નવીદિલ્હી: કોંગ્રેસે સાંસદ શશી થરૂરને વિદેશ મંત્રાલય બાબતની સંસદીય સ્થાયી સમિતિના પ્રમુખ તરીકે ચાલુ રાખ્યા છે. એમ મનાય છે કે આજકાલ શશી થરૂર કોંગ્રેસ પક્ષની લાઇનથી વિમુખ્ત થઈ રહ્યા છે. તેઓ પોતાના સ્વતંત્ર વિચારો વારંવાર રજુ કરતા રહે છે. આમ છતાં કોંગ્રેસ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે, આ સ્થાયી સમિતિમાં એમને પ્રમુખ તરીકે ચાલુ રાખવા. સ્પિકર ઓમ બિરલાએ સંસદીય સમિતિઓનું પુનઃગઠન કર્યું છે. કોંગ્રેસે કૃષિ પશુપાલન અને ખાદ્યસામગ્રીના મંત્રાલય સાથે જોડાયેલી સમિતિમાં પ્રમુખ તરીકે ચરણજીત સિંહ ચન્ની સહિત ચારે પ્રમુખોને ચાલુ રાખ્યા છે. લોકસભાની સોળમાંથી ત્રણ અને રાજ્ય સભાની આઠમાંથી એક સંસદીય સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસ પાસે છે.
'પહેલા ગાયક હતા હવે નેતા બની ગયા'
ભોજપુરી સુપર સ્ટાર પવનસિંહ બિહાર વિધાનસભાની ચૂંટણી લડે એવી ચર્ચા ચાલી રહી છે. હમણા જ એમને એક દિવસમાં ત્રણ અગત્યની મીટીંગો કરી હતી. પહેલા તેઓ રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ અને એનડીએના સાથી ઉપેન્દ્ર કુશવાહને મળ્યા હતા. ત્યાર પછી તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા હતા. બિહારમાં થતી ચર્ચા પ્રમાણે એનડીએ તરફથી તેઓ ચૂંટણી લડે એવી પુરી શક્યતા છે. આ બાબતે હવે પવનસિંહ પર ભોજપુરી ગાયક અને ફિલ્મ સ્ટાર ખેસારી લાલ યાદવની ટીપ્પણી ચર્ચામાં આવી છે. ભાજપમાં પવનસિંહના પુનઃપ્રવેશ બાબતે લાલે કહ્યું છે કે, 'આ નિર્ણય એમનો વ્યક્તિગત છે. તેઓ જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા ત્યારે પણ સાચા હતા અને ભાજપ તરફથી લડશે તો પણ સાચા છે. એમની વિચારધારા એમને મુબારક. રાજકારણમાં કોઈ કાયમી શત્રુ નથી અને કોઈ કાયમી મિત્ર નથી.
સીજેઆઇના માતા આરએસએસના દબાણમાં નહીં આવ્યા, રાઉતનો ટોણો
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક કાર્યક્રમમાં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઇના માતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બાબતે હવે રાજકારણ ગરમાયું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતએ સંઘના આમંત્રણનો ઇન્કાર કરવા બદલ સીજેઆઇના માતાના વખાણ કર્યા છે. આ સાથે એમણે ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચુડ સાથે એમની સરખામણી કરી છે. ગવઇ કુટુંબે પહેલા કહ્યું હતું કે આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રાઉતે કહ્યું છે કે, કમલા તાઇ ગવઇ આંબેડકરવાદી છે અને તેઓ કયારે પણ સંઘના દબાણમાં નહીં આવે. એમણે કહ્યું હતું કે, 'સંઘના દબાણમાં નહીં આવવા માટે હું કમલાતાઈ ગવઈ અને એમના કુટુંબને શુભકામના આપું છું. એમણે ભૂતપૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડ જેવો વ્યવહાર નથી કર્યો.' રાઉતનો ઇશારો ભૂતપૂર્વ સીજેઆઇના ઘરે ગણેશ પૂજામાં વડાપ્રધાન ગયા હતા એ તરફ હોવાનું મનાય છે.
એક અઠવાડિયામાં સપાના પાંચ નેતાઓ જેલમાંથી બહાર આવ્યા
એમ લાગે છે કે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ફેરફાર થઈ રહ્યો છે. આઝમ ખાન જેલમાંથી છૂટયા પછી એક પછી એક સમાજવાદી પાર્ટીના નેતાઓ જેલમાંથી બહાર નિકળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સપાના અરધો ડઝન જેટલા નેતાઓ જેલમાંથી જામીન પર છૂટયા છે. રાજકીય નીરિક્ષકો ચર્ચા કરી રહ્યા છે કે, પોતાના મજબૂત નેતાઓ જેલમાંથી બહાર આવવાને કારણે અખિલેશ યાદવ વધુ મજબૂત થશે કે નહીં. સપાના કેટલાક સિનિયર નેતાઓએ અલગ અલગ કારણસર જેલમાં જવું પડયું હતું. હવે એમને રાહત મળવાની શરૂ થઈ ગઈ છે. કોઈક ૨૩ મહિના પછી તો કોઈક ૩૯ મહિના પછી જેલમાંથી બહાર આવ્યા છે. આઝમ ખાન ઉપરાંત જુગેન્દ્રસિંહ યાદવ, રામેશ્વર યાદવ અને ઇરફાન સોલંકી જેવા બાહુબલી નેતાઓ પણ હવે જેલની બહાર છે.
સંઘ પર રાહુલ ગાંધીનો હુમલો શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને પસંદ આવ્યો નહીં
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ દક્ષિણ અમેરિકાના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં એમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિર સાવરકરની ટીકા કરી હતી. સ્વાભાવીક રીતે એમની આ ટીપ્પણી સામે ભાજપ અને એમના સાથી પક્ષોએ વળતો પ્રહાર કર્યો હતો. પરંતુ નવાઇની વાત એ છે કે, મહાવિકાસ અઘાડીના સાથી પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ પણ આ બાબતે રાહુલ ગાંધીને સલાહ આપી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું છે કે, રાહુલ ગાંધીએ આરએસએસ કે સાવરકરની ટીકા કરવાને બદલે ભાજપનું પ્રભુત્વ ઓછુ કરવા પર ધ્યાન આપવું જોઈએ. એમણે કહ્યું હતું કે, 'આપણે નકારાત્મક નિવેદનોથી દુર રહેવું જોઈએ. હું રાહુલ ગાંધીને સલાહ આપું છું કે એમણે ભાજપ સરકારની કાર્યપદ્ધતિ વિરુદ્ધની લડાઇ પર વધુ ધ્યાન આપવું જોઈએ.'
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીને ભારત આવવા મંજૂરી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમીર ખાન મુક્તકી હવે ભારત પ્રવાસે આવશે. સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (યુએનએસસી)ની મંજૂરી મળ્યા પછી તેઓ થોડા દિવસોમાં દિલ્હી આવી શકશે. તાલિબાને ૨૦૨૧માં સત્તા મેળવ્યા પછી અફઘાનિસ્તાનના કોઈ મંત્રીનો આ પહેલો પ્રવાસ હશે. અફઘાનિસ્તાનમાં તાલીબનાનનું શાસન હોવા છતાં ભારત સાથેના સંબંધો ઠીક ઠીક રહ્યા છે. હવે જ્યારે તાલીબાનના મંત્રી ભારત આવી રહ્યા છે ત્યારે ભારત - અફઘાનિસ્તાનના સંબંધો વધુ મજબૂત બનશે એમ મનાય છે. ભારત આવતા પહેલા મુક્તકી રશિયા જવાના છે. મુક્તકીના આ પ્રવાસને કારણે જે યોજનાઓ અભરાઇએ ચઢી ગઈ છે એ ફરીથી શરૂ થઈ શકશે. વિશ્વના કેટલાક દેશો હવે અફઘાનિસ્તાનની તાલીબાની સરકાર સાથે એક મંચ પર આવવા તૈયાર થયા છે.
સહારા સીટીમાંથી સુબ્રતો રોયના કુટુંબીઓ ભાગ્યા
સહારાના સુબ્રતો રોય સામે ઘણા વર્ષોથી છેતરપીંડીના કેસો ચાલી રહ્યા છે. સુબ્રતો રોયનું અવસાન થયંં છે પરંતુ એમના વારસદારો પણ ઘણા ફોજદારી અને સિવિલ કેસોનો સામનો કરી રહ્યા છે. ઘણા મહિનાઓથી સહારા ગુ્રપના કર્મચારીઓને પગાર મળ્યો નથી. કર્મચારીઓ આ બાબતે ખુબ નારાજ છે અને હવે એમણે લખનૌ ખાતે આવેલી સહારા સીટીને ચારે બાજુથી સીલ કરી દીધી છે. કર્મચારીઓએ સીટીના દરેક દરવાજા પર તાળા મારી દીધા છે અને વેલ્ડીંગ કરીને સીલ પણ કર્યા છે. આટલું જ નહીં એમણે વીજળી અને પાણીનો સપ્લાય પણ કાપી નાખ્યો છે. સમગ્ર કોલોનીમાં અંધારપટ છે. કર્મચારીઓનુ કહેવું છે કે, સહારાની મેનેજમેન્ટ એમની તકલીફો સમજતી નથી. ચારે તરફથી ઘેરાયેલા સુબ્રતો રોયના કુટુંબીઓ પણ સહારા સીટી છોડીને ભાગી છૂટયા છે.


