Get The App

દિલ્હીની વાત : ભાજપ માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગળાનું હાડકુ બન્યા

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપ માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગળાનું હાડકુ બન્યા 1 - image

નવીદિલ્હી : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદએ કાશીથી ધર્મયુદ્ધની શરૂઆત કરી છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગણી સાથે એમણે યાત્રા શરૂ કરી છે જે ૧૧મી માર્ચે લખનૌ પહોંચશે. આક્રમક અવિમુક્તેશ્વરાનંદના ભક્તોએ વહેચેલી પત્રિકાઓમાં લખ્યું હતું કે, 'જિંદા હિન્દુ લખનૌ ચલે' અવિમુક્તેશ્વરાનંદજી લોકો વચ્ચે જઈને એવી રજુઆત કરી રહ્યા છે કે, હિન્દુ મતો દ્વારા ચૂટાયેલી સરકાર સામે ગાયને બચાવવા માટે આંદોલન કરવું પડે છે. એમ લાગે છે કે અવિમુક્તેશ્વરાનંદ ભાજપ માટે ગળાનું હાડકુ બન્યા છે. ભાજપના જ કેટલાક નેતાઓ અવિમુક્તેશ્વરાનંદને પડખે ઉભા છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય ખુલ્લેઆમ અવિમુક્તેશ્વરાનંદના ટેકામાં છે. અવિમુક્તેશ્વરાનંદ હિન્દુ ધર્મગુરુ હોવાથી ભાજપ ખુલીને એમનો વિરોધ પણ કરી શકે એમ નથી.

ખડગેએ મોદીને ટ્રમ્પના ગુલામ કહ્યા

છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ નરેન્દ્ર મોદી પર ધારદાર પ્રવાહો કરે છે. ખાસ કરીને મોદી ટ્રમ્પથી દબાયેલા હોવાની ટીકા થઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે ટ્રમ્પ સરમુખત્યાર છે અને મોદી એમના ગુલામ છે. ખડગેનો આરોપ છે કે ભારતની વિદેશનીતિ અને વેપારનીતિ હવે અમેરિકાના દબાણમાં ચાલી રહી છે. જેને કારણે દેશ અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. કોઈપણ દેશના નેતાની હત્યાથી દુનિયામાં શાંતી રહી શકે નહીં. અલી ખામેનેઇ જેવા નેતાઓને નિશાન બનાવવામાં આવે છે એને કારણે આંતરરાષ્ટ્રીય કાયદા અને વૈશ્વિક સ્થિરતા માટે જોખમ ઉભુ થાય છે. અમેરિકાની વર્તણુક અભિમાની છે. પહેલા ભારત રશિયા, ઇરાન અને વેનેઝુએલા જેવા દેશો પાસે સસ્તા ભાવે ઓઇલ ખરીદતું હતું હવે અમેરિકાના દબાણ હેઠળ નિર્ણયો લેવામાં આવે છે.

પક્ષમાં દાખલ થતા જ નિશાંતકુમારની થશે પરીક્ષા

છેલ્લા કેટલાક સમયથી બિહારના રાજકારણમાં ચર્ચા ચાલી રહી હતી કે નિતિશકુમારના પુત્ર નિશાંતકુમાર ગમે ત્યારે રાજકારણમાં દાખલ થઈ શકે છે. જોકે જે પરિસ્થિતિમાં એમનો રાજકારણમાં પ્રવેશ થયો છે એની કલ્પના કોઈએ કરી નહોતી. નિતિશકુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયને બીજે જ દિવસે નિશાંતકુમારના રાજકીય પ્રવેશનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિશાંતકુમાર પક્ષના સિનિયર નેતા સંજય ઝાની હાજરીમાં જેડીયુમાં જોડાયા. નિતિશકુમારે રાજ્યસભાનું નામાંકન ભર્યું ત્યારથી પક્ષના કાર્યકરો નારાજ છે. નિતિશકુમારની ગેરહાજરીમાં પક્ષ ધણીધોરી વગરનો થઈ ગયો છે. નિતિશકુમારની નજીક રહેલા મૂળ સમાજવાદીઓનું પણ માનવું છે કે નિતિશકુમાર દિલ્હી જશે તો બિહારમાં પક્ષનું અસ્તિતત્વ જોખમમાં છે. હવે નિશાંતકુમારને માથે પક્ષને ટકાવવાની જવાબદારી આવી પડી છે. આ ઉપરાંત નિશાંતકુમાર પર વારસાગત રાજકારણનો આક્ષેપ પણ થઈ શકે છે. લાલુ પુત્ર કે મુલાયમ સિંહ યાદવના પુત્રની જેમ નિશાંતકુમારને તૈયાર ભાણે જમવાનું મળવાનું નથી.

માયાવતી ભાજપની ગૂડબુકમાં રહેવા માંગે છે

છેલ્લા ઘણા વર્ષોથી બીએસપીના પ્રમુખ માયાવતી ભાગ્યે જ મોદી સરકારની ટીકા કરે છે. કયારેક ફરજ પડે ત્યારે તેઓ લવીંગ કેરી લાકડીએ મોદી સરકારને ટપકારી લે છે. હમણા જ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા ત્યારે મમતા બેનર્જીની સરકારે એમની સાથે અપમાનજનક અને અઘટીત વર્તન કર્યું હોવાની ફરિયાદ નરેન્દ્ર મોદીએ કરી હતી. મોટા ભાગના વિરોધપક્ષના નેતાઓ આ બાબતે મમતા બેનર્જીની પડખે ઉભા રહ્યા હતા. જોકે માયાવતીએ મોદીનો પક્ષ લઈને સમગ્ર ઘટનાને કમનસીબ ગણાવી હતી. માયાવતીએ મમતા બેનર્જીને શીખામણ આપતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ એક મહિલા હોવા ઉપરાંત આદિવાસી સમાજના છે. બંધારણીય હોદ્દા પર બેઠેલા તમામ લોકોને માન આપવું જોઈએ. પ્રોટોકોલનું માન જાળવવું પણ જરૂરી છે. આ બાબતે રાજકારણ કરવું જોઈએ નહીં.

'શું અમારી પાસે બંગાળ સિવાય કોઈ કામ નથી?'

પશ્ચિમ બંગાળમાં એસઆઇઆરના અભિયાનનો મુદ્દો હજી સળગી રહ્યો છે. સુપ્રિમ કોર્ટમાં ફરીથી પશ્ચિમ બંગાળ એસઆઇઆરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં સુનાવણી વખતે સીએએ અરજદારોની અરજીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ જોઈને જ સીજેઆઇ સુર્યકાંત ભડકી ગયા હતા. એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે શું સુપ્રિમ કોર્ટ પાસે પશ્ચિમ બંગાળ સિવાય બીજું કોઈ કામ નથી? જોકે એમણે અરજી ફગાવી દીધી નહોતી. સુપ્રિમ કોર્ટમાં સીજેઆઇની બેન્ચ સમક્ષ સિનિયર એડવોકેટ નેનકા ગોસ્વામીએ એસઆઇઆરમાં મતદારોના નામ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એમણે કહ્યું હતું કે, જે મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યા છે એમણે અગાઉ મતદાન કર્યું છે. હવે એમના દસ્તાવેજો સ્વિકારવામાં આવતા નથી. આ સાંભળીને સીજેઆઇ સૂર્યકાંતે તરત કહ્યું કે, કાર્યવાહી પ્રમાણે સુપ્રિમ કોર્ટ ન્યાયીક અધિકારીઓના નિર્ણયો પર અપીલની માફક સીધો નિર્ણય લઈ શકે નહીં. એ વખતે સીએએ અરજદારોની અરજીનો ઉલ્લેખ થયો હતો. એટલે સીજેઆઇ ગુસ્સે થઈ ગયા હતા.

લિકર સ્કેમમાં ટ્રાયલ કોર્ટની ટીપ્પણીઓ પર સ્ટે, કેજરીવાલ સહિત 23ને નોટીસ

દિલ્હીના લિકર સ્કેમ કેસમાં ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત ૨૩ જેટલા આપના નેતાઓને ક્લીનચીટ આપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે ટ્રાયલ કોર્ટે તપાસ કરનાર એજન્સી સીબીઆઇની પણ આકરી ટીકા કરી હતી. હવે હાઇકોર્ટે આ મામલે તપાસ અધિકારીઓ સામે કરવામાં આવેલી ટીપ્પણીઓ તેમજ સીબીઆઇના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના હુકમ પર સ્ટે આપી દીધો છે. કોર્ટે આ બાબતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ૨૩ આરોપીઓને નોટીસ આપીને જવાબ આપવા કહ્યું છે. સીબીઆઇએ કરેલી અપીલને સાંભળ્યા પછી કોર્ટે કહ્યું હતું કે, સામે પક્ષે કોઈ હાજર થયું નથી. તપાસ એજન્સી તરફથી કહેવામાં આવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે તપાસ કરનારા અધિકારીઓ અને એજન્સી વિરુદ્ધ કેટલીક તીખી ટીપ્પણીઓ કરી છે જેની જરૂર નહોતી. આ સાભળીને કોર્ટે તરત જ તપાસ એજન્સી અને અધિકારીઓ માટે કરવામાં આવેલી ટીપ્પણી પર સ્ટે આપી દીધો છે.

તામીલનાડુમાં યુવાનના મૃત્યુને મામલે રાજકારણ ગરમાયું

તામીલનાડુના શીવગંગામાં ૨૬ વર્ષના એક યુવકના મૃત્યુને કારણે રાજકારણ ગરમાયુ છે. વિરોધપક્ષ એઆઇએડીએમકેએ રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે. પક્ષનો આક્ષેપ છે કે પોલીસે આકાશ ડેલીશન નામના યુવાનને ક્રૂરતાપૂર્વક ટોર્ચર કર્યો હતો જેને કારણે એનું મૃત્યુ થયું છે. તામીલનાડુમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે એઆઇએડીએમકેએ સોશ્યલ મીડિયા પર આ બનાવને કસ્ટોડિયલ ડેથ ગણાવ્યો છે. પક્ષના કહેવા પ્રમાણે આકાશ એન્જિનિયરીંગનો ગ્રેજ્યુએટ હતો. અનુસૂચિત જાતીના આકાશને પોલીસે પૂછપરછ કરવાને બહાને બોલાવ્યો હતો અને એને ટોર્ચર કર્યો હતો. પોલીસે એવું બહાનું કાઢયું હતું કે યુવક પુલ પરથી પડી ગયો હતો અને ઘાયલ થયો હતો. એઆઇએડીએમકેના કહેવા પ્રમાણે યુવાનને જંગલમાં માર મારવામાં આવ્યો હતો જે વાત દબાવી દેવામાં આવી છે. આકાશે મરતા પહેલા એની માતાને પોલીસના ટોર્ચર બાબતે કહ્યું હતું.