Get The App

બિહારમાં બેઠકોની વહેંચણી બાબતે એનડીએમાં ખેંચતાણ

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં બેઠકોની વહેંચણી બાબતે એનડીએમાં ખેંચતાણ 1 - image

નવી દિલ્હી: બિહારમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટેની બેઠક વહેંચણી બાબતે એનડીએના દરેક પક્ષોએ દાવપેચ ચાલુ કર્યા છે. જેડીયુના પક્ષપ્રમુખ અને મુખ્યમંત્રી નિતિશકુમારએ રાજપુર બેઠક માટે એક તરફી ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. થોડા દિવસો પહેલા જેડીયુએ કહ્યું હતું કે, ભાજપ કરતા એમનો પક્ષ કમસે કમ એક વધુ બેઠક પર ચૂંટણી લડશે. બક્સર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના નેતા અને ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથેની વાતચીતમાં નિતિશકુમારએ ભૂતપૂપર્વ મંત્રી સંતોષકુમાર નિરાલાને રાજપુર ખાતેની બેઠક પરથી જેડીયુના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જોકે એનડીએના સહયોગી પક્ષોએ નિતિશકુમારના ઉમેદવાર માટે વાંધો લીધો છે. સાથી પક્ષોનું માનવું છે કે આ બેઠક પર ઘણા સમયથી ભાજપના ઉમેદવાર ચૂંટણી લડે છે.

ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઇની દોસ્તી પુરી

અઝરબેઝાનથી પ્રત્યાર્પણ કરીને ઝારખંડ લવાયેલા સુનિલ મિણા ઉર્ફે મયંકસિંહની પૂછપરછ એટીએસ કરી રહી છે. આ પૂછપરછમાં એટીએસને કેટલીક ચોંકાવનારી વાતો જાણવા મળી છે. મયંકએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ, એના ભાઈ અનમોલ અને સિદ્ધુ મુસેવાલા સહિત બીજી હત્યાઓના આરોપી ગોલ્ડી બરાડના ઓપરેશન વિશે પણ માહિતી આપી છે. મયંકના કહેવા પ્રમાણે ધરપકડ પછી અનમોલ અમેરિકાની જેલમાં બંધ છે. જ્યારે ગોલ્ડી અમેરિકામાં રહીને ગેંગ ચલાવે છે. 

જોકે ગોલ્ડી હવે લોરેન્સ બિશ્નોઇથી અલગ થઈ ગયો છે. વિદેશોમાંથી ભારતમાં હથિયારોની દાણચોરી કરનારી ગેંગ વિશે પણ મયંકએ માહિતી આપી છે. અમન શાહુએ મયંક દ્વારા જ લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બરાડ અને રોહિત ગોદારા જેવા ગુનેગારોનો સંપર્ક કર્યો હતો.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીને ભારત આવવા સંયુક્ત રાષ્ટ્રએ છૂટ નહીં આપી

અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર ભારત સાથે સંબંધો સુધારવા મઠી રહી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમીર ખાન મુત્તકી આ મહિને ભારત આવવાના હતા, પરંતુ એમની મુલાકાત રદ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદના પ્રતિબંધોને કારણે આ મુલાકાત રદ કરવામાં આવી છે. ભારત વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પણ કહ્યું છે કે, મુલાકાત માટેની પરવાનગી નહી મળતા યાત્રા રદ કરવામાં આવી છે. જો તાલિબાનના આ મંત્રી ભારત આવતે તો ૨૦૨૧માં સત્તાપર આવ્યા પછી તાલિબાનના પહેલા મંત્રી સાથે મંત્રીસ્તરીય ચર્ચા થશે. તમામ તાલિબના નેતાઓ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદે પ્રતિબંધ મૂક્યો છે. ભારતની વર્તમાન વિદેશ પોલીસી પ્રમાણે ભારત અફઘાનિસ્તાન સાથે સંબંધો બગાડવા માંગતુ નથી. ભારતના અધિકારીઓ અફઘાન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે.

વ્હિસલબ્લોઅરને ટ્રાન્સફરમાં છૂટ મળી શકે?

દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, કોઈપણ વ્હિસલબ્લોઅર એવા કારણહેઠળ ટ્રાન્સફરમાં છૂટ નહી માંગી શકે કે અફસરો દ્વારા બદલો લેવામાં આવી રહ્યો છે.

 જસ્ટીસ સી હરીશંકર અને જસ્ટીસ ઓમ પ્રકાશ શુક્લાની બેન્ચે સીઆરપીએફ (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ)ના જવાન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની સુનાવણી કરી રહી હતી. સીઆરપીએફ જવાનને ૧૭મી જુલાઈએ નોઇડાથી મણીપુરની ૮૭ની બટાલિયનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્સફર સામે એમણે અરજી કરી હતી. જવાનની ફરિયાદ પ્રમાણે આ ટ્રાન્સફર ઓર્ડર દ્વેષ રાખીને કરવામાં આવ્યો હતો. તેઓ સત્ય ઉજાગર કરતા હતા એટલે કે વ્હિસલબ્લોઅર હતા એ બાબતે ડિપાર્ટમેન્ટના ઉપલા અધિકારીઓને એમના પ્રત્યે ખાર હતો. એમને બીજી રીતે પણ હેરાન કરવામાં આવતા હતા.

બિહારમાં વ્યક્તિ દીઠ આવક યુગાન્ડા - રવાન્ડાથી પણ ઓછી

બિહારમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકારણ ગરમાઇ રહ્યું છે. વિવિધ પક્ષના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવ સોશ્યલ મીડિયા પર નિતિશની સરકારને ભીંસમાં મૂકી રહ્યા છે. 

હવે તેજસ્વી યાદવએ બિહારની ગરીબી અને રોજગારી સંબંધે એનડીએ સરકારને ૧૨ સવાલો પૂછયા છે. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે એક પોસ્ટ મૂકી છે. એમનો દાવો છે કે, બિહારમાં લોકોની વ્યક્તિ દીઠ આવક યુગાન્ડા કરતા પણ ઓછી છે. તેજસ્વી યાદવએ લખ્યું છે કે, '૨૦ વર્ષથી બિહારમાં અને ૧૧ વર્ષથી કેન્દ્રમાં નિતિશ - મોદીની સરકાર હોવા છતાં એનડીએની સરકારે બિહારને બેરોજગારી, ગરીબી અને ભૂખમરા સિવાય કઈ આપ્યું નથી. આ હું નહીં, પરંતુ ભારત સરકારના નિતિ આયોગનો રીપોર્ટ કહે છે.'

એમપીમાં ગેંગસ્ટર સલમાન લાલાના પોસ્ટરને કારણે તાણ

મધ્યપ્રદેશના ગુના શહેરની શ્રીરામ કોલોનીમાં ઇદ -એ-મિલાદ - ઉન-નબી પર ઇન્દોરના ગેંગસ્ટર સલમાન લાલાએ પોસ્ટર લગાડયા હતા. આ પોસ્ટરને કારણે વિવાદ ઉભો થયો છે. પોસ્ટર પર લખ્યું હતું કે, 'શરીર ખલાસ થઈ જાય છે, પરંતુ નામ નહીં, મિસ યુ કીંગ' પોલીસને આ પોસ્ટરની જાણ થતા પોસ્ટર દુર કરવામાં આવ્યા હતા અને ફરિયાદ પણ દાખલ થઈ હતી. ઇદ-એ-મિલાદ પર શહેરમાં મોટી સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન થયું હતું. 

પોસ્ટર વિવાદ પછી ભૂજરીયા તળાવ મંદિર પાસે રહેતા અભિષેક તિવારીએ ફરિયાદ દાખલ કરી છે. એમનું કહેવું છે કે તેઓ પોસ્ટરનો ફોટો લઇ રહ્યા હતા ત્યારે કેટલીક વ્યક્તિઓએ એમનો પીછો કરીને એમને માર માર્યો હતો. પોલીસનું કહેવું છે કે, પોસ્ટરનું લખાણ સમાજમાં નફરત ફેલાવે એવું હતું.

દિલ્હીના આ મેટ્રો સ્ટેશનો પર ઉતર્યા પછી લોકો રીક્ષા નહીં, પરંતુ ટ્રેક્ટર-ટ્રોલી પકડે છે

'નમસ્કાર, આગલું સ્ટેશન શિવવિહાર છે...  અહીંથી આગળ જવા માટે નીચે ઉતરીને ટ્રેક્ટર - ટ્રોલી પકડો.' આ વાંચીને નવાઈ લાગશે, પરંતુ દિલ્હીમાં ભારે વરસાદને કારણે કેટલાક મેટ્રો સ્ટેશનની હાલત એવી થઈ ગઈ છે કે, સ્ટેશન ઉતર્યા પછી યાત્રીઓ રીક્ષા કે ટેક્સી મારફતે નહીં, પરંતુ ટ્રેક્ટર અને ટ્રોલી મારફતે જ મુસાફરી કરી શકે છે. દિલ્હીના શાંતિનગર, ઇન્દ્રાપુરી, લોની, રોનીકા સીટી અને કરવાલનગરથી આવવા જવા માટે લોકો ટ્રેેક્ટર અને ટ્રોલીની મુસાફરી કરે છે. 

રસ્તાઓ એટલા તૂટી ગયા છે કે રીક્ષા ચાલી શકે એમ નથી. શિવવિહાર, પીન્કલાઇન રૂટનું છેલ્લું સ્ટેશન છે અને અહીં સુધી પહોંચવું લોકો માટે મુશ્કેલ બની ગયું છે. શહેરની આખી સીસ્ટમ નિષ્ફળ ગઈ છે.