નવીદિલ્હી : ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડે આપેલા રાજીનામા પછી ભાજપ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે જાટ નેતાનું નામ આગળ કરી શકે છે. જગદીપ ધનખડ પણ જાટ હતા. લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા જોતા નક્કી છે કે એનડીએના ઉમેદવાર જ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે. દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના એલજી વી કે સકસેના તેમ જ મનોજ સિંહા સિવાય બીજા કેટલાક નામો પણ ચર્ચામાં છે. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરીવંશનું નામ પણ આગળ આવી રહ્યું છે. કારણ બિહાર વિધાનસભાની ચૂંટણી છે. હરીવંશના બિહાર સંપર્કોનો ફાયદો કોંગ્રેસ અને જેડીયું લઈ શકે છે. હવે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ પણ ચર્ચામાં છે. જાટ સમાજને હકારાત્મક સંદેશો આપવા માટે આચાર્ય દેવવ્રતને મોકો મળે એવી સંભાવના છે.
ભારતનો વિકાસ ભાષાના આતંકવાદ વગર થાય, મમતાનો ટોણો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું છે કે હું ચાહુ છું કે ભારતનો વિકાસ ભાષાના આતંક વગર થાય. ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી પ્રવાસીઓ સાથે થતી કનડગતના વિરોધ પ્રદર્શન વખતે એમણે આ વાત કરી હતી. મમતાએ નોબેલ એવોર્ડ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ પણ કર્યો હતો. મમતા બેનર્જીએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, 'હું વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોરના ચરણોમાં મારી શ્રદ્ધા રાખું છું. રવિન્દ્રનાથ ટાગોર દર ક્ષણે અમારા હૃદયમાં વસે છે.' મમતા બેનર્જીની ઇચ્છા છે કે સમગ્ર દેશમાં રવિન્દ્રનાથ ટાગોરની ભાષા બંગાળીનું સન્માન તમામ નાગરીકો કરે. જોકે જે રીતે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં સ્થાનીક ભાષા પ્રત્યે કટ્ટરતા જોવા મળે છે એવી જ કટ્ટરતા કેટલેક અંશે બંગાળમાં પણ જોવા મળે છે.
'એક ચપટી સિંદૂરની કીંમત તમે શું જાણો'
અભિનેત્રી - સાંસદ જયા બચ્ચન બેધડક બોલવા માટે જાણીતા છે. થોડા દિવસો પહેલા એમણે રાજ્યસભામાં સરકારને સવાલ કર્યો હતો કે, ઓપરેશન સિંદૂર નામ કઈ રીતે રાખવામાં આવ્યું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહિલાઓનું સિંદૂર ભૂસાઇ ગયું હતું. જયા બચ્ચને કરેલા આ સવાલનો જવાબ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આપ્યો છે. દિલ્હી વિધાનસભામાં એમણે ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાનના વખાણ કર્યા હતા અને જયા બચ્ચન પર કટાક્ષ કર્યો હતો. મુખ્યમંત્રી રેખાએ કહ્યું હતું કે, 'પહેલગામના હુમલા પછી ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર નામ કેમ રાખવામાં આવ્યું એ હું એમને ફિલ્મી ભાષામાં કહેવા માંગુ છું. એક ચપટી સિંદૂરની કીંમત તમે શું જાણો મેડમ. તમને એની વેલ્યુ ખબર નથી.'
ભાજપના સાંસદ નિશિકાંત અને મનોજ સામે એફઆઇઆર
ઝારખંડના દેવઘર ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાબા વૈદનાથ ધામ મંદિરમાં નિયમોનો ભંગ કરવા તેમ જ જબજસ્તીથી ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે ભાજપના સાંસદ ડો. નિશિકાંત દુબે અને મનોજ તિવારી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પાંડા ધર્મ રક્ષીણી સભાના ભૂતપૂર્વ મહામંત્રી કાર્કિતક નાથ ઠાકુરના લેખિત નિવેદન પછી ગુનો દાખલ થયો છે. આક્ષેપ છે કે સાંસદ દુબે પોતાના ટેકેદારો સાથે મંદિરના બહાર નીકળવાના રસ્તેથી જબરજસ્તી કરીને મંદિરમાં પ્રવેશ્યા હતા. એ વખતે ડયુટી પર હાજર રહેલા પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી થઈ હતી. એફઆઇઆરમાં સાંસદ દુબે સિવાય એમના ટેકેદારોના નામ પણ છે. બીજી તરફ નિશિકાંત દુબેનો બચાવ છે કે તેઓ મંદિરમાં ફક્ત પૂજા કરવા ગયા હતા.
એએસપી સામે પગલા લેવા લખનૌમા કેન્ડલ માર્ચ નીકળી
ફિરોઝાબાદના કુંડલાના ભૂતપૂર્વ ધારાસભ્ય રાકેશ બાબુ એડવોકેટના પુત્રી નિતેશ સિંહને ન્યાય અપાવવા માટે લખનૌમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ વિરોધમાં દરેક રાજકીય પક્ષ તેમ જ સામાજીક સંગઠનોના કાર્યકરો જોડાયા હતા. મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલો પત્ર મેજિસ્ટ્રેટને આપવામાં આવ્યો હતો. બનાવની સીબીઆઇ તપાસ કરીને ગુનેગારોને યોગ્ય સજા આપવાની માંગણી પણ કરવામાં આવી હતી. બીએસપીના ભૂતપૂર્વ ધારાસભ્ય રાકેશ બાબુ એડવોકેટના પુત્રી નિતેશ સિંહનો મૃતદેહ લખનૌ પોલીસ લાઇન્સમાં લટકતો મળ્યો હતો. નિતેશ સિંહના ભાઈ પ્રમોદકુમારએ પતિ મુકેશ પ્રતાપસિંહ (એએસપી) સામે કાવતરૂ કરીને બહેનની હત્યા કરી હોવાનો આરોપ મુક્યો છે. મુકેશ પ્રતાપસિંહ સીઆઇડીમાં એએસપી તરીકે કામ કરે છે. નિતેશ સિંહના મૃત્યુનો વિવાદ વધી રહ્યો છે.
મારૂ 'હિન્દુસ્તાન' ખુબ યાદ આવશે
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ સુધાસુ ધુલિયા નિવૃત્ત થઈ રહ્યા છે. એમને ફેરવેલ માટે રખાયેલા કાર્યક્રમમાં એમણે સંબોધન કર્યું હતું. સંબોધનમાં એમણે સુપ્રિમ કોર્ટની સરખામણી હિન્દુસ્તાન સાથે કરી હતી. જસ્ટીસ ધુલિયાએ કહ્યું હતું કે, 'હિન્દુસ્તાનનો મતલબ મારા માટે સુપ્રિમ કોર્ટ બાર સાથે છે. આ કદાચ એક માત્ર એવી કોર્ટ છે કે જ્યાં દેશના દરેક ખુણામાંથી, દરેક રાજ્યોમાંથી અને દરેક પ્રદેશમાંથી કેસીસ આવે છે. સવારનો એક કિસ્સો યાદ કરતા જસ્ટીસએ કહ્યું હતું કે, 'અમે નાસ્તો કરી રહ્યા હતા. મારા પત્નીએ મને પૂછયું હતું કે, તમે હવે જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છો તો, તમને સૌથી વધુ શું યાદ આવશે. મે તરત જ એમને કહ્યું હતું કે, મને સૌથી વધુ મારું હિન્દુસ્તાન યાદ આવશે. મારી પત્નીને શરૂઆતમાં લાગ્યું હતું કે હું શું બોલી રહ્યું છું, પછી મે એમને સમજાવ્યું કે મારા માટે હિન્દુસ્તાનનો મતલબ શું છે.'
મુખ્યમંત્રી ફડણવીસને સીજેઆઇએ મંચ પર ટોક્યા
મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તી ભૂષણ ગવઇ તેમ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક સાથે મંચ પર ઉપસ્થિત હતા. એ વખતે સીજેઆઇ ગવઇએ મુખ્યમંત્રી ફડણવીસના એક ભાષણ દરમિયાન એમને અટકાવીને એક ભૂલ બતાવી હતી. સીજેઆઇ ગવઇએ ફડણવીસને ઇશારો કરીને ભૂલ સુધારવા માટે પણ કહ્યું હતું. ડો. આબંડેકર કોલેજના હિરક મહોત્સવ કાર્યક્રમમાં દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નિતિન સાંભરે પણ હાજર હતા. મંચ પર બેઠેલા મહાનુભાવોની ઓળખાણ કરાવતા જસ્ટીસ નિતિન સાંભરેની ઓળખ જે રીતે આપી એ સીજેઆઇને પસંદ આવ્યું નહોતું. સીજેઆઇએ મુખ્યમંત્રીને ઇશારો કર્યો હતો કે તેઓ ન્યાયમૂર્તિની ઓળખ વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે આપે. જોકે ફડણવીસે પોતાની ભૂલ સુધારીને તરત જ ફરીથી ઓળખાણ આપી હતી.
મરાઠાના ગુણગાનથી રાજપુતો નારાજ
રાજસ્થાન ભાજપમાં હાલ રાજપુતો અને મરાઠા વચ્ચે ઓળખના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપની સાંસદ તેમજ મહારાણા પ્રતાપના વંશજો મહિમા કુમારી અને તેના પતિ રાજસમંદે આઠમા ધોરણ માટે સુધારેલ એનસીઈઆરટી સોશિયલ સાયન્સ પુસ્તકમાં એક નક્શા પર મરાઠા સામ્રાજ્યમાં જૈસલમેર, બુંદી અને મેવાડને સામેલ કરાતા નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીની સીમા છોડીને તમામ રાજવીઓના વંશજોએ એનસીઈઆરટી દ્વારા મરાઠાના મહિમામંડન તેમજ તેમને અપાયેલા મહત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. એક્સપ્લોરિંગ સોસાયટીઃ ઈન્ડિયા એન્ડ બીયોન્ડ પુસ્તકમાં રાજપુતો વિશે ખૂબ જ ઓછી માહિતી આપવામાં આવી હોવાનો તેમનો દાવો છે. ઉપરાંત પુસ્તકના ત્રીજા પ્રકરણ ધી રાઈઝ ઓફ મરાઠાસમાં મરાઠા સામ્રાજ્યને કોલ્હાપુરથી પૂર્વમાં કટક સુધી, ઉત્તરમાં પેશાવર સુધી તેમજ ગ્વાલિયર, જયપુર અને દિલ્હી સુધી વિસ્તારેલું દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત નક્શામાં રાજસ્થાનના જૈસલમેર, મેવાડ અને બુંદી તેમજ પંજાબના અનેક હિસ્સાને મરાઠા રાજવી દ્વારા શાસિત પ્રદેશો તરીકે દર્શાવાયા છે. વાસ્તવમાં આ નક્શાએ જ રાજસ્થાનના નેતાઓને ઉશ્કેર્યા છે.
પીડીએની પાઠશાળાઃ અ અખિલેશનો, મ મુલાયમનો
ઉત્તર પ્રદેશના કેટલાક હિસ્સામાં એ ફોર અખિલેશ, બી ફોર બાબા સાહેબ આંબેડકર, ડી ફોર ડિમ્પલ યાદવ, એમ ફોર મુલાયમ, જી ફોર ગરીબ જેવી બારાખડી શીખવવામાં આવે છે. વિપક્ષી સમાજવાદી પક્ષ દ્વારા સ્થપાયેલ પીડીએ પાઠશાળામાં શીખવવામાં આવતી આ રાજકીય બારાખડી સીએમ યોગી અને એસપી ચીફ અખિલેશ વચ્ચે વિવાદનો મુદ્દો બની છે. યોગીએ આ પીડીએ પાઠશાળાઓને શિક્ષણ સંસ્થાને બરબાદ કરવાના પ્રયાસ તરીકે ગણાવીને એસપી પર શિક્ષણના મંદિર તોડીને પીડીએ દ્વારા પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે.
કોલેજના નામકરણ બદલ ભાજપમાં વિવાદ
કહેવત છે કે નામમાં શું બળ્યું છે? પણ હરિયાણામાં મહર્ષિ ચ્યવન સરકારી મેડિકલ કોલેજના નામના મુદ્દે ભાજપમાં થયેલો ભડકો જોતા લાગે છે કે નામમાં જ ઘણુ બળ્યું છે. ૧લી મેના રોજ શરૂ થયેલી ૭૨૫ કરોડના ખર્ચે ૮૦૦ બેડની હોસ્પિટલ પ્રદેશવાદ અને રાજકીય તણાવનું કારણ બની ગઈ છે. ગામવાસીઓ અને ભાજપના કેટલાક નેતાઓ તેનું નામ સ્વાતંત્ર્ય સેનાની રાવ તુલા રામ રાખવા માગે છે જ્યારે ભાજપની નેતાગીરી સહિત અન્યો તેના મોજુદ નામ આયુર્વેદિક ઋષિ મહર્ષિ ચ્યવનની તરફેણ કરે છે. આ વિવાદને કારણે ૯૪ દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને પાર્ટીમાં તડા ઉજાગર થયા છે જેના પરિણામે સરકાર સમક્ષ સ્થાનિક મૂડને પ્રતિસાદ આપવાનો પડકાર ઊભો થયો છે.
આરએસએસ સહયોગી જૂથની અમેરિકી કંપનીઓના બહિષ્કારની હાકલ
અમેરિકાએ ભારતીય કંપનીઓ પર પચાસ ટકા ટેરિફ જાહેર કર્યાના બીજા દિવસે સ્વદેશી જાગરણ મંચે લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાની હાકલ કરીને એમેઝોન, વોલમાર્ટ તેમજ ફ્લિપકાર્ટ જેવી અમેરિકી કંપનીઓના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. સ્વદેશી જાગરણ મંચના નેતાએ જણાવ્યું કે સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો આ ખરો સમય છે. ઉપરાંત મંચે ટ્રમ્પના ટેરિફ સામે વિરોધ પ્રદર્શનો યોજવાનું પણ નક્કી કર્યું છે. વિદેશી કંપનીઓ ભારત છોડો નામક આ અભિયાન ૧૦ ઓગસ્ટથી સાંજે પાંચ કલાકે દિલ્હીમાં શરૂ કરવામાં આવશે.
- ઈન્દર સાહની


