Get The App

દિલ્હીની વાત : મમતા માટે સહાનુભૂતિ રાખનારાઓ પણ નારાજ

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મમતા માટે સહાનુભૂતિ રાખનારાઓ પણ નારાજ 1 - image

નવીદિલ્હી : મમતા બેનર્જીએ જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્યા પછી પણ રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે એનાથી એમના તટસ્થ ટેકેદારો પણ નારાજ થઈ ગયા છે. મમતાએ પ્રેસ કોન્ફરન્સમાં જે રીતે ચૂંટણી કમિશનની ટીકા કરી કે ચૂંટણીમાં ગેરરીતીની ટીકા કરી એની સાથે આ વ્યક્તિઓ સહમત થાય છે, પરંતુ સોશ્યલ મીડિયા પરની વિવિધ પોસ્ટ જોઈને લાગે છે કે મમતા બેનર્જીના તટસ્થ ટેકેદારોને પણ રાજીનામા નહી આપવાના નિવેદનથી આઘાત લાગ્યો છે. આ બધાનું માનવું છે કે આને કારણે મમતા બેનર્જીની ઇમેજ બગડશે અને ભાજપને પણ મોકો મળશે કે તેઓ જે આક્ષેપો કરે છે એ સાચા નિકળ્યા. મમતા બેનર્જીના સલાહકાર કોણ છે એની ખબર નથી, પરંતુ જાણકારો કહી રહ્યા છે કે મમતા રાજીનામું નહીં આપે તો પણ ભાજપ સરકાર આસાનીથી બનાવી દેશે કારણ કે જૂની વિધાનસભા ભંગ થયા પછી રાષ્ટ્રપતિ પાસે કામચલાઉ સત્તા આવે છે. રાષ્ટ્રપતિ ભાજપના કહ્યાગરા હોવાથી તેઓ મમતા બેનર્જીને રૂખસદ આપી દેશે. મમતા બેનર્જી પાસે કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો છે.

કેરળમાં ભાજપના પગપેસારાથી સીપીઆઇ ચિંતીત

એક જમાનામાં કેરળમાં ભાજપને સમ ખાવા પુરતી એક બેઠક પણ મળતી નહોતી. વિધાનસભાની ચૂંટણીમાં કેરળમાં ભાજપના ત્રણ ઉમેદવાર જીત્યા છે. જે રીતે બંગાળમાં પણ ભાજપે શૂન્ય ઉમેદવારમાંથી બહુમતિ મેળવીને સત્તા કબજે કરી છે એ જ રીતે ભવિષ્યમાં ભાજપ કેરળ કે તામિલનાડુમાં પણ સત્તા કબજે કરવાની યોજના બનાવવાની વાતો છે. કેરળમાં ભાજપે ખોલેલા ખાતાને કારણે સીપીઆઇના મહામંત્રી બીનોઇ વિશ્વમે ચિંતા જાહેર કરી છે. એમણે કહ્યું છે કે રાજ્યમાં ભાજપની વધતી લોકપ્રિયતા તમામ ધર્મનિરપેક્ષ પક્ષોએ ગંભીરતાથી લેવી જોઈએ. કેરળના રાજકારણ માટે આ ખતરાની નિશાની છે. ભાજપ ફક્ત ત્રણ સીટ જીતીને રોકાયો નથી, પરંતુ અન્ય છ વિધાનસભા ક્ષેત્રોમાં બીજા સ્થાને રહ્યો છે. જમણેરી વિચારધારાના રાજકારણનો પ્રભાવ કેરળમાં વધી રહ્યો છે. હિન્દુવાદી વિચારધારા ફક્ત કેરળમાં નહીં, પરંતુ દેશ આખામાં દેખાઈ રહી છે. સામ્યવાદીઓ અને સેક્યુલરોએ આ પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ.

મમતા બેનર્જીના ઘર બહારથી સુરક્ષા હટાવવામાં આવી

મમતા બેનર્જીએ ભલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો હોય, પરંતુ સરકારી મશીનરી હવે એમને મુખ્યમંત્રી તરીકે નથી માનતી. મમતા બેનર્જીની હાર પછી એમના ઘરની બહાર સુરક્ષા ઓછી કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મુખ્યમંત્રીના ઘરની બહારના રસ્તાઓ સામાન્ય માણસ માટે બંધ હતા. આ રસ્તાઓ હવે ખોલી નાખવામાં આવ્યા છે. કાલીઘાટ સ્થિત ૩૦-બી હરિશ ચેટર્જી સ્ટ્રીટ પર મુખ્યમંત્રીના ઘર તરફ જનારા રસ્તાઓ વર્ષો સુધી સુરક્ષા કારણોસર બંધ રહ્યા હતા. રસ્તા પરની બેરીકેડ હટાવી દેવામાં આવી છે. જે પોલીસ કર્મચારીઓ અહીંથી પસાર થતા લોકોની પૂછપરછ કરતા હતા એ પોલીસો પણ ગાયબ છે. આ ફેરફાર જોઈને સ્થાનિક લોકોને પણ અંચબો થયો છે.

તામિલનાડુમાં વિજયનો ડ્રાયવર પણ ધારાસભ્ય બન્યો

પશ્ચિમ બંગાળમાં ઝાડુ-પોતા કરનાર સફાઈ કામદાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એજ રીતે તામિલનાડુમાં વિજયના ડ્રાયવરને ટિકિટ આપવામાં આવી હતી અને ટીવીકેની ટિકિટ પરથી એની જીત થઈ છે. આર શબરીનાથન, વિરુગમપક્કમની બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા છે. શબરીનાથન વિજયના લાંબા સમય સુધી ડ્રાયવર રહેલા રાજેન્દ્રનના પુત્ર છે. શબરીનાથનએ પણ વિજયના ડ્રાયવર તરીકે કામ કર્યું છે. ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં પણ ભાજપ ઓફિસના પટાવાળાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ચૂંટાઈ આવ્યા છે. એમ લાગે છે કે રાજકારણમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હવે એ દિવસો ગયા કે ફક્ત પૈસાદારો અને ઉચ્ચપદ પર બેઠેલા લોકો જ ચૂંટાઈ આવતા હતા.

સુનાવણી પહેલા જ કેજરીવાલનો 'ન્યાય' જજ સ્વર્ણ કાંતાએ કર્યો

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સંકળાયેલા લિકર સ્કેમના હાઇપ્રોફાઇલ કેસ બાબતે હાઇકોર્ટના જજ સ્વર્ણ કાંતાએ મોટું પગલું લીધું છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને બીજા આરોપીઓએ જજ શર્મા સમક્ષ સુનાવણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. એમણે કોર્ટમાં હાજર નહીં થવાની અને કોઈપણ વકીલને નહીં રાખવાની જાહેરાત કરી હતી. આમ છતાં કોર્ટે કેસને આગળ ચલાવવાનો રસ્તો કાઢયો છે. કોર્ટે કહ્યું છે કે આરોપીઓની ગેરહાજરીમાં પણ એમનો પક્ષ રજુ કરી શકે એ માટે 'એમીકસ ક્યુરી' એટલે કે ન્યાય મિત્રની નિમણૂક કરવામાં આવશે. જજ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓ તરફથી કોઈ પ્રતિનિધિ હાજર નહીં થાય ત્યાં સુધી કેસની સુનાવણી આગળ ચલાવવી યોગ્ય નથી. આજ કારણથી કોર્ટે હવે ત્રણ સિનિયર વકીલોને એમીકસ ક્યુરી તરીકે નીમ્યા છે.

કોંગ્રેસે ટીવીકેને આપેલા ટેકાથી ડીએમકે ભડક્યું

તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ડીએમકે સાથે ગઠબંધન કર્યું હતું. ચૂંટણીમાં ડીએમકેની હાર પછી હવે કોંગ્રેસે ડીએમકે સાથે ગઠબંધન તોડી નાખીને વિજયના પક્ષ ટીવીકેને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલએ કહ્યું હતું કે, ટીવીકે પ્રમુખે એમની પાસે સમર્થન માંગ્યું હતું. અમે ટીવીકેને સમર્થન આપવા તૈયાર છીએ. આ સાંભળીને સ્ટાલીનના ડીએમકે પક્ષને આઘાત લાગ્યો છે. સ્ટાલીન ખુબ નારાજ થઈ ગયા છે. ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે ઘણા વર્ષોથી ગઠબંધન હતું. ડીએમકેના નેતાઓનું માનવું છે કે કોંગ્રેસે ડીએમકેને પીઠમાં છરો માર્યો છે. હવે ડીએમકેના જૂના સાથીઓ પણ એમને છોડી રહ્યા છે. ડીએમકેના પ્રવક્તા સરવનન અન્નાદુરઈએ કહ્યું હતું કે કોંગ્રેસે ટીવીકેની સાથે ગઠબંધન કરીને ખૂબ મોટો દગો કર્યો છે. આ દગો સમગ્ર તામિલનાડુ પ્રજા સાથે છે.