નવીદિલ્હી : લગભગ ૨ ડઝનથી વધુ ભૂતપૂર્વ ન્યાયાધિશો, વકીલો અને શિક્ષણ શાસ્ત્રીઓએ દેશના ચીફ જસ્ટીસ સૂર્યકાંતને એક ખુલ્લો પત્ર લખ્યો છે. સીજેઆઇએ રોહિંગ્યાઓ વિશે કરેલી ટિપ્પણીનો વિરોધ આ પત્રમાં કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યાની સરખામણી ઘૂસણખોરો સાથે કરવી યોગ્ય નથી. રોહિંગ્યાઓ અત્યાચાર અને ત્રાસથી ભાગીને ભારત આવ્યા હતા. પત્ર લખનારાઓએ સીજેઆઇને અપીલ કરી છે કે, એમણે બંધારણને માન આપીને કોઈપણ વ્યક્તિ કોઈપણ દેશની હોય એમના પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ. કેમ્પેઇન ફોર જ્યુડિશિયલ એકાઉન્ટિબિલિટી એન્ડ રીફોર્મ્સની ટીમ પણ સીજેઆઇને પત્ર લખવામાં સામેલ હતી. સીજેઆઇએ બીજી ડિસેમ્બરે રોહિંગ્યાઓ બાબતે દાખલ થયેલી એક અરજી બાબતે તીખી ટિપ્પણી કરી હતી.
નેશનલ હેરલ્ડ કેસમાં કર્ણાટકના ઉપમુખ્યમંત્રીને નોટીસ
દિલ્હી પોલીસની ઇકોનોમીક એસન્સ શાખાએ નેશનલ હેરલ્ડ કેસ બાબતે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારને નોટીસ આપી છે. શિવકુમારને ૧૯મી ડિસેમ્બર સુધીમાં નાણાકીય વ્યવહારો સંબંધીત તમામ જાણકારી સાથે દસ્તાવેજ જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે આરોપ છે કે, એમણે યંગ ઇન્ડિયન દ્વારા એસોસીએટેડ જર્નલ્સ છેતરપીંડીથી મેળવી લેવાનું કાવતરૂ કર્યું હતું. ઇડી ઓફિસની તપાસ પછી આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધી જે કોંગ્રેસના નેતાઓના નામ નેશનલ હેરલ્ડ કેસમાં આવ્યા હતા એમાં ડી કે શિવકુમારનો ઉલ્લેખ થયો નહોતો. ઉપમુખ્યમંત્રી પાસેથી માગેલા દસ્તાવેજોમાં નાણાકીય વ્યવહારો, ઇન્કમટેક્સ રીટર્ન અને દાન પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. પોલીસે એમની પાસેથી કોંગ્રેસ સાથેના સંબંધો અને એ સીવાય કોંગ્રેસ સાથે જોડાયેલી સંસ્થાઓને એમણે આપેલા પૈસા બાબતે જાણકારી માંગી છે.
ભાજપના ટેકેદારોને કારણે વૈષ્ણોદેવી મેડિકલ કોલેજ બંધ થવાની તૈયારીમાં
શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એકસેલન્સ પોતાનું પહેલું સત્ર શરૂ કરે તે સાથે જ બંધ થઈ જાય એવી શક્યતા છે. પહેલા સત્ર માટે જે વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવ્યું છે એમને નેશનલ મેડિકલ કાઉન્સીલ બીજી કોલેજોમાં બેઠકો ફાળવશે. જમ્મુ-કાશ્મીર ભાજપના નેતાઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રીને મળ્યા હતા. ત્યાર પછી આ ચર્ચાએ જોર પકડયું છે. વિરોધપક્ષના નેતા સુનિલ શર્માએ પણ શ્રી માતા વૈષ્ણોદેવી સાઇન બોર્ડએ કરેલી મેડિકલ કોલેજની સ્થાપનાને અકારણ ગણાવી છે. અત્યાર સુધી શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ સાઇન બોર્ડના આ પગલાને ગેરકાયદેસર ગણાવીને હિન્દુઓ દ્વારા કરવામાં આવેલા ચઢાવાનો સદઉપયોગ કરી હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાને ઉત્તેજન આપવા ગુરુકુળ અથવા યોગ કેન્દ્ર ખોલવાની વકીલાત કરતું હતું. ભાજપના નેતાઓની નારાજગી જોતા ભાજપ હાઇકમાન્ડે પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે.
પહેલા છઠ હવે ક્રિસમસ, રાહુલ ગાંધીના રસ્તે તેજસ્વી
બિહાર વિધાનસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન યુરોપની યાત્રાએ ગયેલા બિહાર વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવની ટીકા થઈ રહી છે. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈનએ કહ્યું છે કે, તેજસ્વી યાદવ હવે રાહુલ ગાંધીને પોતાના આદર્શ માને છે અને એમના રસ્તે ચાલી રહ્યા છે. પહેલા એમણે છઠ મહાપર્વનું અપમાન કર્યું હતું. હવે ક્રિસમસની ઉજવણી માટે તેઓ પણ વિદેશ ગયા છે. સંસદના ચાલુ સત્ર છોડીને રાહુલ ગાંધીની જુની ટેવ છે. જેડીયુના સંસદસભ્ય દિનેશ્વર કામતે કહ્યું હતું કે, પ્રજાએ આરજેડીને જાકારો આપ્યો છે. એમની પાસે કોઈ મુદ્દા નથી. વિધાનસભામાં ચર્ચા કરવા માટે પણ એમને ફાંફા પડે છે. બિહારના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન વખતે વિરોધપક્ષના નેતા હાજર નહીં હોય. તેજસ્વી યાદવના ઘરમાં પહેલા છઠ પૂજા થતી હતી હવે તેઓ ક્રિસમસ મનાવવા માટે વિદેશ જાય છે. એમની દુનિયા બદલાઈ ગઈ છે. તેઓ વિરોધ પક્ષના નેતા બનાવાને લાયક નથી અને એટલે ભાગી રહ્યા છે.
ટીએમસીના ભૂતપૂર્વ નેતાએ 3 હજાર ગરીબોની જમીન પડાવી લીધી
સીબીઆઇએ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલીના ભૂતપૂર્વ ટીએમસી નેતા શેખ શાહજહા ઉપર ૩ હજાર ગરીબ પરીવારની જમીન જબરદસ્તીથી પચાવી પાડવાનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઇએ આ સંદર્ભનો એક રીપોર્ટ કલકત્તા હાઇકોર્ટને સોપી દીધો છે. શાહજહા સામે ગામની સ્ત્રીઓ પર બળાત્કાર કરવાનો આરોપ પણ છે. હમણા શાહજહા જેલમાં છે. સીપીઆઇએ પોતાના રીપોર્ટમાં ૩ હજારથી વધુની ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે. ફરિયાદીઓએ કહ્યું છે કે, શાહજહા અને એમના સાથીઓએ જબરદસ્તીથી એમની જમીન પચાવી પાડી છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે લોકો પોતાની જમીન આપવા માંગતા નહોતા. જમીનને ખરાબ કરવા માટે એમા ખારૂ પાણી નાખવામાં આવ્યું હતું. છેવટે કેટલાક ખેડૂતોએ પાણીના ભાવે આ જમીન વેચી હતી. ત્યાર પછી શાહજહા અને એના સાગરીતોએ ઝીંગા ફાર્મ શરૂ કર્યા હતા. ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં જ્યારે ઇડીની એક ટીમ અનાજ ગોટાળા મામલે તપાસ કરવા શાહજહાના ઘરે ગઈ હતી ત્યારે એના પર હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જીવ બચાવીને ભાગવું પડયું હતું. ત્યાર પછી સીબીઆઇએ શાહજહાની ધરપકડ કરી હતી.
યુએપીએ મામલે સુપ્રિમ કોર્ટ લાલચોળ
સુપ્રિમ કોર્ટે એક કેસમાં ફરિયાદ પક્ષની ઝાટકણી કાઢી છે. બનાવટી કરન્સી નોટ બનાવવા માટે એક વ્યક્તિની ધરપકડ થઈ હતી. કેસ શરૂ કરતા પહેલા બે વર્ષ સુધી એ વ્યક્તિને જેલમાં રાખવામાં આવ્યો હતો. આ બાબતે નારાજ થઈને સુપ્રિમ કોર્ટે કહ્યુ હતું કે કોઈપણ વ્યક્તિને અનિશ્ચિત સમય સુધી જેલમાં રાખી નહીં શકાય. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે આ કેદને ગેરકાયદેસર ગણાવી હતી. આસામ પોલીસે યુએપીએ કાયદા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરી હતી એની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નહોતી. યુએપીએના કાયદા પ્રમાણે આરોપી સામે ૯૦ દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી પડે છે. આ મર્યાદા કોર્ટની મંજૂરીથી ૧૮૦ દિવસની કરી શકાય છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, યુએપીએ હેઠળ જે કોઈ મર્યાદા હોય પરંતુ આ કિસ્સો ભયાનક છે. બેન્ચે આસામ સરકારના વકીલને કોર્ટમાં હાજર થવા કહ્યું હતું.
બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ 13 હજાર રેલીઓ કાઢશે
બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપનું આયોજન ચૂંટણી પહેલા રાજ્યમાં ૧૩ હજાર રેલીઓ કાઢવાનું છે. એ દરમિયાન રાજ્ય અને કેન્દ્રના મોટા ગજાના નેતાઓ જનસભાનું આયોજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓછામાં ઓછી ૭ જનસભાને સંબોધન કરવાના છે. પહેલી સભા ૨૦મી ડિસેમ્બરે નાદીયાના રાણાઘાટમાં યોજાવાની છે. આ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેવાના છે. બંગાળમાં પહેલીવાર ભાજપ આટલી જલ્દી ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. સૌથી પહેલા શક્તિકેન્દ્ર સ્તરે રોડ શોનું આયોજન કરવામાં આવશે. ભાજપનું એક શક્તિકેન્દ્ર ૫થી ૭ બેઠકો મેળવીને બનાવવામાં આવે છે. રાજ્યના લગભગ ૧૩ હજાર શક્તિકેન્દ્રો પર રોડ શો કરવામાં આવશે. એક દિવસમાં ૧૩૦૦ રોડ શો થશે. સાંજે ૫ વાગ્યા સુધી રોડ શોનું આયોજન ચાલુ રહેશે. ૧૫મી જાન્યુઆરીથી દરેક વિધાનસભા ક્ષેત્રમાં જનસભાની શરૂઆત કરવામાં આવશે.


