નવીદિલ્હી : તૃણમુલ કોંગ્રેસની રાજકીય સલાહકાર કંપની આઇપેક્ટના પ્રમુખ પ્રતીક જૈનના ઘરે પડેલી ઇડીની રેઇડ પછી ઘણી નાટકીય ઘટનાઓ બની ગઈ છે. ઇડીના દરોડાના સમાચાર મળતા જ મુખ્યમંત્રી મમતા બેનર્જી સ્થળ પર પહોંચી ગયા હતા. અને એવો આક્ષેપ કર્યો હતો કે ઇડીએ એમના પક્ષની હાર્ડ ડીસ્ક તેમજ સંવેદનશીલ દસ્તાવેજો કબજે કરવાની કોશિષ કરી હતી. મમતા બેનર્જીએ પ્રતીક જૈનને પોતાના પક્ષના આઇટી ચીફ ગણાવ્યા હતા. ભાજપ અને ઇડીનો આક્ષેપ છે કે જૈન સામેના પુરાવાઓની ફાઇલ મમતા બેનર્જી પોતાની સાથે લઈ ગયા હતા. હવે મમતા બેનર્જીએ ઇડીના અધિકારીઓ પર પણ કેસ ઠોક્યો છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, ભાજપ આખા દેશમાં વિરોધીઓ સામે ઇડીનો ઉપયોગ કરે છે, પરંતુ બંગાળમાં એમ કરવું એને ભારે પડયું છે. મમતા બેનર્જી સ્વભાવે ખૂબ આક્રમક છે અને કોઈનાથી ડરતા નથી. હવે જોવાનું એ રહે છે કે સત્તાધીશો બંગાળમાંથી પીછેહઠ કરે છે કે વાત આગળ વધારે છે.
પીએમની કસોટી, મીડલ ઇસ્ટમાં 'ધૂરંધર' પરનો પ્રતિબંધ હટાવવા નિર્માતાઓની વિનંતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મીડલ ઇસ્ટના દેશો સાથે સારા સંબંધ હોવાની વાતો થતી રહે છે. હવે વડાપ્રધાનની કસોટી થાય એમ લાગી રહ્યું છે. દેશમાં સુપરહીટ રહેલી ફિલ્મ ધૂરંધર પર મીડલ ઇસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડયુસર્સ એસોસીએશનએ હવે આ બાબતે વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપની માંગણી કરી છે. સંગઠને આ પ્રતિબંધને એકતરફી અને ખોટો ગણાવ્યો છે. એસોસીએશનનું કહેવું છે કે, ફિલ્મની સફળતા જ સાબીતી છે કે, ફિલ્મમાં કંઈ ખોટું નથી. ઇમ્પા (ઇન્ડિયન મોશન્સ પિચર્સ પ્રોડયુસર્સ એસોસીએશન)એ વડાપ્રધાનને આ બાબતે દખલ કરવા કહ્યું છે. ભારતમાં સફળતા પછી પણ આ ફિલ્મ યુએઇ, બહેરીન, કુવૈત, કતર, ઓમાન અને સાઉદી અરબ જેવા દેશોમાં રીલીઝ થઈ શકી નથી.
અમેરિકાએ પકડેલા રશિયન ટેન્કર પર ત્રણ ભારતીઓનું શું થશે
છેલ્લા કેટલાક સમયથી જીઓ પોલીટીક્સ મામલે ભારતની સરકાર ગોથા ખાઈ રહી છે. હવે બીજા એક કેસમાં પણ ભારત સરકારના વિદેશ ખાતાની પરીક્ષા થવાની છે. અમેરિકી કોસ્ટ ગાર્ડે વેનેઝુએલાના દરિયા નજીકથી એક રશિયન ટેન્કર જપ્ત કર્યું છે. ટેન્કરના કર્મચારીઓમાં ત્રણ ભારતીઓનો સમાવેશ પણ થાય છે. અમેરિકાનો આરોપ છે કે, આ ટેન્કર લાંબા સમય સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતું હતું અને અમેરિકાની કોર્ટે એને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકા હવે કહે છે કે આ ટેન્કરના કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. રશિયા પોતાની રીતે એના કર્મચારીઓને છોડાવવા માટે અમેરિકા પર દબાણ લાવી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે જ્યારે ટેન્કર જપ્ત કરવામાં આવ્યું ત્યારે ટેન્કરમાં ૨૮ કર્મચારીઓ હતા. આ કર્મચારીઓમાં ૨૦ યુક્રેનના, ૬ જ્યોર્જિયાઇ, ૨ રશિયન અને ૩ ભારતીય છે. આ બધા હમણા અમેરિકાની કસ્ટડીમાં કેદ છે. દરેક દેશ પોતાના કર્મચારીઓને છોડાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ભારત હજી રાહ જોઈને બેઠું છે.
આપના નેતાનો હુંકાર, જેલ જઈશ પરંતુ વિડિયો ડીલીટ નહીં કરૂ
અંકિતા ભંડારી હત્યા કેસમાં ભાજપના નેતા દુષયંત ગૌતમનું નામ જોડવા સામે હાઇકોર્ટે આપેલા ચુકાદા પછી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે એક વિડિયો શેર કર્યો હતો. સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે તેઓ વિડિયો ડીલીટ નહીં કરે ભલે પછી એમને જેલ જવું પડે. હાઇકોર્ટએ આ પ્રકારના વિડિયો ૨૪ કલાકમાં ડીલીટ કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે કોંગ્રેસ અને આપ સહીત બીજા યુઝર્સને આ સૂચના આપી હતી. સૌરભ ભારદ્વાજે છઠ્ઠી ડિસેમ્બરે સોશ્યલ મીડિયા એક્સ પર મુકેલો વિડિયો ફરીથી અપલોડ કર્યો છે. દિલ્હી આપના પ્રમુખે લખ્યું છે કે, 'હું આ પોસ્ટને ડીલીટ નહી કરૂ. જે કરવું હોય એ કરી લો. મારે અંકિતા ભંડારી માટે ન્યાય જોઈએ છે.' અંકિતા હત્યાકાંડની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં ભારદ્વાજે આપી છે. એમણે પોલીસ તપાસ પર પણ શંકા વ્યક્ત કરી હતી.
ઉમર ખાલીદ મારો ગુરુ નથી : સરજીલ ઇમામ
દિલ્હીના કોમવાદી હુલ્લડોના આરોપી સરજીલ ઇમામે એક કોર્ટમાં કહ્યું હતું કે, પોલીસનો એ આરોપ એકદમ ખોટો છે કે ઉમર ખાલીદ એનો મેન્ટર કે ગુરુ હતો. સરજીલ ઇમામે એમ પણ કહ્યું છે કે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ભણતી વખતે બંને વચ્ચે કોઈ વાતચીત થતી નહોતી. કડકડુમા કોર્ટના એડિશનલ સેસન્સ જજ સમીર વાજપેયી સામે ઇમામ તરફથી હાજર થયેલા વકીલ તૈયબ મુસ્તફાએ કહ્યું હતું કે એમના અસીલને બીજા આરોપી ખાલીદ સાથે કોઈ સંબંધ નથી. જેએનયુમાં પાંચ વર્ષ દરમિયાન સરજીલને ઉમર ખાલીદ વચ્ચે વાતચીત પણ થઈ નહોતી. કાવતરૂ સાબિત કરવા માટે બંને વચ્ચે સંબંધ હોવો આવશ્યક છે. પોલીસ આ સંબંધ સ્થાપવામાં નિષ્ફળ ગઈ છે. ઉમર ખાલીદે સરજીલને સૂચનાઓ આપી હતી એ વાત પણ ખોટી છે. ફક્ત એક મીટીંગ વખતે ઉમર અને સરજીલ સાથે જોવા મળ્યા હતા. આ મીટીંગમાં હિંસા બાબતે કોઈ વાતચીત થઈ નહોતી.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને દિલ્હીની એક કોર્ટે રાહત આપી છે. દ્વારકામાં એક સરકારી સંપત્તીને નુકશાન પહોંચાડવામાં આ રાહત કેજરીવાલને મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે ૨૦૧૯ના એક કેસમાં સુનાવણી દરમિયાન ફરિયાદ અરજી ડીસમીસ કરી હતી. આ કિસ્સામાં તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહીત ભૂતપૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ અને દિલ્હી નગર નીગમના કોર્પોરેટર નીતીકા શર્મા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ૨૦૧૯ના વર્ષમાં દ્વારકા સ્થિત સંપત્તીને નુકશાન પહોંચાડવા માટે ૨૦૧૫ની ૧૧મી માર્ચે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ કરનારનું નામ શિવકુમાર સકસેના છે. ૨૮ માર્ચે પોલીસે કોર્ટને કહ્યું હતું કે કોર્ટના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ત્યાર પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ જાહેર મિલકતને નુકશાન પહોંચાડવાના પુરાવા તરીકે એક સીડી અને એફએસએલ રીપોર્ટ આપ્યો હતો.
વાંગચુકની શાંતિ અપીલનું ભાષણ પોલીસે છૂપાવ્યું હતું
લદ્દાખના સામાજીક કાર્યકર સોનમ વાંગચુકની એનએસએ હેઠળ થયેલી ધરપકડ સામે થયેલી હેબીયસકોર્પસ અરજીની સુનાવણી સુપ્રિમ કોર્ટ કરી રહી છે. આ અરજી વાંગચુકના પત્ની ડો. ગીતાંજલી અંગમોએ દાખલ કરી છે. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ પ્રસન્ના વરાલેની બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજી કરનાર તરફે વકીલ કપીલ સિબ્બલ હાજર રહ્યા હતા. બચાવ પક્ષની દલીલ પ્રમાણે ૨૦૨૫ના સપ્ટેમ્બર મહિનાની ૨૬ તારીખે આપવામાં આવેલા ધરપકડનો મુખ્ય આધાર ચાર વિડિયો હતા. બે વિડિયો ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના તથા બાકીના બે વિડિયો ૨૪ સપ્ટેમ્બરે બનાવવામાં આવ્યા હતા. જ્યારે ધરપકડનુ કારણ આપવામાં આવ્યું ત્યારે આ ચારે વિડિયો આરોપીને બતાવવામાં આવ્યા નહોતા. કાયદા પ્રમાણે આરોપીને એની ધરપકડ માટેનું કારણ અને દસ્તાવેજ બતાવવા પડે છે. ધરપકડનો આધાર ૨૮ દિવસ મોડો આપવામાં આવ્યો હતો. આ બંધારણની કલમનો ભંગ છે.


