નવીદિલ્હી : ઇન્ડીગો એરલાઇન્સને કારણે આખા દેશના વિમાન પ્રવાસીઓ સંકટમાં મૂકાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રવાસીઓની હાલાકી વિશે મીડિયામાં આવી રહ્યું છે. કેન્દ્રીય એવીએશન મીનીસ્ટર રામમોહન નાયડુએ કહ્યું હતું કે ઇન્ડીગો વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે એરલાઇન્સ સામે કડક પગલા લેવામાં આવશે. હવે આ બાબતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઝુકાવ્યું છે. મમતા બેનર્જીએ આ સંકટ માટે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. મમતાએ કહ્યું હતું કે, પાયલોટોને પણ આરામની જરૂર હોય છે. મમતાએ કહ્યું હતું કે, 'યાત્રીઓને ફલાઇટ મળી રહી નથી. આ સંકટ એટલા માટે ઉભુ થયું કે, કોઈ આયોજન જ થયું નહોતું. આ સંકટ માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે જવાબદાર છે.'
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા પછી નવજોત કૌર સિધ્ધુએ શું કહ્યું
પંજાબ કોંગ્રેસમાં મોટી ગરબડ ચાલી રહી છે. નવજોત સિંહ સિધ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થયા પછી નવજોત કૌરએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડીગ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. એમણે કહ્યું હતું કે તેઓ એક અસંવેદનશીલ અને ગેરજવાબદાર તેમજ નૈતિક રીતે અપ્રમાણીક અને ભ્રષ્ટ પ્રમુખ સાથે રહેવા માંગતા નથી. નવજોત કૌરએ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, 'હું એ તમામ ભાઈઓ અને બહેનો સાથે ઉભી રહી છું કે જેમને પ્રમુખની બેદરકારી અને બેજવાબદાર વ્યવહારને કારણે અપમાનીત થવું પડયું છે. હું એમને પક્ષના પ્રમુખ તરીકે સ્વિકારી શકતી નથી. મને નવાઈ લાગે છે કે મુખ્યમંત્રી શા માટે એમને બચાવી રહ્યા છે. અમૃતસરના ભૂતપૂર્વ ધારાસભ્ય નવજોત સિંહ કૌરએ બીજી એક પોસ્ટમાં કહ્યું હતું કે, એમણે વડીગ સામેના આક્ષેપોની યાદી પીએમઓ, પંજાબના રાજ્યપાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મોકલી આપી છે.'
સીજેઆઇ સૂર્યકાંતનો પહેલો દુર્લભ ચૂકાદો
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સૂર્યકાંતએ પદ સંભાળ્યા પછી પહેલી વખત જાતી સાથે જોડાયેલો એક દુર્લભ ફેસલો જાહેર કર્યો છે. એક સગીર છોકરીના ભણતરને સહેલુ બનાવવા માટે સુપ્રિમ કોર્ટે એની માતાની જાતિ 'આદી દ્રવિડ'ને આધારે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર આપવાની મંજૂરી આપી છે. આ કિશોરીની માતાએ એક બીન અનુસૂચિત જાતિની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જોકે બાળકના પિતાની જાતિ બાળકને વારસામાં મળી શકે કે કેમ એ બાબતે થયેલી ઘણી અરજીઓનો નીકાલ થવાનો બાકી છે. એમ મનાય છે કે સુપ્રિમ કોર્ટના આ ચુકાદાને કારણે એક નવી ચર્ચા શરૂ થઈ શકે છે. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચીની બેન્ચે મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને ચેલેન્જ કરતી અરજી ફગાવી દીધી હતી. મદ્રાસ હાઇકોર્ટે પૂંડુચેરીની એક કિશોરીને અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર આપવાનો હુકમ કર્યો હતો.
પાકિસ્તાનના પહેલા સીડીએફ બનતા જ આસીમ મુનીરની વાણી બેકાબુ
પાકિસ્તાનના પહેલા સીડીએફ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ તરીકે પસંદગી થતા જ ફિલ્ડ માર્શલ આસીમ મુનીર હવામાં ઉડવા માંડયા છે. હોદ્દો સંભાળ્યા પછી એમણે પહેલા ભારતને યાદ કર્યું હતું. પોતાના પહેલા સંબોધનમાં એમણે ફિશિયારી મારી હતી કે ભારત સામે પાકિસ્તાનનો આગલો જવાબ વધુ કઠોર હશે. મે મહિનામાં ઓપરેશન સિંદુર દરમિયાન ભારતની સેનાએ પાકિસ્તાનમાં પ્રવેશ કરીને કાર્યવાહી કરી હતી. ત્યાર પછી થોડા દિવસો સુધી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. જોકે પાકિસ્તાને સામેથી સીઝફાયરની વિનંતી કરી હતી છતાં મુનીર કહે છે કે 'ભારતે કોઈ ગેરસમજ રાખવી જોઈએ નહીં. હવે પછી પાકિસ્તાનનો જવાબ વધુ ઝડપી અને વધુ કડક હશે.' મુનીર કદાચ ભૂલી ગયા કે ઓપરેશન સિંદુર પછી પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ હતી.
ઇન્ડિયા ગઠબંધન જસ્ટીસ સ્વામીનાથન સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવશે
ઇન્ડિયા ગઠબંધનના સાંસદો મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચના જસ્ટીસ જી આર સ્વામીનાથન સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવે છે. આ સાંસદોનું કહેવું છે કે, જસ્ટીસ સ્વામીનાથનએ સુબ્રમણ્યમ સ્વામી મંદીરના અધિકારીઓને સૂચના આપી હતી કે, એક દરગાહ પાસે સ્તંભ પર દિવો પ્રગટાવવામાં આવે. સીપીઆઇ (એમ)ના સુ.વેંકટેશનએ કહ્યું હતું કે, 'અમે ઇન્ડિયા ગઠબંધનના સાંસદોની સહી લઈ રહ્યા છીએ અને આ સહીઓ સંસદમાં રજુ કરવામાં આવશે.' જો હાઇકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવો હોય તો લોકસભાના ૧૦૦ સાંસદો અને રાજ્ય સભાના ૫૦ સાંસદોની સહી પ્રસ્તાવ પર હોવી જરૂરી છે. જો પ્રસ્તાવનો સ્વિકાર થાય તો ત્રણ સભ્યોની સમિતિ એની તપાસ કરે છે. આ તપાસ પછી સંસદના બંને ગૃહોમાં બે તૃતિયાંસ હાજરીમાં મતદાન કરવામાં આવે છે.
મોદીની ઓમાન યાત્રાને કારણે પાકિસ્તાના પેટમાં તેલ રેડાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ઓમાનની યાત્રા પર જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની ઓમાન યાત્રાની અગત્યતા કેટલીક બાબતોને લીધે ખાસ છે. ઓમાન પશ્ચિમ એશિયામાં ભારતનો ખૂબ જૂનો અને વફાદાર મિત્ર છે. જીઓ પોલીટીકલ નિષ્ણાંતોના મતે ઓમાનમાં તેલના ભંડારો છે અને આથક રીતે ભારત સાથે સંકળાયો છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારત અને ઓમાન વચ્ચે સુરક્ષા બાબતે તેમજ વેપાર બાબતે દ્વિપક્ષીય કરારો થયા છે. બંને દેશો વચ્ચેના સંબંધોને ૭૦ વર્ષ પૂરા થયા છે. લગભગ બે વર્ષ પહેલા ઓમાનના સુલતાન હેથમ બીન તારીક પહેલી વખત ભારત આવ્યા હતા. ૧૯૭૧ના પાકિસ્તાન યુદ્ધ વખતે પણ ઓમાનએ ભારતને ટેકો આપ્યો હતો. ઓમાનએ હિંદ મહાસાગરમાં પોતાનું એક પોર્ટ ભારતીય નવસેનાને આપ્યું છે. મુસ્લિમ દેશ હોવા છતાં ઓમાન ભારતની સાથે રહે છે એ વાત પાકિસ્તાનને પસંદ આવતી નથી.
હુમાયુ કબીર સાથે ઓવૈસી ગઠબંધન નહીં કરે
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મુસ્લિમ મતબેન્ક પર તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસ સિવાય એઆઇએમઆઇએમની પણ નજર છે. તૃણમુલ કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય હુમાયુ કબીર પોતાનો પક્ષ બનાવીને વિધાનસભાની ચૂંટણી લડવાના છે. પશ્ચિમ બંગાળમા એવી ચર્ચા થતી હતી કે, મુસ્લિમ મતદારોનું ધુવિકરણ કરવા માટે એઆઇએમઆઇએમ અને હુમાયુ કદાચ હાથ મેળવે. જોકે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હુમાયુ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન કરવાનો ઇન્કાર કર્યો છે. ઓવૈસીએ હુમાયુની ઓફરને રાજકીય રીતે યોગ્ય ગણાવી નથી. એઆઇએમઆઇએમના પ્રવક્તા સૈયદ અસીમ વકારએ કહ્યું છે કે, કબીર કદાચ ભાજપના નેતૃત્વ સાથે સંપર્કમાં છે અને ભાજપ સાથે જોડાણ પણ કરી શકે છે. જો ઓવૈસીનો પક્ષ અને કબીરનો પક્ષ ગઠબંધન વગર ચૂંટણી લડશે તો મુસ્લિમ મતોનું વિભાજન થઈ શકે એમ છે.


