Get The App

વિજય ગોએલનું કહીંપે નીગાહેં, કહીંપે નિશાના

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
વિજય ગોએલનું કહીંપે નીગાહેં, કહીંપે નિશાના 1 - image

નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે રાજ્યસભામાં જવાનો નિર્ણય કરવાથી જેડીયુના કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા છે. વિરોધપક્ષ ભાજપ પર આક્ષેપ કરે છે. ભાજપ બીજી તરફ નિતિશકુમારના નિર્ણયને એમનો અંગત ગણાવે છે. હવે ભાજપના સિનિયર નેતા વિજય ગોએલએ કહ્યું છે કે, આ બાબતે કારણવગરની ચર્ચા થઈ રહી છે. ખરી વાત તો એ બાબતે થવી જોઈએ કે ૭૫ વર્ષ પછી સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છાએ નિવૃત્તી લેવાની પરંપરા બનવી જોઇએ જેને કારણે નવી વ્યક્તિઓને મોકો મળે. વિજય ગોએલ ચાર વખત સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે તેઓ દિલ્હી ભાજપના પ્રમુખ પણ હતા. ભાજપમાં જ કેટલાક ખાનગીમાં ચર્ચા કરી રહ્યા છે કે વિજય ગોએલનું આ નિવેદન નરેન્દ્ર મોદીને ટોણો તો નહોતું ને. વિજય ગોએલએ સોશ્યલ મીડિયા પર પણ લખ્યું હતું કે, 'બધા જાણે છે કે નિતિશકુમારનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પહેલા જેવું રહ્યું નહોતું.'

પશ્ચિમ એશિયા સંકટ ભારતીય રૂપિયા પર દબાણ વધારશે

પશ્ચિમ એશિયા સંકટ લાંબુ ચાલશે તો ભારતીય રૂપિયાની આંતરરાષ્ટ્રીય વેલ્યુ ઘટી શકે છે. પેટ્રોલિયમ અને બીજી ચીજવસ્તુઓની કિંમતોમાં તો વધારો થઈ જ રહ્યો છે. આને કારણે મોંઘવારી પણ વધશે. નાણામંત્રાલયે આ બાબતે એક અહેવાલ જાહેર કર્યો છે. એમા વાત તો મોટી મોટી કરવામાં આવી છે. બહારી દબાવ છતાં પણ દેશ તમામ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છે. જોકે આ સંકટ જો લાંબુ ચાલ્યું તો પરિસ્થિતિ વણસી શકે છે. એલએનજી અને કાચા ઓઇલ પર નભતા ઉદ્યોગો તેમજ પેટ્રોરસાયણ ક્ષેત્રો પર આની અસર પડી શકે છે. નાણામંત્રાલયના અહેવાલમાં જોકે કબુલ કરવામાં આવ્યું છે કે ઇરાનના હુમલા પછી જે તાણ ઉભી થઈ છે અને હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ સૌથી ચિંતાજનક છે.

કોંગ્રેસે મોદીને આપ્યું નવું નામ, 'મહંગાઈ મેન' મોદી

ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સીલીન્ડરોની કીંમતના વધારા માટે કોંગ્રેસે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા. કોંગ્રેસે મોદીનું નવુ ઉપનામ 'મહંગાઇ મેન' પાડયું છે. કોંગ્રેસે સોશયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે મોદી સરકારે ઘરેલુ એલપીજી સીલીન્ડરના ભાવમાં ૬૦ રૂપિયાનો વધારો કરીને સામાન્ય માણસના બજેટ પર સીધો કાપ મૂક્યો છે. ૧૯ કીલોગ્રામના કોમર્શિયલ એલપીજી સીલીન્ડરની કીંમતમાં ૧૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે મોંઘવારી વધશે. છેલ્લા ત્રણ મહિનામાં કોમર્શિયલ સીલીન્ડરની કીંમત ૩૦૭ રૂપિયા વધી ગઈ છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની આકરી ટીકા કરી છે. એમના કહેવા પ્રમાણે હરદીપ સિંહ પુરી એક તરફ લોકોને કહે છે કે સરકારની પ્રાથમિકતા લોકોને સસ્તા ભાવે ઈધણ આપવાની છે. 

ખંડણી કેસમાં લોરેન્સ બિશ્નોઇ નિર્દોષ જાહેર

દિલ્હીની સાકેત કોર્ટે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને બીજા બેને ખંડણીના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. દિલ્હીના એક વકીલ પાસેથી આ ત્રણેએ એક કરોડની ખંડણી માંગી હોવાનો કેસ થયો હતો. કોર્ટના કહેવા પ્રમાણે આરોપીઓ સામે ફક્ત નિવેદન સીવાય કોઈ પુરાવા નથી. ૨૦૦૩માં દાખલ થયેલી એફઆઇઆર પછી ફાયરીંગ અને ખંડણી માટે ધમકી આપવાની ફરિયાદ થઈ હતી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસ પછી લોરેન્સ બિશ્નોઇ, હરેન સરપદાદિયા અને આશિષ વર્મા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ (સીજેએમ) નુપુર ગુપ્તાએ આપેલા ચુકાદા મુજબ ફરિયાદીએ ધમકી માટે ખંડણીની રકમ માગવાનો આરોપ મૂક્યો નહોતો. ચાર્જશીટમાં પણ રકમ આપવાનો કોઈ ઉલ્લેખ નહોતો. કોર્ટના કહેવા પ્રમાણે આરોપીઓ પર આઇપીસીની કલમ ૩૮૬ હેઠળ ગુનો કર્યાનો આરોપ લાગુ પાડી શકાય નહીં. 

અમેરિકન સૈનિક શિલ્પા ચૌધરીનો વિડિયો વાયરલ થયો

યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં કામ કરતા ભારતીય મૂળના સ્પેશિયાલીસ્ટ શિલ્પા ચૌધરીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વિડિયોમાં શિલ્પા ચૌધરી ભારતીઓને એક અપીલ કરી રહ્યા છે. ઇરાનના સુપ્રિમ લીડર ખામેનેઇની હત્યા પછી ભારતમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ બાબતે એમણે પ્રતિક્રિયા આપી છે. એમણે બધાને હોળીની શુભેચ્છા આપતા કહ્યું છે કે, આ વખતની પરિસ્થિતિ જોતા મારૂ મન તહેવારની ઉજવણી કરવાનું નથી. શિલ્પા ત્રણ બાળકોની માતા છે અને યુએસ આર્મીમા કેમીકલ, બાયોલોજીકલ, રેડીયોલોજીકલ અને ન્યુક્લિયર સ્પેશિયાલીસ્ટ છે. એમનુ કહેવું છે કે, ધર્મને કારણે ભારતમાં કેટલાકને દુઃખ થયું છે.  હું મુસ્લિમ વિરોધી નથી, પરંતુ કોઈપણ કટ્ટરતાની વિરુદ્ધ છું. 

બિહારના નવા ગવર્નર સૈન્યમાં પણ હતા

દેશના ઘણા રાજ્યોના ગવર્નરો બદલવામાં આવ્યા છે. બિહારમાં પણ આરીફ મોહમદ ખાનની જગ્યાએ સૈયદ અતા હસનૈનને ગવર્નર બનાવવામાં આવ્યા છે. એમ મનાય છે કે, લિબરલ આરીફ મોહમદ ખાનની માફક સૈયદ અતા હસનૈન પણ પ્રગતિવાદી મુસ્લિમ હોવાથી નરેન્દ્ર મોદીને ગમે છે. હસનૈન ભારતીય સૈન્યના ભૂતપૂર્વ સિનિયર અધિકારી તેમજ યુદ્ધની રણનીતિના નિષ્ણાત અને રાષ્ટ્રીય સુરક્ષા બાબતોના જાણકાર છે. કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન વખતે એમની યોજના અને લીડરશીપના ખૂબ વખાણ થયા હતા. તેઓ ભારતીય સૈનાની પ્રતિતિ રાજપુતાના રાયફલ્સ રેજીમેન્ટ સાથે જોડાયેલા હતા. એમણે ઇન્ડિયન મીલીટરી એકેડમી, દહેરાદુન ખાતેથી ડીગ્રી મેળવી હતી. તેઓ લેફ્ટનેન્ટ જનરલ તરીકે રીટાયર્ડ થયા હતા. 

દિલ્હીવાસીઓ સાયબર ઠગોથી પરેશાન

દેશમાં આજે સાયબર ક્રાઇમે હાહાકાર મચાવ્યો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ૧૦ રાજ્યો એવા છે કે જેમાં સાયબર ઠગો બેફામ બન્યા છે. આ ઉપરાંત હરિયાણા, દાદરાનગર હવેલી, દિવ-દમણ, કર્ણાટક, મધ્યપ્રદેશ, બિહાર અને તામિલનાડુ પણ સાયબર ક્રાઇમના હોટસ્પોટ છે. જોકે ગૃહમંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે હવે દિલ્હીમાં પણ બોગસ બેન્ક એકાઉન્ટ ખોલીને સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. ઝારખંડનું જામતારા સાયબર ક્રાઇમનું એપી સેન્ટર ગણાય છે. જામતારાના લબરમૂછીયાઓ એકદમ પ્રોફેસનલ ઢબે દેશભરના લોકોને ઠગે છે. દિલ્હીમાં બોગસ ખાતાઓ ખેલાવીને સાયબર ગુનેગારી એટલી વકરી છે કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં સૌથી વધુ બોગસ બેન્ક એકાઉન્ટ્સ ખોલવામાં આવે છે.