Get The App

'આપને હરાવવા માટે કેજરીવાલ અને સિસોદિયાને હરાવવા જરૂરી હતા'

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
'આપને હરાવવા માટે કેજરીવાલ અને સિસોદિયાને હરાવવા જરૂરી હતા' 1 - image

નવીદિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓની વાત પણ આપના આ આક્ષેપને સમર્થન આપે એવી જ છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફક્ત આમ આદમી પાર્ટીને હરાવવા માટે તેઓ લડયા હતા. ભલે એમના નિર્ણયથી આડકતરી રીતે ભાજપને ફાયદો થાય. યાદવએ કહ્યું હતું કે, 'આપને હરાવવા માટે કેજરીવાલ અને મનિષ સિસોદિયાને હરાવવા જરૂરી હતા. અમે એમા સફળ પણ થયા.' યાદવના કહેવા પ્રમાણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આ આયોજન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં થયું હતું.

દલિતોના કેસોમાં સીજેઆઇએ લક્ષ્મણ રેખા ખેંચી

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈની બેન્ચે એક ચૂકાદો આપતા કહ્યું છે કે, એસસી - એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હોય અને આરોપી આગોતરા જામીન માગે તો આપી શકાય, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ કોઈ કેસ બનવો જોઈએ નહીં. જો પ્રાથમીક રીતે જ પુરાવા હોય કે દલિતો સામે કોઈ હિંસા નથી થઈ તો આગોતરા જામીન આપી શકાય. સીજેઆઇ બી આર ગવઈ, જસ્ટીસ કે વિનોદચંદ્રન અને જસ્ટીસ એન વી અંજારીયાની બેન્ચે એ વાત પર ભાર આપ્યો હતો કે અનુસૂચીત જાતી અને અનુસૂચીત જનજાતીનો કાયદો નબળા વર્ગની સામાજીક - આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો અને આ કાયદો આરોપીને આગોતરા જામીન આપતા અટકાવે છે. એક કેસમાં બોમ્બે હાઇકોર્ટે આપેલા આગોતરા જામીન સુપ્રિમ કોર્ટે રદ કર્યા હતા. ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી વખતે મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં એક દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે આરોપીઓને આગોતરા જામીન આપ્યા હતા.

'આ દેશમાં ધર્મ બદલી શકાય છે, જાતી નહીં'

મહારાષ્ટ્રમાં મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવા બાબતે મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયથી મંત્રી છગન ભૂજબળ નારાજ છે. એમને ચિંતા છે કે જો ખોટા દસ્તાવેજો બનાવવામાં આવે તો આવતા વર્ષોમાં શું થશે. આ મામલે તેઓ કોર્ટનો એપ્રોચ કરી શકે એવી શક્યતા પણ છે. મહારાષ્ટ્ર સરકારે કુણબીના પ્રમાણપત્રો આપવા માટે સમીતી પણ બનાવી છે. ભૂજબળનું કહેવું છે કે ઓબીસીના હીતની વાત કરવી એમની ફરજ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આશ્વાસન આપતા કહ્યું છે કે સરકારના નિર્ણયથી ઓબીસીને અસર નહીં થાય. જોકે ભૂજબળની ચિંતા બનાવટી દસ્તાવેજો બનાવવાની છે. ભૂજબળએ કહ્યું હતું કે, 'મે સરકારને જણાવ્યું કે ૧૯૨૧, ૧૯૩૧ હૈદ્રાબાદ ગેઝેટમાં મરાઠાઓ અને કુણબીને જુદા બતાવવામાં આવ્યા હતા. હવે જો હૈદ્રાબાદ ગેઝેટને માનવામાં આવે તો બરાબર છે, પરંતુ જો એમ નહીં થાય તો પરિસ્થિતિ બગડશે.'

ટોચના આઇપીએસ અધિકારીની લેહ યાત્રા ચર્ચામાં

દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધસૈનિક દળ સીઆરપીએફના એક ઉચ્ચ આઇપીએસ અધિકારીની લેહ યાત્રા ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા આ આઇપીએસ અધિકારી લેહની મુલાકાતે ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઇપીએસ અધિકારી સાથે એમના કુટુંબીજનો પણ હતા. લેહ જનારા સભ્યોની સંખ્યા ૧ ડઝન કરતા વધુ હતી. યાત્રા દરમિયાન ફોર્સના સાધનોનો દુરઉપયોગ અને જવાનોની સુરક્ષા સાથે પણ સમાધાન થયું હતું. આ અધિકારીએ સોશ્યલ મીડિયા એક્સ પર યાત્રાના ફોટોગ્રાફ્સ પણ મુક્યા હતા. તેમની યાત્રા દરમિયાન ફિલ્ડ પર રહેલા સીઆરપીએફના અધિકારીઓએ ભારે મહેનત કરવી પડી હતી. સરકારના પૈસા અને સાધનોનો દુરઉપયોગ પણ થયો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે, અતિ કિમતી હોટલમાં રહ્યા પછી બિલ બટાલીયનએ ચૂકવવું પડયું હતું.

એલજેપીનું 'એમ વાય' સમીકરણ આરજેડીથી અલગ કઈ રીતે

બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. દરેક પક્ષો પોતાની રીતે એમ વાય (મુસ્લિમ યાદવ) સમીકરણ બનાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનએ આરજેડીના એમ વાય સમીકરણની અસર ઓછી કરવા પોતાનું અલગ એમ વાય સમીકરણ તૈયાર કર્યું છે. ચિરાગનું કહેવું છે કે, એમનું સમીકરણ એમ ફોર મહિલા અને વાય ફોર યુવા છે. ટૂકમા એમ કહી શકાય કે ચિરાગ પાસવાનનું ફોક્સ મહિલાઓ અને યુવાન મતદારો પર વધુ છે. 

ચિરાગ પાસવાન ચૂંટણી પ્રચારમાં કહે છે કે વિરોધ પક્ષનું સમીકરણ કોમવાદી અને જાતીવાદી છે. પોતે બધાને સાથે રાખીને ચાલવા માંગે છે. ચિરાગના કહેવા પ્રમાણે એમનું સૂત્ર 'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ'. એક સભાને સંબોધન કરતા ચિરાગ પાસવાને કોંગ્રેસ અને આરજેડી પર પણ શાબ્દિક હુમલા કર્યા હતા. એમણે કહ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું અને ૯૦ના દાયકામાં આરજેડી પણ બિહારમાં સત્તા પર હતો. આ બંનેએ બિહારને પછાત રાખ્યું.

મુસ્લિમ વિસ્તારોમાં રસ્તાના નામ બદલવા પર કડક પગલા લેવાશે

મધ્યપ્રદેશના રાજધાની ઇન્દોરની કોર્પોરેશનએ શહેરના મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારના રસ્તાઓના નામો બદલીને એના સાઇન બોર્ડ મૂકવા બાબતે બે કર્મચારીઓને સસ્પેન્ડ અને એકને ડિસમીસ કરી નાખ્યા છે. મ્યુનિસિપલ કમિશનર શિવમ વર્માએ રીપોર્ટ મળ્યા પછી મેયર પુષ્યમિત્ર ભાર્ગવની સૂચનાથી કાર્યવાહી કરી હતી. મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાસ વિજય વર્ગીયના પુત્ર અને ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય આકાશ વિજય વર્ગીયએ ફરિયાદ કરી હતી કે, શહેરના કેટલાક રસ્તાઓના નામ એક ખાસ ધર્મના લોકોના કહેવાથી બદલવામાં આવ્યા હતા. 

આ ફરિયાદ પછી શહેરના ચંદનનગર વિસ્તારમાંથી પાંચ સાઇન બોર્ડ હટાવી દેવામાં આવ્યા છે. નવાઇની વાત એ છે કે, સ્થાનિક રાજકારણીઓ અને અધિકારીઓની જાણ બહાર રસ્તાઓના નામ બદલાઈ ગયા અને એમને ખબર પણ પડી નહીં.

ચિરાગ ખોટુ કામ નહીં કરે, એનડીએ એમને માન આપશે

બિહારની ચૂંટણી માથા પર છે ત્યારે એનડીએના જોડીદાર ચિરાગ પાસવાનના કેટલાક નિવેદનોને કારણે એનડીએના નેતાઓની ચિંતા વધી જાય છે. હવે હિન્દુસ્તાન આવામ મોરચાના સુપ્રિમો તેમજ કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન માટે નિવેદન આપ્યું છે. માંઝીએ કહ્યું છે કે, ચિરાગ એનડીએથી જુદા થઈને કામ નહીં કરે. એનડીએ પણ એમને માન આપશે. જીતી શકાય એવી બેઠક બાબતે એમને નારાજ નહીં કરાય. માંઝીનું માનવું છે કે એમના પક્ષને રાજ્યસ્તરની માન્યતા મળે એ માટે એનડીએ યોગ્ય બેઠકો આપશે. માંઝીના પક્ષ હમના કાર્યકરો ચિંતીત છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એમના પક્ષને યોગ્ય બેઠકો મળશે કે નહીં. ૧૦ વર્ષ પછી પણ હમને રાજ્યકીય માન્યતા નથી મળી એને કારણે માંઝી ચિંતીત છે.