Get The App

દિલ્હીની વાત : જેએનયુનો સૂત્રોચ્ચાર વિવાદ, કોણ સાચુ?

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : જેએનયુનો સૂત્રોચ્ચાર વિવાદ, કોણ સાચુ? 1 - image

નવીદિલ્હી : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર થયાનો વિવાદ વકર્યો છે. ઉમર ખાલીદ અને સર્જીલ ઇમાનને જામીન નહિ મળતા ઉશ્કેરાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ ભાજપના નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્વાભાવિક છે કે ભાજપના કેટલાક સત્તાધિશોએ આ બાબતે જેએનયુના સંચાલકોને ફરિયાદ કરી હતી. સરકારને નારાજ કરવા નહીં માંગતા જેએનયુના સંચાલકોએ દિલ્હી પોલીસને એક પત્ર લખીને સૂત્રોચ્ચાર કરનાર વિદ્યાર્થીઓ સામે પગલા લેવાની માંગણી કરી છે. પોતાને ઉજળા બતાવવા જેએનયુના સંચાલકોએ કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર માટે જવાબદાર ઠરશે એમને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવામાં આવશે. યુનિવર્સિટીના સત્તાધિશોની આ જાહેરાત પછી જેએનયુના અલગ અલગ વિદ્યાર્થી યુનિયનોએ પણ હવે વિવાદમાં ઝંપલાવ્યું છે. સામ્યવાદી યુનિયનના પ્રમુખ અદિતી મિશ્રાનું કહેવું છે કે, આ સૂત્રોચ્ચાર કોઈ વ્યક્તિ સામે નહીં પરંતુ વિચારધારા સામે હતા. ભાજપ તરફી એબીવીપીના નેતાઓનું કહેવું છે કે જેએનયુમાં આ પ્રકારના તત્વો વર્ષોથી આવા સૂત્રો પોકારે છે. એમાં કોઈ નવાઈ નથી.

સોનમ વાંગચુકની ધરપકડને 100 દિવસ પુરા, વકીલે પૂછયુ કે એમનો ગુનો શું છે

લદ્દાખના પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. એમની ધરપકડ કરીને જેલમાં મોકલ્યાને ૧૦૦ દિવસ પુરા થઈ ગયા છે. લદ્દાખ બાબતે આંદોલન ચલાવી રહેલા વાંગચુકનો વિરોધ હિંસક થઈ ગયો હતો. ઘટનામાં ગોળીબારને કારણે ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. વાંગચૂકના પત્ની ગીતાજલી આંગમોના કહેવા પ્રમાણે 'આ સમય ખુબ જ વ્યથિત કરનારો અને પડકારજનક રહ્યો. પહેલી વખત હું આટલો મોટો મુદ્દો સંભાળી રહી છું.' એનએસએના કાયદા હેઠળ ૧૨ મહિના સુધી આરોપીને જેલમાં રાખી શકાય છે. વાંગચૂકના પત્નીએ કહ્યું હતું કે, 'સરકાર માટે તો આ એક વધુ દિવસ છે પરંતુ સોનમ માટે આનો અર્થ એક અઠવાડિયુ, એક વધુ મહિનો છે. દંપતીએ સ્થાપેલી હિમાલયન ઇન્સ્ટિટયુટ ઓફ ઓલટરનેટીવ લરનીંગ (એચઆઇએએલ)માં આવી રહેલી તકલીફો પણ વધી રહી છે.

વિકાસને નામે મેટ્રો અને સૌર ઊર્જાથી લોકો ત્રસ્ત

વિદેશની દેખાદેખીથી આપણા દેશના શાસકો પણ દેશના અલગ અલગ શહેરોમાં મેટ્રો ટ્રેેન પ્રોજેક્ટ શરૂ કરે છે. આ પ્રોજેક્ટનું કામ વર્ષો સુધી ચાલે છે. પ્રોજેક્ટને કારણે આડેધડ ખોદકામ થાય છે અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. સ્થાનીક વેપારીઓ, રાહદારીઓ અને રહેવાસીઓ ભારે પરેશાન થાય છે. લાખો લોકોના ધંધાપાણી બંધ થઈ જાય છે અને એમની જિંદગી નરક જેવી બને છે. આવા ધંધાર્થીઓને કોઈ વળતર આપવામાં આવતું નથી અને કેટલાય કુટુંબો બરબાદ થઈ જાય છે. આવું જ સૌર ઊર્જાનું છે. આજકાલ સરકાર મોટા ઉપાડે સૌર ઊર્જાનો ફાયદો ગણાવે છે. જોકે સૌર ઊર્જાની પેનલ્સના જોખમ વિશે કોઈને માહિતગાર કરાતા નથી. સોલર પેલન્સ કાચ, ચાંદી, એલ્યુમિનિયમ અને પોલીમર્સથી બને છે. જો શીશુ અને કેડમીયમ જેવી ઝેરી ધાતુઓનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં નહીં આવે તો તે ઘાતક નીવડી શકે છે. જુની થઈ ગયેલી પેનલ્સનું ડમ્પીંગ ગમે ત્યાં કરી દેવાથી પર્યાવરણને ભારે નુકશાન થાય છે.

અંબરનાથમાં ભાજપે કોંગ્રેસ સાથે હાથ મેળવતા એકનાથ શિંદે વ્યથીત

મહારાષ્ટ્રના રાજકારણમાં નવો ચીલો જોવા મળ્યો છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનાર ભાજપે થાણેની અંબરનાથ નગર પરિષદમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. ભાજપે શીવસેના (એકનાથ શિંદે)ને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ સાથે બેસવાનું નક્કી કર્યુંં છે. અંબરનાથમાં ભાજપ - કોંગ્રેસના ઇલુ-ઇલુથી રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં અજીત પવારની એનસીપી પણ સામેલ થઈ છે. આ રીતે અંબરનાથ નગરપાલિકામાં સત્તાનુ સમીકરણ બદલાઈ ગયું છે અને શિવસેના (એકનાથ શિંદે)એ વિરોધપક્ષમાં બેસવું પડયું છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે દુરથી આ નવુ સમીકરણ ભલે બહુ ગંભીર નહી લાગે, પરંતુ લાંબા ગાળે એની અસર મહારાષ્ટ્રના રાજકારણ પર ઊંડી થવાની શક્યતા છે.

લાલુ પ્રસાદના કુટુંબના બેવડા ધોરણથી હંગામો

કેન્દ્ર સરકારની અગ્નીવિર યોજનાનો વિરોધ કરનાર લાલુ પ્રેસાદ યાદવના કુટુંબીઓ હવે અલગ વાત કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે જ્યારે અગ્નીવિર યોજનાની જાહેરાત કરી હતી ત્યારે લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને લાલુના પુત્રી રોહિણી આચાર્યએ એની કડક ટીકા કરી હતી. હવે એકાએક એમણે યુ-ટર્ન માર્યો છે. રોહિણી આચાર્યના પુત્રએ પ્રીયુનિવસર્ટીનો અભ્યાસ પુરો કરીને હવે મીલીટ્રી ટ્રેેનિંગ માટે સિંગાપુર જવાનું નક્કી કર્યુંં છે. આનંદીત થયેલા રોહિણીએ સોશ્યલ મીડિયા એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, 'આજે મને મારા પુત્ર પર ગર્વ થાય છે. એ પ્રીયુનિવર્સિટીનો અભ્યાસ પુરો કરીને ૧૮ વર્ષની ઉંમરે લશ્કરી તાલીમ માટે જઈ રહ્યો છે... બેટા આદિત્ય તુ ખુબ બહાદુર અને સાહસીક છે. અમારા બધાની શુભેચ્છા તારી સાથે છે.'

સરકારી વકીલોની નિમણૂક બાબતે ચાલી રહેલા કેસમાં નવો ફણગો

સરકારી વકીલોની પેનલમાં નામ નોંધાવવા વકીલો પડાપડી કરે છે. સરકાર જે રીતે સરકારી વકીલોની નિમણૂક કરે છે એ બાબતથી નારાજ એક વકીલે દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ સુનાવણીમાં દાખલ થવા માટે આ વકીલે સોશ્યલ મીડિયાના માધ્યમથી બીજા વકીલોને પણ આમંત્રીત કર્યા હતા. આ કારણે દિલ્હી હાઇકોર્ટે ફરિયાદ કરનાર વકીલને કડક ઠપકો આપ્યો છે. ચીફ જસ્ટીસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટીસ તેજસ કારિયાની બેન્ચે ફર્સ્ટ જનરેશન લોયર્સ એસોસીએશનના પ્રમુખ તેમજ અરજી કરનાર વકીલ રૂદ્ર વિક્રમ સિંહને તતડાવી નાખ્યા છે. સુનાવણી વખતે સરકાર તરફથી હાજર રહેલા એડીશનલ સોલીસીટર જનરલ ચેતન શર્માએ આ અરજીનો વિરોધ કરીને કહ્યું હતું કે આ અરજીનો ઉદ્દેશ યોગ્ય નથી. થોડા સમયમાં દિલ્હી બાર કાઉન્સિલની ચૂંટણી થવાની છે અને રૂદ્ર વિક્રમ સિંહ સંભવીત ઉમેદવાર હોવાથી પ્રચારનો પ્રયત્ન કરી રહ્યા છે.

ખાસ કાયદો બનાવતી વખતે એની અસર કેમ નથી વિચારતા : સીજેઆઇ

સુપ્રિમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારને કડવો સવાલ કર્યો છે. સીજેઆઇએ કહ્યું છે કે સરકાર જ્યારે કોઈ ખાસ કાયદો બનાવે છે ત્યારે વિચારતી કેમ નથી કે એની અસર ન્યાયા વ્યવસ્થા પર કેવી પડશે. શું તમે જ્યારે ખાસ કાયદો બનાવો છો ત્યારે એને કારણે કેટલા કેસોનો વધારો થશે અને સિસ્ટમ પર કેવું દબાણ આવશે એનો કદી વિચાર કર્યો છે? દિલ્હીમાં આજકાલ ચેક બાઉન્સના કેસો વધી રહ્યા છે. આ કારણે ન્યાયતંત્ર પર પણ મોટુ દબાણ આવે છે. આ બાબતે પણ સીજેઆઇએ કહ્યું હતું કે, દિલ્હીમાં કલમ ૧૩૮ (ચેક બાઉન્સ)ને કારણે આખી સિસ્ટમ તકલીફમાં છે. કાયદો બનાવ્યા પછી સરકાર કોર્ટ વધારતી નથી અને ઝડપી ન્યાય મળે એ માટે કોઈ યોગ્ય સિસ્ટમ પણ વિચારતી નથી.