Get The App

તેજપ્રતાપ યાદવએ ખુલાસો કર્યો, ચૂંટણી પરિણામો પછી શું થશે

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
તેજપ્રતાપ યાદવએ ખુલાસો કર્યો, ચૂંટણી પરિણામો પછી શું થશે 1 - image

નવીદિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાન પછી આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના તરછોડાયેલા પુત્ર અને જનશક્તિ જનતાદળના પ્રમુખ તેજપ્રતાપ યાદવએ બિહારમાં બનનાર હવે પછીની સરકાર બાબતે પોતાનું સ્ટેન્ડ સાફ કરી દીધું છે. ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ એમણે કહી દીધું છે કે ૧૪ નવેમ્બર ૨૦૨૫ પછી તેઓ શું કરશે. તેજપ્રતાપ યાદવએ કહ્યું હતું કે 'ચૂંટણી પરિણામો પછી કોઈની પણ સરકાર બને જે સામાન્ય માણસને રોજગારી આપશે, સ્થળાંતર રોકશે, બિહારમાં બદલાવ લાવશે એમની સાથે તેઓ રહેશે. જનતા માલિક છે, જનતા નક્કી કરશે કે કોણ સત્તામાં રહેશે. મારા પિતાએ પોતે કહ્યું છે કે જો પ્રધાનમંત્રી બનવાનો મોકો મળે તો પણ જતો કરવો જોઈએ નહીં. જો મને મુખ્યમંત્રી બનવા મળે તો હું શા માટે આ મોકો જવા દઉં.'

જેએનયુની ચૂંટણીમાં એબીવીપીની હાર, 'લાલ સલામ'ની તમામ બેઠકો પર જીત

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવસટી (જેએનયુ)ની વિદ્યાર્થી ચૂંટણી હંમેશા ચર્ચામાં રહે છે. દેશ અને રાજ્યમાં ભલે ભાજપની સરકાર હોય, પરંતુ જેએનયુના વિદ્યાર્થીઓ હંમેશા સામ્યવાદી વિચારધારા પસંદ કરે છે. હંમેશની જેમ આ વખતે પણ ચારે બેઠકો પર ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીને હાર મળી છે. ડાબેરી વિચારસરણીમાં માનતા અદીતી મિશ્રા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ઉપપ્રમુખ તરીકે કે ગોપીકા, મહામંત્રી તરીકે સુનીલ યાદવ અને સંયુક્ત મંત્રી તરીકે દાનીસ અલી ચૂંટાયા છે. દિલ્હીમાં જ્યારે પણ વિદ્યાર્થી આંદોલન થાય છે ત્યારે જેએનયુના વિદ્યાર્થીઓ અગ્રેસર હોય છે. ૨૦૨૦માં જ્યારે સીએએ વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જેએનયુના વિદ્યાર્થીઓએ પણ દેખાવો કર્યા હતા. ત્યાર પછી જેએનયુના કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ પણ થઈ હતી જેમાંથી હજી કેટલાક જેલમાં છે.

વંદે માતરમના ઉત્સવ બાબતે કાશ્મીરમાં વિરોધ શા માટે

વંદે માતરમની રચનાને ૧૫૦ વર્ષ પુરા થયાના પ્રસંગએ કેન્દ્ર સરકારે દેશ આખામાં ઉત્સવ મનાવવાનું નક્કી કર્યું છે. દેશની તમામ સ્કૂલોમાં વંદે માતરમ ગાવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. જોકે સરકારના આ નિર્ણયનો વિરોધ જમ્મુ-કાશ્મીરની સ્કૂલોમાં થઈ રહ્યો છે. કાશ્મીરના મુસ્લિમ ધર્મગુરુઓએ પણ નારાજગી બતાવી છે. એમના કહેવા પ્રમાણે વંદે માતરમ ગાવાનું ફરજીયાત કરવું એ મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં દખલગીરી છે. સરકારે આ આદેશ પાછો લેવો જોઈએ. સરકારના આદેશ પ્રમાણે વિવિધ સ્કૂલોમાં ૭ નવેમ્બર ૨૦૨૫થી ૭ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. સરકારનું કહેવું છે કે આ કાર્યક્રમને કારણે યુવાનો અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાનો વિકાસ થશે. જમ્મુ-કાશ્મીરમાં મુતહીદા મજલીસ એ ઉલેમાંની બેઠક મળી હતી અને સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ભારતની માફક અમેરિકામાં મેયર ફક્ત નામ માત્રના નથી હોતા

આપણા દેશમાં મેયર ફક્ત દેખાડા પુરતા હોય છે. મેયરનું કામ ફક્ત ઉદઘાટનો કરવાનું અને સરકારી કાર્યક્રમોમાં હાજર રહેવાનું હોય એવું ઘણા માને છે. જોકે અમેરિકાની વાત જુદી છે. અમેરિકામાં મેયર શહેરના સીઇઓ જેવું કામ કરે છે. શહેરના બજેટ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ શિક્ષણ પર પણ મેયરનો કંટ્રોલ હોય છે. ન્યુયોર્ક શહેરના મેયર તરીકે ઝોહરાન મમદાની ચૂંટાયા પછી એમની પાસે કેટલી સત્તા હશે એ જાણવું જરૂરી છે. ન્યુયોર્ક, લોસ એન્જલસ અને શીકાગો શહેરોમાં 'સ્ટ્રોગ મેયર સીસ્ટમ' છે. અહીંના મેયરો કોઈ રાજકીય પક્ષને રીપોર્ટ નથી કરતા પરંતુ તમામ નિર્ણયો પોતાની રીતે લે છે. મેયરના હાથમાં મોટું બજેટ હોય છે. કરોડો ડોલર કયા ડીપાર્ટમેન્ટ પાછળ ખર્ચવા એની તમામ સત્તા મેયર પાસે હોય છે. કેટલાક કિસ્સાઓમાં ગુનેગારને માફ કરવાની સત્તા પણ મેયર પાસે છે.

વિકાસ યાદવને ફરલો કેમ ના મળ્યા

ચર્ચાસ્પદ નિતિશ કટારા હત્યાકાંડમાં ૨૫ વર્ષની સજા કાપી રહેલા આરોપી વિકાસ યાદવ હમણા દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. વિકાસ યાદવએ ફરલો કે પેરોલ માટે અરજી કરી હતી. આ સંદર્ભે દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો છે. જસ્ટીસ રવિન્દ્ર ડુડેજાની બેન્ચે જેલતંત્ર, કટારાની માતા નીલમ કટારા અને સાક્ષી અજય કટારાને નોટીસ મોકલીને જવાબ રજુ કરવા કહ્યું છે. આરોપીએ અરજીમાં કહ્યું છે કે, હમણા જ એના લગ્ન થયા છે અને પહેલી વખત એને ૨૧ દિવસના ફરલો જોઈએ છે. વિકાસ યાદવના વકીલની દલીલ હતી કે તમામ શરતો પુરી થતી હોવા છતાં એના ફરલો નકારવામાં આવ્યા છે. જો કેદીનું વર્તન અયોગ્ય હોય કે પેરોલ પર છૂટીને ફરાર થાય એવી શક્યતા હોય તો જેલતંત્ર ફરલો આપતું નથી.

સીજેઆઇ પર જૂતા ફેકનાર વકીલ હવન કરી શકશે નહીં

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા ખાતે આવેલા ખજૂરાહોના જવારી મંદિરની મૂર્તિના પુનઃસ્થાપન માટે બે દિવસ પ્રાર્થના અને મેડીટેશન કરનાર વકીલ રાકેશ કિશોરને હવન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના અધિકારીઓએ મંદિરના કમ્પાઉન્ડમાં ૧૦૦ મીટરની અંદર હવન કરવાની પરવાનગી આપી નથી. વકીલ રાકેશ કિશોરનું કહેવું છે કે ૧૦૦ મીટર નહીં, પરંતુ ૧૦૦ ફૂટ સુધીની સીમા હોય છે. તેઓ ઇચ્છે તો પોલીસ બોલાવીને દુર કરી શકે છે. સીજેઆઇ પર જૂતા ફેકવાની કોશિષ કર્યા પછી વકીલ રાકેશ કિશોર દેશભરમાં ચમક્યા હતા. એમણે મંદિરની ખંડીત મૂર્તિની પૂનઃસ્થાપના માટે હવન અને મેડીટેશન કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિક અધિકારીઓએ એમને મંદીરના કમ્પાઉન્ડની બહાર હવન કરવા માટે સમજાવ્યું હતું, પરંતુ તેઓ તેમની માંગણીમાં મક્કમ રહ્યા છે.

મમતા બેનર્જી એસઆઇઆરનું ફોર્મ નહીં ભરે

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીનું પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ સંદર્ભે અધિકારીઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ ખાતે આવેલા ઘરે ફોર્મ લઈને પહોંચ્યા હતા. એમણે ફોર્મની નકલો મમતા બેનર્જીના ઘરે છોડી હતી. ત્યાર પછી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેઓ ફોર્મ ભરવાના નથી. એમનું કહેવું છે કે બંગાળની દરેક વ્યક્તિ જ્યાં સુધી ફોર્મ નહીં ભરે ત્યાં સુધી તેઓ ફોર્મ ભરશે નહીં. મમતાએ સોશ્યલ મીડિયા ફેસબુક પર લખ્યું હતું કે, ગઇકાલે પ્રભારી બીએલઓ પોતાના ખાસ કામ માટે અમારી પડોશમાં આવ્યા હતા. કામ માટે તેઓ મારા ઘરની ઓફિસમાં આવ્યા અને તપાસ કરી હતી કે, મારે ત્યાં કેટલા મતદારો છે. ત્યાર પછી તેઓ ફોર્મ આપીને ચાલ્યા ગયા હતા. જોકે મે નક્કી કર્યું છે કે, હું હમણા ફોર્મ નહીં ભરૂ. મમતાએ કહ્યું હતું કે, 'હું ઘરની બહાર આવી અને મારે હાથે બીએલઓ પાસેથી ફોર્મ લીધા એ વાત સાચી નથી.'