નવીદિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી બની રહેવાનો રેકોર્ડ તોડયો છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ ટીપ્પણી કરી હતી કે 'આ તો હજી શરૂઆત છે. હજી આગળ જવાનું છે.' મોદીની આ ટીપ્પણી પછી ભાજપમાં ગૂસપૂસ શરૂ થઈ ગઈ છે. કેટલાક માને છે કે આવનારા સમયમાં અમિત શાહને હજી મોટી જવાબદારી સોંપાશે. વડાપ્રધાન મોદીની ટીપ્પણી અમિત શાહના વખાણ કરનારી હતી. પક્ષના કેટલાક નેતાઓ એવું માની રહ્યા છે કે આ ટીપ્પણી કરીને મોદીએ એક સંકેત પણ આપી દીધો છે. ભાજપના કેટલાક નેતાઓ ઓફ ધ રેકોર્ડ કહી રહ્યા છે કે, 'વડાપ્રધાનનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે, મોદી પછી પક્ષમાં સૌથી અગત્યની વ્યક્તિ કોણ છે. મોદી પછી - શાહની જોડી પહેલાની માફક જ મજબૂત છે.'
લાલુ - રાહુલ ગાંધીને તેજપ્રતાપની ઓફર
લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વીવીઆઇપી (વિકાસ વંચિત ઇન્સાન પાર્ટી) સહિત પાંચ પક્ષોનું ગઠબંધન જાહેર કર્યું છે. તેજપ્રતાપએ જાહેરાત કરી છે કે, અમે વીવીઆઇપી સાથે મળીને તમામ બેઠકો પર ચૂંટણી લડીશું. કેટલાક લોકો એમ માને છે કે અમે તૂટી જઈશું, પરંતુ અમારી એકતા જ અમારી તાકાત છે. અમને ખબર છે કે અમને તોડવા માટે ઘણા લોકો તૈયાર છે, પરંતુ તેજપ્રતાપની ટીમને ઘણા લોકોએ સમર્થન આપ્યું છે. તેજપ્રતાપએ કહ્યું હતું કે, 'અમારા દુ:ખના સમયમાં જેમણે અમને સાથ આપ્યો છે તેઓ અમારા ભગવાન જેવા છે.' તેજપ્રતાપએ લાલુપ્રસાદ યાદવ અને રાહુલ ગાંધીને પણ એમના ગઠબંધનમાં જોડાવાની અપીલ કરી છે. તેજપ્રતાપની ઓફર છે કે 'ટીમ તેજપ્રતાપ' સાથે કોઈપણ જોડાઈ શકે છે.
'આ ન્યાયની મજાક છે, હાઇકોર્ટના જસ્ટીસને સુપ્રિમ કોર્ટની ટકોર'
સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના એક ન્યાયાધીશને ફોજદારી બાબતોની સુનાવણી કરવાની મનાઈ ફરમાવી છે. કરેલા હુકમમાં સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના એક ન્યાયાધીશને એમનો કાર્યકાળ સમાપ્ત થાય ત્યાં સુધી ફોજદારી બાબતો ચલાવવાની મનાઈ કરી દીધી છે. એક સિવિલ બાબતોના કેસમાં ફોજદારી ગુનો લગાડીને સમન્સ મોકલવા બાબતે હાઇકોર્ટનું વલણ સુપ્રિમ કોર્ટને પસંદ આવ્યું નહોતું. અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસએ આપેલા ચુકાદા પર જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ આર મહાદેવનની બેન્ચે કડક વલણ અપનાવ્યું છે. હવે હાઇકોર્ટના સંબંધીત જજ નિવૃત્ત થાય ત્યા સુધી એમના રોસ્ટર પર ફોજદારી કેસો મુકવામાં આવશે નહીં. હાઇકોર્ટના ન્યાયાધીશએ એક કંપની વિરુદ્ધ મેજીસ્ટ્રેટે આપેલા સમન્સને રદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ કંપની પર એક સિવિલ પ્રકારનો દાવો હતો.
ધર્માંતરણને ઉત્તેજન આપતું સ્ટેટસ કોન્ગ્રેસના નેતાએ શેર કર્યું
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં યુવક કોંગ્રેસના શહેર પ્રમુખ રમીઝ ખાન સામે ધર્મસ્વતંત્રતા કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધર્માંતરણને ઉત્તેજન મળે એ પ્રકારનું વોટ્સએપ સ્ટેટસ રાખવા માટે એમની સામે કેસ દાખલ થયો છે. પોલીસના કહેવા પ્રમાણે આ ફરિયાદ ભાજપ યુવા મોરચાના શહેર પ્રમુખ સૌગત મિશ્રાએ આપી હતી. આરોપ પ્રમાણે રમીઝએ પોતાના વોટ્સએપ સ્ટેટસ દ્વારા ઇસ્લામનું પાલન કરનારાઓને સાફ દીલના અને અન્યને કાળા દીલના કહ્યું હતું. થયેલી ફરિયાદ પ્રમાણે ખાનએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં બે પ્રકારના માણસો બતાવ્યા હતા, કેટલાક કાળા રંગવાળા અને કેટલાક સફદ રંગવાળા અને અલગ અલગ માનવ હૃદય બતાવવામાં આવ્યા હતા. સફેદ હૃદયની નીચે અંગ્રેજીમાં લખવામાં આવ્યું હતું કે, 'કનવર્ટ્સ ટુ ઇસ્લામ'
વિદ્યાર્થિનીના અપહરણકાંડે સત્યપાલ મલિકને હીરો બનાવ્યા
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યાપાલ સત્યપાલ મલિકનું લાંબી બિમારી પછી અવસાન થયું એની નોંધ ભાગ્યે જ લેવાઈ છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી મોદી સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપતા હતા. સત્યપાલ મલિકનો જન્મ અને કર્મભૂમિ ઉત્તર પ્રદેશનું મેરઠ હતું. અહીંની કોલેજમાં ભણતી વખતે જ તેઓ નેતા બની ગયા હતા. મેરઠ કોલેજમાં ભણતી એક વિદ્યાથનીના અપહરણકાંડ પછી થયેલા આંદોલનની આગેવાની સત્યપાલ મલિકે લીધી હતી. બબાલ થયા પછી કર્ફયુ મૂકવામાં આવ્યો ત્યારે કર્ફ્યુ તોડવાના આરોપ હેઠળ એમને જેલની સજા થઈ હતી. તેઓ જેલમાં હતા ત્યારે ચૌધરી ચરણસિંહનો એક સંદેશો મળ્યો હતો અને જેલમાંથી નિકળ્યા પછી તેઓ ધારાસભ્ય બની ગયા હતા. ત્યાર પછી એમણે પાછુ ફરીને જોયું નહોતુ.
કોંગ્રેસ - ટીએમસી જેવા મોટા પક્ષોથી નાના પક્ષો દબાયા
બિહારમાં મતદારોની થઈ રહેલી ચકાસણીને મુદ્દે સંસદમાં તોફાન મચ્યુ છે. વિરોધી ઇન્ડિયા ગઠબંધનના મોટા પક્ષોએ નાના પક્ષોની અપીલ ફગાવી દીધી છે કે, સંસદ ચાલુ રાખવાનો કોઈ રસ્તો વિચારવો જોઈએ. કોઈપણ પક્ષે જોકે ઓન રેકોર્ડ કઈ કહ્યું નથી. ઇન્ડિયા ગઠબંધન એસઆઇઆર પર ચર્ચાની માગણી કરી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નાના પક્ષોએ સંસદની કામગીરી ચાલુ રાખવા માટે કોઈ યોજના બનાવવાની વાત કરી હતી. કોંગ્રેસ અને ટીએમસી જેવા મોટા પક્ષોએ નાના પક્ષોની માગણી ફગાવી દીધી છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં સીપીએમના જોહ્ન બ્રિટાસ, આરએસડીપીના એમ કે પ્રેમચંદ અને આઇયુએમએલના ઇ ટી મહોમદ બશીરએ સલાહ આપી હતી કે, સંસદસત્ર ખાલી જવુ જોઈએ નહીં. મોટા પક્ષોનું માનવું છે કે, મતદાતા યાદી સમીક્ષા જેવા મુદ્દે સરકારને બચવાનો મોકો મળવો જોઈએ નહીં.
એનડીએમાં બેઠકોની વહેચણી બાબતે મનોમંથન શરૂ
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એનડીએના પક્ષો વચ્ચે થનારી બેઠકની વહેંચણીનું મનોમંથન શરૂ થઈ ગયું છે. આ મહિનાથી બેઠકોની વહેંચી બાબતની ચર્ચા શરૂ થઈ જશે. એનડીએના નેતાઓનું કહેવું છે કે આ વખતે બેઠકોની સંખ્યા માટેની દાવેદારી કરતા વધુ ધ્યાન એ વાત પર અપાશે કે કઈ બેઠક પર કયાં પક્ષનો ઉમેદવાર જીતી શકે એમ છે. એનડીએના પાંચ મુખ્ય પક્ષોએ આ ફોર્મ્યુલાને સ્વિકારી છે. એમ મનાય છે કે, ઘણા ધારાસભ્યોની બેઠકોની અદલાબદલી થશે. ૨૦૨૦ની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના પક્ષોએ બેઠકોની વહેંચણી માટે જે ગણિત મૂક્યું હતું એમાં આ વખતે ફેરફાર થવાની શક્યતા છે. જેડીયુના મોટા નેતાઓનું કહેવું છે કે લોજપા (રામવિલાસ) અમે અને રાલોમો વચ્ચે બેઠકોની વહેંચણી ભાજપ નક્કી કરશે.


