નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ૧૫ રાજકીય પક્ષો સામે પગલા લેવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. છેલ્લા છ વર્ષથી એક પણ ચૂંટણી નહીં લડેલા પક્ષોને નોટીસ આપવામાં આવી છે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહીને કેટલાક પક્ષોએ સ્પષ્ટતા આપી છે. જોકે મોટા ભાગના પક્ષો કારણ બતાવ નોટીસનો જવાબ આપવા માટે ચૂંટણી કમિશનની ઓફિસે પહોંચ્યા જ નહોતા. આવા તમામ પક્ષોનો રીપોર્ટ દેશના મુખ્ય ચૂંટણી કમિશનને પહોંચાડવામાં આવ્યો છે. ચૂંટણી કમિશનના જણાવ્યા પ્રમાણે આ પક્ષોએ ૨૦૧૯થી કોઈપણ ચૂંટણીમાં ભાગ લીધો નથી. લોકપ્રતિનિધિત્વ નિયમ ૧૯૫૧ હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને ઘણી સગવડો મળે છે. જો આ પક્ષો નિષ્ક્રિય રહે તો એમની માન્યતા અને એમને મળતા લાભ રદ થઈ જાય છે.
રાહુલ ગાંધીના વિવાદીત નિવેદને મુશ્કેલી વધારી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના એક વિવાદીત નિવેદનને કારણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનની મુશ્કેલી વધી ગઈ છે. ઓડિસાના ઝારસુઉડા પોલીસે રાહુલ ગાંધી ફાઉન્ડેશનને નોટીસ આપીને વિદેશથી મળતા ફંડ અને નાણાકીય લેણ-દેણનો રેકોર્ડ માંગ્યો છે. આક્ષેપ પ્રમાણે રાહુલ ગાંધીએ આરએસએસ - ભાજપની ટીકા કરીને 'ભારત વિરુદ્ધ લડવાની વાત કરી હતી. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને બીએનએસએસ ૨૦૨૩ની કલમો હેઠળ નોટીસ મોકલવામાં આવી છે. રાહુલ ગાંધી ફાઉન્ડેશનના નાણાકીય ડિરેક્ટર સંદીપ આનંદને ૪થી નવેમ્બરે તપાસ કરનાર અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. તપાસ અધિકારી ઉમાશંકર સિંહે સંદીપ આનંદ પાસેથી ફાઉન્ડેશનના જૂન ૧૯૯૧થી અત્યાર સુધી મળેલા ડોનેશનનું બ્રેકઅપ માંગ્યું છે. ફાઉન્ડેશનના જે બેંક ખાતાઓમાં વિદેશી ફંડ જમા થયું છે એની વિગતો પણ માંગવામાં આવી છે. આ ઉપરાંત ફાઉન્ડેશનના ઓડિટરોના નામ, એફસીઆરએ લાયસન્સ અને ૨૦૧૧માં ઝાકીર નાયક તેમજ ૨૦૦૫ - ૦૬માં ચીન સરકાર પાસેથી મળેલા ડોનેશન બાબતે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે.
પોર્ટુગલમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધાક
પોર્ટુગલમાં લોરેન્સ બિશ્નોઇએ જે કંપની પર ફાયરીંગ કરાવ્યું હતું એની બીજી હકીકતો હવે બહાર આવી છે. જાણવા મળ્યા પ્રમાણે લોરેન્સ બિશ્નોઇ ગેંગે થોડા દિવસો પહેલા પોર્ટુગલના લિસ્બન શહેરમાં રોમી કિંગ એન્ડ પ્રિન્સ કંપની પર ફાયરીંગ કરાવ્યું હતું. આ ફાયરીંગનો વિડિયો પણ બહાર આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઇ ગેંગે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફાયરીંગની જવાબદારી લીધી હતી. હવે પોર્ટુગલના બિઝનેસમેન રોમી કિંગએ આ બાબતે વધુ માહિતી આપી છે. બિશ્નોઇ ગેંગના રણદીપ મલિકે રોમી કિંગની કંપની પર ફાયરીંગ કરાવ્યું હતું. રણદીપ મલિક અમેરિકા રહે છે. મલિક ભારતના મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે. રોમી ૨૦૧૩થી પોર્ટુગલમાં રહે છે. જ્યારે કંપનીની ઓફિસ પર ફાયરીંગ થયું ત્યારે રોમી ઓફિસમાં હતા નહીં. રોમી પર લોરેન્સ બિશ્નોઇ ગેંગના ધમકી આપતા ફોન પણ દરરોજ આવે છે.
સપા નેતાએ નિતિન ગડકરીના વખાણ કર્યા
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી માટે એમ કહેવાય છે કે તેઓ ભાજપના ટોચના નેતાઓની ગુડબુકમાં નથી. આરએસએસની નજીક હોવાથી નિતિન ગડકરીને અડવાની હીંમત કોઈ કરતું નથી. કેટલાક વિરોધપક્ષો નિતિન ગડકરી પર મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે. જોકે નવાઈની વાત એ છે કે, સમાજવાદી પાર્ટીના નેતાએ નિતિન ગડકરીના ભરપુર વખાણ કર્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના ભૂતપૂર્વ વિરોધપક્ષના નેતા રામ ગોવિંદ ચૌધરીએ કહ્યું છે કે, મોદી સરકારમાં ગડકરી સૌથી સારૂ કામ કરે છે અને તેઓ શ્રેષ્ઠ વક્તા છે. જોકે સાથે સાથે રામ ગોવિંદ ચૌધરીએ એમ પણ કહ્યું છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવની લોકપ્રિયતા દેશમાં વધી છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી હોવા છતાં લોકો અખિલેશ યાદવને વધુ પસંદ કરે છે. ગડકરીના વિભાગ સિવાય લોકો માટે કોઈ કામ કરતું નથી.
શશી થરૂરએ સોનિયા ગાંધીનો લેખ શેર કર્યો
છેલ્લા કેટલાક સમયથી શશી થરૂર અને કોંગ્રેસ હાઇકમાન્ડ વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું. એવી વાત પણ ચાલતી હતી કે, શશી થરૂર હવે કોંગ્રેસ છોડીને ભાજપની કંઠી બાંધશે. જોકે શશી થરૂરે આ માન્યતા ખોટી ઠેરવીને સોશ્યલ મીડિયા એક્સ પર સોનિયા ગાંધીનો એક લેખ પોસ્ટ કર્યો છે. સોનિયા ગાંધીએ નિકોબારના ડેવલોપમેન્ટ માટે બનાવેલી યોજનાનો વિરોધ કરતો લેખ લખ્યો હતો. શશી થરૂરએ પણ આ લેખને યોગ્ય ગણાવી એને ગંભીર મુદ્દો બતાવ્યો છે. શશી થરૂરએ એમ પણ લખ્યું છે કે સરકારે નિકોબાર ટાપુના વિકાસ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે. શશી થરૂરનું માનવું છે કે ટાપુના વિકાસની વાત ઠીક છે, પરંતુ એની સાથે પર્યાવરણ બાબતનો વિચાર પણ થવો જોઈએ. કોંગ્રેસના વર્તુળમાં એમ મનાય છે કે, શશી થરૂર અને હાઇકમાન્ડ વચ્ચેની ગેરસમજ હવે દુર થઈ છે.
70 બેઠકો પર ઠાકુરો જીતી શકે કે જીતાડી શકે એમ છે
બિહારના સારણથી સાંસદ તરીકે ચૂટાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું છે કે બિહારમાં વિધાનસભાની ૭૦ બેઠકો એવી છે કે જ્યા રજપુત સમાજના લોકો ક્યાં તો જીતી શકે છે ક્યાં જીતાડી શકે છે. બિહારના જ્ઞાતિ સર્વેમાં રજપુતોની વસ્તી લગભગ ૩૦.૫૦ ટકા જેટલી છે. આ બાબતે નારાજગી વ્યક્ત કરતા રૂડીએ કહ્યું છે કે, બધા માને છે તો પોતે પણ માની લે છે, પરંતુ એ હિસાબે પણ ૪૦ - ૫૦ લાખ લોકોની સંખ્યા દેશના ૭ રાજ્યોની વસ્તી કરતા વધારે છે. બિહારમાં હજી સુધી રજપુત સમાજ પાસે કોઈ ગેરંટર હતો નહીં. જે એમની યાત્રા દરમિયાન મળી ગયો. એમણે કહ્યું હતું કે, 'બિહારમાં દરેક પ્રકારના ગેરંટર છે. લાલુ યાદવ, યાદવ સમાજના ગેરંટર છે. નિતિશકુમાર કુરમી સમાજના ગેરંટર છે. જીતનરામ માંઝી, માંઝી સમાજના ગેરંટર છે. રજપુત સમાજના ગેરંટર કોઈ નથી.'
જામીન માટે ગુલફીસા ફાતિમા સુપ્રિમ કોર્ટ પહોંચ્યા
૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં થયેલા કોમી હુલ્લડોના આરોપી ગુલફીસા ફાતિમાએ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કર્યો છે. ગુલફીસાની જામીન અરજી દિલ્હી હાઇકોર્ટે રદ કરી દીધી હતી. હાઇકોર્ટે ફાતિમા ઉપરાંત ઉમર ખાલીદ અને સર્જીલ ઇમામ સહીત ૮ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનની આડમાં હિંસાના કાવતરાને પરવાનગી આપી શકાય નહીં. સીએએ વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં આગળ રહેલા ફાતિમાને ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં પકડવામાં આવ્યા હતા. એમની સામે યુઇપીએ સહિત બીજી કલમો દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસએ ચાર્જશીટમાં એમની સામે કોમવાદી હુલ્લડોના કાવતરા ઉપરાંત બીજા આક્ષેપો પણ કર્યા છે.


