Get The App

દિલ્હીની વાત : કેજરીવાલ પોતાને બદલે ઉદ્યોગપતિને રાજ્યસભામાં મોકલશે

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કેજરીવાલ પોતાને બદલે ઉદ્યોગપતિને રાજ્યસભામાં મોકલશે 1 - image

નવી દિલ્હી : પંજાબની રાજ્યસભા બેઠક માટે થનારી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉદ્યોગપતિ રાજેન્દ્ર ગુપ્તાને ઉમેદવાર જાહેર કર્યા છે. રાજેન્દ્ર ગુપ્તા ટ્રાઇડન્ટ ગ્રુપના અધ્યક્ષ છે. રાજેન્દ્ર ગુપ્તાએ હમણા જ રાજ્યના આર્થિક નીતિ તેમજ યોજના બોર્ડના ઉપપ્રમુખના પદ પરથી  અને કાલીદેવી મંદિરના સલાહકાર સમિતિમાંથી રાજીનામા આપી દીધા છે. રાજ્યસભાની આ બેઠક સંજીવ અરોરાના રાજીનામા પછી ખાલી થઈ હતી. સંજીવ અરોરા લુધિયાણા વેસ્ટ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતીને ધારાસભ્ય બન્યા હતા. અરોરાને ત્યાર પછી ભગવંત માનના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. એ વખતે એમ મનાતું હતું કે, અરોરાની જગ્યાએ અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જશે. આ પહેલા કેજરીવાલે નાહર ગ્રુપના સીઇઓ કમલ ઓસવાલ સાથે પણ મીટીંગ કરી હતી.

સરકારી ક્વાર્ટર કુટુંબ માટે, પાળેલા જનાવરો માટે નહીં : હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ વિવેક જૈનની બેન્ચે ટીપ્પણી કરી છે કે સરકારી ક્વાર્ટર કુટુંબના રહેવા માટે છે, નહીં કે પાળેલા જનાવરો માટે. કેમ્પસમાં રહેનારાઓએ બીજા રહેવાસીઓની સગવડ માટે શિસ્ત રાખવી જરૂરી છે. પડોશીઓની ફરિયાદને અવગણી નહીં શકાય. અરજી કરનાર જો કૂતરો પાળવા માંગે છે તો તે ભાડાનું મકાન લઈને તેમ કરી શકે છે. એવું પણ નથી કે આટલા મોટા શહેરમાં ભાડાનું મકાન મળે નહીં. આ ટીપ્પણી સાથે કોર્ટે અરજી કાઢી નાખી છે. વ્હીકલ ફેક્ટરીના ક્વાર્ટર ખાલી કરાવવા સામેના હુકમ વિરુદ્ધ આ અરજી કરવામાં આવી હતી. વ્હીકલ ફેક્ટરીના જૂનીયર વર્કર્સ મેનેજર શેફ ઉલહક સિદ્દીકીએ આ અરજી દાખલ કરી હતી. એમનું કહેવું હતું કે વ્હીકલ ફેક્ટરીના સેક્ટર - ૨ માં એમને સરકારી રહેઠાણ ફાળવવામાં આવ્યું હતું. પડોશીઓની ફરિયાદને કારણે ફેક્ટરીના સંચાલકોએ એમને ક્વાર્ટર ખાલી કરવા જણાવ્યું હતું. કારણ એ હતું કે સિદ્દીકી પોતાના ઘરે કૂતરાઓ રાખતા હતા.

300 હથિયારોની પૂજા કરતા દેખાયા રાજા ભૈયા, ડીજીપીને થઈ ફરિયાદ

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના કુંડા મતવિસ્તારના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા આજકાલ ચર્ચામાં છે. રાજા ભૈયાના પત્ની ભાનવીસિંહ અને પુત્રી રાઘવીકુમારીએ એમની સામે મોરચો ખોલ્યો છે. ભાનવીસિંહે રાજા ભૈયાના હથિયારોના ફોટા સોશ્યલ મીડિયા એક્સ પર મૂક્યા છે. ત્યાર પછી મામલો વધુ ચગ્યો છે. આ વિવાદ વચ્ચે દશેરાના દિવસે રાજા ભૈયા સેંકડો હથિયારોની પૂજા કરતા જોવામાં આવ્યા હતા. આ પ્રસંગનો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે આ બાબતે તપાસ કરવાની માંગણી થઈ રહી છે.  દર વર્ષની જેમ રાજા ભૈયાએ આ વર્ષે પણ એમના કુંડા સ્થિત બેન્ટીમહલના ઘરે શસ્ત્રપૂજન કર્યું હતું. લગભગ ૩૦૦ જેટલા દેશી અને વિદેશી શસ્ત્રો ટેબલો પર મૂકવામાં આવ્યા હતા. હથિયારોમાં પીસ્તોલ, રીવોલ્વર, ૧૨ બોરની બંદુકો, રાઇફલ અને થર્ટી કારબાઇન સહિત બીજા હથિયારો પણ હતા.

ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન બાબતે કેજરીવાલે શું કહ્યું

છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયા ગઠબંધનના બે પક્ષો કોંગ્રેસ અને આપ એક બીજા સામે ચૂંટણી લડે છે. આપ તો ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર નીકળી ગયું છે. ગોવા વિધાનસભાની ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા બાબતે જવાબ આપ્યો હતો. એમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રશ્ન જ નથી. ગોવામાં કોઈપણ હિસાબે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. એમણે એવો પણ સવાલ કર્યો હતો કે, કોંગ્રેસ ખાતરીપૂર્વક કહી શકે છે કે, આ વખતે કોંગ્રેસના કોઈ નેતા ચૂંટણી પછી ભાજપ સાથે જોડાઈ નહીં જાય? કોંગ્રેસે ગોવાના લોકોને સૌથી વધુ દગો આપ્યો છે. ૨૦૧૭થી ૨૦૧૯ની વચ્ચે કોંગ્રેસના ૧૩ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. ૨૦૨૨માં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.

મહાગઠબંધન બિહારમાં બેઠકોની જાહેરાત ત્રણ-ચાર દિવસમાં કરશે

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીની સમસ્યા લગભગ ઉકેલાઈ ગઈ છે. મુખ્યમંત્રીપદ માટે તેજસ્વી યાદવના નામ બાબતે હવે કોઈ શંકા રહી નથી. તમામ સાથી પક્ષો તેજસ્વી યાદવના નામ બાબતે સહમત થઈ ગયા છે. ફક્ત છ બેઠકો બાબતે કોંગ્રેસ અને આરજેડી વચ્ચે સમાધાન થયું નથી. જોકે રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, થોડા કલાકોમાં જ આ સમસ્યાનો ઉકેલ પણ આવી જશે. એટલે કે ત્રણ-ચાર દિવસોમાં બેઠકો બાબતે જાહેરાત થઈ શકે છે. મહાગઠબંધનની સમન્વય સમિતિની મળેલી બેઠકમાં બધાનો સૂર એક જ હતો. વિવિધ પક્ષોનો ચૂંટણી ઢંઢેરો બધા પક્ષો ભેગા મળીને જાહેર કરશે. તેજસ્વી યાદવની અધ્યક્ષતામાં લગભગ ત્રણ કલાક સુધી સમન્વય સમિતિની બેઠક મળી હતી. શરૂઆતમાં ૨૪ બેઠકો બાબતે અસમંજસ હતી જે આંકડો હવે છ બેઠકો સુધી પહોંચી ગયો છે.

કર્ણાટકમાં જ્ઞાતિ આધારીત વસ્તી ગણતરીમાં આ સવાલ નહીં પૂછાય

કર્ણાટક સરકારે બિહાર પછી રાજ્યસ્તરે સામાજીક અને આર્થિક સર્વેક્ષણ શરૂ કર્યું છે. આ સર્વેક્ષણને જ્ઞાતિ આધારીત વસ્તી ગણતરીનું નામ આપવામાં આવ્યું છે. ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારએ કહ્યું છે કે, સર્વેમાં કોઈને પણ અંગત સવાલ નહીં પૂછાય અને લોકોને જવાબ આપવા માટે ફરજ પાડવામાં નહીં આવે. કર્ણાટક હાઇકોર્ટે સર્વે રોકવા માટે કરેલી અરજી ફગાવી દીધી હતી. કર્ણાટકે પછાત  વર્ગ આયોગને સામાજીક અને આર્થિક સર્વે કરવાનું કહ્યું છે. ડી કે શિવકુમારએ કહ્યું હતું કે, 'કોઈ કઈ પણ કહે આ સર્વે થઈને જ રહેશે. કોર્ટે પણ કહ્યું છે કે સર્વે સ્વૈચ્છિક હશે. લોકો જે પ્રશ્નોના જવાબ આપવા નહીં માગતા હોઈ તો એમને છૂટ રહેશે. કોઈને ફરજ નહીં પડાય.'

આરએસએસ પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નો ગંભીર આરોપ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ૧૦૦ વર્ષ પૂરા થવાને નીમીત્તે દેશભરમાં સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્રએ આરએસએસ સામે કેટલાક સવાલો કર્યા છે. સામનામા એક લેખ લખવામાં આવ્યો છે જેમાં આરએસએસના ડીએનએ અને એની વિચારધારા પર ગંભીર સવાલ કરવામાં આવ્યા છે. લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, સંઘનો રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વ્યાખ્યા પર વિચાર થવો જરૂરી છે. સ્વતંત્રતા સંગ્રામ અને ત્યાર પછીના રાષ્ટ્ર નિર્માણમાં સંઘની કોઈ ભૂમિકા રહી નહોતી. આ જ સંઘ આજે રાષ્ટ્રવાદ અને આઝાદી પર ભાષણ આપે છે. આરએસએસના એજન્ડામાં લોકશાહી અને વ્યક્તિગત સ્વતંત્રતા માટે સન્માન છે કે નહીં? પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના શાસનના વખાણ કરવા માટે સંઘે ભાડુતી માણસોની ફોજ તૈયાર કરી છે.