નવીદિલ્હી : અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને એમના પત્ની સિલિયા ફોલોરેન્સની ધરપકડ કરીને એમને અમેરિકાની કોર્ટમાં રજુ કર્યા છે. આ મામલે ભારતે તોલીતોલીને પ્રતિક્રિયા આપી છે જેની ટીકા વિશ્વભરમાં થઈ રહી છે. અમેરિકાએ કાર્યવાહી કરી એના લગભગ ૨૪ કલાક પછી ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'ભારત વેનેઝુએલાના લોકોની સુરક્ષા અને એમની ભલાઈ માટે પોતાનો ટેકો જાહેર કરે છે. અમે દરેક પક્ષને અપીલ કરીએ છીએ કે, વાતચીત અને સમાધાનથી શાંતિપૂર્વક રસ્તો શોધવામાં આવે.' સરકારના આ નિવેદન પછી વિરોધપક્ષો નારાજ છે. એવી અપેક્ષા હતી કે, ભારત અમેરિકાની બીનજરૂરી આક્રમકતાની ટીકા કરશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કાયદાનો એકતરફી ભંગ કરી શકાય નહીં. ભારતની વિદેશનીતિ બાબતે પણ ટીકા થઈ રહી છે કે, ભારતે ખુલીને ન તો અમેરીકાની ટીકા કરી છે ન તો ટેકો આપ્યો છે.
બંગાળ જીતવું ભાજપ માટે લોઢાના ચણા ચાવવા બરાબર
છેલ્લી કેટલીક ચૂંટણીઓથી ભાજપ બિહારમાં જીતવા માટે તમામ યુક્તિ પ્રયુક્તિ કરે છે. ભૂતકાળમાં ભાજપએ અહીં હિન્દુત્વનું કાર્ડ રમ્યું છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. જોકે બંગાળના મતદારોએ ભાજપને ભાવ આપ્યો નથી. બંગાળમાં ભાજપની શા માટે હંમેશા પીછેહઠ થાય છે એની પાછળ ઘણા કારણો છે. મમતા બેનર્જી સહીત તૃણમુલ કોંગ્રેસના બીજા નેતાઓ પણ જાણે છે કે બંગાળી મતદારો સહેલાઇથી રીઝે એમ નથી. ટીએમસીના સાંસદ સાયની ઘોષએ પણ આ બાબતે નિવેદન આપ્યું છે. એમણે કહ્યું હતું કે, 'જો તમે પશ્ચિમ બંગાળને બિહાર સાથે સરખાવશો તો તમને નુકશાન થવાનું છે. બિહારના લોકો નિતિશકુમાર કે એનડીએ સાથે હોઈ શકે છે. જોકે અહીં પશ્ચિમ બંગાળમાં અમારા બિહારી ભાઈ-બહેન મમતા બેનર્જીની સાથે છે. આ વાત પહેલા પણ પુરવાર થઈ ગઈ છે. ભાજપ કઈ પણ કહે ચૂંટણીના પરિણામો બતાવશે કે કોણ સાચુ છે.'
ટ્રમ્પે જે કહ્યું એ બાબતે વિરોધ પક્ષોને જોઈએ છે જવાબ
રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બાબતે તેમજ અમેરિકાના ટેરીફને લીધે ડોનાલ્ડ ટ્રમ્પે જે નિવેદન આપ્યું છે એને કારણે મોટો વિવાદ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન સેનેટર લિંડસે ગ્રેહામના નિવેદનો ચોંકાવનારા છે. એમના નિવેદનો પછી ભારતના વિવિધ પક્ષોએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ બાબતે આકરી ટીકા કરી છે. કોંગ્રેસે આને ભારતનુ અપમાન ગણાવ્યું છે અને કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના નિવેદનનો જવાબ આપવો જોઈએ. લિંડસેએ કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે એને કારણે ટ્રમ્પે ૨૫ ટકા ટેરીફ લગાડયો છે. ભારતના રાજદુતે મને કહ્યું હતું કે અમે રશિયા પાસેથી ખૂબ જ ઓછુ ઓઇલ ખરીદીએ છીએ. લિંડસેએ આ નિવેદન આપ્યું ત્યારે વિમાનમાં સાથે ટ્રમ્પ પણ હાજર હતા. કોંગ્રેસે સોશયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ટ્રમ્પે કહ્યું કે મોદી એમને ખુશ કરવા માંગતા હતા અને એટલે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ ભારતનું અપમાન છે. દેશને સાચી વાત જાણવાનો અધિકાર છે.'
અજમેર શરીફ, નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટ
અજમેર ખાતે આવેલી મોઇનુદ્દીન ચીશ્તીની દરગાહ દેશભરમાં જાણીતી છે. આ દરગાહમાં દર વર્ષે ઉર્સ વખતે વડાપ્રધાન અને બીજા પદાધિકારીઓ ચાદર ચઢાવે છે. આ પરંપરાને ચેલેન્જ કરતી એક જાહેર હીતની અરજી સુપ્રિમ કોર્ટે કાઢી નાખી છે. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અજમેરની સ્થાનીક કોર્ટમાં આ બાબતે થઈ રહેલી સુનાવણી પર આ હુકમની કોઈ અસર થશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, વિવાદ છતા પરંપરાગત ધાર્મિક ક્રિયા રોકવાનો કોઈ આધાર આ અરજીમાં રજુ કરવામાં આવ્યો નહોતો. આ જાહેર હીતની અરજી વિશ્વ વૈદીક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્ર સિંહ દિશેન અને હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી હતી. અરજી કરનારાઓની દલીલ હતી કે, અજમેર શરીફ દરગાહમાં ચાદર ચઢાવવાની પરંપરા ૧૯૪૭થી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કરી હતી. ત્યાર પછી દર વર્ષે વડાપ્રધાન આ ધાર્મિક પરંપરા નીભાવતા હતા.
અંકિતા ભંડારી હત્યાકેસ બાબતે કોંગ્રેસ આકરા પાણીએ
ઉત્તરાખંડના અંકિતા ભંડારી હત્યાકાંડ બાબતે સીબીઆઇની તપાસ અને કહેવાતા વીઆઇપીની ધરપકડની માગણી કરીને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા. કોંગ્રેસે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, 'ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યાકાંડને કારણે આખા દેશમાં ગુસ્સો છે. આ હત્યાને કારણે ભાજપનો અસલી ચહેરો બહાર આવી ગયો છે. રીસોર્ટમાં કામ કરનારી યુવાન અંકિતા પર 'ખાસ સેવા' આપવાનું દબાણ હતું. જ્યારે અંકિતાએ એનો ઇન્કાર કર્યો ત્યારે એને મારી નાખીને એનું શબ નહેરમાં ફેકી દેવામાં આવ્યું હતું. અંકિતાને ન્યાય અપાવવાને બદલે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો ગુનેગારોને બચાવી રહી છે.' મૃત્યુ પહેલા અંકિતાએ રીસોર્ટમાં ચાલી રહેલી ભેદી હિલચાલ અને પોતાની સુરક્ષા બાબતે એના મિત્ર પુષ્પદીપને ફોન અને ચેટ મારફતે જાણ કરી હતી.
માદુરોનો કેસ 92 વર્ષના જજ સાંભળે છે
વેનેજુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને એમના પત્ની સિલિયા ફોરેન્સ વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કેસની સુનાવણી ૯૨ વર્ષના જજ અલવીન કે. હેલરસીન કરી રહ્યા છે. આ વાત બહાર આવ્યા પછી વિશ્વ આખામાં ચર્ચા ચાલી રહી છે કે કઈ રીતે અમેરિકાની કોર્ટોમાં આટલા વયોવૃદ્ધ ન્યાયાધીશ કામ કરી શકે છે. ૧૯૩૩માં જન્મેલા જજ અલવીન હેલરસીન અમેરિકન આર્મીમાં એડવોકેટ જનરલ હતા. ત્યાર પછી એમણે ખાનગી પ્રેક્ટીસ કરી હતી. ૨૦૧૧માં એમણે 'સિનિયર સ્ટેટસ' મેળવ્યું હતું. આ સ્ટેટસને કારણે જજો સેમી રિટાયર્ડમેન્ટ ભોગવે છે અને એમના પર કામનો બોજો પણ ઓછો આવે છે. અમેરિકાની ન્યાય વ્યવસ્થામાં ન્યાયાધીશોની ઉંમરની મર્યાદા ગણાતી નથી. ૯૦ વર્ષથી વધુ ઉંમરના ઘણા ન્યાયાધીશો સક્રીય છે. અમેરિકાના બંધારણ પ્રમાણે ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજોની નિયુક્તી આજીવન થાય છે.
ઇસ્લામ કબુલ કરવા છતાં પાક.માં ભારતીય મહિલાની ધરપકડ
પ્રવાસી વિઝા પર પાકિસ્તાન જઈને લગ્ન કરનાર મૂળ ભારતીય મહિલા સરબજીત કૌર અને એના પાકિસ્તાની પતિ નાસીર હુસૈનની ધરપકડ થઈ છે. ૪૮ વર્ષના સરબજીત કૌરને વાઘા બોર્ડર પરથી ભારત મોકલી અપાશે. એના પાકિસ્તાની પતિ સામે કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે. સરબજીત કૌર શીખ યાત્રીઓ સાથે પાકિસ્તાન આવી હતી. વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તે પાછી ભારત આવી નહોતી. સરબજીતે પંજાબ સ્થિત શેખપુરાના રહેવાસી નાસીર હુસૈન સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આ વાતની ખબર પડી ત્યારે એણે તાત્કાલીક કાર્યવાહી કરી હતી. પતિ - પત્નીની ધરપકડ થઈ હતી. હમણા આ બંને નનકાના સાહિબ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે. પોલીસ અને ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. નાસીર હુસૈન અને સરબજીત ૨૦૧૬માં ટીકટોક દ્વારા મળ્યા હતા. આ બંનેએ વિઝા માટે વારંવાર અરજીઓ કરી હતી, પરંતુ સફળ થયા નહોતા. નાસીર સાથે લગ્ન કરવા માટે સરબજીતે ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કર્યો હતો.


