Get The App

દિલ્હીની વાત : નવીન પટનાયકના પક્ષ પર નેતૃત્વનું સંકટ

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : નવીન પટનાયકના પક્ષ પર નેતૃત્વનું સંકટ 1 - image

નવીદિલ્હી : ઓડિસામાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતાદળ (બીજેડી) ૨૦૨૪માં હારી ગઈ હતી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેડીનો ફિયાસ્કો થયો હતો અને સૌથી અગત્યની વાત એ છે કે ત્યાર પછી બીજેડીના સિનિયર નેતાઓ સતત પક્ષ છોડી રહ્યા છે. જમીની કેડરના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. બીજેડીએ આરોપ મૂક્યો છે કે ભાજપ રાજ્યમાં 'ઓપરેશન લોટસ' ચલાવે છે. બીજેડીના ચૂંટાયેલા કેટલાક પંચાયત અને શહેરી લોકલ બોડીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પક્ષે પોતાના ગઢ ભદ્રક જિલ્લામાં ચાર બ્લોક લેવલના નેતાઓ (બોન્થ, ભદ્રક, ભંડારી પોખરી અને વાસુદેવપુર) ભાજપમાં જોડાઈ ગયા છે. વિરોધપક્ષના નેતાઓને તોડીને પોતાના પક્ષમાં લાવવાની ટેવ ભાજપને છે. બીજા રાજ્યોમાં પણ ભાજપએ ઓપરેશન લોટસ કર્યું છે.

નવાઈની વાત, વંદે માતરમ બાબતે મમતા વડાપ્રધાનની સાથે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોગ્રેસના વડા મમતા બેનર્જીએ લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા શરૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મમતાના કહેવા પ્રમાણે એમના પક્ષને આ બાબતે કોઈ વિરોધ નથી. વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થવાના નિમિત્તે વડાપ્રધાન મોદીએ સંસદમાં ચર્ચાની શરૂઆત કરી હતી. જ્યારે મીડિયાએ મમતા બેનર્જીને આ વિશે પૂછયું ત્યારે એવી અપેક્ષા હતી કે કોંગ્રેસની માફક મમતા બેનર્જી પણ આ મુદ્દે ભાજપની ટીકા કરશે. જોકે અપેક્ષાથી વિપરીત મમતાએ કહ્યું હતું કે, 'તેઓ ભલે એમ કરતા, અમને કોઈ તકલીફ નથી.' વંદે માતરમ ગીત બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાએ લખ્યું હતું અને જાદુનાથ ભટ્ટાચાર્યએ કંપોઝ કર્યું હતું.

કોંગ્રેસ સાંસદએ નવજોત કૌર સિધ્ધુને નોટીસ મોકલી

પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેંચતાણ ચાલી રહી છે. નવજોતસિંહ સિધ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કઢાયા છે. હવે કોંગ્રેસના નેતા અને ગુરુદાસપુરના સાંસદ સુખજિંદર સિંહ રણધાવાએ ભૂતપૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિધ્ધુને બદનક્ષીની નોટિસ મોકલી છે. રણધાવાનું કહેવું છે કે નવજોત કૌર સિધ્ધુએ એમના પર ભ્રષ્ટાચારનો ખોટો આરોપ મુક્યો છે. સુખજિંદર રણધાવાના વકીલ ગુરુમુખસિંહ રધાવાએ નોટિસમાં લખ્યું છે કે, 'સાંસદનું સાર્વજનીક જીવન બેદાગ છે. એમણે પંજાબના ઉપમુખ્યમંત્રી, ધારાસભ્ય  જેવા પદો પર શ્રેષ્ઠ કામગીરી કરી છે. તમે મીડિયા સાથેની વાતચીતમાં મારા અસીલ વિરુદ્ધ ખોટા, નિરાધાર અને અપમાનજનક નિવેદનો આપ્યા છે. આ નિવેદનોને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશ્યલ મીડિયા પર ખુબ પ્રસિદ્ધિ મળી છે.'

'સર'ને કારણે સીએએવાળા શરણાર્થીઓનું શું થશે

સીએએના કાયદા હેઠળ શરણાર્થીઓ તરીકે ભારત આવેલા લોકોને વોટીંગનો હક મળી શકે કે નહીં એ બાબતે વિવાદ હતો. હવે સુપ્રિમ કોર્ટના સીજેઆઇ સૂર્યકાંતની બેન્ચે આ અસમંજસ દુર કરી દીધી છે. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોયમાલ્યા બાગચીની બેન્ચે મૌખીક ટીપ્પણી કરતા કહ્યું છે કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક અન્યાયનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓને સીએએ હેઠળ નાગરીકતા મળવી એ એમણે રજુ કરેલા પુરાવા પર નિર્ભય કરે છે. એસઆઇઆરના અભિયાનને કારણે શરણાર્થીઓના મનમાં એક પ્રકારનો ભય છે કે વોટરલીસ્ટમાં એમનું નામ સામેલ થશે કે નહીં. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, સીએએને કારણે ત્રણ પડોશી દેશોમાં ધર્મને કારણે હેરાન થયેલા લઘુમતિઓને હક મળ્યા છે. જોકે આવા શરણાર્થીઓના દાવામાં કેટલી સચ્ચાઈ છે એની તપાસ કર્યા પછી જ અધિકારીઓએ નિર્ણય લેવો જોઈએ.

દેશના ત્રણ જિલ્લાઓમાં જ હવે નક્સલવાદીઓ સક્રીય

છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં નક્ષલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિસા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી નક્ષલવાદને લગભગ નાબુદ કરવામાં આવ્યો છે. દેશની સુરક્ષા એજન્સીઓએ ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૨૯ જેટલા માઓવાદી નેતાઓને માર્યા છે. આમાંથી ૧૪ જેટલા કેન્દ્રીય સમિતિના સભ્યો અને પોલીટ બ્યુરોના સભ્યો તો આ વર્ષે જ માર્યા ગયા છે. હવે ફક્ત ત્રણ જિલ્લાઓ જ વામપંથી ઉગ્રવાદથી પ્રભાવીત છે. વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોની સંખ્યા ૨૦૧૪માં ૧૦ થી ઘટીને અત્યાર સુધીમાં પાંચ થઈ ગઈ છે. નક્ષલવાદથી પ્રભાવિત જિલ્લાની સંખ્યા ૯૧ ટકા ઘટી ગઈ છે એટલે કે ૧૨૬માંથી ફક્ત ૧૧ જિલ્લાઓ જ નક્ષલવાદથી પ્રભાવિત છે. ફરીથી નક્ષલવાદીઓને સંગઠીત થતા રોકવા માટે ખાસ યોજના બનાવવામાં આવી છે.

ધૂરંધર જોયા પછી બલુચિસ્તાનના નેતાની ચોંકાવનારી વાત

હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ધૂરંધર બોક્ષ ઓફિસ પર હીટ ગઈ છે અને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં પાકિસ્તાનના આતંકવાદ વિશે વાત કહેવામાં આવી છે. આ ફિલ્મને કારણે પાકિસ્તાનીઓ ચોંકી ગયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. ફિલ્મ રિલિઝ થયા પછી ફિલ્મ પર બલુચોને બદનામ કરવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. બલુચિસ્તાનના નેતા મીરયાર બલોચએ ફિલ્મ જોયા પછી એ કારણે નારાજગી જાહેર કરી છે કે ફિલ્મમાં ભારત અને બલુચીસ્તાનના સંબંધોને નકારાત્મક રીતે બતાવવામાં આવ્યા છે. બલુચીસ્તાન ગેંગસ્ટર સાથે સંબંધ નથી રાખતું અને આઝાદી માટે લડી રહેલા બલુચોએ કયારે પણ ૨૬ /૧૧ મુંબઈ આતંકવાદી હુમલાનો આનંદ મનાવ્યો નથી. એમના કહેવા પ્રમાણે તેઓ પોતે જ પાકિસ્તાની આતંકવાદનો ભોગ બન્યા છે.

'તમે બુલડોઝર લઈ જઈને બધુ ખતમ નહીં કરી શકો'

અજમેર શરીફ દરગાહનો કેટલોક હિસ્સો તોડવા બાબતે દિલ્હી હાઇકોર્ટે પ્રશ્નો કર્યા છે. કોર્ટે કહ્યું છે કે સરકાર અસ્પષ્ટ નોટિસને આધાર બનાવીને કાર્યવાહી નહીં કરી શકે. કોર્ટનું કહેવું હતું કે સ્પષ્ટતા વગર અથવા તો યોગ્ય જાણકારી વગર કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. જસ્ટીસ સચીન દત્તાએ કહ્યું હતું કે ૧૩મી સદીની સુફી દરગાહની કોઈપણ મીલકત તોડતા પહેલા હિતધારકોને કારણદર્શક નોટીસ આપવી જોઈએ. એમણે કહ્યું કે, સરકારે કુદરતી ન્યાયના નિયમોનું પાલન કરવું જોઈએ. એટલે કે પક્ષને પોતાની વાત રજુ કરવાની તક મળવી જોઈએ. હાઇકોર્ટે ટીપ્પણી કરી હતી કે, 'તમે ફક્ત બુલડોઝર લઈ જઈને બધુ ખતમ કરી શકો નહીં. તમારી નોટીસ અસ્પષ્ટ છે.' દરગાહના ખાદીમ સૈયદ મહેરાજ મીયાએ અપીલ દાખલ કરી હતી.'