Get The App

અખિલેશની 'એબીસીડી'ને ઓમ પ્રકાશ રાજભરનો જવાબ

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
અખિલેશની 'એબીસીડી'ને ઓમ પ્રકાશ રાજભરનો જવાબ 1 - image

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના રાજકારણમાં આજકાલ 'એબીસીડી'નો વિવાદ વકર્યો છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. અખિલેશ યાદવએ જ્યારે સત્તાપક્ષ ભાજપ સરકારને 'એબીસીડી' બાબતે ઘેર્યું હતું ત્યારે પ્રદેશના કદાવર મંત્રી ઓમ પ્રકાશ રાજભરએ એજ 'એબીસીડી'થી વળતો પ્રહાર કર્યો હતો. એમણે કહ્યું હતું કે, 'જો સમાજવાદી પાર્ટીને ખરેખર 'એબીસીડી' આવડતી હોત તો એમનો પક્ષ સત્તાની બહાર નહીં હોત. સમાજવાદી પાર્ટીએ સત્તામાં રહીને જે 'એબીસીડી' સ્વિકારી હતી એને કારણે ઉત્તર પ્રદેશની હાલત બગડી ગઈ હતી. એમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, એ એટલે અરાજકતા, બી એટલે ભ્રષ્ટાચાર, સી એટલે ચોર, ડી એટલે દલાલી ... આ રીતે એમણે ઝેડ સુધી નવી નામાવલી બનાવી હતી.'

'શાંભવી માટે અમે ટિકિટ ખરીદી તો ચિરાગ પાસવાન સારા કઈ રીતે

જન સુરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર, બિહારના સિનિયર મંત્રી અશોક ચૌધરીને વારંવાર ટાર્ગેટ કરે છે. પ્રશાંત કિશોરએ આક્ષેપ કર્યો હતો કે, અશોક ચૌધરીના પુત્રી શાંભવી ચૌધરી માટે સંસદની ટિકિટ પૈસા આપીને લેવામાં આવી હતી. પ્રશાંત કિશોરના આ આક્ષેપ સામે લાલચોળ થઈ ગયેલા અશોક ચૌધરીએ સંભળાવ્યું હતું કે, એક તરફ પી કે કહે છે કે એમણે ટિકિટ ખરીદી છે અને બીજી તરફ તેઓ ચિરાગ પાસવાનને સારા નેતા ગણાવે છે. અશોક ચૌધરી જેડીયુના સિનિયર નેતા છે અને એમના પુત્રી શાંભવી સમસ્તીપુર ક્ષેત્રમાંથી ચિરાગ પાસવાનના પક્ષ લોક જનશક્તિ પાર્ટી - રામવિલાસ (એલજેપી -  આર)ના સાંસદ છે. અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે બદનક્ષીની ફરિયાદ પણ દાખલ કરી છે.

કેજરીવાલ સહિત આપના નેતાઓને સમન્સ મોકલવાની તૈયારી

દિલ્હી વિધાનસભાના કમ્પાઉન્ડમાં આવેલા ફાંસીઘર બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તકરાર ચાલી રહી છે. સ્પિકર વિજેન્દ્ર ગુપ્તા ઇતિહાસ ટાંકીને આ વાત ખોટી પુરવાર કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી વિધાનસભામાં આ બાબતે દલીલબાજી ચાલુ છે. કિસ્સાની ખરાઈની જવાબદારી વિશેષાધિકાર સમિતિને આપવામાં આવી છે. જરુર પડશે તો અરવિંદ કેજરીવાલને સમન્સ પણ મોકલવામાં આવશે. સ્પિકર વિજેન્દ્ર ગુપ્તાએ ગૃહને કહ્યું હતું કે ૨૦૨૨માં તત્કાલીન મુખ્યમંત્રી કેજરીવાલએ જે સ્થળને ફાંસીઘર તરીકે ગણાવીને ઉદઘાટન કર્યું હતું એ ખરેખર તો ટિફિનરૂમ હતો. ૧૯૧૨ના વિધાનસભા ગૃહનો નકશો બતાવીને એમણે કહ્યું હતું કે, કોઈ એવો પુરાવો નથી કે વિવાદાસ્પદ સ્થળનો ઉપયોગ ફાંસી આપવા માટે કરવામાં આવતો હતો.

સીજેઆઇ સામે વિચિત્ર દલીલ, ૨૩ હજાર કરોડ રૂપિયા વહેચી દેવામાં આવે

દેશના સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રિમ કોર્ટના ચિફ જસ્ટીસની કોર્ટમાં કહ્યું હતું કે, ઇડીને જે ૨૩ હજાર કરોડ રૂપિયા બ્લેકમનીના મળ્યા છે એને પીડિતોમાં વહેચી દેવામાં આવે. મહેતાએ જ્યારે કોર્ટમાં આ કહ્યું ત્યારે કોર્ટમાં સન્નાટો પ્રસરી ગયો હતો. બધા જ સોલીસીટર જનરલને જોવા માંડયા હતા. સીજેઆઇ ગવઈ અને જસ્ટીસ સતીષચંદ્ર શર્માની બેન્ચ ભૂષણ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના કેસમાં એક સમાધાન યોજના બાબતે અપાયેલા જૂના ચૂકાદાની ફેર તપાસણી કરી રહ્યા હતા. મેં મહિનામાં સુપ્રિમ કોર્ટે સમાધાન અરજી કાઢી નાખતા એને ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી)નો ભંગ ગણાવ્યું હતું. જોકે ત્યાર પછી સીજેઆઇ ડી આર ગવઈની બેન્ચે અરજી પર પૂનવિચાર કરવાનું નક્કી કર્યું હતું. દલીલ દરમિયાન ઇડીનો ઉલ્લેખ થતા ન્યાયાધિશે કહ્યું હતું કે અહીં પણ ઇડી? એ વખતે સોલીસીટર જનરલએ ઉપર મુજબનું નિવેદન કર્યું હતું.

ટ્રમ્પ સાથે કઈ રીતે પનારો પાડવો એ મેલાનિયાને પૂછો

રોજ નીતનવા વિચિત્ર નિવેદનોને કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા આજે ભારતમાં પણ થઈ રહી છે. ભારત પર વધારાના ટેરીફ નાખવા બાબતે ર્કાંગ્રેેસના સાંસદ શશી થરૂરએ કટાક્ષ કર્યો છે. એક મુલાકાતમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ટ્રમ્પ સાથે કેવી રીતે કામ લેવું જોઈએ. થરૂરએ તરત જ મજાકીયા ટોનમાં કટાક્ષ કર્યો હતો કે, 'હવે આ વાત તમારા પત્ની મેલાનિયાને પૂછવી જોઈએ. મેલાનિયા ટ્રમ્પને કઈ રીતે ટ્રીટ કરતી હશે એ જાણવું જરૂરી છે.' થરૂરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, જો વાતચીત પછી પણ ભારત પર ૫૦ ટકા ટેરીફ ચાલુ રહ્યો તો આપણે પણ એવું જ કરવું જોઈએ. થરૂરએ ટ્રમ્પની સરખામણી સ્કૂલના મેદાન પર ટપોરીગીરી કરનાર છોકરા સાથે કરી હતી.

ચૂંટણી કમિશનએ તેજસ્વી યાદવને ત્રીજો પત્ર મોકલ્યો

બિહાર વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવએ જે ઇપીક કાર્ડનું ઉદાહરણ આપીને મતદાર યાદીમાંથી નામ કાઢવાનો દાવો કર્યો હતો એ વાત હવે ગંભીર બની રહી છે. દીઘાના ચૂંટણી કમિશન અધિકારીએ આરએબી - ૨૯૧૬૧૨૦ સંખ્યાવાળા ઇપીક કાર્ડની માહિતી કે એની મૂળ કોપી નહી મળતા તેજસ્વી યાદવને બીજો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેજસ્વી યાદવને ઇપીક કાર્ડ જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યાર પછી લખેલા ત્રીજા પત્રમાં ફરીથી ચૂંટણી અધિકારીએ આ વાત રીપીટ કરી છે. તેજસ્વી યાદવએ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદી ચકાસણીની ટીકા કરતા કેટલાક પુરાવા રજૂ કર્યા હતા.

બિહારના રાજકારણમાં 'સરનેમ'નું મહત્ત્વ

બિહારમાં અટકનું મહત્ત્વ ખુબ છે. અહીં મોટા ભાગના લોકો અટક જાણવાનો ખાસ આગ્રહ રાખે છે. અંગ્રેજ ઇતિહાસકારોએ ભારતીય રાજાઓના નામની પાછળ સરનેમ લગાડવાની શરૂઆત કરી હતી. આ પ્રથા આજે પણ ચાલુ છે. ૮૦ના દાયકામાં બિહારના મુખ્યમંત્રી રહેલા જગન્નાથ મિશ્રાએ પોતે આધુનિક છે એ બતાવવા માટે અટક હટાવી દીધી હતી. ફક્ત ડો. જગન્નાથ લખતા હતા. ૯૦ના દાયકામાં જ્યારે લાલુપ્રસાદ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની અટક પ્રસાદ હતી, પરંતુ યાદવ મતદારોનો ટેકો મેળવવા માટે એમણે યાદવ સરનેમ લગાડી હતી. યાદવ સમાજના જે લોકો નામની સાથે સિંહ લખતા હતા તેઓએ યાદવ જોડવાનું શરૂ કર્યું. એજ રીતે કેટલાક દલીત નેતાઓ ચૂંટણી સમયએ પોતાની અટક તમામ પ્રચાર સાહિત્યમાં લખતા હતા અને હજી પણ લખે છે. જ્યારે બિહારના રાજકારણમાં પછાત જ્ઞાાતિનું વર્ચસ્વ વધ્યું ત્યારથી સવર્ણો પોતાની અટક છૂપાવવા માંડયા.