Get The App

દિલ્હીની વાત : દેશની ચૂંટણી પ્રક્રિયામાં આવી રહ્યા છે 17 ફેરફાર

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દેશની ચૂંટણી પ્રક્રિયામાં આવી રહ્યા છે 17 ફેરફાર 1 - image

નવીદિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી કમિશને ૧૭ નવા ફેરફાર કરવાની તૈયારી કરી છે. બિહારમાં લાગુ થનાર આ ફેરફારો દેશમાં બીજે થનારી ચૂંટણીઓમાં પણ લાગુ પડશે. પહેલી વખત બિહારના તમામ ૯૦ હજારથી વધુ બુથોનું લાઇવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. મતદાન પછી પોલીંગ એજન્ટને આપવામાં આવેલા ફોર્મ ૧૭-સીમાં અને ઇવીએમની ગણતરીમાં કોઈ ફેરફાર લાગશે તો આ પરિસ્થિતિમાં વીવીપેટની ગણતરી કરવામાં આવશે. ટપાલ મારફતે મળેલા મતોની ગણતરી ઇવીએમના છેલ્લા બે રાઉન્ડ પહેલા પુરી કરવી પડશે. ઇવીએમના છેલ્લા બે રાઉન્ડની ગણતરી ત્યાર પછી જ શરૂ થશે. મતદારોને ૧૫ દિવસની અંદર એમના ઓળખ પત્ર પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડશે. દરેક ઉમેદવારને પોલીંગ બુથથી ૧૦૦ મીટર દુર પોલીંગ સ્ટેશન બનાવવાની છૂટ આપવામાં આવી છે.

ભારતીય અમેરિકનનો થરૂરને જવાબ, અમે સરકારના પ્રતિનિધિ નથી

કોંગ્રેસના સાંસદ શશી થરૂરએ થોડા દિવસ પહેલા ટ્રમ્પની ટેરિફ નીતિ તેમજ એચ-૧, બી વિઝાની ફિમા વધારા બાબતે અમેરિકન ભારતીયોના મૌન પર સવાલ કર્યો હતો. હવે એમની ટીપ્પણીનો જવાબ એક ભારતીય અમેરિકન નેતાએ આપ્યો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના કાર્યકારી  ડિરેક્ટર સુહાગ એ શુક્લે કહ્યું છે કે, કેરળના સાંસદે જે રીતે અમેરિકન ભારતીઓની ઇમેજ બતાવી છે તેઓ અમેરિકામાં ખૂબ મહેનત કરીને સેટલ થયા છે. શશી થરૂરના નિવેદનને કારણે અમેરિકા રહેતા ભારતીઓની ઇમેજ ખરાબ થઈ છે. થરૂરનું કહેવું હતું કે ટ્રમ્પ સરકારનો વિરોધ કરવા માટે કોઈ પણ ભારતીય અમેરિકને ફોન સુદ્ધા કર્યો નથી. સુહાગે એક લેખમાં લખ્યું છે કે, 'અમેરિકાની કોંગ્રેસમાં ૫૩૫ સભ્ય છે. જેમાંથી ૧૦૦ સેનેટર અને ૪૩૫ પ્રતિનિધિઓ છે. શશી થરૂરે આ બધામાંથી એક સભ્યના શબ્દોને પકડીને ખોટો પ્રચાર કર્યો છે.'

રાહુલ ગાંધીના પ્રયત્નની આડે કોર્ટ નહીં આવે : કોંગ્રેસ નેતા

તેલંગાણામાં યોજાનાર સ્થાનિક ચૂંટણીઓમાં પછાત વર્ગ માટે ૪૨ ટકા અનામતને પડકારતી અરજીની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થવાની છે. કોંગ્રેસ નેતા વી. હનુમંતા રાવએ ઓબીસી અનામત બાબતે મોટું નિવેદન આપ્યું છે. એમનું કહેવું છે કે હાલની સરકારે પહેલા આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામત આપી હતી. આનો વિરોધ કોઈએ કર્યો નથી. રાવે સવાલ કર્યો છે કે, હવે પછાત વર્ગના અનામત બાબતે વાંધો લેવામાં કેમ આવે છે. એમણે કહ્યું હતું કે, 'આ બાબતે કોર્ટ શા માટે વચમાં આવે છે?' કોંગ્રેસ નેતાના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી ૫૦ ટકા અનામતની મર્યાદાને દુર કરવા માટે કોશિષ કરે છે. એમણે કોર્ટને અપીલ કરતા કહ્યું છે કે, 'હું કોર્ટને અપીલ કરૂ છું કે અમારા રસ્તામાં નહીં આવે.'

પવનસિંહ અને પત્ની વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા

ભોજપુરી સુપરસ્ટાર અને રાજકારણી પવનસિંહ અને એમના પત્ની જ્યોતિસિંહ વચ્ચે વિવાદ વધતો જ જાય છે. હમણા જ જ્યોતિ અભિનેતાને ત્યાં પહોંચી હતી અને ધ્રુસકે ધ્રુસકે રડી હતી. જ્યોતિએ પવનસિંહ પર ઘણા આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો સામે હવે પવનસિંહે વળતો જવાબ આપ્યો છે. પવનસિંહે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને જ્યોતિસિંહ પર વળતા સવાલો કર્યા છે. સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં એમણે લખ્યું છે કે 'હું જીવનમાં એક જ વાત જાણું છું કે મારા માટે જનતા ભગવાન છે. શું હું તમારા બધાની લાગણીને દુભવી શકું? તમારા કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું.' પવનસિંહે જ્યોતિસિંહને કેટલાક સવાલો કર્યા છે. એમણે પૂછયું છે કે શું એ સાચું નથી કે કાલે સવારે તમે મારી સોસાયટીમાં આવ્યા હતા તો મે તમને માનભેર મારા ઘરે બોલાવ્યા હતા અને આપણી વચ્ચે દોઢ કલાક વાતચીત થઈ હતી. તમે એક જ જીદ પકડી રાખી હતી કે મને ચૂંટણી લડાવો, પરંતુ તમારી એ માગણી બાબતે હું કઈ કરી શકું એમ નથી.

અલ્હાબાદ હાઇકોર્ટે વકીલ વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો ગુનો દાખલ કર્યો

અલ્હાબાદ હાઇકોર્ટે એક વ્યક્તિ કૃષ્ણકુમાર પાંડે સામે ફોજદારી અવમાનનાનો આરોપ મૂક્યો છે. પાંડે સામે આક્ષેપ છે કે એમણે વકીલોના એક વોટ્સઅપ ગ્રુપમાં પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં એમણે વધારાના જિલ્લા ન્યાયાધીશ પર ભ્રષ્ટાચાર અને ગોટાળાના આક્ષેપો કર્યા હતા. જસ્ટીસ જે જે મુનીર અને જસ્ટીસ પ્રમોદકુમાર શ્રીવાસ્તવની ખંડપીઠે નક્કી કર્યું છે કે, પ્રથમ દ્રષ્ટીએ આ કોર્ટની અવમાનનાનો ગુનો બને છે. વકીલના કારનામાને કારણે ન્યાયતંત્રની ગરીમા જોખમાઈ છે. ન્યાયાધીશનું અપમાન થયું છે. વકીલે બચાવમાં કહ્યું હતું કે, આ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા એડવોકેટ જનરલની મંજૂરી લેવી જરૂરી છે. જોકે કોર્ટે આ બચાવ ફગાવી દીધો હતો. ત્યાર પછી કોર્ટે અવમાનના કાયદા ૧૯૭૧ મુજબ આરોપ ફ્રેમ કર્યા છે.

મલેશિયા સરકાર પર કટ્ટરવાદીઓની પકડ વધી રહી છે

ઇસ્લામિક દેશ મલેશિયાની ઇમેજ એક લિબરલ દેશ તરીકેની છે. મલેશિયાના સત્તાધિશો કદી કટ્ટરવાદી રહ્યા નથી. મલેશિયાના એક સરકારી ડિનર કાર્યક્રમમાં મુસ્લિમ મહેમાનોની હાજરીમાં દારૂ પીરસવા બાબતે બબાલ થઈ છે. અનવર ઇબ્રાહીમના નેતૃત્વવાળી સરકારે કટ્ટરવાદીઓના દબાણમાં આવીને મંત્રીનું રાજીનામું માંગ્યું છે. આવનારી ચૂંટણી માટે સરકાર મલય-મુસ્લિમ બહુમતીનો ટેકો માગી રહી છે. દેશની સાડા ત્રણ કરોડની વસ્તીમાંથી ૬૦ ટકા વસ્તી મલય-મુસ્લિમોની છે. મલેશિયામાં સામાન્ય રીતે દારૂ છૂટથી મળે છે પરંતુ મુસ્લિમોને પીવાની છૂટ નથી. આ પહેલા પણ મલેશિયાની સરકારે શુક્રવારની નમાઝ નહીં પઢનારાઓને જેલમાં મોકલવાનો કાયદો બનાવ્યો હતો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે એક વખત સરકાર કટ્ટરવાદીઓની માંગણી સંતોષશે તો ભવિષ્યમાં મલેશિયાની ઇમેજ ખરાબ થાય એવી શક્યતા છે.

છેવટે કેજરીવાલને ઘર મળ્યું

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છેવટે નવો બંગલો આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છોડયાના ૧ વર્ષ પછી કેજરીવાલને સરકારે મકાન આપ્યું છે. કોર્ટના હુકમને કારણે કેજરીવાલને મકાન મળ્યું છે. કેજરીવાલ રાષ્ટ્રીય પક્ષના પ્રમુખ હોવાથી એમને યોગ્ય રહેઠાણ મળવું જોઈતું હતું. જોકે સરકારે આ બાબતે કોઈ નિર્ણય નહીં લેતા પક્ષ કોર્ટમાં ગયો હતો. હવે કેજરીવાલ ૯૫, લોઢી એસ્ટેટ ખાતે આવેલા બંગલામાં રહેશે. આ પહેલા આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારને ૩૫, લોઢી એસ્ટેટનો બંગલો આપવાની વિનંતી કરી હતી. આ બંગલામાં માયાવતી રહેતા હતા. જોકે આ રહેઠાણ જુલાઈ મહિનામાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને આપી દેવામાં આવ્યું હતું.