Get The App

દિલ્હીની વાત : સીપીઆઇએ તેજસ્વીને 24 બેઠકોની યાદી આપી

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સીપીઆઇએ તેજસ્વીને 24 બેઠકોની યાદી આપી 1 - image

નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજકીય ગઠબંધનોમાં બેઠકોની વહેચણી બાબતની મગજમારી ચાલુ થઈ ગઈ છે. મહાગઠબંધન પણ આ બાબતે પાછળ નથી. સામ્યવાદી પક્ષો બેઠકો બાબતે જીદ પર છે. સીપીઆઇ ૩૦ બેઠકોથી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી. સીપીએમએ પણ ૧૧ બેઠકોની માંગણી કરી છે. ભારતીય સામ્યવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ ડી રાજાએ આ બાબતે મહાગઠબંધનના સંયોજક તેજસ્વી પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. ભારતીય કોમ્યુનિસ્ટ પક્ષે ૨૪ બેઠકોની યાદી તેજસ્વી યાદવને આપી છે અને સન્માનજનક બેઠકો આપવાની માંગણી કરી છે. સીપીઆઇના મહામંત્રી ડી રાજાએ કહ્યું હતું કે, મહાગઠબંધનને બિહારના લોકોનું પુરેપુરુ સમર્થન છે. સામ્યવાદીઓ માની રહ્યા છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની જીત થશે તો એમના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે એમ છે. સામ્યવાદીઓનું કહેવું છે કે મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવના નામ સામે એમને કોઈ વાંધો નથી.

નારાજ હાઇકોર્ટે કહ્યું કે ડીએમના પગારમાંથી દંડ વસુલ કરવામાં આવે

એક વ્યક્તિને લાંબા સમય સુધી જેલમાં રાખવા બાબતે બોમ્બે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે જે દંડ કર્યો છે એ રકમ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટના પગારમાંથી વસુલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને બે લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. ૨૦ વર્ષના યુવકનો રેકર્ડ સારો નથી. અગાઉ પણ એની સામે ઘણા ગુના નોંધાઈ ચૂક્યા છે. હત્યાનો પ્રયાસ કરવાનો કેસ પણ એની સામે છે. આ બાબતે એ પહેલેથી જેલમાં હતો ત્યાર પછી ડીએમ આયુષ પ્રસાદે એને મહારાષ્ટ્ર પ્રીવેન્સન ઓફ ડેન્જરસ એક્ટીવીટીસ (એમપીડીએ) હેઠળ ધરપકડ કરવાનો હુકમ કર્યો હતો. આ ધરપકડ બાબતે બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચે કહ્યું હતું કે, 'કોઈ વ્યક્તિને કારણ વગર જેલમાં રાખવી બંધારણની વિરુદ્ધ છે. પેલા શ્રમીકને બે લાખનું વળતર ચૂકવવામાં આવે.' કિસ્સો મહારાષ્ટ્રના જલગાવનો છે. ૨૦ વર્ષના દિક્ષાંત ઉર્ફ દાદુ દેવીદાસને જામીન મળવાના હતા, પરંતુ ડીએમના નવા હુકમને કારણે એણે ફરીથી જેલવાસ ભોગવવો પડયો હતો.

મમતાનું શાસન છે ત્યાં સુધી ધિરેન્દ્ર શાસ્ત્રી પશ્ચિમ બંગાળ નહીં જાય

બાગેશ્વર ધામના પીઢાધિશ્વર પંડીત ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીને પશ્ચિમ બંગાળમાં કથા કરવાની પરવાનગી મળી નથી. આ બાબતે ધિરેન્દ્ર શાસ્ત્રી મમતા બેનર્જીથી નારાજ થઈ ગયા છે. એમણે જાહેર કર્યું છે કે જ્યાં સુધી મમતા બેનર્જી મુખ્યમંત્રી રહેશે ત્યાં સુધી તેઓ પશ્ચિમ બંગાળમાં કથા નહીં કરે. એમણે કહ્યું હતું કે દીદીની જગ્યાએ દાદા આવશે ત્યારે તેઓ જરૂર જશે. ધિરેન્દ્ર શાસ્ત્રીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, 'મારે પશ્ચિમ બંગાળ જવું હતું તો દીદીએ પરવાનગી આપી નહીં. જ્યાં સુધી દીદી છે ત્યાં સુધી હું પશ્ચિમ બંગાળ નહીં જાઉં. ભગવાન કરે દીદી ચાલુ જ રહે, મને એમની સામે કોઈ ફરિયાદ નથી. ફક્ત મારી માંગણી છે કે તેઓ સદબુદ્ધી રાખે અને ધર્મનો વિરોધ નહીં કરે.'

ઝાકીર નાયકને ભારતને સોંપવા મલેશિયાએ શરત રાખી

ઝાકીર નાયક સામે કેસ દાખલ થવાથી તેઓ ભાગીને મલેશિયા ચાલ્યા ગયા છે. ભારત સરકાર ઘણા સમયથી ઝાકીર નાયકને દેશ લાવવા માટે પ્રયત્ન કરે છે. હવે મલેશિયાએ ઝાકીર નાયકને ભારતને સોંપવા વચન આપ્યું છે. મલેશિયાના એમ્બેસેડર મુઝાફર શાહ મુસ્તફાએ કહ્યું છે કે બંને દેશો વચ્ચેના પ્રત્યાર્પણ કરારને કારણે મલેશિયા ભારતને પુરો સહકાર આપશે. જોકે એમણે શરત મૂકી હતી કે સંપૂર્ણ પ્રક્રિયા કાયદેસર હોવી જોઈએ. આ મહિનાના અંતમાં કુઆલાલમ્પુરમાં એશિયન શીખર સંમેલન થવાનું છે. ભારત અને મલેશિયાના નેતાઓ આ બાબતે વાતચીત કરશે. ઝાકીર નાયક ભારત વિરુદ્ધ નિવેદનો કરવા માટે જાણીતા છે. એમના પર મની લોન્ડરીંગ, નફરત ફેલાવવી અને યુવાનોને આતંકવાદી બનાવવા ઉશ્કેરવાના ગંભીર ગુનાઓ દાખલ થયા છે.

અખિલેશ યાદવ- આઝમ ખાનની મુલાકાત પર બધાની નજર

સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ એમના રામપુર પ્રવાસ દરમિયાન પક્ષના સિનિયર નેતા આઝમ ખાનને મળશે. આ મુલાકાત એટલા માટે અગત્યની ગણાય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ૨૦૨૭માં થનારી ચૂંટણી માટે અખિલેશએ મુસ્લિમ મતબેન્ક મજબૂત કરવી જરૂરી છે. આઝમ ખાનનો પ્રભાવ હજી પણ મુસ્લિમ મતદારો પર ઘણો છે. જો અખિલેશ યાદવ આઝમ ખાન સાથે મુલાકાત કરે તો મુસ્લિમ મતદારોને આકર્ષિ શકે એમ છે. આ મુલાકાતને કારણે પક્ષની આંતરીક એકતા મજબૂત થઈ શકે એમ છે. અખિલેશ યાદવ એવો સંદેશો આપવા માંગે છે કે ઉત્તર પ્રદેશના મુસ્લિમો માટે એમને કેટલું માન અને મહત્વ છે. એમ મનાય છે કે આઝમ ખાન સહિત બીજા મુસ્લિમ નેતાઓ પક્ષના દરેક નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવશે.

નિતિશકુમાર નબળા પડશે તો ભાજપ માટે ફટકો

બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવએ એવું નિવેદન આપ્યું છે કે, મોદી સરકાર એનો ત્રીજો કાર્યકાળ પુરો કરશે કે નહીં એનો આધાર બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર છે. એટલે કે તેજસ્વી યાદવનું કહેવું છે કે, જો બિહારમાં એનડીએની હાર થઈ તો કેન્દ્રમાં મોદી સરકાર પાંચ વર્ષ ટકી શકશે નહીં. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી જેટલી વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં ઝારખંડને બાદ કરતા ભાજપને જીત મળી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને હરિયાણાની જીત પછી નરેન્દ્ર મોદીનો પાવર ૨૦૨૪ લોકસભાની ચૂંટણી પહેલા હતો એવો જ થઈ ગયો છે. જો એનડીએ બિહારમાં હારે તો મોદીની લોકપ્રિયતા વિશે ચોક્કસ સવાલ થાય. જો બિહાર વિધાનસભાની ચૂંટણીમા નિતિશકુમારનો દેખાવ નબળો રહે તો પણ ભાજપની મજબૂરી છે કે એમને સાથે જ રાખવા પડે. કેન્દ્રમાં સરકાર નિતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુના ટેકાને કારણે ટકી છે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગે કેનેડામાં ઉત્પાત મચાવ્યો

જાણીતો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે. જેલમાં બેઠા બેઠા બિશ્નોઇ ગેંગ ઓપરેટ કરે છે. બિશ્નોઇ ગેંગે ફરીથી કેનેડામાં ઉત્પાત મચાવ્યો છે. ગેંગ સાથે જોડાયેલા ફતેહ પોર્ટુગલએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ જાણકારી આપી છે. એણે લખ્યું છે કે, નવી ટેસી નામની વ્યક્તિના ઘણા ઠેકાણે ફાયરીંગ કરવામાં આવ્યું છે. બિશ્નોઇ ગેંગ એવો આક્ષેપ કરે છે કે નવી ટેસીએ લોરેન્સ બિશ્નોઇના નામનો ઉપયોગ કરીને ૫ મીલીયન ડોલરની ખંડણી વસુલી છે. કેનેડા સરકારે હમણા જ લોરેન્સ બિશ્નોઇને આતંકવાદી જાહેર કર્યો છે. ત્યાર પછી ગેંગનું આ સૌથી મોટું કારસ્તાન છે. ફતેહ પોર્ટુગલએ ચેતવણી આપી છે કે, ગોલ્ડી ધિલ્લો અને લોરેન્સ બિશ્નોઇની ગેંગના નામ પર કેનેડામાં ખંડણી ઉઘરાવનાર કે ગોળીબાર કરાવનારાઓની જવાબદારી તેઓ પોતે લેશે.