Get The App

દિલ્હીની વાત : વિરોધ પક્ષની એકતા માટે રાહુલ ગાંધીના પ્રયાસો !

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : વિરોધ પક્ષની એકતા માટે રાહુલ ગાંધીના પ્રયાસો ! 1 - image

નવીદિલ્હી : ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં જે એકતા દેખાતી હતી એ ત્યાર પછી પડી ભાંગી છે. હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરીથી વિરોધ પક્ષોને એક કરવા માટે તૈયારી શરૂ કરી છે. રાહુલ ગાંધીએ ઇન્ડિયા બ્લોકના તમામ નેતાઓ માટે એક ડિનરનું આયોજન કર્યું છે. કોંગ્રેસએ સંસદના સત્ર પહેલા વિરોધપક્ષોની એકતા માટે એક ઓનલાઇન મીટીંગ બોલાવી હતી. લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસે વિરોધપક્ષોને એક કરવા માટે કોઇ કોશિસ કરી નહોતી. હવે છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે વિરોધપક્ષના નેતાઓને મળી રહ્યા છે. શુક્રવારે તમામ વિરોધપક્ષના નેતાઓ મુખ્યચૂંટણી કમિશનરને માર્ચ કાઢીને મળશે. કોંગ્રેસના ટોચના નેતાઓ સમજી ગયા છે કે, સંસદમાં લાંબા સમય સુધી સરકાર સામે કેમ્પેઇન ચલાવવું હશે તો બીજા વિરોધપક્ષોનો સહકાર જરૂરી બનશે.

જેવા અભિષેક સિંઘવી ઊભા થયા, સીજેઆઇએ ટકોર કરી

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈએ કોર્ટ નંબર ૧માં કહ્યું છે કે, ૧૧ ઓગસ્ટથી કોઈપણ સિનિયર વકીલ મૌખીક રીતે રજુઆત કરી શકશે નહીં. સિનિયર એડવોકેટ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી એક કેસમાં મૌખીક રજુઆત કરવા ઉભા થયા ત્યારે સીજેઆઇ ગવઈએ એમને રોકીને ઉપર મુજબની ટીપ્પણી કરી હતી. સિંઘવીને ઉભા થયેલા જોઈને સીજેઆઇએ કહ્યું હતું કે જૂનિયર વકીલોને પણ મોકો આપો. ત્યાર પછી સીજેઆઇ ગવઈએ આ બાબતે નોટીસ કાઢવા માટે કોર્ટ માસ્ટરને પણ કહ્યું હતું. સીજેઆઇએ કહ્યું હતું કે, 'નોટીસ કાઢો, હવે કોઈપણ સિનિયર વકીલ કેસની રજુઆત મૌખીક રીતે કરી શકશે નહીં. ફક્ત જૂનિયર વકીલોને જ મૌખીક રજુઆત કરવાની તક મળશે.'

પંજાબમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે

લાંબા સમયથી પંજાબમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે અસમંજસની પરિસ્થિતિ છે. જોકે હવે એવું મનાય છે કે, પક્ષની આ મુશ્કેલી દૂર થશે. પંજાબના ૩૭માંથી ૨૧ જિલ્લાના પ્રમુખોની ચૂંટણી થઈ ચૂકી છે. ભાજપના બંધારણ પ્રમાણે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઓછામાં ઓછા ૫૦ જિલ્લા પ્રમુખો ચૂટાયેલા હોવા જરૂરી છે. આ બાબતે પંજાબ ભાજપએ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી ડી એલ સંતોષને પત્ર લખ્યો છે. જો કોઈ નવાજૂની નહીં થાય તો પક્ષના કાર્યકારી પ્રમુખ અશ્વિની શર્મા નવા પ્રદેશ પ્રમુખ બનશે. હમણાના પ્રમુખ સુનિલ જાખડ લાંબા સમયથી નારાજ છે. એમણે પક્ષના નેતાઓને કહી દીધું છે કે, તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરવા નથી માંગતા. અશ્વિની શર્મા પઠાણકોટના ધારાસભ્ય છે અને તેઓ ત્રણ વખત વિધાનસભામાં ચૂંટાયા છે.

નગરપાલિકાની ચૂંટણીઓમાં શિવસેનાનું વલણ સ્પષ્ટ કર્યું

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેના (એકનાથ શિંદે)ના નેતા એકનાથ શિંદેએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. શિંદેએ કહ્યું છે કે એમનો પક્ષ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએને સંપૂર્ણ ટેકો આપશે. દિલ્હીની મુલાકાતે આવેલા શિંદે પક્ષના સાંસદો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. શિંદેએ એમના કુટુંબ સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત પણ લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના (એકનાથ શિંદે) અને ભાજપ વચ્ચે અણબનાવ હોવાની વાતો ચાલી રહી છે. શિંદેએ આ બાબતે રદિયો આપતા કહ્યું હતું કે, શિવસેના અને ભાજપ વચ્ચે એક ઐતિહાસિક ગઠબંધન છે. અમારી એનડીએ સાથેની ભાગીદારી જૂની અને ભરોસાપાત્ર છે. સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓમાં તેઓ એનડીએની સાથે રહીને જ આયોજન કરશે.

ઉત્તરપ્રદેશમાં સપાના નેતાઓ વચ્ચે ડિજીટલ વોર

ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં સમાજવાદી પાર્ટીના સંગઠનમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ ચાલી રહ્યો છે. હવે કેટલાક સિનિયર નેતાઓ વચ્ચેના અણબનાવએ ડિજીટલ વોરનું સ્વરૂપ લીધું છે. સોશ્યલ મીડિયા પર શહેર પ્રમુખ ફઝલ મહેમુદ અને કેન્ટના ધારાસભ્ય મહોમદ હસન રૂમીના ટેકેદારો વચ્ચે ટનાટની થઈ રહી છે. બંને પક્ષો સામસામે થઈ ગયા છે. મહોમદ હસન રૂમીએ બાબુ પુરવામાં કચરાપેટીની જગ્યાએ સેલ્ફી પોઇન્ટ બનાવવા માટે શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગની તસવીરો પ્રકાશીત થઈ હતી. ફઝલ મહેમુદના નજીકના યુથ બ્રિગેડના શહેર પ્રમુખ શાદાબ આલમએ સોશ્યલ મીડિયા પર સપા પ્રમુખ અખિલેશ યાદવની તસવીર નહી મૂકવા માટે વાંધો લીધો હતો. એમણે રૂમીની વફાદારી સામે પણ સવાલો કર્યા હતા. આની સામે રૂમીના ટેકેદાર ફઝલ મહેમુદએ ભૂતકાળની વાતો બહાર લાવીને વળતો જવાબ આપ્યો હતો.

જસ્ટીસ યશવંત વર્માની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના ઘરમાંથી અર્ધ બળેલી ચલણી નોટો મળી આવી હતી. આ બાબતે વિવાદ થતા સુપ્રિમ કોર્ટે કમીટી નીમી હતી. કમીટીએ પોતાનું તારણ પણ આપી દીધું છે. કમીટીના તારણ સામે જસ્ટીસ યશવંત વર્માએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે. તપાસ સમીતીના રીપોર્ટ અને તત્કાલીન સીજેઆઇ દ્વારા એમને પદ પરથી હટાવવાની ભલામણ સામે જસ્ટીસ વર્માએ અરજી કરી હતી. ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે અરજી પર સુનાવણી સાંભળ્યા બાદ નિર્ણય લીધો હતો. સુપ્રિમ કોર્ટે અરજી બાબતે કેટલાક સવાલો પણ કર્યા હતા. બેન્ચે કહ્યું હતું કે, 'જો તમને આ પ્રક્રિયા ગેરકાયદેસર લાગે છે તો તમે તપાસમાં ભાગ શા માટે લીધો. તમે ત્વરીત વાંધો કેમ નહોતો લીધો.'

વિવાદ પછી જૂથવાદ કાબુમાં લેવા મમતાની કોશિષ

બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના બે સાંસદોની એક બીજા સામેની દલીલ તેમ જ આરોપ - પ્રત્યારોપને કારણે રાજકારણમાં ગરમી આવી ગઈ છે. મોહુઆ મિત્રા અને કલ્યાણ બેનર્જી વચ્ચેનો ઝઘડો જૂનો છે. પશ્ચિમ બંગાળમાં ૧૪ વર્ષ સુધી સત્તામાં રહેલો પક્ષ આ વિવાદથી પોતાને અલગ કરી રહ્યો છે. રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષના સંગઠને મતભેદો દુર કરવા જરૂરી છે. તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ પક્ષના સાંસદો સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી હતી. આ મીટીંગમાં એમણે સાંસદો વચ્ચેના મતભેદ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. મોહુઆ મિત્રા બાબતે સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યા પછી મમતા બેનર્જીના નજીકના ગણાતા કલ્યાણ બેનર્જીએ રાજીનામું આપી દીધું છે.