Get The App

દિલ્હીની વાત : ભાજપએ વગોવેલા કલમાડીને જીતાડવા વાજપેયીએ મહેનત કરી હતી

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપએ વગોવેલા કલમાડીને જીતાડવા વાજપેયીએ મહેનત કરી હતી 1 - image

નવીદિલ્હી : જ્યારે ૨૦૧૦માં કોમનવેલ્થ ગેઇમ્સનું આયોજન દિલ્હીમાં થયું હતું ત્યારે આયોજનની જવાબદારી કોંગ્રેસના નેતા કમલનાથને આપવામાં આવી હતી. કોમનવેલ્થ દરમિયાન કરવામાં આવેલી ખરીદી અને બીજા ખર્ચાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો અને ભાજપે આ માટે સુરેશ કલમાડીને જવાબદાર ઠેરવ્યા હતા. જોકે કોર્ટે કલમાડીને પાછળથી નિર્દોષ છોડયા હતા. કલમાડીનું થોડા દિવસો પહેલા અવસાન થયું છે. રાજીવ શુક્લની જેમ કલમાડી પણ એમની રાજકીય કારકિર્દી ઉપરાંત રમત ગમત સાથે સંકળાયેલા હતા. કલમાડીની રાજકીય કારકિર્દી દરમિયાન એક એવો સમય પણ આવ્યો હતો કે જ્યારે અટલ બિહારી વાજપેયીએ એમને જીતાડવા માટે મહેનત કરી હતી. વાજપેયી ભાજપના કેન્દ્રીય નેતા હતા. આમ છતાં એમણે ચૂંટણી દરમિયાન કલમાડી માટે પ્રચાર કર્યો હતો. આ વાત ૧૯૯૭ની છે. એ વખતે કોંગ્રેસે કલમાડીને પૂણેથી લોકસભાની ટીકીટ આપી નહોતી. કલમાડીએ પૂણે વિલાસ અગાડી નામનો પક્ષ બનાવ્યો હતો.

નેહા સિંહ રાઠોડને સુપ્રિમની રાહત

બિહારના લોકગાયક નેહા સિંહ રાઠોડ ભાજપની કેન્દ્ર સરકાર અને ભાજપના નેતાઓની ટીકા કરવા માટે જાણીતા છે. એમણે ઓપરેશન સિંદુર અને પહેલગામના આતંકવાદી હુમલા વિશે પણ કેટલીક ટીપ્પણી કરી હતી જેને કારણે જમણેરીઓ નારાજ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ પોષ્ટ કરવાથી એમની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ હતી. હવે સુપ્રિમ કોર્ટે એમને રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે એમની ધરપકડ સામે સ્ટે આપ્યો છે. જસ્ટીસ જે કે મહેશ્વરી અને જસ્ટીસ અતુલ એસ. ચદુરકરની બેન્ચે ઉત્તર પ્રદેશની સરકાર અને ફરિયાદ કરનાર અભય પ્રતાપસિંહને નોટીસ મોકલીને જવાબ માગ્યો છે. કોર્ટે નેહા સિંહની ધરપકડ પર સ્ટે આપીને ૧૯ જાન્યુઆરીએ પોલીસ પૂછપરછ માટે હાજર થવા નેહા સિંહને કહ્યું છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે જો નેહા સિંહ તપાસમાં સહકાર નહીં આપે તો એ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે.

હિજાબ વિવાદવાળા ડોક્ટર 23 દિવસ પછી નોકરીએ જોડાયા 

ડોક્ટરની ડીગ્રી મેળવનારાઓને બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર નિમણૂક પત્ર આપતા હતા. એ વખતે મુસ્લિમ યુવતી નુસરત પરવીન હિજાબ પહેરીને ડીગ્રી લેવા ગયા હતા. નિતિશકુમારે એ વખતે યુવતીનો હિજાબ હટાવ્યો હતો. નિતિશકુમારની આ ચેષ્ટાની ખુબ ટીકા થઈ હતી અને વિવાદ થયો હતો. થયેલા વિવાદ પછી નુસરત કયાં છે એની કોઈને ખબર નહોતી. નોકરીમાં જોડાવા માટે મુખ્યમંત્રીએ આપેલા પત્રને લઈને સિવિલ સર્જનની ઓફિસે જવાનું હોય છે. ઉમેદવારે ત્યાં બાકીની માહિતી આપવાની હોય છે. દસ્તાવેજોની ચકાસણી પછી સિવિલ સર્જન નક્કી કરે છે કે કયા ડોક્ટરે કયા હેલ્થ સેન્ટર ખાતે જોડાવાનું હોય છે. વિવાદના ૨૩ દિવસ પછી હવે નુસરતે નોકરી લઈ લીધી છે. નુસરત નોકરીમાં જોડાય એ માટે અધિકારીઓ પર પણ દબાણ હતું. નુસરતે સિવિલ સર્જન પાસે જવાને બદલે સીધા વિભાગમાં જઈને નોકરી જોઈન્ટ કરી હતી.

ગર્લફ્રેન્ડને કારણે સરજીલ ઇમામ જેલ પહોંચ્યો

દિલ્હીના કોમવાદી હુલ્લડો ભડકાવવાના આરોપી સરજીલ ઇમામને સુપ્રિમ કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. જોકે સુપ્રિમ કોર્ટના આ ચુકાદા પછી સરજીલ ઇમામ ફરીથી સમાચારમાં છે. સરજીલે મુંબઈની આઇઆઇટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ વિષય સાથે ગ્રેજ્યુએટ કર્યું હતું. સરજીલ જેએનયુમાં આધુનિકત ઇતિહાસના વિષયમાં પીએચડી કરતો હતો. ભણવામાં તેજસ્વી સરજીલ પર દેશદ્રોહ અને યુએપીએ જેવા ગંભીર આરોપ છે. સરજીલ બિહારના જહાનાબાદ જિલ્લાનો રહેવાસી છે અને ગર્ભશ્રીમંત કુંટુબમાંથી આવે છે. એના પિતા પહેલા જેડીયુના નેતા હતા. સરજીલે ૧૧ જુલાઈ ૨૦૧૧થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધી એક ખાનગી કંપનીમાં સોફટવેર એન્જિનિયરની નોકરી કરી હતી. જેએનયુમાં જોડાયા પછી એની વિચારધારા કટ્ટર થઈ ગઈ હતી. ૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં સરજીલની ધરપકડ બિહારના જહાનાબાદથી થઈ હતી. પોલીસને ખબર પડી હતી કે સરજીલ ફક્ત એની પ્રેમીકાના સંપર્કમાં છે. પ્રેમીકા પોલીસ સાથે મળી ગઈ અને જેલથી બચવા માટે પ્રેમીકાએ સરજીલને ખાસ ઠેકાણે બોલાવ્યો હતો. પોલીસે જાળ પાથરીને એને ફસાવી ધરપકડ કરી હતી.

જસ્ટીસ નાથની દરિયાદિલી, જસ્ટીસને 'ગાય્ઝ' કહેનારી મહિલાને માફી

સુપ્રિમ કોર્ટમાં રખડતા કુતરાઓનો કેસ ચાલી રહ્યો હતો. સુનાવણી દરમિયાન એક વિચિત્ર કિસ્સો બન્યો. જસ્ટીસ વિક્રમ નાથની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરી રહી હતી. કોર્ટમાં પ્રશુપ્રેમી, પીડીત અને નિષ્ણાંતો પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા એ વખતે એક મહિલાએ અજાણતા કોર્ટનો પ્રોટોકોલ તોડી નાખ્યો હતો. સુનાવણી દરમિયાન એક મહિલાએ ન્યાયાધીશોનો આભાર માન્યો હતો. પોતાની વાત કહેતી વખતે આ મહિલાએ ન્યાયાધીશોને મીલોર્ડ, યોર લોર્ડશીપ કે યોર ઓનર કહેવાને બદલે 'યુ ગાયઝ' તરીકે સંબોધ્યા હતા. કોર્ટમાં સોપો પડી ગયો. કેટલાક વકીલોએ ગણગણાટ શરૂ કર્યો. કેટલાકે મહિલાની ટીકા પણ કરી. મહિલાને પોતાની ભૂલ જણાતા એણે તરત જ માફી પણ માંગી લીધી. જોકે જસ્ટીસ વિક્રમ નાથે પરિસ્થિતિ ખૂબ જ સહજ રીતે લીધી. એમણે મહિલાને કહ્યું કે કંઈ નહીં, ઠીક છે. આટલુ કહીને એમણે કોર્ટની કાર્યવાહી આગળ વધારી.

મેડિકલ કોલેજમાં એડમીશન માટે પણ કોમવાદ

શ્રી માતા વૈષ્ણો દેવી મેડિકલ કોલેજના સંચાલન બાબતે ઘણા સમયથી જમ્મુમાં વિવાદ ચાલી રહ્યો છે. મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને અપાયેલા એડમીશન બાબતે જમ્મુમાં વિરોધ પ્રદર્શન થતું રહે છે. ખાસ કરીને હિન્દુવાદી સંગઠનો એટલા માટે નારાજ છે કે એડમીશન લેનાર વિદ્યાર્થીઓમાંથી બહુમતી મુસ્લિમ છે. રાષ્ટ્રીય બજરંગ દળે જમ્મુના બીસી રોડ ત્રીકુટા વિસ્તારની બહાર પ્રદર્શન કર્યું હતું અને શ્રાઇન બોર્ડના પુતળાનું દહન પણ કર્યું હતું. સંગઠને મેડિકલ કોલેજમાં અપાતા પ્રવેશના નિયમો વિશે સવાલ કર્યા હતા. ૨૦૨૫ના નવેમ્બર મહિનાની પાંચ તારીખથી આંદોલન ચાલી રહ્યું છે. હિન્દુ સંગઠનની માગણી છે કે, કયાં તો શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ આ મેડિકલ કોલેજને બંધ કરે અથવા તો ત્યાં ગુરુકુળની સ્થાપના કરે. જો મેડિકલ કોલેજમાં સો ટકા હિન્દુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે તો આંદોલન ચાલુ જ રહેશે.

જાહેર રજાઓમાં ભારત વિશ્વમાં ટોચ પર

તહેવારો કે ખાસ દિવસોએ વિશ્વના દરેક દેશમાં જાહેર રજાઓ હોય છે, પરંતુ ભારત આ બાબતમાં અગ્રક્રમે છે. કેટલીક વખત તો વર્ષમાં એવું કેલેન્ડર હોય છે કે જ્યારે એક સાથે ચારથી પાંચ રજાઓ ભેગી થતી હોય અને સમગ્ર બેન્કીંગ ક્ષેત્ર અટકી જતું હોય. ભારતમાં બ્રીટીશરોએ રાજ કર્યું હોવાથી રવિવાર રજાનો દિવસ છે. જોકે નેપાળમાં રવિવારની રજા નથી હોતી, પરંતુ શનિવારની રજા હોય છે. આ પરંપરા રાણા શાસનના સમયથી ચાલી આવે છે તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. ભારતીઓ વર્ષે આશરે ૪૨ રજાઓ ભોગવે છે. બીજા નંબરે નેપાળ છે. જ્યાં ૩૫ રજાઓ હોય છે. ઇરાનમાં ૨૬, મ્યાનમારમાં ૨૬, શ્રીલંકામાં ૨૫, કમ્બોડિયામાં ૨૪, મલેશિયામાં ૨૪, ફીઝીમાં ૨૨ અને બાંગ્લાદેશમાં ૨૨ જાહેર રજાઓ હોય છે. યુરોપ, અમેરિકા અને આફ્રિકાના દેશો રજા બાબતે આ બધા દેશોથી પાછળ છે. મોટા ભાગના ખ્રિસ્તી દેશોમાં ક્રિસમસ અને નવા વર્ષ સિવાય બીજી રજાઓ ભાગ્યે જ હોય છે.