Get The App

દિલ્હીની વાત : નાણામંત્રી નિર્મલા સીતારમણને ફટકો

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : નાણામંત્રી નિર્મલા સીતારમણને ફટકો 1 - image

નવીદિલ્હી : રાઉઝ એવન્યુ સ્થીત આવેલી કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ફરિયાદ ફગાવી દીધી છે. નાણામંત્રીએ બદનક્ષીના એક કેસમાં આપના ભૂતપૂર્વ ધારાસભ્ય સોમનાથ ભારતીની પત્ની માટે વકીલાત કરતા રોકવાની અરજી કરી હતી. વધારાના મુખ્ય ન્યાયાધીશ પારસ દલાલે કહ્યું હતું કે, કાયદાકીય દ્રષ્ટીએ પતિ અને પત્ની જુદી વ્યક્તિઓ છે અને બંનેના નાણાકીય હીત અલગ હોય શકે છે. પતિ અથવા પત્નની દ્વારા એક બીજા માટે કેસ લડવો કે બચાવ કરવો એમા કઈ ખોટું નથી. કોર્ટે કહ્યું કે સીતારમણ સુનાવણી જોઈ શકે છે, પરંતુ એમની દલીલ ત્યા સુધી નહીં સંભળાશે જ્યા સુધી ફરિયાદી અને સાક્ષીઓની પૂછતાછ નહીં થાય. સીતારમણ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, ભારતીને સાક્ષી તરીકે બોલાવી શકાય એમ હતા એટલે હીતોના ટકરાવનો મુદ્દો ઉભો થયો છે.

જ્ઞાતિ આધારીત રેલી પર પ્રતિબંધ મુકાયો, પરંતુ કોંગ્રેસે રસ્તો કાઢયો

જ્ઞાતિ આધારીત રાજકારણને ટાળવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે જ્ઞાતિ આધારીત રેલી પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે કેટલાક રાજકીય પક્ષો હવે આ બાબતે પોતપોતાની રીતે રસ્તો કાઢી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોંગ્રેસ ઝઝૂમી રહી છે. ઉત્તર પ્રદેશની કોઈ જ્ઞાતિ પર કોંગ્રેસની પકડ જણાતી નથી. આ પ્રતિબંધને નાથવા માટે કોંગ્રેસના કેટલાક નેતાઓએ પછાત વર્ગ અને દલિત વર્ગ સંબંધીત વર્ષોથી પેન્ડીંગ મુદ્દાઓ તારવી કાઢયા છે. ૧૪મી ઓક્ટોબરે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જાટોની વચ્ચે પીડીતોની માંગ બાબતે થનારી ચર્ચાથી આની શરૂઆત થશે. થોડા સમય પહેલા જાતિવાદ રાજકારણ પર ફક્ત સ્થાનીક પક્ષો આધાર રાખતા હતા. જોકે સામાન્ય વર્ગની માફક ઓબીસી અને દલીત વર્ગ પર પણ ભાજપની પકડ મજબૂત થયા પછી રાહુલ ગાંધીએ પોતાનું રાજકારણ જાતીવાદ પર કેન્દ્રીય કર્યું છે.

અખિલેશ યાદવએ આઝમ ખાનને માથા પર બેસાડયા

હમણા જ જેલમાંથી છૂટેલા ઉત્તર પ્રદેશના નેતા આઝમ ખાન પર અખિલેશ યાદવ વરસી ગયા છે. મુસ્લિમ મતદારો પર અખિલેશ યાદવનો મજબૂત પ્રભાવ છે. આઝમ ખાન સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવએ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં અખિલેશ યાદવએ આઝમ ખાનને ખૂબ પંપાળ્યા હતા. મુલાકાત પુરી થયા પછી અખિલેશ યાદવએ કહ્યું હતું કે, આઝમ ખાન તો પક્ષની ધડકન છે. એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે. એમને કોઈપણ કારણવગર જેલમાં રાખવામાં આવ્યા હતા. સમાજવાદી પક્ષ આઝમ ખાનની સાથે છે અને હંમેશા સાથે જ રહેશે. અખિલેશ યાદવએ મુલાકાત પછી એક ટ્વીટ પણ કર્યું છે. એમણે લખ્યું છે કે, 'એ મુલાકાતની દાસ્તાન શું કહું. અમે ચૂપ રહીને જ ઘણી બધી વાતો કરી.' અખિલેશ યાદવએ સોશ્યલ મીડિયા પર આઝમ ખાન સાથેની મુલાકાતની તસવીર  પણ શેર કરી હતી.

જ્યોતિ સિંહે ફરીથી પવનસિંહને ભીંસમા લીધા

ભોજપુરી અભિનેતા અને રાજકારણી પવન સિંહનો કૌટુંબિક વિવાદ હવે વધી રહ્યો છે. બે દિવસ પહેલા પવન સિંહે પત્ની જ્યોતિ સિંહ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. હવે એના જવાબમાં જ્યોતિ સિંહે પવન સિંહના દરેક સવાલના જવાબ આપ્યા છે. જ્યોતિ સિંહે કહ્યું હતું કે, જે વ્યક્તિ પક્ષમાં ૧૫ વર્ષ સુધી કામ કરતો હોવા છતાં પોતે ટીકીટ મેળવી શક્યો નહોતો તે મને શું ટીકીટ અપાવવાનો હતો. જ્યોતિએ પતિ પવન સિંહ પર ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જ્યોતિ સિંહ આરજેડી સાથે સંપર્કમાં છે. ચૂંટણી લડવા માટે જ્યોતિએ આરજેડીના ઘણા નેતાઓ સાથે મુલાકાત પણ કરી છે. જ્યોતિ સિંહે તો આગળ વધીને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી પાસે પણ ન્યાય માંગ્યો છે.

એનડીએમાં બેઠક વહેંચણી બાબતે ખેંચાખેંચ

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બેઠકોની વહેંચણી બાબતે એનડીએમાં સમાધાન શક્ય થયું નથી. જેડીયુ અને ભાજપ પોતાની બેઠકો નક્કી કરતા પહેલા સાથી પક્ષોની સમસ્યા ઉકેલવા માંગે છે. આ બાબતની જવાબદારી ભાજપને સોંપવામાં આવી છે. જેડીયુએ ભાજપને સ્પષ્ટ કહ્યું છે કે, પહેલા સાથી પક્ષો લોજપા (રા) રાલોમો અને હમ વચ્ચે બેઠકોની વહેંચણી નક્કી કરવામાં આવે. ત્યાર પછી જેડીયુ અને ભાજપ બેઠકો વહેંચી લેશે. બેઠક વહેંચણીની ફોર્મ્યુલા પ્રમાણે બાકી વધેલી બેઠકો ભાજપ અને જેડીયુ સરખે ભાગે વહેંચી લેશે. છેલ્લા બેત્રણ દિવસથી ચાલી રહેલી ચર્ચામાં પણ બધાએ એવું નક્કી કર્યું છે કે, પહેલા નાના પક્ષોને મનાવી લેવામાં આવે. ચિરાગ પાસવાનની લોજપા (રા) એ ૪૦ બેઠકોની માંગણી કરી છે.

દસ વાર વિધાનસભાની ચૂંટણી જીતવાના રેકોર્ડ બિહારની ચૂંટણીમાં તૂટી શકે એમ છે

બિહારમાં એવા પણ નેતા છે કે જેઓ દસમી વખત વિધાનસભાની ચૂંટણી લડીને રેકોર્ડ બનાવી શકે એમ છે. જેડીયુના હરીનારાયણસિંહ ૯ વખત વિધાનસભાની ચૂંટણી જીતી શક્યા છે. તેઓ હજી સક્રિય રાજકારણમાં છે. હરીનારાયણસિંહ હરનોતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ ૧૯૭૭માં પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા અને ત્યાર પછી ૯ વખત ચૂંટાયા છે. જો આ વખતે પક્ષ એમને ફરીથી ટીકીટ આપે અને તેઓ જીતે તો સૌથી વધુ વખત વિધાનસભામાં પહોંચનાર તેઓ પ્રથમ હશે. અત્યાર સુધી ૧૦ વખત બિહાર વિધાનસભાની ચૂંટણી કોઈએ જીતી નથી. ૯ વખત વિધાનસભાની ચૂંટણી જીતવાનો રેકોર્ડ ત્રણના નામે છે. હરીનારાયણસિંહ ઉપરાંત સદાનંદસિંહ અને રમઈરામ પણ ૯ વખત ચૂંટણી જીતી શક્યા છે.

યુએનએ અહીં શોરૂમ ખોલી રાખ્યો છે, સુપ્રિમ કોર્ટની તીખી ટીપ્પણી

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતએ યુનાઈટેડ નેશન્સ પર તીખી ટીપ્પણી કરી છે. યુએનની એક એજન્સીએ ભારતમાં પ્રવાસીઓને 'શરણાર્થી કાર્ડ' આપવા બાબતે આકરી ટીકા કરી છે. જસ્ટીસ કાંતે કહ્યું છે કે, 'એમણે અહીંયા શોરૂમ ખોલી નાખ્યો છે. અને પ્રમાણપત્ર વહેંચી રહ્યા છે.' જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલિયા બાગચીની બેન્ચ સુદાનની એક વ્યક્તિએ કરેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ વ્યક્તિ ૨૦૧૩થી ભારતમાં રહે છે. અરજીકર્તાએ એવી દલીલ કરી હતી કે, એની પત્ની અને બાળકોને યુનાઇટેડ નેશન્સએ' શરણાર્થી કાર્ડ' આપ્યું છે. એનું કહેવું હતું કે, ઓસ્ટ્રેલિયામાં શરણાર્થી તરીકે જવા માટેની પ્રક્રિયા ચાલુ છે એ દરમિયાન એને ભારતમાં રહેવા દેવામાં આવે.