નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના રાજકારણમાં છેલ્લા ઘણા વખતથી એવી ચર્ચા થતી હતી કે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચેની દોસ્તી તૂટી ગઈ છે. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી વચ્ચે પણ કોઈ તાલમેલ જોવા મળ્યો નથી. જોકે હવે કોંગ્રેસના પીઢ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદએ બંને પક્ષના ગઠબંધન વિશે મોટુ નિવેદન આપ્યું છે. ખુરશીદએ કહ્યું હતું કે, જ્યારે અમે મળીને ચૂંટણી લડયા હતા ત્યારે અમને મળેલી સફળતાના સાક્ષીઓ છે. સફળતામાં કોંગ્રેેસ અને સમાજવાદી પાર્ટીની ભૂમિકા જાહેરમાં છે. કોંગ્રેસ હાઇકમાન્ડને આની ખબર છે અને હાઇકમાન્ડ લાંબો વિચાર કરીને જ નિર્ણય લેશે. બિહારની ચૂંટણીની તૈયારી હમણા તો ચાલી રહી છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન ચાલુ જ રહેશે.
હું ભોજપુરી બોલું છું હિમત હોય તો..., નિરહુવાની ઉદ્ધવ - રાજને ખુલ્લી ચેલેન્જ
મરાઠી ભાષાને લઈને મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકરો રસ્તા પર ઉતરીને મારીમારી કરી રહ્યા છે. બિન મરાઠી ભાષીઓ પર હુમલા વધી રહ્યા છે ત્યારે 'નિરહુવા' ના નામથી પ્રખ્યાત અભિનેતા અને ગાયક દિનેશલાલ યાદવએ ઠાકરે ભાઈઓને ચેલેન્જ કર્યા છે. એમણે કહ્યું છે કે, એમની ભોજપુરી બોલીને કારણે હિમત હોય તો બંને ભાઈઓ એમને મહારાષ્ટ્ર બહાર કરીને બતાવે. યાદવના આ નિવેદન સામે પ્રત્યાઘાત આપતા એમએનએસના એક નેતાએ કહ્યું છે કે, જો યાદવમાં હિમત હોય તો તેઓ મહારાષ્ટ્રમાં આવીને બતાવે. યાદવએ સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ સામે આઝમગઢથી લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા.
ધારાસભ્ય બનતા જ પત્નીએ પતિને છોડયો
દુઃખી થયેલા પતિએ કેસ ઠોક્યો. મધ્યપ્રદેશના દમોહ જિલ્લાની પથરીયા વિધાનસભા બેઠક પરના પૂર્વ ભાજપ ધારાસભ્ય સનાબાઈ અહીરવાલ અને એમના દિવ્યાંગ પતિ દેવકરામ અહીરવાલના લગ્ન જીવનનો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. પતિનું કહેવું છે કે એમણે પત્નીને રાજકારણમાં આગળ લાવવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. હવે એ જ પત્નીએ એમની સાથેના સંબંધો તોડી નાખ્યા. દેવકરામએ પત્ની પાસે ભરણપોષણ પણ માંગ્યું છે. દેવકરામનું કહેવું છે કે પત્ની સનાબાઈએ જ્યારે રાજકારણમાં જોડાવાની ઇચ્છા જાહેર કરી ત્યારે એમણે પત્નીને પૂરો સહકાર આપ્યો હતો. ભાજપના મોટા નેતાઓ સાથે પણ દેવકરામએ પત્નીની મુલાકાત કરાવી હતી. ૨૦૦૩માં સનાબાઈને વિધાનસભાની ટીકીટ મળી હતી. ચૂંટણી જીત્યા પછી ૨૦૦૩ થી ૨૦૦૮ સુધી સનાબાઈ ધારાસભ્ય રહ્યા હતા. જોકે ધારાસભ્ય બન્યા પછી સનાબાઈએ પતિની અવગણના ચાલુ કરી હતી.
આજે જમાનો બદલાઈ ગયો છે, બેટા તેજપ્રતાપ માટે રાબડી દેવીની વ્યથા
લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવના પ્રેમસંબંધને કારણે વિવાદ ચાલી રહ્યો છે. લાલુ પ્રસાદએ પુત્ર તેજપ્રતાપને પક્ષ અને કુટુંબમાંથી હાંકી કાઢયા છે. તેજપ્રતાપ યાદવ દરરોજ મીડિયાને નીતનવા ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. આ બાબતે પહેલી વાર તેજપ્રતાપના માતા રાબડી દેવીએ વ્યથા વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે, દરેક ઘરમાં લડાઈ ઝઘડા થાય છે. ઘર નાનુ હોય કે મોટુ, દરેક ઘરમાં કંકાસ થાય છે. કુટુંબોમાં ભાઈ-ભાઈ વચ્ચે પણ અણબનાવ થાય છે. આવી બાબતોમાં વાંક કોનો છે એ જાણવું અગત્યનું નથી. આજે જમાનો બદલાઈ ગયો છે. આપણે શું કરી શકીએ. રાબડી દેવીના આ નિવેદન પછી હવે તેજપ્રતાપ યાદવ કેવા પ્રત્યાઘાત આપે છે એના પર બધાની નજર છે.
ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન બરાબર પરંતુ સરકારમાં ભાગીદારી નહીં
તામીલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પલાની સ્વામીએ ખુલાસો કર્યો છે કે તામીલનાડુમાં ભાજપ સાથે ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ ઉનેત્ર કડગમ (એઆઇએડીએમકે) ગઠબંધન કરશે. ભાજપ અમારે માટે મોટા ભાઈ જેવો છે. જોકે કોઈપણ પક્ષ ગમે એવો મોટો હોય અમારી ઉપર હાવી થઈ શકે નહીં. પલાની સ્વામીએ કહ્યું છે કે, એઆઇએડીએમકે ૨૦ વર્ષ સુધી તામીલનાડુમાં સત્તા પર રહી છે. જો અમારૃ ગઠબંધન ૨૦૨૬ વિધાનસભાની ચૂંટણી જીતશે તો રાજ્યમાં કોઈ ગઠબંધન સરકાર નહીં બને. અમારી સમજૂતી ફક્ત ચૂંટણી પૂરતી છે. પલાની સ્વામીના કહેવા પ્રમાણે એઆઇએડીએમકે કોવીદ તુલસી ચૂંટણી અભિયાનની શરૃઆત કરશે. આ માટે ગઠબંધનના તમામ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. યાદ રહે કે ત્રણ મહિના પહેલા એઆઇએડીએમકેને ભાજપ વચ્ચે ગઠબંધન થયું હતું. પલાની સ્વામીની વાત સાંભળીને હવે ભાજપ હાઇકમાન્ડ વિચારમાં પડી ગયું છે.
આતિશી મારી મિત્ર છે મારૃ બહુ ધ્યાન રાખે છે, રેખા ગુપ્તાએ બધાને ચોંકાવ્યા
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા છે. દિલ્હી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે આતિશી માર્લેના છે. આતિશી આમ આદમી પાર્ટીના નેતા છે. બંને વચ્ચે વારંવાર રાજકીય ટક્કર થયા કરે છે. હવે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક એવું નિવેદન કર્યું છે કે, રાજકીય નીરિક્ષકો ચોંકી ગયા છે. રેખા ગુપ્તાએ કહ્યું છે કે, આતિશી એમની ખાસ મિત્ર છે અને એમનું ખૂબ ધ્યાન રાખે છે. પત્રકારે જ્યારે રેખા ગુપ્તાને આતિશી માટે સવાલ કર્યો ત્યારે એમણે આ પ્રકારનો જવાબ આપ્યો હતો. રેખા ગુપ્તાએ મજાકમાં કહ્યું હતંગ કે, આખો દિવસ મને આતિશીની ખુબ યાદો આવે છે. આખો દિવસ એ સર્વેલન્સ કેમેરા લગાડીને બેસે છે અને જોયા કરે છે રેખા ક્યાં ગઈ અને શું કરે છે. દરરોજ સવારે એ મને યાદ અપાવે છે કે, મે કઈ બાબતે ટ્વીટ નથી કર્યું અને પછી હું ટ્વીટ કરું છું.


