નવીદિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન દર ચૂંટણી કરતા સૌથી વધુ થયું છે. બિહારમાં ચર્ચા ચાલે છે કે, આટલી મોટી સંખ્યામાં મતદારો બહાર નીકળવા પાછળનું કારણ શું છે. કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ માટે મુખ્યત્વે બે કારણ જવાબદાર છે. પહેલું કારણ એ છે કે મતદારો એનડીએના શાસનથી કંટાળી ગયા છે અને એમને સત્તા પરિવર્તન કરવું છે. આ ઉપરાંત બિહારના પ્રવાસી મજૂરોએ પણ આ ચૂંટણીમાં મોટા પાયે મતદાન કર્યું હતું. દિવાળી અને છઠનો તહેવાર મનાવવા માટે આ પ્રવાસી મજૂરો વતન આવ્યા હતા. ત્યાર પછી મતદાન કરવા માટે તેઓ બિહારમાં જ રોકાઈ ગયા હતા. ચૂંટણી કમિશનના જણાવ્યા પ્રમાણે પ્રથમ તબક્કામાં ૧૬ જિલ્લાની ૧૨૧ બેઠકો પર લગભગ ૬૫ ટકા મતદાન થયું છે. આ મતદાનનો ફાયદો મહાગઠબંધનને થશે એમ મનાય છે.
તેજપ્રતાપ યાદવ અને રવી કિશન સાથે દેખાતા ચર્ચા
લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને લાલુએ પક્ષ અને કુટુંબમાંથી હાંકી કાઢયા છે. તેજપ્રતાપ યાદવએ જનશક્તિ જનતાદળ પક્ષ સ્થાપી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેજપ્રતાપ યાદવના પક્ષને ચૂંટણીમાં ખાસ સફળતા મળે એમ નથી, પરંતુ કૌટુંબીક ઝઘડાને કારણે તેજપ્રતાપ યાદવ પર રાજકીય નીરિક્ષકો અને પત્રકારોની નજર છે. ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર રવી કિશન સાથે તેજપ્રતાપ પટના એરપોર્ટથી બહાર નીકળ્યા હતા. આ બંને ગુસપુસ કરતા હતા એવી તસવીરો પણ વાયરલ થઈ છે. એવી ચર્ચા પણ થઈ રહી છે કે, તેજપ્રતાપ કદાચ એનડીએમાં પણ જોડાય. આ બાબતે જ્યારે રવી કિશનને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, ભાજપના દ્વાર ખુલ્લા છે. આ બાબતે જ્યારે તેજપ્રતાપને પૂછવામાં આવ્યું ત્યારે એમણે વાત બદલી નાખીને જવાબ આપ્યો કે તેઓ રવી કિશનને પહેલીવાર મળ્યા છે. રવી કિશન પણ મહાદેવના ભક્ત છે અને હું પણ મહાદેવનો ભક્ત છું.
બંગાળની સ્કૂલોમાં હવે દરરોજ 'રાજ્ય ગીત' ગાવું ફરજીયાત
પશ્ચિમ બંગાળની સરકારે દરેક સરકારી અને બિનસરકારી સ્કૂલોને આદેશ કર્યો છે કે, સવારની પ્રાર્થના સભામાં રાજ્ય ગીત ગાવું પડશે. આ બાબતે નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. સ્કૂલોમાં 'બાંગ્લાર માટી. બાંગ્લાર જલ' ગાવુ ફરજીયાત છે. આ ગીતની રચના રાષ્ટ્રગાન લખનાર રવિન્દ્રનાથ ટાગોરએ કરી હતી. રાજ્યના શિક્ષણમંત્રીએ સોશ્યલ મીડિયા એક્સ પર આ જાણકારી આપી હતી. રાજ્ય ગીતની સાથે રાષ્ટ્રગાન વંદે માતરમ પણ ગાવામાં આવશે. અંગ્રેજ સરકારે જ્યારે ૧૯૦૫માં બંગાળના ભાગલા કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આ નિર્ણયનો વિરોધ કરવા રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત લખ્યું હતું. મમતાએ ૨૦૨૩માં આ ગીતને રાજ્ય ગીત જાહેર કર્યું હતું. નવાઇની વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરની માફક બંગાળમાં વંદે માતરમનો વિરોધ થઈ રહ્યો નથી.
સુપ્રીમમાં રામ મંદિરની સુનાવણી અટકાવવાનો પ્રયાસ થયો હતો : તુષાર મહેતા
દેશના સોલીસીટર જનરલ તુષાર મહેતાએ રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ બાબતે ચોંકાવનારો દાવો કર્યો છે. એમણે કહ્યું છે કે, સુપ્રિમ કોર્ટમાં રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ બાબતે સુનાવણી નહી થાય એ માટે ઘણા પ્રયત્નો થયા હતા. મહેતાના કહેવા પ્રમાણે કોઈક વખત આડકતરી કોશીસ તો કોઈ વખત ખુલ્લેઆમ સુનાવણી અટકાવવાના પ્રયત્નો થયા હતા. એક કિસ્સાને કારણે એમના મનમા કડવાશ આવી ગઈ હતી. એમણે કહ્યું હતું કે, 'જ્યારે કેસ લંબાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે બે જાણીતા વકીલોએ કોર્ટમાંથી વોકઆઉટ કરી દીધો હતો. આવી ઘટના આપણે ફક્ત સંસદમાં જોઈ છે. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ પોતાની આવડતને કારણે કેસ આગળ ચલાવ્યો હતો.' તત્કાલીન સીજેઆઇ રંજન ગોગોઇ અને બીજા પાંચ જજોની બેન્ચે ૨૦૧૯માં વિવાદાસ્પદ સ્થળે રામ મંદીર બનાવવાની પરવાનગી આપી હતી.
મીસ યુનિવર્સ સ્પર્ધા વિવાદમાં, ફાતીમા બોશ કોણ છે?
મીસ યુનિવર્સ ૨૦૨૫ની સ્પર્ધામાં મોટો વિવાદ થયો છે. વિવાદના કેન્દ્રમાં ભાગ લેનાર યુવતી છે. યુવતીનંન નામ ફાતીમા બોશ છે. થાઇલેન્ડમાં મીસ યુનિવર્સ ૨૦૨૫ સ્પર્ધાનું આયોજન થયું છે. મેક્સીકોની એક બ્યુટી ક્વિન બાબતે વિવાદ થયો છે. ફાતીમા બોશ મીસ મેક્સીકો છે અને એક પ્રતિસ્પર્ધિ છે. મીસ યુનિવર્સ સ્પર્ધા અગાઉ યોજાયેલા એક કાર્યક્રમમાં આયોજક થાઇલેન્ડના પ્રમુખ નવાત ઇત્સરાગ્રીસીલએ તમામ પ્રતિસ્પર્ધિઓના દેખતા ફાતીમા બોશનું ખરાબ રીતે અપમાન કર્યું હતું. થાઇલેન્ડ સાથે જોડાયેલા એક પ્રમોશનલ કન્ટેન્ટ પોસ્ટ નહીં કરવા બાબતે એમણે ફાતીમાને અપમાનીત કરી હતી. નવાત ઇત્સરાગ્રીસીલએ બોશને મૂર્ખ કહી હતી. આ બાબતે જ્યારે ફાતીમાએ વાંધો લીધો ત્યારે વાત વધી ગઈ હતી અને છેવટે સુરક્ષા કર્મચારીઓએ ફાતીમાને બહાર કાંઢી મૂકી હતી આ જોઇને બીજા કેટલાક પ્રતિસ્પર્ધીઓ પણ વોકઆઉટ કરી ગયા હતા.
૧થી ૧૯ ડિસેમ્બર સંસદનું સત્ર, પરીણામની આશા નહીવત
કેન્દ્રીય સસદીય કાર્યમંત્રી કિરેન રજીજુએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, સંસદનું શિયાળુ સત્ર બોલાવવા માટે રાષ્ટ્રપતિ મુર્મૂએ સહમતી આપી દીધી છે. આ સત્ર ૧ ડિસેમ્બર ૨૦૨૫થી શરૂ થશે અને ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. સંસદમાં ઘણા મહત્વના મુદ્દાઓની ચર્ચા થવાની છે. જોકે રાજકીય નીરિક્ષકોને શંકા છે કે આ સત્રની હાલત પણ ચોમાસુ સત્ર જેવી થશે. આ પહેલાનું ચોમાસુ સત્ર ૨૧ ઓગસ્ટએ અમર્યાદીત સમય સુધી સ્થગીત કરી નાખવામાં આવ્યું હતું. ચોમાસુ સત્રમાં એસઆઇઆર બાબતે વિરોધ પક્ષોએ ભારે વિરોધ કર્યો હતો જેને કારણે સંસદમાં ૧૬૬ કલાક બરબાદ થઈ ગયા હતા. એક ગણતરી પ્રમાણે ધાંધલ ધમાલને કારણે જનતાના ટેક્સના આશરે ૨૪૮ કરોડ રૂપિયા ડુબી ગયા હતા. ધમાલને કારણે લોકસભાના ૮૪.૫ કલાક જ્યારે રાજ્ય સભાના ૮૧.૧૨ કલાક બરબાદ થયા હતા.
મમતાએ 'સર'નું ફોર્મ નહી ભરવા બાબતે પંચનો ખુલાસો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદાર યાદી સંદર્ભે એસઆઇઆરનું ફોર્મ નહી ભરવાનો દાવો કર્યો છે. જોકે તેઓ આ ફોર્મ નહી ભરે તો કોઈ સમસ્યા થવાની નથી. ચૂંટણી કમિશનના નિયમો પ્રમાણે કોઈપણ મુખ્યમંત્રીનું નામ મતદાર યાદીમાં પહેલેથી હોય જ છે. ફક્ત મુખ્યમંત્રી જ નહીં દેશના વડાપ્રધાન અને બીજા અગત્યના નેતાઓના નામ પણ આ યાદીમાં આપોઆપ સમાવવામાં આવે છે. ચૂંટણી કમિશનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન અને દરેક મુખ્યમંત્રીઓના નામ કમિશનની મતદાર યાદીમાં આપોઆપ નોંધાય જાય છે. એ માટે જુદુ ફોર્મ ભરવાની જરૂર નથી હોતી. અગાઉ મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેટલાક અધિકારીઓ એસઆઇઆરનું ફોર્મ લઈને એમની પાસે આવ્યા હતા, પરંતુ એમણે ફોર્મ ભરવાનો ઇન્કાર કરી દીધો હતો.


