Get The App

ઉત્તર-પુર્વથી બંગાળ સુધી ભાજપ તકલીફમાં, બળવાખોરીથી પક્ષ ચિંતિત

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર-પુર્વથી બંગાળ સુધી ભાજપ તકલીફમાં, બળવાખોરીથી પક્ષ ચિંતિત 1 - image

નવીદિલ્હી: દેશના રાજકારણમાં ભાજપની મુશ્કેલી વધી રહી છે. ઉત્તર-પુર્વથી માંડીને ઓડિસા અને બંગાળ સુધી એમના સાથીદારો અને નેતાઓ અલગ થઈ રહ્યા છે. સ્થાનીક પક્ષો અસ્મિતાના નામે પોતાનો રસ્તો શોધી રહ્યા છે. મમતાના રાજકારણ અને આર કે સિંહના બળવા પછી પક્ષમાં ધરતીકંપ થઈ ગયો છે. કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી ભાજપએ ઉત્તર - પૂર્વ રાજ્યો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આ માટે એક નવી પોલીસી પણ બનાવવામાં આવી હતી. તમામ જવાબદારી હિમંતા બિસ્વા સરમાને આપવામાં આવી હતી. જોકે વિવિધ જૂથમાં વહેચાયેલા લોકોને એક સાથે રાખવામાં તેઓ પણ નિષ્ફળ ગયા છે. એક જમાનામાં ભાજપના સાથીદાર પક્ષો પણ હવે અલગ થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા નાગાલેન્ડના એનડીપીપીએ એનટીએસ સાથે જોડાઈ જવાનો નિર્ણય કર્યો છે.

સોનિયા-રાહુલને વિદેશી કહેનાર જયપ્રકાશ ફરીથી બીએસપીમાં

બહુજન સમાજ પાર્ટીના ભૂતપૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ તેમજ નેશનલ કોઓર્ડીનેટર જયપ્રકાશ ફરીથી પક્ષમાં પરત ફર્યા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને વિદેશી કહેવાને કારણે એમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે બીએસપીના સુપ્રિમો માયાવતીએ એમને પક્ષમાં પાછા લઈને પશ્ચિમ બંગાળ અને ઓડિસાના પ્રભારી બનાવ્યા છે. જયપ્રકાશને ૮ વર્ષ સુધી પક્ષમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. સોનિયા અને રાહુલ બાબતે એમણે કરેલા નિવેદનથી બીએસપીના સિનિયર નેતાઓ નારાજ થઈ ગયા હતા. જયપ્રકાશ બીએસપી સાથે વર્ષોથી સંકળાયેલા હતા. જયપ્રકાશ જાતવ સમાજમાંથી આવે છે અને માયાવતીના નજીકના ગણાય છે. બીએસપીના સંગઠનમાં એમણે ખુબ અગત્યની કામગીરી કરી હતી. હવે તેઓ ફરીથી બીએસપીમાં પાછા ફર્યાથી બીએસપીના કાર્યકરો ખુશ થયા છે.

એક પ્રસંગ હંમેશા યાદ રહી ગયો છે', સીજેઆઇએ કઈ વાત યાદ કરી

સીજેઆઇ બી આર ગવઈએ ગાંધીજીને યાદ કરીને હિંસાગ્રસ્ત મણીપુરના ચુરાચાંદપુરની એક રાહત શિબિરમાં વિતાવેલો પોતાનો સમય યાદ કર્યો હતો. એમણે કેટલાક ખાસ વ્યક્તિ માટે જ ન્યાય હોવાની વાત ફગાવી દીધી હતી. સીજેઆઇએ ન્યાયાધીશો, વકીલો અને કાયદાના અધિકારીઓને સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની મદદ કરવાની અપીલ કરી હતી. સીજેઆઇ ગવઇએ કહ્યું હતું કે, 'એક પ્રસંગ મને હંમેશા યાદ રહી ગયો છે. થોડા મહિના પહેલા જ્યારે હું નાલસાનો કાર્યકારી પ્રમુખ હતો તો મારા સાથીઓ સાથે મણીપુરના ચુરાચાંદપુરની એક રાહત શિબિરમાં રાહત સામગ્રી વહેંચવા માટે ગયો હતો. તે વખતે એક વૃદ્ધ મહિલા આગળ આવી હતી અને આંખમાં આસુ સાથે કહ્યું હતું કે, ભાઈ તમારો ખુબ આભાર. મને એ કિસ્સો યાદ રહી ગયો છે અને હું માનું છું કે, સેવા કરવાનું અસલી ઇનામ આંકડા કે વાર્ષિક રીપોર્ટોમાં નથી હોતું.'

વર્લ્ડ ચેમ્પિય બનીને પરત ફરનાર ઉમા છેત્રીના સ્વાગત બાબતે વિવાદ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતીને પરત ફરી ત્યારે આસામની ઉમા છેત્રી પણ સાથે હતી. હમણા અલગ અલગ સંગઠનો અને સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો બોકાખાત સ્થિત આવેલા ઉમાના ઘરે જઈને એમનું સન્માન કરે છે. જોકે કેટલાક સંગઠનો અને વિરોધપક્ષના નેતાઓ રાજ્ય સરકારની ટીકા કરી રહ્યા છે. જે દિવસે ઉમા ઘરે પરત ફરી એ વખતે ગોહાટીના એરપોર્ટ પર એનું સ્વાગત કરવા માટે કોઈ સરકારી અધિકારી ત્યા નહોતા અને આસામ ક્રિકેટ એસોસીએશન તરફથી પણ એરપોર્ટ પર કોઈ ગયું નહોતું. આસામના નાનકડા ગામ કાનડુલીમારીથી આગળ આવીને મહિલા ક્રિકેટમાં ભારતનું નામ રોશન કરનાર ઉમા વિશ્વ કપ રમનાર રાજ્યની પ્રથમ મહિલા ક્રિકેટર છે.

ઇમરાન પ્રતાપગઢીએ ઓવૈસીની ફીરકી લીધી

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી આજકાલ ગાંધી કુટુંબની ખૂબ નજીક છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર મુસબ્બીર આલમનો પ્રચાર કરી રહ્યા હતા. ઇમરાનએ ફક્ત ભાજપ નહીં, પરંતુ એઆઇએમઆઇએમના પ્રમુખ ઓવૈસીની કડક ટીકા કરી હતી. એમણે કહ્યું હતું કે સિમાંચલ અને ખાસ કરીને પેઢાગાછ સાથે એમનો જૂનો સંબંધ છે. ઓવૈસી પર આક્ષેપ કરતા એમણે કહ્યું હતું કે અહીં આવીને તેઓ લોકોને ગાળો આપે છે. સિમાંચલના લોકોને ગાળ આપનારને સીરૌન અને મમરૂખ તરીકે સંબોધવામાં આવે છે જે અત્યંત અપમાનજનક છે. ઓવૈસી પોતાને મુસ્લિમોના મસીહા ગણાવે છે, પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીનને હરાવવા માટે ઉમેદવાર ઉભો રાખે છે. આજ ઓવૈસીએ એક જમાનામાં કોંગ્રેસના ટેકા માટે ભીખ માંગ હતી.

ગોવાની ઇમેજ તળીએ, વધતી ગુનાખોરીને લીધે પ્રવાસી ઘટયા

છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓનું સ્વર્ગ ગણાતા ગોવામાં ગુનાખોરી વધી રહી છે. ગોવાના ટેક્સી ડ્રાયવરો અને સ્થાનિકો સામે પણ પ્રવાસીઓની ફરિયાદ વધી રહી છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ હવે ગોવા આવવાનું ટાળે છે. ગોવામાં ભાજપની સરકાર છે. ગોવાની સરકારે હવે જિલ્લા મેજીસ્ટ્રેટોને નેશનલ સિક્યુરીટી એક્ટ (એનએસએ) હેઠળ કડક પગલા લેવાની સત્તા આપી છે. ટીકાકારો કહી રહ્યા છે કે, પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમાં રાખવા નિષ્ફળ ગઈ હોવાથી ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટોને આ સત્તા આપવામાં આવી છે. જે રીતે રોજબરોજ ગોવામાં હત્યા અને બીજા ગુના વધી રહ્યા છે એ જોતા ગોવાના ટુરીઝમ ઉદ્યોગને મોટુ નુકશાન થઈ શકે એમ છે. ભાજપ સરકારમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.

ટ્રેનમાં આરએસએસના ગીત બાબતે મોટો વિરોધ

કેરળમાંથી પસાર થતી અરણાકુલમ - બેંગ્લુરુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલું ગીત ગવાતા રાજકીય ટીકા થઈ રહી છે. ટ્રેનમાં કેટલાક વિદ્યાર્થીઓએ મુસાફરી દરમિયાન ગીત ગાયું હતું. જેનો બચાવ ભાજપએ કર્યો છે. કેરળ વિરોધપક્ષના નેતા વીડી સાથીસંતએ કહ્યું છે કે, રેલવેએ વિદ્યાર્થીઓનો ઉપયોગ સંઘના એજન્ડા ચલાવવા માટે કર્યો એ ગેરકાયદેસર છે. એમણે કહ્યું હતું કે, 'વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ ત્યારે જે જોવામાં આવ્યું એ સંઘની સંકુચિત વિચારધારા પુરવાર કરે છે. ધર્મના આધારે લોકોને વહેચવામાં આવી રહ્યા છે.' કેરળના સંગઠન ડીવાયએસઆઇએ પણ શહેરમાં એક વિરોધ મોરચો કાઢયો હતો.