Get The App

દિલ્હીની વાત : તામીલનાડુમાં કોંગ્રેસ - ડીએમકે વચ્ચે ગઠબંધન નક્કી

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : તામીલનાડુમાં કોંગ્રેસ - ડીએમકે વચ્ચે ગઠબંધન નક્કી 1 - image

નવીદિલ્હી : તામીલનાડુમાં દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધન નક્કી થઈ ગયું છે. રાહુલ ગાંધી સાથે થયેલી વાતચીત પછી બંને પક્ષના નેતાઓએ હકારાત્મક રીતે મુલાકાત કરી છે. જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓ હજી પણ રાજ્યમાં સત્તામાં ભાગીદારીનો વિકલ્પ શોધી રહ્યા છે. રાજકીય સ્ટ્રેટજી પ્રમાણે આ વાત જાહેર કરવામાં આવતી નથી. બેઠકોની વહેંચણીની જવાબદારી મુકુલ વાસનીકને સોંપવામાં આવી છે જેને કારણે ગીરીશ ચોડનકરની ભૂમિકા મર્યાદિત થઈ જશે. તામીલનાડુમાં કોંગ્રેસ ચૂંટણી નિરીક્ષકોની સંખ્યા ૫ થી વધારીને ૮ કરવામાં આવી છે. શરૂઆતમાં કોંગ્રેસ હાઇકમાન્ડના કેટલાક નેતાઓ તામીલનાડુમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની તરફેણમાં હતા. જોકે રાહુલ ગાંધીએ જાતે ડીએમકેના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી વિચાર બદલ્યો હતો.

અજીત પવારના મૃત્યુ છતાં બંને એનસીપીનું વિલીનીકરણ થશે

મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાઓની ચૂંટણી પહેલાં નક્કી થઈ ગયું હતું કે, એનસીપી (અજીત પવાર) અને એનસીપી (શરદ પવાર) એક બીજા સાથે ભળી જશે. અજીત પવારે ખુદ આ બાબતે પ્લાનીંગ કર્યું હતું. અજીત પવારના આકસ્મીક મૃત્યુ પછી હવે એમના પત્ની મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે અને એમના પુત્ર પાર્થ રાજ્યસભામાં જશે એ પણ નક્કી છે. કેટલાક રાજકીય નીરિક્ષકો શંકા વ્યક્ત કરતા હતા કે અજીત પવારના મૃત્યુને કારણે હવે બંને એનસીપીનું વિલીનીકરણ લંબાઈ જશે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફક્ત શરદ પવાર જ નહીં, પરંતુ ભાજપ હાઇકમાન્ડ પણ આ વિલિનીકરણ ઇચ્છે છે. શરદ પવાર પાસે ૮ જેટલા સાંસદો છે. ભાજપને કેન્દ્રમાં વધુ સાંસદોની જરૂર છે ત્યારે આ ૮ સાંસદોનો ટેકો એના માટે અગત્યનો બની રહે. ભાજપ અને એનસીપી વચ્ચે સમજૂતી કરાવનાર પ્રફુલ પટેલ પણ ઇચ્છે છે કે મર્જર થઈ જાય અને એમને પક્ષમાં મોટો હોદ્દો મળે.

4 વર્ષમાં 7 વખત બદલી, મુખ્ય ડિસ્ટ્રીક્ટ જજને સુપ્રીમની રાહત

સુપ્રિમ કોર્ટે રાજસ્થાનના મુખ્ય ડિસ્ટ્રીક્ટ જજ રેન્કના પગાર અને હોદ્દાની રક્ષા કરી છે. આ જજે ૨૦૨૧માં ૭ વખત ટ્રાન્સફરનો સામનો કરવો પડયો હતો. હવે એમને લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલના અધ્યક્ષસ્થાને મુકવામાં આવ્યા છે. રાજસ્થાનના મુખ્ય ડિસ્ટ્રીક્ટ જજ દિનેશકુમાર ગુપ્તાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે એમને ટાર્ગેટ કરવામાં આવે છે. ટ્રાન્સફર પોલીસીનો ભંગ કરીને એમની વારંવાર ટ્રાન્સફર કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના હુકમ પછી હાઇકોર્ટે એમને જયપુર મેટ્રોપોલિટન કમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે મૂક્યા છે. અરજી કરનારે જોકે ચિંતા વ્યક્ત કરી હતી કે આ પોસ્ટીંગ તેમના રેન્ક, ગ્રેડ અને કદને અનુરૂપ નથી. અરજી કરનારની ચિંતા દુર કરવા માટે સુપ્રિમ કોર્ટે હુકમમાં કહ્યું છે કે અરજી કરનારનો મૂળ રેન્ક મુખ્ય ડિસ્ટ્રીક્ટ જજ જેવો જ રહેશે.

કેન્દ્રનાં 66 ટકાથી વધુ સફાઈ કર્મચારીઓ એસસી, એસટી, ઓબીસી 

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનીંગ (ડીઓપીટી) એ પ્રકાશિત કરેલા રીપોર્ટ મુજબ કેન્દ્ર સરકારમાં કામ કરતા ગુ્રુપ સીના સફાઈ કર્મચારીઓમાંથી ૬૬ ટકાથી વધુ એસસી, એસટી અને ઓબીસી વર્ગના છે. કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિવિધ વિભાગોમાં ૧૪.૨૦ ટકા એસસી છે જ્યારે ૬.૫૪ ટકા એસટી અને ૧૯.૧૪ ટકા ઓબીસી છે. ભરતી વખતે કેન્દ્ર સરકારે તમામ બેઠકોમાંથી ૧૫ ટકા બેઠકો એસસી માટે ૭.૫ બેઠકો એસટી માટે અને ૨૭ ટકા બેઠકો ઓબીસી માટે તેમજ ૧૦ ટકા બેઠકો આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ) માટે અનામત રાખવાની હોય છે. રીપોર્ટ પ્રમાણે કુલ ૯૦ મંત્રાલયો અને બીજા વિભાગો મળીને ૩૨.૫૨ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓમાંથી ૧૬.૮૪ ટકા એસસી, ૮.૭૦ ટકા એસટી અને ૨૬.૩૨ ટકા ઓબીસી છે. ૨૦૧૮-૧૯ના વાર્ષિક રીપોર્ટ પછી પહેલીવાર તમામ મંત્રાલયો અને વિવિધ વિભાગોના એસસી, એસટી અને ઓબીસીનું પ્રતિનિધિત્વ કરતા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

દક્ષિણ ભારતમાં રાજ્યપાલો અને સરકારો વચ્ચે સંઘર્ષ શા માટે

ગયા અઠવાડિયે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતએ તામીલનાડુ અને કેરળના પોતાના સમીક્ષકોની માફક વિધાનસભા સત્રમાં પોતાનું ભાષણ વચમા જ અટકાવી દીધું હતું. આ ઘટના પછી રાજકીય નીરિક્ષકો વિચારી રહ્યા છે કે, આ કોઈ નવી પેટર્ન તો નથી ને. ગેહલોતના આ નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બોઝએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો છે. તામીલનાડુના રાજ્યપાલ આર એન રવી મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન સાથે વારંવાર ટકરાતા રહે છે. અત્યાર સુધી કર્ણાટકમાં થાવરચંદ ગેહલોત સરકાર સાથે સમનવ્ય રાખીને કામ કરતા હતા. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર અરલેકરે તો વધુ આગળ વધીને સંબોધનના કેટલાક પેરેગ્રાફ પોતાની રીતે બદલી નાખ્યા હતા. આ બાબતે કેરળના મુખ્યમંત્રી પીનારાઇ વિજયન ખૂબ બગડયા હતા. એમ લાગી રહ્યું છે કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોના રાજ્યપાલોને વાંકા ચાલવાની સૂચના ઉપરથી આપવામાં આવી હોવાની શક્યતા છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ આ દાવ ખેલશે

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મમતા બેનર્જીને પછાડી શકે એમ નથી. આમ છતાં પશ્ચિમ બંગાળ જીતવા માટે ભાજપની ટોચની નેતાગીરી તમામ દાવપેચનો ઉપયોગ કરશે. પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે વર્ષોથી ભાજપ પ્રયત્ન કરે છે. પક્ષે ફેબુ્રઆરી મહિનામાં બુથથી રાજ્યસ્તર સુધી સંગઠનને મજબુત બનાવવાનું નક્કી કર્યું છે. માર્ચ મહિનામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ૬ પરિવર્તન યાત્રા કાઢવામાં આવશે. ઘુસણખોરો, મહિલા સુરક્ષા અને ભ્રષ્ટાચાર મુદ્દે પણ મમતા બેનર્જીને ઘેરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિધાનસભાની તમામ ૨૯૪ બેઠકો માટે ભાજપે પ્રભારીઓની નિમણૂક કરી છે. એસઆઇઆર પછી ૧૪મી ફેબુ્રઆરીએ પ્રકાશિત થનાર મતદાર યાદી પર ભાજપની નજર છે. આ વખતે બુથોની સંખ્યા ૮૧ હજારથી ૧ લાખ સુધી પહોંચવાની શક્યતા છે. નવા બુથો પર પક્ષ બુથ કમિટિઓની રચના કરશે.

260નો ભોગ લેનાર વિમાન દુર્ઘટનાનું કારણ અધ્ધરતાલ

અમદાવાદથી લંડન જઈ રહેલી એરઇન્ડિયાની ફલાઇટ એ-આઇ ૧૭૧ના અકસ્માતને લાંબો સમય પસાર થઈ ગયો છે. નવાઇની વાત એ છે કે ૨૬૦ વ્યક્તિઓના જાન કયા કારણસર ગયા એનું કારણ હજી સુધી સત્તાધિશો જાણી શક્યા નથી. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી)નું એક જ રટણ છે 'તપાસ ચાલુ છે.' મહિનાઓ પછી એએઆઇબીના સભ્યો એક જ વાત રીપીટ કરી રહ્યા છે કે, અકસ્માત માટે ટેક્નીકલ ભૂલ કે માનવીય ભૂલ નકારી શકાય નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એએઆઇબીની ટીમ વિમાનની ટેક્નીકલ સીસ્ટમ, માનવીય ભુલ, ઓપરેશન, સંસ્થા સાથે જોડાયેલા પાસાંઓ અને પર્યાવરણના કારણોને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યા છે. એએઆઇબીના સભ્યોનું કહેવું છે કે આ તપાસ ખૂબ ગંભીર અને અઘરી છે. નવાઇની વાત એ છે કે વિદેશમાં આ પ્રકારની દુર્ઘટના બને છે ત્યારે ૧ થી ૨ મહિનામાં તપાસના પરીણામ આવી જાય છે.