નવીદિલ્હી: કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ઘણા સમયથી પંજાબ કોંગ્રેસના નેતાઓથી નારાજ છે. હવે આ મતભેદ જાહેરમાં આવ્યા છે. તેમણે એવું નિવેદન આપ્યું છે કે, હવે પક્ષની અંદર જ પાંચ નેતાઓ એવા છે જેમને મુખ્યમંત્રી બનવું છે. આ બધા પક્ષ વિરુદ્ધ કામ કરે છે. સિદ્ધુ અને એમના પત્ની નવજોત કૌરએ પણ કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો છે કે, પંજાબ ર્કાંગ્રેસના નેતાઓ એકબીજાને પછાડવાની કામગીરી કરતા રહે છે. સિદ્ધુ લાગણીથી પ્રિયંકા ગાંધી સાથે જોડાયેલા છે. જોકે આતંરીક ખેંચતાણને કારણે સિદ્ધુને કોંગ્રેસમાં કોઈ અગત્યનું પદ મળવાનું નથી. સિદ્ધુ પતિ-પત્નીએ રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાની મુલાકાત લઈને મોટા જમીન કૌભાંડ વિશે માહીતી આપી હતી.
વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવા એક હજાર બાળકો પગપાળા કેમ જશે
નૂહમાં ૧૦ દિવસ ચાલેલી સરદાર એકતા પદયાત્રાનું મંદી ખાતે સમાપન થયું. આ યાત્રા સરદાર વલ્લભાઈ પટેલની ૧૫૦મી જયંતી અને હસનખાન મેવાતીના બલિદાનને ૫૦૦ વર્ષ થયા એ પ્રસંગે કાઢવામાં આવી હતી. હવે વડાપ્રધાન મોદીને મેવાત બોલાવવા માટે એક હજાર બાળકો પદયાત્રા કરીને દિલ્હી જશે. ઇતિહાસકારો અને શિક્ષણ વિદોના કહેવા પ્રમાણે મેવાતના હજારો લોકોએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બલિદાન આપ્યું છે. મોઘલકાળથી મેવાતી દેશ માટે લડી રહ્યા છે. મેવાતની સમસ્યાઓના ઉકેલ માટે ૧ હજાર કિશોરો પદયાત્રા કરીને પ્રધાન મંત્રીને મેવાત આવવાનું આમંત્રણ આપશે. પદયાત્રાને કારણે મેવાત સંદર્ભે લોકો જાગૃત પણ થશે. ૧૮૫૭ અને ૧૮૫૮ના ગેઝેટ નોટિફિકેશનમાં શહિદ થયેલા હજારો મેવાતીઓના નામ છે.
હુમાયુ કબીરએ બાબરીનો પાયો ખોદ્યો, ભાજપએ કહ્યું મમતા આગ સાથે રમે છે
તૃણમુલ કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદને નામે મસ્જિદ બનાવવાનો પાયો નાખ્યો છે. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં હજારો ટેકેદારો સાથે એમણે મસ્જિદનો પાયો નાખ્યો હતો. હુમાયુ કબીર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની ભરતપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હુમાયુ કબીર ૨૨મી ડિસેમ્બરે નવા પક્ષની જાહેરાત પણ કરવાના છે. તૃણમુલ કોંગ્રેસએ ૪થી ડિસેમ્બરે હુમાયુને પક્ષમાંથી હાંકી કાઢયા હતા. જોકે ભાજપનું માનવું છે કે, હુમાયુને પક્ષખારીજ કરવાનું નાટક જ હતું. હકીકતમાં તો મમતા પોતે ઇચ્છે છે કે, પશ્ચિમ બંગાળમાં પ્રતિકાત્મક બાબરી મસ્જિદ બને. હુમાયુ કબીર આગ સાથે રમતા હોવાનો આક્ષેપ પણ ભાજપએ કર્યો છે. જોકે રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે પશ્ચિમ વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાથી હુમાયુ કબીર જેવા નેતાઓ આડકતરી રીતે ભાજપને મદદ કરી રહ્યા છે.
શેખ હસિના કયા સુધી ભારત રહેશે
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસિના ભારતમાં રહી રહ્યા છે એને એમની અંગત પસંદગી ગણાવી છે. એમના કહેવા પ્રમાણે તેઓ જે પરિસ્થિતિમાં ભારત આવ્યા હતા એમાં કોઈ સુધારો થયો નથી. ૭૮ વર્ષના શેખ હસિના ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારત આવી ગયા હતા, કારણ કે બાંગ્લાદેશમાં થયેલી હિંસાને કારણે એમનો જીવ જોખમમાં હતો. ગયા મહિને ઢાકાની એક કોર્ટે એમને ફાંસીની સજા ફટકારી છે. શેખ હસિનાને ભારતે જે રીતે સાચવ્યા છે એને કારણે ભારત -બાંગ્લાદેશના સંબંધો પર અસર પડી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકર જોકે આ વાત સાથે સંમત નથી. એમનું માનવું છે કે બાંગ્લાદેશની પરિસ્થિતિ જોતા શેખ હસિના ભારતમાં કયા સુધી રહેશે એનો નિર્ણય હસિનાએ કરવાનો છે. તેઓ ઇચ્છે ત્યાં સુધી ભારતમાં રહી શકે છે.
સંસદની બહાર રાહુલ અને રિજિજુ મળ્યા ત્યારે શું થયું
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદ ભવનમાં ડો. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલી આપી હતી. શ્રદ્ધાંજલી આપીને તેઓ જ્યારે સંસદની બહાર નિકળ્યા ત્યારે એમને કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ મળી ગયા હતા. સામાન્ય લોકો એમ માને છે કે, જે રીતે સંસદમાં અને ટીવી પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજા સામે ટકરાય છે એને કારણે એમની વચ્ચે બોલવાના સંબંધ પણ નહીં હોય. જોકે વાત આખી જુદી જ છે. સંસદ અને ટીવી પર એક બીજાની ઉપર તૂટી પડતા અલગ અલગ પક્ષના નેતાઓ સંસદની કેન્ટીનમાં જ્યારે મળે છે ત્યારે પ્રેમથી એક જ થાળીમાંથી ભોજન શેર કરે છે. એજ રીતે રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ મળ્યા ત્યારે બંનેએ એક બીજા સાથે હસીને મજાક કરી હતી. આ પળનો વિડિયો પણ ખૂબ વાયરલ થયો છે. વિડિયોમાં કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુ મસ્તી કરતા રાહુલ ગાંધીને કહે છે કે, હું તો તમને જોઈને ડરી ગયો. રાહુલ ગાંધીની સાથે રાજીવ શુક્લ અને ઉદિત રાજ પણ હતા. રાજીવ શુક્લ ગાંધી કુટુંબની નજીકના હોવા છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ઉચ્ચ પદ પર છે જે ભાજપના ટેકા વિના સંભવીત નથી.
કેન્દ્રીય મંત્રીની શેખી, 'એવા પગલા લઈશું કે એવિએશન સેક્ટર યાદ રાખશે'
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડીગોની ભારોભાર અવ્યવસ્થાને કારણે દેશમાં ઓપરેશન સંકટ ઉભુ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના તમામ એરપોર્ટ પર અંધાધૂધી સર્જાય છે કારણ કે સેંકડો ફલાઇટ કેન્સલ થઈ રહી છે. લાખો પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે. કોઈને ખબર નથી કે એવિએશન મિનિસ્ટર કોણ છે. હવે રહી રહીને એવિએશન મિનિસ્ટર રામમોહન નાયડુ બોલતા થયા છે. એમણે ડંફાસ મારી છે કે, સરકાર કોઈ સમાધાન કરવા તૈયાર નથી. આ કિસ્સો ફક્ત ટેક્નીકલ ગરબડનો નથી. અમે આ માટે જવાબદારોને શોધી નાખીશું અને એવા પગલા લઈશું કે એવીએશન સેક્ટર કદી એ ભૂલી નહીં શકે. રાજકીય નીરિક્ષકો જોકે આ બાબતને મહત્વ આપતા નથી, કારણ કે નાયડુ ભૂતકાળમાં પણ આવી ડંફાસો મારી ચૂક્યા છે.
જામીન નામંજૂર થતા હવે ભોજપુરી ગાયિકા સુપ્રીમ પહોંચી
ભોજપુરી ગાયિકા સ્નેહાસિંહ રાઠોડની મુશ્કેલી વધી રહી છે. પોતાના બેફામ નિવેદનોને કારણે સ્નેહાસિંહ ચર્ચામાં રહે છે. એણે કરેલી એક ટીપ્પણી બાબતે કેસ દાખલ થયો છે. ધરપકડથી બચવા સ્નેહાસિંહે અલ્હાબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે આ જામીન અરજી રીજેક્ટ કરી છે. હવે સ્નેહાસિંહ રાઠોડ આગતોરા જામીન માટે સુપ્રિમ કોર્ટ ગયા છે. રાઠોડના કહેવા પ્રમાણે પોતે પોલીસને સહકાર આપવા તૈયાર છે. પોલીસે હજી સુધી એમને કોઈ નોટીસ આપી નથી. રાઠોડે વડાપ્રધાન નરન્દ્ર મોદી વિરુદ્ધ કેટલીક બીભત્સ ટીપ્પણી કરી હોવાનો આક્ષેપ છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા પણ સ્નેહાસિંહ રાઠોડ સોશ્યલ મીડિયામાં સતત ભાજપની ટીકા કરતી હતી. ભાજપના કેટલાક નેતાઓ લાગ જોઈને જ બેઠા હતા કે સ્નેહાસિંહ સામે યોગ્ય સમયે કેસ દાખલ કરવામાં આવે.


