Get The App

રાહુલ ગાંધીએ બતાવેલી વિદેશી મોડલ કોણ છે

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધીએ બતાવેલી વિદેશી મોડલ કોણ છે 1 - image

નવી દિલ્હી: લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મોટા પાયે મતચોરી થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમણે એક મહિલાનો ફોટોગ્રાફ બતાવીને બ્રાઝીલની મોડલ હોવાનું કહ્યું હતું. રાહુલના કહેવા પ્રમાણે આ ફોટોગ્રાફ મતદાર યાદીમાં ૨૨ વખત જોવા મળ્યો છે. જે મહિલાનો ફોટોગ્રાફ છે એ મહિલાની ઓળખ થઈ ગઈ છે અને એનું નામ લારીસા છે. લારીસા મૂળ બ્રાઝીલની છે. લારીસાએ પોતાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. એણે ખુલાસો આપ્યો છે કે આ ફોટોગ્રાફ એમના મોડેલીંગના દિવસનો છે.  લારીસાએ કહ્યું છે કે, 'ભારતના રાજકારણ સાથે મારે કઈ લેવા દેવા નથી. એક સ્ટોક ઇમેજ પ્લેટફોર્મ પરથી મારો ફોટો ખરીદવામાં આવ્યો હતો અને મને પૂછયા વગર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હું કદી ભારત ગઈ નથી. હું બ્રાઝીલની એક ડિજિટલ ઇન્ફલુઅન્સર છું. હું હેડ ડ્રેસર છું અને મને ભારતના લોકો પસંદ છે.'

કોંગ્રેસના નેતા સૈન્યમાં જાતી આધારીત રેજીમેન્ટના પક્ષમાં

કોંગ્રેસના નેતા ઉદીત રાજએ સૈન્યમાં જાતી આધારીત રેજીમેન્ટની તરફેણ કરી છે. એમનું કહેવું છે કે જ્યારે રાજપુત રેજીમેન્ટ હોઈ શકે છે તો બીજી રેજીમેન્ટ પણ સંભવ છે. એમણે એમ પણ પ્રશ્ન કર્યો છે કે દેશની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયો તેમજ ન્યાયપાલીકાઓમાં એક પણ દલીત પ્રમુખ નથી. થોડા દિવસો પહેલા જ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતના લશ્કર પર દેશની ૧૦ ટકા વસ્તીનો કબજો છે. આ વાતને યોગ્ય ગણાવતા ઉદીત રાજએ કહ્યું હતું કે, 'સેનામાં રાજપુત રેજીમેન્ટ, ડોગરા રેજીમેન્ટ અને જાટ રેજીમેન્ટ છે. એક જમાનામાં ચમાર રેજીમેન્ટ પણ હતી, પરંતુ અંગ્રેજોએ દુર કરી, કારણ કે એ રેજીમેન્ટના સૈનિકો પ્રમાણીક હતા. આ રેજીમેન્ટ કેમ ચાલુ રાખવામાં નહીં આવી. સૈન્યમાં એક ગુ્રપ બની ગયું છે. કયાં આધાર પર પ્રમોશન આપવામાં આવે છે એ કહેવામાં આવતું નથી.'

'આ ન્યાય મંદીર છે, કોઈ સેવન સ્ટાર હોટલ નહીં'

દેશના સીજેઆઇ ભૂષણ ગવઈએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે, મુંબઈમાં બની રહેલી બોમ્બે હાઇકોર્ટના મકાનમાં બીનજરૂરી ખર્ચ થવો જોઈએ નહીં. આપણે ન્યાયનું મંદીર બનાવી રહ્યા છીએ સેવન સ્ટાર હોટલ નહીં. મુંબઈના બાંદ્રા (પૂર્વ)માં હાઇકોર્ટનું નવું મકાન બની રહ્યું છે. સીજેઆઇના કહેવા પ્રમાણે આ નવા મકાનની બાંધણી શાહી નહીં હોવી જોઈએ, પરંતુ બંધારણમાં જણાવાયેલા લોકશાહી મૂલ્યોને અનુરૂપ હોવી જોઈએ. ન્યાયાધીશ હવે કોઈ ભગવાન નથી રહ્યા, કારણ કે એમની નિમણૂક લોકોની સેવા માટે થાય છે. સીજેઆઇએ કહ્યું હતું કે, કેટલાક છાપાઓમાં આવે છે કે, બંધાતી નવી ઇમારત પાછળ બીનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે. આ નવા મકાનમાં બે ન્યાયાધીશો માટે લીફટની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્ટનું મકાન બને છે ત્યારે આપણે ન્યાયાધીશોની જરૂરીયાત પર ધ્યાન આપીએ છીએ, પરંતુ ભૂલવું જોઈએ નહીં કે અમે પ્રજા અને વાદીઓની જરૂરીયાત માટે છીએ.

પાકિસ્તાનીઓ ન્યુયોર્કના મેયર મમદાનીના પત્નીનો ધર્મ કેમ શોધે છે?

મૂળ ભારતીય વંશના ઝોહરાન મમદાની ન્યુયોર્કના નવા મેયર બન્યા છે. ડેમોક્રેટ ઝોહરાન ન્યુયોર્કના પહેલા મુસ્લિમ મેયર છે. ઝોહરાન સાથે એમના પત્ની રામા દુઆજી પણ સમાચારમાં ચમક્યા છે. રામા દુઆજી હવે ન્યુયોર્કના ફર્સ્ટ લેડી છે. નવાઇની વાત એ છે કે, રામા દુઆજી વિશે સૌથી વધુ ચર્ચા પાકિસ્તાનમાં થઈ રહી છે. રામા દુઆજી કયો ધર્મ પાળે છે એ જાણવા માટે પાકિસ્તાનીઓની સોય અટકી ગઈ છે. રામા દુઆજી સીરીયાના છે. રામા દુઆજીએ મમદાનીના કેમ્પેઇનમાં મદદ કરી હતી. મમદાનીની જીતની સાથે ૨૮ વર્ષની દુઆજી ન્યુયોર્કના સૌથી નાની ઉંમરના ફર્સ્ટ લેડી બન્યા છે. દુઆજીનો જન્મ ૧૯૯૭માં ૩૦મી જુને અમેરિકાના હ્યુસ્ટન ખાતે થયો હતો. એમના પિતા કોમ્પ્યુટર એન્જીનીયર છે અને માતા ડોક્ટર છે. દુઆજી પોતે ઇસ્લામ ધર્મ ફોલો કરે છે પરંતુ જાહેરમાં આ વાતની ચર્ચા કરતા નથી.

બિહાર ચૂંટણી પ્રચારમાં ભોજપુરી ગાયકોએ રંગ જમાવ્યો

બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ભોજપુરી ગાયકોની ડિમાન્ડ ખૂબ રહી હતી. 'માટી કો સોના કરનેવાલી કલાકારી હેજી'ના ટાઇટલ સાથે ભાજપના સાંસદ મનોજ તિવારીએ એક નવું ગીત રીલીઝ કર્યું હતું. આ ગીત દ્વારા બિહારના ગૌરવનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. આ ગીત આજકાલ ખૂબ ચર્ચામાં છે અને એજ રીતે અલગ અલગ રાજકીય પક્ષો પણ સંગીત દ્વારા પ્રચાર કરી રહ્યા છે. દરેક પક્ષના આઇટી સેલએ ભોજપુરી ભાષામાં ગીતો બનાવીને એનો પ્રચાર માટે ઉપયોગ કર્યો હતો. બધા ગીતોનું હાર્દ બિહારની અસ્મિતા હતું. મનોજ તિવારીએ ગાયેલા ગીતમાં બિહારના કેટલાક જાણીતા લેખકોનો ઉલ્લેખ કર્યો હતો. મુંબઈના ગીતકાર અતુલકુમાર રાય મૂળ બિહારના છે. એમણે ચૂંટણીને અનુરૂપ ગીત લખીને આપ્યું હતું.

'જો એક પણ યોગ્ય મતદારનું નામ દુર થયું તો ભાજપ સરકાર તોડી પાડીશ'

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એસઆઇઆરનો વિરોધ કરી રહ્યા છે. એસઆઇઆરનો વિરોધ કરવા માટે એમણે રોડ શો પણ કર્યા છે. એમણે ભાજપ અને ચૂંટણી કમિશન પર પ્રહાર કરતા કહ્યું હતું કે બંગાળના એક પણ યોગ્ય વોટરનું નામ મતદાર યાદીમાંથી દુર થશે તો એના પરિણામ ગંભીર આવશે. જો આમ થશે તો નરેન્દ્ર મોદીની સરકાર પડી જશે. તૃણમુલ કોંગ્રેસએ પક્ષ તરફથી મદદ માટે શિબિરોનું આયોજન પણ કર્યું છે. મમતાએ કહ્યું હતું કે, 'જો તમારી પાસે કાગળ નથી તો અમારી શિબિરોમાં આવો. અમે તમારી બધી રીતે મદદ કરીશું. તમારી મદદ માટે જરૂર પડશે તો વાસણો પણ વેચી દઈશું.' રોડ શો પૂરો થયા પછી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'આપણે આપણી લડાઈ ચાલુ રાખવાની છે. કેન્દ્રની એજન્સીઓથી ડરતા નહીં. જરૂર પડે તો કાયદાકીય મદદ લો. મારે જે કરવાનું છે એ હું કરીશ.'

આરજેડીને ધમકાવનાર બળવાખોર રીતુ જયસ્વાલ કોણ છે

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પરિહાર વિધાનસભા બેઠક ચર્ચામાં રહી છે. અહીંથી આરજેડીના બળવાખોર ઉમેદવાર રીતુ જયસ્વાલ ઉભા રહ્યા છે. રીતે જયસ્વાલ પહેલેથી જ ચર્ચામાં છે અને આ મતવિસ્તારમાં એમને લોકો 'મુખિયા દીદી'ના નામથી ઓળખે છે. રીતુ જયસ્વાલને આરજેડીએ પરિહાર વિધાનસભા બેઠકની ટિકિટ આપી નહોતી એટલે એમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. ૨૦૨૦ની ચૂંટણીમાં રીતુ જયસ્વાલને આરજેડીએ ટિકિટ આપી હતી, પરંતુ તેઓ ૧૫૬૯ મતોથી હારી ગયા હતા. હવે રીતુ જયસ્વાલએ તેજસ્વી યાદવ સામે યુદ્ધ જાહેર કર્યું છે. તેઓ તેજસ્વી યાદવની વારંવાર ટીકા કરતા રહે છે. તેઓ કહે છે કે જે દિવસે કાર્યકરોની લાગણી અવગણીને પરિહારની ટિકિટ બીજાને આપવામાં આવી એ જ દિવસે આરજેડીએ આ બેઠક ગુમાવી છે.