નવીદિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઇઝરાયલ સાથે વધતા સંઘર્ષ વચ્ચે ઇરાનના ઉપવિદેશમંત્રી ડો. સઇદ ખતીબજાદેહએ આકરી પ્રતિક્રિયા આપી છે. દિલ્હીમાં ચાલી રહેલા સમારંભ રાયસીના ડાયલોગ ૨૦૨૬માં ભાષણ આપતી વખતે એમણે કહ્યું હતું કે, તહેરાન પર થઈ રહેલા આક્રમણ સામે જ્યાં જ્યાંથી અમેરિકા હુમલો કરી રહ્યું છે ત્યાં ત્યાં વળતો હુમલો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ટ્રમ્પે ઇરાનના નવા સુપ્રિમ નેતા માટે કરેલા નિવેદન બાબતે પણ એમણે આકરી ટીકા કરી હતી. ડો. ખતીબજાદેહએ સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત કાર્યવાહી ઇરાનના અસ્તિત્વને ખતમ કરવાનું કાવતરૂ છે. એમણે એમ પણ કહ્યું હતું કે ઇરાન પોતાના રક્ષણ માટે કોઈપણ હદે જશે. અમેરિકાના પ્રમુખ ઇરાનમાં નેતૃત્વ પરિવર્તન કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેઓ ન્યુયોર્કના મેયર સુદ્ધા પસંદ કરી શકતા નથી.
તામિલનાડુની ખાનગી સ્કૂલોમાં રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોની મનાઈ
તામિલનાડુ સરકારે એક મોટી જાહેરાત કરી છે. તામિલનાડુમાં હવે ખાનગી સ્કૂલોના કેમ્પસમાં રાજકીય અને સામૂહિક પ્રવૃત્તિઓ નહીં થઈ શકે. સરકારનું માનવું છે કે સ્કૂલનું કેમ્પસ ફક્ત અભ્યાસ કરવા માટે સુરક્ષીત રાખવું જોઈએ. સ્કૂલ શિક્ષણ વિભાગએ ખાનગી સ્કૂલ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. સરકારનો ઉદ્દેશ છે કે સ્કૂલ અને સ્કૂલના સાધનોનો ઉપયોગ ફક્ત વિદ્યાર્થીઓની ભલાઈ અને ભણતર માટે થવો જોઈએ. સ્કૂલના કેમ્પસ કોઈપણ બહારની સંસ્થા કે વ્યક્તિને ભાડે આપી શકાશે નહીં. સ્કૂલની બિલ્ડીંગ, રમત-ગમતનું મેદાન અને હોલ પણ ફક્ત સ્કૂલની પ્રવૃત્તિ માટે વાપરી શકાશે. અહીં કોઈ પણ સંસ્થા કે રાજકીય પક્ષની મીટીંગ કે પ્રચાર કે કોઈ ખાસ વિચારસરણી સાથે જોડાયેલી વ્યક્તિઓની મીટીંગ પણ થઈ શકશે નહીં. એમ મનાય છે કે તામિલનાડુની કેટલીક સ્કૂલોમાં આરએસએસની પેટા સંસ્થાઓ કાર્યક્રમનું આયોજન કરતા હતા જેનાથી મુખ્યમંત્રી સ્ટાલીન ખૂબ નારાજ થયા હતા.
અમેરિકાની મનમાનીથી કોંગ્રેસ નારાજ
કોંગ્રેસે અમેરિકાએ લીધેલા નિર્ણય બાબતે મોદી સરકારની આકરી ટીકા કરી છે. અમેરિકાએ ભારતની રીફાઇનરીઓને રશિયાનું તેલ ખરીદવા માટે કામચલાઉ છૂટ આપી છે. કોંગ્રેસે આ બાબતે સવાલો કર્યા છે. પક્ષનું કહેવું છે કે ક્યાં સુધી અમેરિકાનું બ્લેકમેલ ચાલતુ રહેશે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સોશ્યલ મીડિયા એક્સ પર કાવ્યમય પોસ્ટ મૂકી છે. એમણે લખ્યું છે કે, 'ટ્રમ્પ કા નયા ખેલ, દિલ્હી દોસ્ત કો કહા, પૂટીન સે લે શકતે હો તેલ, કબ તક ચલેગા, યહ અમેરિકી બ્લેકમેલ' લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ભારતની વિદેશનીતિને શંકાસ્પદ ગણાવી છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું છે કે ભારતની વિદેશનીતિ લોકોની સામૂહિક ઇચ્છા પ્રમાણે હોવી જોઈએ. વિદેશનીતિ દેશના ઇતિહાસ, ભૂગોળ અને સત્ય તેમજ અહિંસા જેવા ધાર્મિક મૂલ્યોના આધારે નક્કી થવી જોઈએ. આજકાલ તો જોવામાં આવે છે કે, ભારતની કોઈ વિદેશનીતિ નથી.
લોકસભાના અધ્યક્ષને હટાવવાના પ્રસ્તાવ અંગેના નિયમો
સંસદના બજેટ સત્રના બીજા ભાગની શરૂઆત ૯મી માર્ચથી થશે. એજ દિવસે લોકસભાના અધ્યક્ષ ઓમપ્રકાશ બિરલાને એમના હોદ્દા પરથી હટાવવાના વિરોધ પક્ષના પ્રસ્તાવ પર પણ ચર્ચા થશે. બિરલા એ વખતે લોકસભાની કાર્યવાહીનું સંચાલન નહીં કરે, પરંતુ બીજા સાંસદો સાથે બેસશે. જોકે બિરલાને પોતાનો બચાવ કરવાનો હક મળશે અને આ પ્રસ્તાવ પર થનારા મતદાનમાં પણ તેઓ ભાગ લઈ શકશે. બંધારણના જાણકારોનું કહેવું છે કે, જ્યારે નીચેના ગૃહમાં પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારે બિરલાને પોતાનો બચાવ કરવાની તક મળશે. તેઓ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન પણ કરી શકશે. આ પ્રક્રિયા દરમિયાન અધ્યક્ષ કઈ બેઠક પર બેસશે એ વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફક્ત લોકસભાના સભ્યો જ પ્રસ્તાવ પર તરફેણ કે વિરોધમાં મતદાન કરી શકશે.
પ.એશિયા સંકટની અસર ભારતની એરલાઇન્સો પર વધી
પશ્ચિમ એશિયામાં વધતો સંઘર્ષ દિવસે દિવસે બદતર થતો જાય છે. ગલ્ફના દેશો સહિત વિશ્વના રાજકારણમાં ઉથલપાથલ થઈ રહી છે. આ સંકટની અસર હવાઇ મુસાફરી પર પણ થઈ રહી છે. ગઈ કાલે ભારતની એરલાઇન્સોએ ૨૮૧ આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ રદ કરી હતી. ભારતનું સીવીલ એવિએશન તંત્ર પરિસ્થિતિ પર નજર તો રાખે છે, પરંતુ ઉપાય એના હાથમાં નથી. મંત્રાલયે પ્રવાસીઓને સૂચના આપી છે કે, તેઓ ફલાઇટની સ્થિતિને નિયમીત રીતે ચેક કરતા રહે. મંત્રાલયે પ્રવાસીઓની મદદ માટે પીએસીઆર પણ સક્રિય રાખ્યું છે. અત્યાર સુધી ૧૪૬૧ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની મદદ માટે ખાસ હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. મુંબઈ, દિલ્હી અને બેગલુરુ એરપોર્ટો પરથી ઓછામાં ઓછી ૧૭૦ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ કેન્સલ થઈ છે.
નિતિશને બહાને અસંતોષ દુર કરવા ભાજપનો પ્રયત્ન
બિહારના રાજકારણમાંથી નિતિશયુગના અંત વચ્ચે ભાજપ પોતાની વર્ષો જૂની મહેચ્છા પૂરી કરશે. મતલબ કે ભાજપ હવે રાજ્યમાં પોતાના મુખ્યમંત્રી મૂકવાની વર્ષો જૂની ઇચ્છા પૂરી કરી શકે છે. જોકે પ્રવાહી પરિસ્થિતિને કારણે જેડીયુમાં જે આંતરીક કલહ વધી ગયો છે એને કાબુમાં લેવો ભાજપ માટે સહેલું નહીં હોય. એમ કહેવાય છે કે જેડીયુમાં વધેલા આંતરીક અસંતોષનો કાંટો કાઢવા નિતિશનો ભોગ લેવાયો છે. જોકે બિહારમાં નવી સરકાર બનશે ત્યારે ભાજપની અસલી અગ્ની પરીક્ષા થશે. જેડીયુના નારાજ નેતા - કાર્યકરોને નિતિશકુમારનું સન્માન જળવાઈ રહે છે એવો સંદેશો આપવો પડશે. ભાજપે બિહારમાં મુખ્યમંત્રીની ખુરશી મેળવવા માટે યોગ્ય સમય પસંદ કર્યો હોવાનું મનાય છે. વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારને કારણે વિરોધપક્ષ હતાશ છે. જેડીયુના કાર્યકરો કે નેતાઓ પક્ષ છોડીને આરજેડીમાં જાય એવી સંભાવના ઓછી છે.
વીએસઆરના માલિકની વીઆઇપી ટ્રીટમેન્ટથી અજીત પવારનો પરિવાર પરેશાન
અજીત પવારના વિમાન અકસ્માતની તપાસ કરી રહેલી સીઆઇડી પર ગંભીર આક્ષેપ થયો છે. અજીત પવારનો ભત્રીજો અને એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારએ આક્ષેપ કર્યો છે કે વિમાન અકસ્માતની તપાસ એજન્સી જવાબદાર કંપનીના માલિકની પૂછપરછ કરી રહી છે કે એની મહેમાનગતિ કરી રહી છે એ ખબર પડતી નથી. રોહિત પવારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાની નારાજગી જાહેર કરી છે. એમણે સવાલ કર્યો છે કે શું મહારાષ્ટ્ર સીઆઇડીએ વીએસઆર વેન્ચર્સ કંપનીના માલિક વી કે સિંહની ખરેખર પૂછપરછ કરી છે કે મહેમાનગતિ કરી છે? એમણે લખ્યું છે કે, 'હવે શંકા મજબૂત થઈ ગઈ છે કે, અજીત દાદાના કમનસીબ મૃત્યુ માટે જવાબદાર મનાતા વીએસઆર કંપનીના માલિક વી કે સિંહને સીઆઇડીએ પૂછપરછ માટે બોલાવીને એમની કેવી મહેમાનગતિ કરી છે. વી કે સિંહ સવારે ૧૧ વાગ્યે સીઆઇડીની ઓફિસે પહોંચ્યા હતા અને એમ કહેવામાં આવ્યું કે આઠ કલાક સુધી એમની પૂછપરછ થઈ હતી. રાત્રે એમને કાળા કાચવાળી પોલીસની ગાડીમાં મહેમાનની જેમ બેસાડીને લઈ જવામાં આવ્યા હતા.'


