નવીદિલ્હી : દિલ્હી-એનસીઆર દેશની રાજધાની છે અને અહીં ઝેડ સિક્યુરીટીવાળી બે ડઝનથી વધુ વ્યક્તિઓ રહે છે. આમ જોવા જઈએ તો દિલ્હીની ગણના દેશના એક સૌથી સુરક્ષીત શહેર તરીકે થવી જોઈએ. જોકે હકીકત એવી છે કે, દિલ્હીમાં રાત્રે ૮ વાગ્યા પછી બહાર નીકળતા યુવતીઓ ડરે છે અને પોશ ગાડીમાં ફરતા ઉદ્યોગપતિઓ- બિઝનેસમેનો પણ સતત અસલામતી અનુભવે છે. ખંડણી માટે દરરોજ અપહરણો અને હત્યા થતા રહે છે. દિલ્હીના બવાના વિસ્તારમાં બિઝનેસમેન વૈભવ ગાંધીની હત્યા થઈ ત્યારે આ વાત ફરીથી સાબિત થઈ છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર બિશ્નોઇ ગેંગના ગેંગસ્ટરે આ હત્યાની જવાબદારી સ્વિકારી છે. ગેંગના કહેવા પ્રમાણે એમણે આ હત્યા લૂંટફાટ માટે નહીં, પરંતુ એક ખંડણીના કેસમાં બિઝનેસમેનએ વચેટીયાની ભૂમિકા ભજવી હોવાથી કરી છે.
નરવણેના પુસ્તકની તપાસ શરૂ, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટીની' કઈ રીતે લીક થયું એ સવાલ અત્યાર સુધી રાજકીય વર્તુળોમાં પૂછાતો હતો.
હવે આખો કિસ્સો દિલ્હી પોલીસ સમક્ષ ગયો છે. પોલીસે 'ઓપરેશન ફોર સ્ટાર્સ' શરૂ કરી દીધું છે. હવે તપાસ થશે કે જે પુસ્તક પ્રકાશીત કરવાની સહમતી ભારત સરકારે નહોતી આપી એ પુસ્તક ભારતમાં કઈ રીતે વેચાઈ રહ્યું છે? પુસ્તક કયાં છપાયું? કોણે છાપ્યું? કોણે સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યું? જેવી બાબતોની પોલીસ તપાસ કરશે. તપાસ રાહુલ ગાંધીના ઘર સુધી પહોંચશે. આખી વાત ઓફિસયલ સિક્રેટ એક્ટ અને નેશનલ સિક્યુરીટી સાથે જોડાયેલી છે. એટલા માટે પગલા પણ ગંભીર લેવાશે. જેમણે આ પુસ્તકના કન્ટેન્ટ લીક કર્યા છે એમની પૂછપરછ પણ કરવામાં આવશે.
સંભલ હિંસામાં ડીએસપી રહેલા અનુજ ચૌધરીને હાઇકોર્ટની રાહત
ઉત્તર પ્રદેશના સંભલમાં ડીએસપી રહેલા અનુજ ચૌધરીને અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપી છે. સીજેએમએ અનુજ ચૌધરી સહીત ૨૨ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સીજેએમ કોર્ટના આ હુકમ સામે સ્ટે આપ્યો છે. હવે પાંચ અઠવાડિયા પછી કેસની સુનાવણી થશે. સંભલ જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસા સંદર્ભે સંભલના તત્કાલ સીઓ અનુજ ચૌધરી અને બીજા અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમને અનુજ ચૌધરી ઉપરાંત રાજ્ય સરકારે પણ હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. સંભલમાં થયેલી હિંસા વખતે અનુજ ચૌધરી અને એની પોલીસ ટીમ ફક્ત સંભલ જ નહીં, સમગ્ર ઉત્તર પ્રદેશમાં હીરો બની ગયા હતા. અનુજ ચૌધરીની કામગીરીનો વિડિયો ખૂબ વાયરલ થયો હતો.
બિહાર વિધાન પરિષદમાં લાલુ - નિતિશના એમએલસીઓ બાખડયા
બિહાર વિધાન પરિષદમાં થયેલી ધાધલીના સમાચાર આખા દેશમાં ચમક્યા છે. સ્પિકરે તમામ વિરોધપક્ષ પર કાર્યવાહી કરી છે. સ્પિકરે એક દિવસ માટે તમામ એમએલસીને ગૃહમાંથી બહાર કાઢી મૂક્યા છે. એમણે માર્શલને હુકમ કરીને તમામ વિરોધપક્ષના એમએલસીને બહાર કઢાવ્યા હતા. ત્યાર પછી ગરમાગરમી વધી ગઈ હતી. બહાર આવીને વિરોધપક્ષે સત્તાપક્ષ પર ગંભીર આરોપો મૂક્યા હતા. એમણે કહ્યું હતું કે અમારો અવાજ દબાવવાની કોશિષ થાય છે. ગૃહમાં કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરજેડીના એમએલસી અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી નિતિશકુમારે વિરોધપક્ષના રાબડી દેવી સાથે જે વ્યવહાર કર્યો હતો એ ખોટો હતો. એમણે માફીની માંગણી કરી હતી. સ્પિકરે વિરોધ પક્ષ તરફ જોઈને કહ્યું હતું કે, તમને મારી તટસ્થતા પર સંદેહ હોય તો હું માફી માંગુ છું. આ સાંભળીને વિરોધપક્ષોએ કહ્યું હતું કે સ્પિકર હોશમા લાગતા નથી.
અજીત પવારના મૃત્યુ પછી પવાર કુટુંબમાં સત્તાના પરિધ બદલાયા
રાજકારણમાં અચાનક મૃત્યુ સત્તાના સમીકરણ બદલી નાખે છે. ભૂતકાળમાં આપણે આ જોઈ ગયા છીએ. પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે અને અજીત પવાર જેવી વ્યક્તિઓના મૃત્યુ પછી એમનો વારસો સચવાઈ ગયો છે. જોકે ત્યાર પછી જ આંતરીક સ્પર્ધા શરૂ થાય છે. અજીત પવારના મૃત્યુ પછી હવે પવાર કુટુંબ સમક્ષ એક પ્રશ્નો ઉભો થયો છે. એનસીપીએ હવે અજીત પવારના ઉત્તરાઅધિકારી શોધવા જોઈએ કે શરદ પવારના. અજીત પવાર જ્યાં સુધી હયાત હતા ત્યા સુધી શરદ પવારના ઉત્તરાઅધિકારી તરીકે એમનું નામ લેવામાં આવતું હતું. હવે અજીત પવારના પત્ની સુનેત્રા પવારે ઉપમુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા પછી લાગતુ નથી કે તેઓ શરદ પવારના ઉત્તરાઅધિકારીને સ્વિકારે. અજીત પવારના બે પુત્રોમાંથી ભવિષ્યમાં કયો પુત્ર વારસદાર બનશે એ વિશે પણ ચર્ચા થઈ રહી છે.
હેમંત બિસ્વા સરમાએ વિડિયો ડિલીટ શા માટે કર્યો
આસામ ભાજપના સોશ્યલ મીડિયા એક્સ પર એક વિવાદીત વિડિયો હટાવી લેવામાં આવ્યો છે. આ વિડિયોમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાને એક રાયફલ સાથે બતાવવામાં આવ્યા હતા. આ વિડિયોમાં એઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલો ભાગ જોડી દેવામાં આવ્યો હતો. વિડિયોમાં દાઢી અને સફેદ ટોપી પહેરેલા પુરુષોની તસવીરોને ગોળીઓ લાગતી બતાવવામાં આવી હતી. આ વિડિયો પોસ્ટ થયા પછી ખૂબ ટીકા થઈ હતી. વિરોધ પક્ષે તેમજ સામાજીક કાર્યકર્તાઓએ આ વિડિયોને ભડકાઉ અને ખતરનાક ગણાવ્યો હતો. ટીકાકારોનું કહેવું હતું કે આ વિડિયો કોઈ એક ખાસ સંપ્રદાયને નિશાન બનાવે છે અને વિડિયોને કારણે સામાજીક તણાવ વધી શકે છે. આ વિડિયોમાં 'ફોરેનર ફ્રી આસામ' અને 'નો મર્સી' જેવા વાક્યો પણ લખવામાં આવ્યા હતા.
યુનુસે ટ્રમ્પ પાસે જઈને ટેરીફ ઓછો કરાવ્યો
અમેરિકાએ બાંગ્લાદેશથી આવતા સામાન પર મુકેલો ૧૯ ટકા ટેરીફ રદ કરી નાખ્યો છે. આ નિર્ણય બંને દેશો વચ્ચેની વેપાર સમજુતી પછી લેવામાં આવ્યો છે. જો બાંગ્લાદેશમાં બનેલા કપડા માટે કાચો સામાન અમેરિકા તૈયાર કરશે તો આ કપડા પર અમેરિકામાં કોઈ ટેક્સ લાગશે નહીં. બાંગ્લાદેશમાં કામચલાઉ મુખ્ય સલાહકાર મોહમદ યુનુસ ટ્રમ્પને મળવા અમેરિકા ગયા હતા. એમણે પોતાની સફળતા વિશે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, બાંગ્લાદેશથી નિકાસ થયેલા કપડા પર ટેરીફ માફ કરવા માટે અમેરિકા તૈયાર થઈ ગયું છે. શરૂઆતમાં અમેરિકાએ બાંગ્લાદેશ સાથેની વાતચીતમાં નમતૂ જોખ્યું નહોતું. જોકે પાછળથી અમેરિકાએ કોઈ પણ કારણસર બાંગ્લાદેશની શરતો મંજૂર રાખી હતી. આ નિર્ણયને કારણે બાંગ્લાદેશનો ડુબતો કાપડ ઉદ્યોગ ફરીથી બેઠો થશે એવી શક્યતા છે.


