નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી થોડા મહિનાઓ દુર છે ત્યારે વિરોધી ઇન્ડિયા ગઠબંધનના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી બાબતે ચર્ચા ચાલી રહી છે. આરજેડીના જાદવ- મુસ્લિમ (વાય-એમ) વોટ બેન્કથી આગળ વધીને અન્ય સામાજીક સમીકરણો બાબતે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલના સહયોગીઓ વચ્ચે સોદાબાજી ચાલી રહી છે ત્યારે બીજી તરફ સંભવીત નવા સાથીદારો સાથે પણ વાતચીત થઈ રહી છે. કોંગ્રેસ પર દબાણ છે કે ૨૦૨૦માં એમને મળેલી ૭૦ બેઠકો કરતા ઓછી બેઠકો પર લડે. એ વખતે કોંગ્રેસને ફક્ત ૧૭ બેઠકો પર જીત મળી હતી. ગઠબંધનના નેતાઓ માને છે કે કેટલાક સાથીદારોએ વાસ્તવવાદી બનીને થોડુ જતું કરવું જોઈએ. ઝારખંડનો સત્તાધારી પક્ષ ઝામુમો પણ બિહારના ગઠબંધન સાથે જોડાવા આતુર છે.
મીડિયા સાથે કોઈ વાત નહીં કરે : રાજ ઠાકરે
મહારાષ્ટ્રમાં હિન્દી - મરાઠી ભાષાનો વિવાદ વક્રરી રહ્યો છે. હવે આ વિવાદમાં હિન્દી ભાષી રાજ્યના નેતાઓએ પણ ઝુકાવ્યું છે. કેટલાક રાષ્ટ્રીય નેતાઓએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે તરફ નિશાન તાંક્યું છે. પરિસ્થિતિ પામી ગયેલા મનસેના પ્રમુખ રાજ ઠાકરએ પક્ષના કાર્યકરોને સૂચન જાહેર કર્યું છે. રાજ ઠાકરએ એમએનએસના કાર્યકરોને કહ્યું છે કે એમની સહમતી વગર મીડિયા સાથે વાત કરવાનું બંધ કરે. મહારાષ્ટ્રથી એવા કેટલાક વીડિયો બહાર આવ્યા છે કે જેમાં એમએનએસના કાર્યકરો મરાઠી નહી બોલી શકનારાઓ પર હુમલો કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગપતિ સુશીલ કેડીયાની ઓફિસમાં તોડફોડ કરનાર એમએનએસના પાંચ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. એમની સામે વિવિધ કલમો લગાડવામાં આવી છે. બીજી તરફ ભાજપ પણ રાજ ઠાકરેની સતત ટીકા કરી રહ્યો છે. બિહારના એક વિદ્યાર્થી પર હુમલો કરવાની ૨૦૦૭ની ઘટનાનો ઉલ્લેખ વીકીલિક્સમાં થયો છે એ વાત પણ વાયરલ થઈ રહી છે.
અખિલેશ યાદવના વખાણ કરવાનું કાર્યકરને ભારે પડયું
ઉત્તર પ્રદેશના શાહજહાપુરના એક વિદ્યાર્થીએ લખનૌમાં સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરીને પોલીસ પર ગંભીર આરોપો મૂક્યા છે. વિદ્યાર્થીના કહેવા પ્રમાણે સોશ્યલ મીડિયા પર અખિલેશ યાદવના વખાણ કરવાને કારણે સ્થાનીક પોલીસએ એને પોલીસ સ્ટેશન બોલાવી ૨૦ હજાર રૂપિયા પડાવ્યા હતા અને કસ્ટડીમાં બેસાડી દીધો હતો. કિસ્સો શાહજહાપુરના અલ્હાગંજ ક્ષેત્રના ગામ મોવ ખાતે રહેતા તાલીબ નામના વિદ્યાર્થી સાથે બન્યો હતો. તાલીબ લખનૌમાં અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. એ વખતે એણે પોલીસના દુર્વ્યવહારની વાત કરી હતી. તાલીબે થોડા દિવસો પહેલા સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં લખ્યું હતું કે, 'જે અખિલેશ યાદવ સાથે ટકરાશે એ ખતમ થઈ જશે.' આ વીડિયો વાયરલ થયા પછી પોલીસએ એને પોલીસ સ્ટેશન બોલાવી ૪૦ મીનિટ સુધી ગોંધી રાખ્યો હતો.
જમીયત ઉલ્મા-એ-હિન્દની 'ઉદયપુર ફાઇલ્સ' રોકવાની માંગણી
ઉદયપુરના દરજી કનૈયાલાલ શાહુની હત્યા પર આધારીત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મનો વિરોધ કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂક્યા પછી જમીયત ઉલ્મા-એ-હિન્દના પ્રમુખ મૌલાના અરસદ મદનીએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં જણાવ્યું છે કે ફિલ્મના ટ્રેલરમાં એવું બતાવવામાં આવ્યું છે કે શાહુની હત્યા મુસ્લિમ સંપ્રદાયના નેતાઓએ ભેગા મળીને કરી હતી. આ દ્રશ્યથી હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ગંભીર તડ પડી શકે છે. યાદ રહે કે થોડા વર્ષો પહેલા ભાજપના પ્રવક્તાની ટીપ્પણી લાઇક કરવા બદલ કનૈયાલાલની હત્યા થઈ હતી. આ હત્યાના પ્રત્યાઘાત આખા દેશમાં પડયા હતા.
તો અમે ભાજપ સરકારનું સમર્થન કરીશું : આપ
આમ આદમી પાર્ટીએ દિલ્હીની ભાજપ સરકાર પર નિશાન તાંકીને ૧૦ વર્ષથી જૂની મોટર બાબતે મોટી માંગણી કરી છે. આપના નેતા આતિશી મારલેનાએ ૧૦ વર્ષ જૂની મોટરોને લઈને કાયદો બનાવવાનું કહ્યું છે. એમણે એમ પણ કહ્યું છે કે જો આ કાયદો ભાજપ બનાવશે તો તેઓ ભાજપનું સમર્થન કરશે. એમનું કહેવું છે કે દિલ્હીની ભાજપ સરકારના ૧૦ વર્ષની મોટરો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને કારણે મધ્યમ વર્ગ ડરી ગયો છે. આતિશીનું કહેવું છે કે ભાજપએ મધ્યમ વર્ગનું વિચાર્યા વગર ૧૦ વર્ષથી જૂની મોટરો પર પ્રતિબંધ મૂકી દીધો છે. મુખ્ય કારણ એ છે કે આ પ્રતિબંધને કારણે કાર સ્ક્રેપર્સ, કાર મેન્યુફેક્ચર્સ, કાર ડીલર્સને ફાયદો થાય એમ છે. ભાજપ સાથે એમના મેળાપીપણાને કારણે ૬૨ લાખ કુટુંબોએ નવી મોટર ખરીદવી પડેશે. જ્યારે દિલ્હીના લોકોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો ત્યારે ભાજપએ ઢાંકપીછોડો શરૂ કર્યો છે.
ફરીથી કર્ણાટકના મુખ્યમંત્રી બદલવાની વાત
કર્ણાટકમાં ઘણા સમય સુધી મુખ્યમંત્રી બદલવાની વાતો થતી રહી હતી. ત્યાર પછી એવી વાતો બહાર આવી કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બદલવામાં નહીં આવે. મળતા સમાચાર પ્રમાણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર કોંગ્રેેસના નેતા રાહુલ ગાંધીને દિલ્હી ખાતે મળ્યા હતા. શિવકુમારના ટેકેદારો એમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બીજી તરફ સિદ્ધારમૈયાના ટેકેદારો એમને દુર કરવાની વાત સાથે સહમત નથી. બંનેની રાહુલ ગાંધી સાથેની મુલાકાતને કર્ણાટક કોંગ્રેેસમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે વર્ષના અંતમાં શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. શિવકુમારે દિલ્હીમાં પત્રકારોને કહ્યું હતું કે, મુખ્યમંત્રી એઆઇસીસીના મહામંત્રી અને હું પક્ષની સમસ્યા બાબતે ચર્ચા કરવા માટે મળ્યા હતા.
રાહુલે ત્રણ મહિના રાહ જોવડાવતાં રામવિલાસ પાસવાન ભાજપમાં જતાં રહેલા
બિહાર વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી આવી રહી છે તેમ તેમ રાજ્યમાં નવા નવા રાજકીય જોડાણો સર્જાઇ રહ્યા છે. કેન્દ્રના પ્રધાન ચિરાગ પાસવાને હવે એવો દાવો કરી રહ્યા છે કે તેમના પિતા રામવિલાસ પાસવાન ૨૦૧૪ની ચૂંટણીઓ અગાઉ ભાજપ સાથે જોડાવાની એકદમ વિરૂદ્ધ હતા. ૨૦૨૪માં યોજાયેલી ચૂંટણીઓ કેન્દ્રના રાજકારણમાં નરેન્દ્ર મોદીના મોટા આગમનનું કારણ બની હતી. ચિરાગે જણાવ્યું હતું કે મને તેમણે કહ્યું હતું કે હું ઝેર પી લઇશ પણ ભાજપમાં નહીં જાઉં. હું આટલું જ કહી શકું તેમ છું તેમણે આગળ જે કહ્યું હતું તે કહી શકાય તેમ નથી.
રામવિલાસ પાસવાને મનમોહનસિંહની આગેવાની હેઠળની યુપીએ સરકાર સહિત છ વડા પ્રધાનોની સાથે કામ કર્યું હતું. ૨૦૨૦માં રામવિલાસ પાસવાનનું અવસાન થયું હતું. ચિરાગે જણાવ્યું હતું કે ત્રણ મહિના સુધી પ્રયાસો કરવા છતાં તેઓ રાહુલ ગાંધીને મળી શક્યા નહોતાં અને આખરે ભાજપમાં જોડાઇ ગયા હતા.
હરિયાણાના પ્રધાનની પોતાના જ ખાતાની વિરૂદ્ધ તપાસની માંગણી
હરિયાણાના ઉર્જા, માર્ગ પરિવહન અને શ્રમ પ્રધાન અનિલ વીજે એક અભૂતપૂર્વ પગલું ભરી તેમના ખાતાની તપાસ મુખ્ય પ્રધાનની ફલાઇંગ સ્કવોડ દ્વારા કરાવવાની સોમવારે માંગણી કરી હતી. તેમણે ઉર્જા અને પરિવહન ખાતામાં ચાલી રહેલાં ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરી હતી. હરિયાણામાં પહેલીવાર કોઇ કેબિનેટ પ્રધાને તેમના ખાતાની તપાસ બીજા દ્વારા કરાવવાની માંગણી કરી છે. જે સંકેત આપે છે કે સિસ્ટમમાં સડો કેટલો વ્યાપ્ત હશે. મિડિયા સાથે વાત કરતાં વીજે તેમના ખાતાઓમાં ચાલી રહેલાં ગદર રાજનો ઉલ્લેખ કર્યો હતો. ઓક્ટોબર ૨૦૨૪માં ભાજપ સતતત્રીજી વાર રાજ્યમાં જીતી સત્તાસ્થાને આવી ત્યારથી તેઓ પ્રધાન છે. વીજે સીએમની ફલાઇંગ સ્કવોડને પત્ર લખી રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની ઓફિસો તથા ઉર્જા વિભાગની પાવર યુટીલિટીઝની સરપ્રાઇઝ વિઝિટ લેવા જણાવ્યું છે. પ્રધાને દોષી અધિકારી કે કર્મચારી સામે કડક પગલાં ભરવાની માંગણી કરી છે જે દર્શાવે છે કે તેઓ બેફામ ભ્રષ્ટાચાર સામે કેવા હતાશ થઇ ગયા છે. હરિયાણામાં મુખ્ય પ્રધાનની સ્પેશિયલ પોલીસ પાંખ ફલાઇંગ સ્કવોડ સીઆઇડીના વડા સૌરભસિંહના હાથ નીચે કામ કરે છે. સૌરભ સિંહ સીધા સીએમઓને જ રિપોર્ટ કરે છે.
જ્યોતિ મલ્હોત્રાની મુલાકાત મામલે કોંગ્રેસ કેરળ સરકારની પડખે
૨૦૨૪-૨૫માં ઇન્ફલુએન્સર જ્યોતિ મલ્હોત્રાએ કેરળની મુલાકાત લીધેલી તે મામલે રાજકારણ ગરમાતાં કોંગ્રેસે કેરળની સરકારને ટેકો આપ્યો છે. રાજ્યના પ્રવાસન પ્રધાન પી.એ. મોહમ્મદ રિયાસે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે તે કેરળની પ્રવાસન ઝૂંબેશના ભાગરૂપે રાજ્યમાં આવી હતી અને આ ઝૂંબેશ બહારની એજન્સીઓ સંભાળતી હોઇ તેમાં રાજ્ય સરકાર કે તેમના ખાતાની કોઇ ભૂલ નથી.
મે ૨૦૨૫માં હરિયાણાના હિસારમાંથી મલ્હોત્રાની જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ૨૨ એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો તે પછી તેણપાક્સ્તિાનની આઇએસઆઇને સંવેદનશીલ માહિતી પુરી પાડી હોવાનો તેના પર આરોપ છે. કેરળ ભાજપ આ મામલે પીનરાયી સરકાર સામે ટીકાની ઝડીએ વરસાવી રહ્યું છે ત્યારે સરકારને કોંગ્રેસનો અણધાર્યો ટેકો સાંપડયો છે. કેરળ વિધાનસભામાં વિરોધપક્ષના નતા વીડી સતીશને જણાવ્યું હતું કે તેઓ મલ્હોત્રાની મુલાકાત માટે પ્રવાસન વિભાગ કે રિયાસને દોષી ગણતાં નથી. તેમણે સવાલ કર્યો હતો કે તે જ્યારે રાજ્યમાં આવી ત્યારે કોઇને ખબર નહોતી કે તે જાસૂસ છે. જો તે જાસૂસ છે તેવી ખબર હોત તો કેરળ સરકાર તેને આમંત્રણ જ આપ્યું નહોત.
-ઇન્દર સાહની


