Get The App

દિલ્હીની વાત : આરએસએસના કાર્યક્રમમાં ફિલ્મસ્ટારોના મેળાવડાથી જુના સંઘીઓ નારાજ

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આરએસએસના કાર્યક્રમમાં ફિલ્મસ્ટારોના મેળાવડાથી જુના સંઘીઓ નારાજ 1 - image

નવીદિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પુરા થયા એ કારણે આરએસએસએ મુંબઈમાં કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં પહેલે દિવસે ફિલ્મસ્ટાર સલમાન ખાનની હાજરીથી ઘણાને કૌતુક થયું હતું. બીજા દિવસના કાર્યક્રમમાં પણ જેકી શ્રોફ માથે ખાખી ટોપી પહેરીને ગયા હતા. જાણીતા દિગ્દર્શક કરણ જોહર અને અભિનેત્રી અનન્યા પાંડે પણ સંઘના કાર્યક્રમમાં ગયા હતા. ભાજપની નજીક ગણાતા અક્ષયકુમારે પણ સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સિવાય પણ ઘણા ફિલ્મસ્ટાર્સ અને દિગ્દર્શકો આરએસએસના કાર્યક્રમમાં પ્રથમ વખત જોવા મળ્યા હતા. ફિલ્મસ્ટારોની હાજરીને બે રીતે જોવામાં આવે છે. સંઘ સાથે જોડાયેલા કેટલાકનું માનવું છે કે, સામાન્ય લોકોમાં ફિલ્મસ્ટારોની લોકપ્રિયતા ઘણી હોય છે. જો લોકપ્રિય ફિલ્મસ્ટારો સંઘ સાથે જોડાય તો સંઘની વિચારધારાનો ફેલાવો થઈ શકે. જ્યારે બીજી તરફ સંઘ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકરોનું માનવું છે કે, સંઘને ટકવા માટે કે એની વિચારધારા ફેલાવવા માટે ફિલ્મસ્ટારોની જરૂર નથી.

નવજોત કૌર સિદ્ધુને રાહુલ ગાંધી સાથે શું વાંકુ પડયું

કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી અને ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી હવે એમને કોંગ્રેસમાંથી રૂખસદ અપવામાં આવી છે. જોકે નવજોત કૌરના કહેવા પ્રમાણે એ પહેલા જ એમણે કોંગ્રેસ છોડી દીધી હતી. નવજોત કૌર સિદ્ધુ પંજાબ વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. નવજોત કૌરએ હવે કોંગ્રેસના સાંસદ અને વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઘણા આક્ષેપો કર્યા છે. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે લખ્યું છે કે, જમીની હકીકતથી રાહુલ ગાંધી ખુબ દુર છે. કાર્યકરોને સાંભળવાનો સમય રાહુલ ગાંધી પાસે હોતો નથી. રાહુલ ગાંધી કોઈપણ નેતા કે કાર્યકરને મળતા નથી અને એટલે જ એમનું ઉપનામ પપ્પુ પડયું છે. ત્વરીત નિર્ણય લેવાનો હોય એવી રાજકીય કટોકટી વિશે પણ નિર્ણય લેતા રાહુલ ગાંધીને છ મહિનાથી વધુનો સમય લાગે છે. એક જમાનામાં ભાજપ એમની તાકાત સમજી શક્યું હતું જ્યારે કોંગ્રેસના નેતાઓ એમની આવડત પારખી શક્યા નથી.

નાગરીકતા પહેલા વોટર લીસ્ટમાં નામ સંદર્ભે સોનિયાનો જવાબ

નાગરીકતા મેળવતા પહેલા વોટર લીસ્ટમાં નામ હોવા બાબતના કેસનો જવાબ સોનિયા ગાંધીએ આપ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટને આપેલા જવાબમાં એમણે કહ્યું છે કે, દાખલ થયેલી ફરિયાદ અરજી ખોટા તથ્યોપર આધારીત છે. આ અરજી છીછરા રાજકારણથી પ્રેરિત અને કાયદાકીય પ્રક્રિયાના અપમાન બરાબર છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગનની કોર્ટમાં વકીલ મારફતે સોનિયા ગાંધીએ જવાબ દાખલ કર્યો હતો. આ અરજી ડિસમીસ કરવાની માંગણી પણ સોનિયાએ કરી હતી. સોનિયા ગાંધીના જવાબમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ ઓથેનટીક રેકોર્ડને બદલે અનુમાનો અને મીડિયા રીપોર્ટ તેમજ વ્યક્તિગત ધારણા બાંધીને ગંભીર આક્ષેપો કર્યા છે. આરોપોમાં કોઈપણ ખાસ દસ્તાવેજને બનાવટી કે ખોટો સાબિત કરવામાં આવ્યો નથી. નાગરીકતા બાબત કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં હોય છે જ્યારે વોટર લીસ્ટ તૈયાર કરવાની કામગીરી ચૂંટણીઆયોગ કરે છે.

ભારતની વિદેશનીતિ માટે અજીત ડોભાલની ઓટાવા યાત્રા મહત્વની

ભારત અને કેનેડા વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા અને બીજા કેટલાક મુદ્દાઓને લઈને એક યોજના તૈયાર કરવા માટે મીટિંગ થઈ હતી. બંને દેશોને એક બીજા પ્રત્યેની શંકા દુર કરવા માટે આ મુલાકાત અગત્યની હતી. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ઓટાવા ખાતે નેશનલ સિક્યુરીટી એડવાઇઝર (એનએસએ) અજીત ડોભાલ કેનેડાના એનએસએ નાતાલી ડ્રોઇનને મળ્યા હતા. એમ મનાય છે કે અજીત ડોભાલની આ યાત્રાને કારણે બંને દેશો વચ્ચે ઉભા થયેલા તણાવમાં સુધારો આવી શકશે. છેલ્લા થોડા વર્ષોથી કેનેડામાં અલગતાવાદી સંગઠનના ખાલીસ્તાનવાદીઓ સતત ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. કેનેડામાં ભારતીય મંદિરો પર સતત હુમલા થાય છે. ડોભાલ - ડ્રોઇન વચ્ચે મળેલી બેઠકમાં બંને દેશોના નાગરીકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કયા પગલા લેવાવા જોઈએ એ વિશે પણ ચર્ચા થઈ હતી.

'મોલમાં જતા લાગે છે કે, પાકિસ્તાનમાં આવી ગયો', અમેરિકી સાંસદના નિવેદનથી વિવાદ

અમેરિકાના ટેક્સાસ રાજ્યના રીપબ્લિકન સાંસદ બ્રૈન્ડન ગીલના એક નિવેદનને કારણે વિવાદ થયો છે. સાંસદે કહ્યું હતું કે એમના રાજ્યના કેટલાક હિસ્સાનું ઇસ્લામીકરણ થઈ ગયું છે. ગીલે કહ્યું હતું કે ટેક્સાસના કેટલાક મોલમાં જઈએ તો એમ લાગે છે કે તમે ડલાસ નહીં પરંતુ પાકિસ્તાનમાં ફરી રહ્યા છો. એમણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શેર કરીને લખ્યું હતું કે, મોટા પ્રમાણમાં થઈ રહેલું ઇસ્લામી માઇગ્રેશન અમેરિકાને ખતમ કરી રહ્યું છે કે જેને આપણે ખુબ પ્રેમ કરીએ છીએ. ડલાસ વિસ્તારમાં ડેમોગ્રાફીના ફેરફારને કારણે સ્થાનીક લોકોની સાંસ્કૃતિક ઓળખ બદલાઈ ગઈ છે. એમની પાસે ઘણા લોકો ફરિયાદ લઈને આવે છે કે આસપાસના વિસ્તારોમાં મસ્જિદ બની રહી છે અને બીજા કોમ્યુનીટી કોમ્પલેક્સ પણ બનાવવામાં આવે છે. સાંસદના આ નિવેદનની ટેક્સાસના મુસ્લિમોએ ટીકા કરી છે.

પ્રીન્સ વિલિયમના સાઉદી પ્રવાસ અને મોહમદ સલમાન સાથેની મુલાકાત પર ઉભા થયા સવાલ

બ્રિટનના પ્રીન્સ વિલિયમ બ્રીટીશ સરકારના કહેવાથી સાઉદી અરબના પ્રવાસે જઈ રહ્યા છે. એમનો આ પહેલો પ્રવાસ છે. આ પ્રવાસની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. રોયલ પેલેસના પ્રવક્તાઓનું કહેવંત છે કે, પ્રીન્સ ઓફ વેલ્સ એમની ભૂમિકાને ખુબ ગંભીરતાથી લે છે અને એટલે સરકારની વિનંતી સ્વિકારી લીધી છે. આ પહેલા એમણે કરેલા એસ્ટોનિયા, પોલેન્ડ, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસો કરતા આ પ્રવાસ અલગ પડે છે. આ પ્રવાસમાં પાવર સેક્ટર ક્ષેત્રમાં આપ-લે તેમજ યુવાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આજનું સાઉદી અરબ પ્રીન્સ વિલિયમના દાદીના ૭૦ વર્ષના શાસન કરતા બહુ અલગ છે. સાઉદી અરબમાં રાજાશાહી છે. સાઉદી અરબ આંતરરાષ્ટ્રીય મનોરંજનના કાર્યકરો અને રમતગમતના આયોજનોને પણ પ્રોત્સાહન આપે છે. જોકે એમનેસ્ટી ઇન્ટરનેશનલ સહિત ઘણા માનવ અધિકાર સંગઠનો ઇચ્છતા નથી કે બ્રિટન અને સાઉદી અરબ નજીક આવે.

વિપક્ષના નારાજ મહિલા સાંસદોએ સ્પિકરને પત્ર લખ્યો

કોંગ્રેસના મહિલા સાંસદોએ લોકસભા સ્પિકર ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે મહિલા સાંસદો વિરુદ્ધ ખોટા આરોપો લગાડવામાં આવે છે અને વિપક્ષના સંસદીય હકોને અવગણવામાં આવે છે. સાંસદોએ પત્રમાં લખ્યું છે કે, એમણે બંધારણીય રીતે વડાપ્રધાનનો વિરોધ કર્યો હતો એટલા માટે એમને ટાર્ગેટ કરવામાં આવે છે. આ પહેલા સ્પિકર ઓમ બિરલાએ કહ્યું હતું કે લોકસભામાં એવું વાતાવરણ છે કે વડાપ્રધાન પર હુમલો થઈ શકે છે. એમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાનની બેઠક નજીક આઠથી દસ મહિલા સાંસદો ધસી ગયા હતા. પત્રમાં મહિલા સાંસદોએ લખ્યું છે કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ સ્પિકરે કોંગ્રેસના સાંસદો વિરુદ્ધ અપમાનજનક આરોપો મુ્ક્યા છે. સ્પિકરે ખરેખર તો તમામ સાંસદોના સ્વમાનની રક્ષા કરવી જોઈએ.