્યા છે. થરૂરએ આ સમાચાર સોશ્યલ મીડિયા એક્સ પર શેર કર્યા છે. છેલ્લા થોડા મહિનાઓથી કોંગ્રેસ હાઇકમાન્ડ શશી થરૂરથી નારાજ છે. શશી થરૂર સતત નરેન્દ્ર મોદીના વખાણ કરતા રહે છે. એમ મનાય છે કે સર્વેનો રીપોર્ટ શશી થરૂરએ એટલા માટે શેર કર્યો છે કે જેથી કેટલાક કોંગ્રેસી નેતાને મેસેજ આપી શકાય.

યુપીમાં અમલદારો પ્રધાનોને ગાંઠતા નથી 

ઉત્તરપ્રદેશમાં અમલદારો અને પ્રધાનો વચ્ચનો ગજગ્રાહ અટકવાના કોઇ સંકેતો મળતાં નથી. હવે ઓદ્યોગિક વિકાસ પ્રધાન નંદગોપાલ નંદીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને લખેલો પત્ર વાઇરલ થઇ ગયો છે. તેમણે આ પત્રમાં અમલદારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે સરકારી અમલદારો સરકારી નીતિઓની અવગણના કરે છે, બેદરકારી દાખવે છે, પ્રધાનોના આદેશો માનતાં નથી અને વળના માણસોને જ ફાયદો કરી આપે છે. યોગી આદિત્યનાથ યુપીમાં બીજી મુદત માટે મુખ્ય પ્રધાન બન્યા એ પછી તેમની સરકારમાં અમલદારો સામે સવાલ કરનારા નંદી આઠમા પ્રધાન છે. તેમની અગાઉ નાયબ મુખ્ય પ્રધાન બ્રેજેશ પાઠક, કેબિનેટ પ્રધાનો આશિષ પટેલ, સંજય નિષાદ તથા રાજ્યકક્ષાના પ્રધાનો દિનેશ પ્રતાપસિંહ, જયવીરસિંહ, દિનેેશ ખાટિક અને પ્રતિભા શુક્લા પણ વિવિધ પ્રસંગે સરકારી અધિકારીઓ સામે સવાલો કરી ચૂકયા છે. 

મુખ્ય પ્રધાન યોગીને લખેલા પત્રમાં નંદીએ દાવો કર્યો છે કે છેલ્લા બે વર્ષથી વારંવાર સૂચનાઓ આપવા છતાં અમલદારો મહત્વની ફાઇલો તેમની સાથે શેર કરતાં નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે નીતિ નિયમના માળખાને ચાતરી જઇ આ અધિકારીઓ આડેધડ નિર્ણયો લે છે અને વિકાસ કામાનો ખોરંભે પાડવા ફાઇલો ગુમ કરવા જેવા હાથકંડા અપનાવે છે. પ્રધાને ગેરરીતિઓના સંખ્યાબંધ કેસો દર્શાવ્યા છે જેની સામે ઉચ્ચ સ્તરની તપાસના આદેશો આપવામાં આવ્યા છે. 

ચૂંટણીપંચે વિરોધપક્ષના નેતાઓની પોસ્ટને ગેરમાર્ગે દોરનારી ગણાવી

બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ ટાણે જ મતદાર યાદીઓનું સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન-એસઆઇઆર- કરવાના મામલે વિરોધપક્ષોના વિરોધનો સામનો કરી રહેલાં ચૂંટણીપંચે હવે સોશ્યલ મિડિયા પર જ સીધાં તેમના જવાબો આપવા માંડંયા છે. ચૂંટણી પંચ-ઇસી-એ હવે સોશ્યલ મિડિયા પર ઇસીઆઇફેક્ટચેક નામનું હેશટેગ શરૂ કર્યું છે. જેમાં વિરોધપક્ષોના ઘણાં નેતાઓની પોસ્ટને ગેરમાર્ગે દોરનારી જણાવી છે. ઇસીઆઇના સત્તાવાર એક્સ હેન્ડલ પર રાજકીય નેતાઓની એસઆઇઆર વિશેની આવી દસ પોસ્ટને પડકારવામાં આવી છે. આ પોસ્ટ કરનારા નેતાઓમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાજદના તેજસ્વી યાદવ, ટીએમસીના સાગરિકા ઘોષ અને રાજકીય કર્મશીલ યોગેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. 

રાજદના મનોજકુમાર ઝાએ એક્સ પર પોસ્ટ કરી ઇસીના વર્તનને પડકાર્યું છે. તેમણે એક્સ પર ઇસીનો પત્ર મુકી જણાવ્યું હતું કે ઇસી બિહારની મતદારયાદી સુધારણા બાબતે દસ જુલાઇ એ બેઠક યોજવા તૈયાર હતું પણ હવે તેઓ મળવાની ના પાડે છે. હું એક નાગરિક તરીકે તમને વિનંતી કરૂ છું કે તમે કોઇ રાજકીય પક્ષ વતી વર્તન ન કરશો પણ કલમ ૩૨૪ હેઠળ તમારી ફરજ બજાવશો. તમે આમ કરશો ખરા એવો સવાલ ઝાએ કર્યો હતો. 

-ઇન્દર સાહની